15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
માનવીના મર્કટવેડા અને માવઠાં

વારંવારની અને વધુને વધુ આકરી ચેતવણી છતાં માણસ સમજતો નથી, સુધરતો નથી. વાનરમાંથી થયેલી ઉત્ક્રાંતિ છતાં એ મર્કટવેડા છોડતો નથી. નાદાન સમજતો નથી કે એ કોની વૉર્નિંગની અવગણના કરે છે. કુદરતની સાથે રહેવાય, એના આશ્રયમાં રહેવાય. એને બદલે કમઅક્કલ આદમી તો કુદરતની સામે થાય છે, પરિણામ જાણતો-ભોગવતો હોવા છતાં!

વિકાસની ગાંડી લાહ્યમાં માનવી સૂધબૂધ ગુમાવી બેઠો છે. માનવજાતને કોઈ વાતનો ધરવ નથી. સાધના, સુવિધા, સમૃદ્ધિ ગમે એટલી મળે છતાં ક્યારેય સંતોષનો ઓડકાર ખાધો નથી. ક્યારેય થોડો વિરામ કર્યો નથી. ઘાંચીના બળદની જેમ દોડ્યે જ રાખે છે, પરિણામની જાણ-સમજ વગર. જે ડાળ પર બેઠો છે એના પર જ કુહાડી ઝિંકયે રાખવામાં માનવીનો જોટો જડે એમ નથી.

મંગળવારે દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કમોસમી વરસાદ ત્રાટક્યો. આ માવઠાંથી ભારે હાલાકી થઈ. આબોહવા અચાનક કેમ બદલાઈ ગઈ? ઉત્તર ભારતમાં હાડ ગાળી નાખે એવા ઠાર વચ્ચે વરસાદ? આવો જ સવાલ સોમવારે ગુજરાતમાં ચર્ચાયો હતો. અહીં છેલ્લા દસ દિવસથી ધરતીકંપના નાના-નાના આંચકાથી ધરણી કંપન અનુભવી રહી હતી, ત્યાં સોમવાર આકાશમાંથી આફત ત્રાટકી. માણસો શિયાળામાં 30થી 35 ડિગ્રી મહત્તમ તાપમાનથી હેરાન-પરેશાન થતા હતા કે બાપરે શિયાળામાં આટલો બધો બફારો? ત્યાં જ દ્વારકા, ઓખા, પોરબંદર અને મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું ત્રાટક્યું. જેવો તેવો કે નામ માત્રનો નહિ પણ એટલો બધો વરસાદ પડ્યો કે ઘણી જગ્યાએ રીતસર ચોમાસાની જેમ પાણી ભરાઈ ગયા. સુરેન્દ્રનગર હોય કે બનાસકાંઠા, ખંભાળિયા હોય કે સરા; ગુજરાતના બહુ ઓછા વિસ્તાર માવઠાંની પકડમાંથી છટકી શક્યા ન હતા.

અરે, ચોમાસામાં મેઘની ચાતક નયને રાહ જોઈને થાકી ગયેલા કચ્છ પર પણ કમોસમી વરસાદ આફત બનીને ત્રાટક્યો. ભુજ, ગાંધીધામ, અંજાર, મુંદરા અને વાંકી સહિતના વિસ્તારમાં માવઠાંથી માઠી દશા થઈ. દુકાળપીડિત ખેડૂતો માંડ માંડ પગભર થવા માટે શિયાળુ પાક ભણી વળ્યા હતા, ત્યાં આ માવઠાંની મુસીબતે મહા-અનર્થ સર્જી દીધો.

ખોટા સમયે પાણી વરસવાથી શરદી-તાવ ઉપાડો લેશે, તો ઘાસચારા વગર ટળવળતા પશુધન માટે ભીંજાઈને વધુ કફોડી સ્થિતિ થઈ.

