15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રિયંકાની એન્ટ્રી, રાહુલને નિષ્ફળ કહેનારામાં બુદ્ધિ જ ના કહેવાય

એકસ્ટ્રા અફેર-રાજીવ પંડિતલોકસભાની ચૂંટણી માથે છે ને રાજકીય પક્ષો લોકો અચંબામાં પડી જાય એવાં ગતકડાં કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. કૉંગ્રેસે પણ બુધવારે આવું જ ગતકડું કરી નાંખ્યું ને પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસનાં મહામંત્રી બનાવીને રાજકારણમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરાવી દીધી. પ્રિયંકાને લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારનો હવાલો પણ સોંપી દેવાયો છે. આ પહેલાં ઉત્તર પ્રદેશની જવાબદારી ગુલામનબી આઝાદના માથે હતી પણ આઝાદે ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ધોળેલા ધોળકાને પગલે તેમને ઉત્તર પ્રદેશથી ખસેડીને ટચૂકડા રાજ્ય હરિયાણામાં મોકલી દેવાયા છે.

ઉત્તર પ્રદેશને બે ભાગમાં વહેંચી દેવાયું છે ને પ્રિયંકાની સાથે સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ ઉત્તર પ્રદેશની જવાબદારી અપાઈ છે. પ્રિયંકા પૂર્વ ઉત્તર પ્રદેશમાં મોરચો સંભાળશે તો પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાં સિંધિયા મોરચો સંભાળશે. રાહુલે એ સિવાય બીજો પણ મોટો ફેરફાર કર્યો છે. અશોક ગેહલોત અત્યાર લગી કૉંગ્રેસના સંગઠન મહામંત્રી હતા. ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી બનતાં બે ઘોડે સવારી ના કરી શકે એટલે તેમને એ જવાબદારીમાંથી મુક્ત કરાયા છે ને તેમના બદલે કે.સી. વેણુગોપાલ કૉંગ્રેસના સંગઠન મહામંત્રી બન્યા છે.

કૉંગ્રેસના સંગઠનમાં વેણુગોપાલને સંગઠનના મહામંત્રી બનાવાયા એ મોટી ઘટના છે કેમ કે રાજકીય પક્ષમાં સંગઠન મહામંત્રીનો હોદ્દો બહુ મહત્ત્વનો હોય છે. કૉંગ્રેસ માટે તો આ હોદ્દો વધારે મહત્ત્વનો છે કેમ કે કૉંગ્રેસ હજુ ડચકાં ખાતી પાર્ટી જ છે. કૉંગ્રેસનું સંગઠન ડહોળાઈ ગયેલું છે ને લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે જીતવું હોય તો સંગઠન જોરાવર જોઈએ. અશોક ગેહલોતે ટૂંકા ગાળામાં કૉંગ્રેસના સંગઠન મહામંત્રી તરીકે જબરદસ્ત કામ કર્યું. ગેહલોતે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી તરીકે ભાજપને ફીણ પડાવી દીધેલું ને સંગઠન મહામંત્રી બનાવ્યા પછી તેમણે કર્ણાટકમાં ભાજપને સત્તામાં ના આવવા દીધો. એ પછી તેમણે ભાજપને સૌથી મોટો ફટકો મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાન એ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં માર્યો. વરસોથી આ રાજ્યોમાં જામી પડેલો ભાજપ શરમજનક રીતે હાર્યો તેમાં ગેહલોતનું યોગદાન બહુ મોટું હતું.

ગેહલોતના આગમન પહેલાં કૉંગ્રેસમાં સંગઠન મહામંત્રી તરીકે કોણ હતું એ લોકોને ખબર જ નહોતી પણ ગેહલોતે સંગઠન મહામંત્રી શોભાનો ગાંઠિયો નથી એ સાબિત કર્યું. ગેહલોતની જગાએ આવેલા વેણુગોપાલે ગેહલોતે કરેલા કામને આગળ વધારવાનું છે ને પોતે ગેહલોતના પેંગડામાં પગ નાંખી શકે છે એ સાબિત કરવાનું છે. એ રીતે આ નિમણૂક બહુ મોટી છે પણ પ્રિયંકા નહેરૂ-ગાંધી ખાનદાનનાં છે તેના કારણે વેણુગોપાલની નિમણૂકની વાત બાજુ પર જ રહી ગઈ.

