26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સંતાનો દૂધ પીતાં જ નથી, તો કરવું શું મારે?

કેતકી જાનીસંતાનો દૂધ પીતાં જ નથી, તો કરવું શું મારે?

સવાલ: મારે એક દસ વર્ષની બેબી અને આઠ વર્ષનો બાબો છે. મારો પ્રોબ્લેમ એ છે કે બંને જણા દૂધથી દસ ફૂટ દૂર ભાગે છે. ડૉક્ટર્સ અને ઘરના, આસપાસના ને સંબંધીઓ બધા જ કહે છે કે આવું ના ચાલે. તમે જબરદસ્તી કરો, સમજાવો, ફોસલાવો પણ દૂધ પીવડાવો. ક્યારેક તો ડરી જાઉં છું કે એ આમ જ કરશે તો તેમને કેલ્શિયમ કેવી રીતે મળશે? તેમના વિકાસમાં કંઈક કમી રહી જશે? મને એવો ઉપાય જોઈએ છે કે તેઓ દૂધ પીતા થઈ જાય જેથી તેમને કેલ્શિયમ મળી રહે જે વિકસતા શરીરના હાડકા માટે ખાસ જરૂરી છે.

આપનું માનવું તદ્દન સાચું છે. વિકસતા શરીરમાં મજબૂત હાડકા બને તે માટે કેલ્શિયમ અતિ આવશ્યક તત્ત્વ છે. કેલ્શિયમ સહજ રીતે દૂધમાં મળી આવે છે જે રોજ લેવું આસાન પણ હોય છે, પરંતુ કેટલાંક લોકોને તમારા બાળકોની જેમ દૂધ ભાવતું નથી હોતું તો કેટલાંક બાળકોને દૂધના લેક્ટોઝની એલર્જી હોવાથી તે પી શકતા નથી. તમારા બાળકો સમજાવટ કે ધાકધમકી બંને રીતે ના માનતા હોય તો તમે દૂધ સિવાય જે સ્ત્રોતથી કેલ્શિયમ મળે છે, તેનો તેમના રોજિંદા જીવનમાં સમાવેશ કરી શકો છો.

જેમ કે દર અઠવાડિયે ઘઉંના દાણા જેટલો ખાવાનો ચૂનો તેમના સવારના નાસ્તામાં ભેળવી દેવો. દહીં અને ફણગાવેલા કઠોળનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો. સોયાબીન કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનો ઉપયોગ કરવો - પાલક, મેથી, બ્રોકલી જેવી અનેક લીલીભાજીઓ પણ પ્રચૂર માત્રામાં કેલ્શિયમ આપે છે, તેનો તેમના ખોરાકમાં સમાવેશ કરવો. રાગી નામના ધાન્યમાં પણ ભરપૂર કેલ્શિયમ હોય છે, તેનો ખીર-શીરો કે ખીચડી બનાવી બાળકોને ખવડાવી શકાય. તલનો મહત્તમ ઉપયોગ કરી આપ દૂધની કમી સરભર કરી શકો. બાળકોને ચીકી ખાવી પસંદ હોય તો તલની ચીકી બારેમાસ આપો, તલનું જ તેલ રસોઈ માટે વાપરો. સૂકા મેવામાં પણ ઘણું કેલ્શિયમ હોય, બદામ - અંજીર રોજ રાતે પલાળી સવારે તે પાણી સાથે ખવડાવો. ઋતુએ આવતા દરેક ફળો ખવડાવો, તેનાથી પણ મળે કેલિશયમ. શક્ય હોય તો દિવસના કોઈ પણ સમયે તેમને લીંબુ શરબત આપવાનું વિચારો. દરેક પ્રકારનાં ખાટાં-મીઠાં ફળો ખાસ આગ્રહ કરી ખવડાવો. લીલાં શાકભાજી પણ સીધા ના લે તો વિવિધ પરોઠા, ભાત, દાળ વગેરેમાં ઉમેરણ તરીકે નાખી દેવાય. ઉપરાંત ઘણી બધી ખાદ્ય વસ્તુઓ છે જે કેલ્શિયમની પૂર્તિ કરે છે. તમે ગુગલમાં સર્ચ કરી શકો છો. આમ, તેમને દૂધ માટે જબરજસ્તી કરવાને બદલે આ રીતે મદદ કરો. તેઓ અને તમે બંને ખુશ રહેશો. બરાબરને?

------------------------

ઉંમર ચાડી ખાય તો કોસ્મેટિક

સર્જરી સલામત ખરી?