માવઠાં એકદમ નવી ઘટના નથી, પણ એનું પ્રમાણ વધતું જાય છે અને નિયમિત થતું જાય છે. માણસના કર્મોને લીધે મોટા ભાગની મોસમ પોતાના મૂળ ગુણધર્મ અને સ્વભાવ છોડવા મજબૂર બની ગયા છે. કડકડતા શિયાળામાં બપોરે પરસેવો વળે. સાંજ પડતા તોફાની પવન ફૂંકાવા માંડે. ચોમાસામાં વરસાદની રાહ જોઈને આંખ થાકી જાય. ઉનાળામાં તાપમાન ભળતાં જ આંકડા બતાવે.

એક સમયે મુંબઈમાં બધી મોસમ મફત અને માણવા જેવી રહેતી હતી. હવે એમાં ધીમી પણ ચોક્કસ ગતિએ ફેરફાર આવી રહ્યો છે. તાજેતરમાં કેરળમાં આવેલો મહાપ્રલય પણ માનવસર્જિત હોવાનો દાવો તો દાખલા, પુરાવા અને આંકડા સાથે વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ કર્યો હતો. આની સાથોસાથ ગોવા સહિતના સહ્યાદ્રી પર્વતમાળાના પ્રદેશો પર આફતના વાદળો ઘેરાતા હોવાની ચેતવણી સુધ્ધાં ઉચ્ચારાઈ હતી.

એક તરફ મેટ્રો રેલવે, ફ્લાયઓવર બ્રિજ, ડેમ, ઍરપોર્ટ જેવા જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ચાલતા હોય. બીજી તરફ હાઈવે પહોળા કરવા, નવા રસ્તા બાંધવા, સ્કાયવૉક બંધાતા હોય, બહુમાળી ઈમારતો-હૉસ્પિટલનું ચણતર થતું હોય. વાહનોની વધતી સંખ્યાથી પેટ્રોલ, ડીઝલ ને સી.એન.જી.નું પ્રદૂષણ હવામાં ઓકાતું હોય, ત્યારે સમતુલા ખોરવાવાની જ. આ બધું પૂરતું ન હોય એમ દરિયા પૂરીને, જંગલ કાપીને જમીન આંચકી લેવાય. આમાં વૃક્ષના નિકંદનથી થતું નુકસાન તો કોઈ સ્વીકારવા માગતું નથી. એરકન્ડિશન મશીન, ફ્રિજ અને કરોડો મોબાઈલના રિચાર્જમાં વપરાતી અધધ વીજળી, વિમાન, હેલિકૉપ્ટરની વધતી સંખ્યા અને ફેરા...

આ બધાને લીધે હવામાં કેટલી માટી, ધૂળ, ગરમી અને રજકણ ઉમેરાય? આપણા પાટનગર દિલ્હીનો જ દાખલો જોઈ લો. ત્યાંની હવા શ્ર્વાસ લેવાને લાયક રહી નથી. આના કારણો અનેક છે, જે તપાસમાં બહાર આવ્યા છે, પરંતુ તપાસના તારતમ્યનો અમલ ક્યારે થશે? કોણ કરાવશે? કેવી રીતે?

જરૂર નથી કે પૃથ્વી, દેશ, શહેર અને સમાજને બચાવવાના બધા પગલાં સરકાર જ ભરે. જે કંઈ નુકસાન થાય છે એ આપણને સૌને નથી થતું? તો આપણા બચાવ માટે પોતે કંઈ નહિ કરવાનું? એક-એક વ્યક્તિ પોતાની ફરજ સમજે, સ્વશિસ્તમાં માને તો ઘણું ન થઈ શકે? ટીપે ટીપે સરોવર ભરાય એમ ખોટું થોડું કહ્યું હશે વડીલોએ?

કુંભકર્ણની નિંદ્રામાંથી જાગવાનો સમય આવી પહોંચ્યો છે. જો હવે સફાળા બેઠા થઈને જે કરવું જોઈએ એ ન કર્યું તો ઘણું મોડું થઈ જશે. જો માનવી મર્કટવેડા નહિ છોડે તો માવઠાં, સુનામી જેવી કુદરતી આફતો આવતી રહેવાની. એમાં વાંક આપણો સૌનો જ હશે ને?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

77t3EP86
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com