જો કે એ સ્વાભાવિક પણ છે કેમ કે પ્રિયંકા ગાંધી ગ્લેમરસ છે ને કરિશ્માપૂર્ણ વ્યક્તિત્વ ધરાવે છે. તેના કારણે એ રાજકારણમાં આવશે કે નહીં તેની અટકળો વરસોથી ચાલ્યા કરે છે. રાહુલ ગાંધી શરૂઆતમાં બહુ ચાલ્યા નહોતા ને લોકોને એવું જ લાગતું હતું કે, રાહુલ ગાંધીમાં જરાય વેતો નથી ને આ ભાઈ ચાલવાના નથી. ભાજપના નેતાઓ તો એવી મજાક પણ કરતા કે, રાહુલ છે ત્યાં લગી અમને વાંધો જ નથી. રાહુલની ક્ષમતામાં એ વખતે કૉંગ્રેસના કાર્યકરોને પણ બહુ ભરોસો નહોતો. એ લોકો પણ રાહુલને બદલે પ્રિયંકાને આગળ કરવાનો રાગ છેડીને બેસી ગયેલા. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનું સાવ પડીકું થઈ ગયું પછી તો એવું લાગતું જ હતું કે, સોનિયા ગાંધી પણ રાહુલને કોરાણે મૂકીને પ્રિયંકાને આગળ કરી દેશે. એવું ના થયું ને સોનિયાએ રાહુલમાં ભરોસો બતાવી તેમને ચાલુ રાખ્યા તેનું પરિણામ મળી રહ્યું છે. રાહુલ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને જીતાડશે કે નહીં એ ખબર નથી પણ તેમણે ભાજપને ભિડાવી તો દીધો જ છે. સાથે સાથે કૉંગ્રેસમાં પણ જીતનો જુસ્સો પેદા કરી જ દીધો છે.

રાહુલ છવાયા તેના કારણે પ્રિયંકા બાજુ પર મુકાઈ ગયેલાં ને એ રાજકારણમાં આવશે એવી વાતો પણ બંધ થઈ ગયેલી ત્યાં જ રાહુલે અચાનક પ્રિયંકાને આગળ કરવાનો દાવ ખેલી નાંખ્યો છે. આ દાવ ફળશે કે નહીં એ તો સમય આવ્યે જ ખબર પડશે. કોઈ પણ વાતમાં નિવડ્યે જ વખાણ થાય પણ આ રાહુલનો આ નિર્ણય એક સ્માર્ટ મૂવ છે તેમાં શંકા નથી.

રાહુલે પ્રિયંકા ગાંધીને મહામંત્રી બનાવીને સૌથી પહેલાં તો કૉંગ્રેસ સંગઠનમાં પોતાની પકડ વધારે મજબૂત બનાવી છે ને સાથે સાથે પોતાનો ભાર પણ હળવો કર્યો છે. આમ તો કૉંગ્રેસ નહેરૂ-ગાંદી ખાનદાનની બાપીકી પેઢીની જેમ જ ચાલે છે ને રાહુલ સામે અવાજ ઉઠાવવાની કોઈની તાકાત નથી તેથી રાહુલે એવું કશું કરવાની જરૂર નથી પણ એ છતાં પ્રિયંકાની હાજરી રાહુલ માટે મહત્ત્વની છે. પ્રિયંકા સંગઠનમાં હોય તો રાહુલ બીજાં રાજ્યો પર સતત નજર રાખી શકે. રાહુલ કૉંગ્રેસ સંગઠનમાં નવાસવા છે ને તેમના એકદમ નિકટ કહેવાય એવા લોકો સંગઠનમાં ઓછા છે તેના કારણે અમુક વાતો તેમના સુધી ના પહોંચે. પ્રિયંકા એ રોલ બજાવી શકશે ને કૉંગ્રેસ સંગઠનમાં કશું ખોટું ચાલતું હશે તો તેની વાત રાહુલ સુધી પહોંચાડી શકશે.

બીજું એ કે, કૉંગ્રેસના બીજા નેતાઓ રાહુલને પૂછ્યા વિના પાણી પણ ના પી શકે ને સ્વતંત્ર નિર્ણયો ના લઈ શકે પણ પ્રિયંકાને એ વિશેષાધિકાર આપોઆપ જ મળેલો છે. પ્રિયંકા ને રાહુલ અલગ નથી એ સંજોગોમાં પ્રિયંકા ગાંધી કોઈ પણ નિર્ણય લે એ રાહુલે લીધા બરાબર જ કહેવાશે. આ કારણે રાહુલનો ભાર પણ ઘટશે ને એ મહત્ત્વની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સંગઠનને લગતી રોજબરોજની ખટપટો ને જૂથબંધીમાં અટવાવાના બદલે એ કૉંગ્રેસની નીતિગત બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