સવાલ: હું ત્રેપન વર્ષની સ્ત્રી છું. મધ્યમ વર્ગીય સમાજમાં ચાલતી વિવિધ પાર્ટીઓમાં છાશવારે જવા-આવવાનું રહે છે મારે. વાત મુખ્ય એ છે કે હવે શરીર પર ઉંમર ચાડી ખાય તેવી કરચલીઓ દેખાવા માંડી છે. મારે તે છુપાવી શકાય, ઓછી કરી શકાય તેને માટે કોસ્મેટીક સર્જરીની મદદ લેવી છે. તો હું શું કરાવી શકું જે મારા માટે સલામત હોવા સાથે મને યૌવન આપે?

મારો મત પૂછો તો સૌપ્રથમ એ જ કહીશ કે કંઈ જ જરૂર નથી કોઈ જ કોસ્મેટીક સર્જરીની. દરેક ઉંમર પાસે તેનો પ્રભાવ હોય છે, તેનું સૌંદર્ય હોય છે. અરે, વધતી ઉંમર તો મારા મતે એક ચોક્કસ શારીરિક પ્રક્રિયા છે જે અંતરાત્માને અનુભવ સમૃદ્ધ, શાંત અને ડહાપણસભર બનાવે છે. ઉંમરની કેદમાં મનથી કેદી ના બનશો. તેને આઝાદીનો સુવર્ણકાળ સમજો. ખેર, મેં આ ભૂમિકા બાંધી ખાસ તમારા માટે સલામત, કોઈ જ પ્રક્રિયા વગર કુદરતી શરીરનો સ્વીકાર કરવો તેવા આશયથી. છતાં પણ તમે જો કોસ્મેટોલોજીનો સહારો લેવા ઈચ્છતાં જ હોય તો ચહેરા પર થતી વૃદ્ધાવસ્થાને રોકવાની કેટલીક સર્જરી/ઉપચાર વિશે અત્રે જણાવું છે.

ફેસ લિફ્ટીંગ: આમાં બે પ્રકારે ઉપચાર થાય છે. એક, જેમાં બે-ચાર દિવસ હૉસ્પિટલમાં રહી ઓપરેશન કરાવવું પડે છે. સર્જન સર્જિકલ પ્રક્રિયાથી ચહેરા પરની માંસપેશીઓ ટાઈટ કરે છે જેથી ચહેરો લબડી પડેલો હોય તો તે અને કરચલીઓ અદ્દશ્ય થઈ સુંદર સુડોળ યૌવનસભર ચહેરો મળે છે. જે મહિલાને કરચલીઓ ના હોય પણ ચહેરો લબડી ગયેલો લાગતો હોય તેમના માટે સર્જરી કર્યા વગરનું, ફેસ લિફ્ટીંગ પણ હોય છે.

બ્રેસ્ટ કંટુઅર્સ: વૃદ્ધત્વ સાથે સ્તન ઢીલા થવા, લબડી પડવા વગેરે દરેક સ્ત્રીઓને થાય જ છે. તેના માટે પણ ડૉક્ટર વિવિધ (બ્રેસ્ટ ઍન્લાર્જમેન્ટ, બ્રેસ્ટ ઔગમૈંટેશન, સિલિકોન ઈમ્પ્લાન્ટ) જેવી સર્જરી કરી સ્તન ચુસ્ત

કરે છે.

આ ઉપરાંત હોઠ અને નાકની સર્જરી પણ ઘણા લોકો યુવાન દેખાવ માટે કરાવતા હોય છે, પરંતુ તમે મારો પ્રત્યુત્તર વાંચી કોઈ પણ નિર્ણય ના લેતા સૌપ્રથમ તમારા ફેમિલી ડૉક્ટરને મળી રેગ્યુલર રિપોર્ટસ કઢાવી લો. પછી એક કોસ્મેટોલોજીસ્ટ સાથે એપોઈન્મેન્ટ લઈ તેને મળી લો. તમારે જે જોઈએ છે, તેની વિગતવાર ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવો. મેં આપને મને ખબર છે તે ઉપરછલ્લી માહિતી આપી છે. ડૉક્ટર તમને અદ્યતન ઉપચાર અંગે અવગત કરશે. વિવિધ સર્જરીની સાઈડ ઈફેક્ટ પણ ચોક્કસ પૂછજો તેમને. તમે જે સર્જરી કરાવવાનું નક્કી કરો તેને ગુગલમાં સર્ચ કરી ચકાસો, જેથી તમને ડૉક્ટર તમારાથી કંઈ છુપાવતા હશે તો ખબર પડશે. વીશ યુ

બેસ્ટ લક.

------------------

સવાલ આ ઈ-મેઇલ પર મોકલી આપો

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

326j7N5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com