25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આ દુનિયાની જિંદગી એક છેતરનાર વૈભવ

મુખ્બિરે ઈસ્લામ-અનવર વલિયાણીસૃષ્ટિના સર્જનહાર અલ્લાહતઆલાએ તેની પવિત્ર કિતાબ કુરાને મજીદમાં વારંવાર ફરમાવ્યું છે કે ઈલ્મ હાંસિલ કરો કારણ કે આ દુનિયા અનેક અજાયબીઓ તથા હિકમત (ચાતુર્ય)થી ભરપૂર છે માટે વિદ્યા જ્યાંથી પણ મળે ત્યાંથી મેળવો. માત્ર ઈલ્મેદીન (ધાર્મિક જ્ઞાન) જ નહીં, પરંતુ ઈલ્મે દુનિયા પણ રિલિજિયસ નૉલેજ જેટલું જ મહત્ત્વ ધરાવતું હોઈને, માનવી ઈલ્મ માટે જેટલો ઊંડાણમાં ઊતરતો જશે તેટલો તેનામાં સાચો અમલ કરવાનો ઉત્સાહ જન્મતો જશે. આ જગતમાં કેટલાય કહેવાતા ધુરંધરો, રાજા-મહારાજા અને અઠંગ ગુનેગારો પોતાના શેતાની અમલથી હતા ન હતા થઈ ગયા છે જ્યારે જાહિદો (સંયમીઓ), આલિમો (વિદ્વાનો), મહાપુરુષો પોતાની કલમ, જબાન અને નિખાલસ વ્યવહાર દ્વારા પાકિઝા (પવિત્ર) જિંદગી બસર કરી અનેક પાપી માનવોનો ઉદ્ધાર કરી અમર થઈ ગયા છે. કુરાને શરીફની આ આયત ખરાબ કૃત્ય કરનારા માટે સબક (બોધ)રૂપ બની રહે છે. ‘અમો તેઓની અગાઉ અનેક પેઢીઓનો નાશ કર્યો કે જેઓ મિલકતમાં (ઘરના રાચરચીલામાં) અને દેખાવમાં સારા હતા.’ ચૌદસો કરતાં વધુ વર્ષો પૂર્વે ઈસ્લામના આખરી પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ્ પર અલ્લાહતઆલા દ્વારા નાઝિલ થયેલી મજકુર આયત પૂર્વે પ્રાચીન મિસર (ઈજિપ્ત)ની જાહોજલાલી અને ફીરૌનની આણથી સૌ વાકેફ (પરિમિત) છે, પરંતુ તેના શા હાલ થયા? ફરમાવવામાં આવ્યું છે - ‘ખરેખર તેઓના (ભૂતકાળના ઐતિહાસિક બનાવો) વૃત્તાંતોમાં બુદ્ધિમાન માટે શિખામણ છે. અલ્લાહની અગાધ શક્તિનું ઈન્સાનને જ્યારે ભાન થાય છે ત્યારે તે તેની પામરતા પણ સાથે સાથે ખરી રીતે સમજતો થાય છે.’ માનવી જ્યારે દીનો-દુનિયાનું શિક્ષણ - ઈલ્મોજ્ઞાન હાસિલ કરી લે છે ત્યારે આ નાશવંત જગતના બનાવોમાં એક માત્ર અલ્લાહતઆલાની જ અમરતા ઊભરી આવતી જુએ છે. કુરાને પાકમાં ફરમાવવામાં આવ્યું છે - ‘તમામ વિદ્વાનો ઉપર સૌથી મોટો આલીમ (અલ્લાહ) છે.’

જર-જમીન અને જોરૂ માટે ખેલાયેલા ખૂનખાર જંગો અને દુનિયાના વૈભવ માટે થયેલી દગાબાજીઓ યાદ કરતાં કુરાને મજીદની એક વધુ આયત સ્મરણમાં ઉતારવા જેવી છે - ‘આ દુનિયાની જિંદગી એક છેતરનાર વૈભવ સિવાય બીજું કશું નથી.’ - ‘જાણી લો કે દુન્યવી જિંદગી માત્ર રમત અને નકામો ખેલ (ખોટો) ભપકો અને માંહોમાંહે આપ વડાય તથા માલ-મિલકત અને ઔલાદની વધારાની ઈચ્છા માત્ર છે.’

ઈલ્મ (વિદ્યા)ને હાસિલ કરવા માટે મુસ્લિમ સમાજ આજે આ એકવીસમી સદીમાં પણ અન્ય સમાજની સરખામણીમાં ઘણી પાછળ છે. શિક્ષણને તેના સાચા સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટે ‘તલવાર કરતાં કલમ વધુ બળવાન છે’ એવા ઈસ્લામી આલમને માર્ગદર્શન પૂરું પાડતી મજકુર હદીસ શરીફ પાછળની ખરી ભાવનાને જો સમજવામાં આવે તો ક્યાંય આંતકનું વાતાવરણ રહેવા પામે નહીં. એ સાથે શિક્ષિત વ્યક્તિ ધર્મના કથનને સાચા અર્થમાં સમજી દુનિયામાં અમન-શાંતિના સંદેશ દ્વારા દીને ઈસ્લામને બુલંદ બનાવી શકે. જો આવું બને તો બેડો પાર થઈ જાય. અલ્લાહની અજાયબી અપાર છે. કુદરતની કરામત ન્યારી છે... જે ગઈ કાલે હતું તે આજે નથી! શું છે? અને શું રહેશે? અને અંતમાં શું? આ પ્રશ્ર્નોનાં જવાબ શોધવા જવા પડે તેમ નથી. જો મોમિન રબુલ આલમીનના માર્ગદર્શન પર રોજ માત્ર પાંચ મિનિટ ચિંતન-મનન કરે તો સર્વત્ર મહેકી ઊઠે. આદરના અધિકારી બની રહે.

કુરાને શરીફમાં ઈરશાદ અનુસાર આ દુનિયાના ભૂતકાળના દરેક બનાવોમાં બુદ્ધિવાળાઓ માટે ઈબરત (બોધ) છે. આજે નવો દૌર શરૂ થયો છે અને તે પણ પહેલાના યુગની જેમ અસ્ત પામશે અને એની જગ્યાએ નવા યુગનો પ્રારંભ થશે. ફરતા કાળનું ચક્ર આમ ફરતું જ રહેશે અને આપણે બિચારા-બેબસ, નિ:સહાય આ દુનિયાનાં મુસાફરો જીવનની સફર દરમિયાન ઈલ્મ મેળવીશું તો પણ કેટલું? સાગરના એક બુંદ જેટલું, પરંતુ અફસોસ! આટલું ટીપાં જેટલું ઈલ્મ મેળવવા માટે પણ મુસ્લિમો ગંભીર નથી. મનન-ચિંતન કરવાને બદલે નકામી વાતો, નિંદા, હસદમાં સમય વિતાવી અલ્લાહના દરબારના ગુનેગાર ઉમ્મતિ બનીએ છીએ. - કબીર સી. લાલાણી

* * *

આખેરત સમયની ઉમ્મીદ

મોમીન બંદાએ મૃત્યુ વખતે અલ્લાહતઆલાથી ખાસ કરીને હુસ્નેઝન (સારી આશા) રાખવી જોઈએ. - ‘મુસ્લિમ’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m655Q8hN
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com