રાહુલે પહેલા તબક્કામાં પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. પહેલી નજરે પ્રિયંકાને બહુ નાની જવાબદારી સોંપાઈ હોય એવું લાગે પણ ઉત્તર પ્રદેશનું ભૌગોલિક કદ જોશો તો આ જવાબદારી નાની નથી એ સમજાશે. ઉત્તર પ્રદેશમાં કુલ 75 જિલ્લા છે ને તેમાંથી 25 જિલ્લા પૂર્વ ઉત્તર પ્રદેશમાં છે. નરેન્દ્ર મોદીનો મતવિસ્તાર વારાણસી અને યોગી આદિત્યનાથનો મતવિસ્તાર ગોરખપુર બંને પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવે છે. આ બંને વિસ્તારમાં પ્રિયંકા મોરચો સંભાળશે. આ વિસ્તાર ભાજપનો ગઢ છે એ જોતાં પહેલા તબક્કે જ રાહુલે પ્રિયંકાને કપરી જવાબદારી સોંપી છે.

પ્રિયંકાની નિમણૂક કરીને રાહુલે માયાવતી અને અખિલેશને પણ મેસેજ આપ્યો છે કે, ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને તમે સાવ લખી વાળો એ ના ચાલે. માયાવતી ને અખિલેશે 80 બેઠકોમાંથી 4 બેઠકો છોડીને બાકીની બેઠકો પોતે વહેંચી લીધી પણ રાહુલે બધી બેઠકો પર લડવાનું એલાન કરેલું. આ એલાન તેમણે ગંભીરતાથી કરેલું તેનો સંકેત તેમણે આ નિર્ણય દ્વારા આપી દીધો છે. આ નિર્ણય દ્વારા રાહુલે ઉત્તર પ્રદેશમાં પોતાની ભરોસાપાત્ર વ્યક્તિને મૂકી છે તેથી અખિલેશ-માયાવતીએ પોતાના નિર્ણય અંગે ફેરવિચારણા કરવી હશે તો પણ તેમને રાહત રહેશે.

કૉંગ્રેસમાં આ નિર્ણયના કારણે ઓચ્છવનો માહોલ છે તો ભાજપે રાબેતા મુજબ આ બહાને રાહુલની મેથી મારવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો છે. ભાજપના કહેવા પ્રમાણે પ્રિયંકા ગાંધીને આગળ કરીને કૉંગ્રેસે આડકતરી રીતે કબૂલી લીધું છે કે રાહુલ ગાંધી ચાલ્યા નથી ને તેમનામાં દમ નથી. ભાજપમાં આ સુવિચાર કોને આવ્યો એ ખબર નથી પણ આ બકવાસ કરવાની શરૂઆત સ્મૃતિ ઈરાનીએ કરી ને પછી સંભિત પાત્રા મેદાનમાં આવી ગયા. આ વાત આ બંને નેતાઓની બુદ્ધિની કક્ષા કેવી છે તેના પુરાવારૂપ છે.

રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે એ કોઈ છ મહિના પહેલાં કહેતું હોત તો એ વાત કોઈ માનત પણ ખરું પણ અત્યારે જે રાજકીય સમીકરણો છે એ જોતાં આ વાત કરનાર બુદ્ધિનો લઠ્ઠ લાગે. રાહુલે કૉંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યાના એક જ વર્ષમાં ભાજપને કલ્પના પણ ના કરી હોય એવા ફટકા માર્યા છે. સૌથી પહેલાં તો કૉંગ્રેસે ભાજપને ગુજરાતમાં ફીણ પીવડાવી દીધું ને દોઢસો બેઠકો જીતવાની વાતો કરનારો ભાજપ સો બેઠકોના આંકને પણ પાર ના કરી શક્યો. એ પછી કર્ણાટકમાં કૉંગ્રેસે ભાજપને સત્તામાં ના આવવા દીધો ને હવે છેલ્લે ભાજપ પાસેથી ત્રણ રાજ્યો આંચકી લીધાં. આ ત્રણેય રાજ્યોમાં કૉંગ્રેસની સીધી લડાઈ ભાજપ સાથે હતી ને તેમાં ભાજપને ધોબીપછાડ મળી. સાવ પતી ગયેલી કૉંગ્રેસ ભાજપ પાસે પંદર વર્ષથી હતાં એવાં રાજ્યો આંચકી લે ને એ છતાં રાહુલને નિષ્ફળ કહો તેનાથી મોટું બુદ્ધિનું પ્રદર્શન શું હોય?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

UM5K8EB
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com