26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હો મીરાંનાં ગીતો કે ગાલિબની ગઝલો, હૃદયને જે સ્પર્શે એને ઊજવી લો

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદી‘હૈયાને દરબાર’માં અત્યાર સુધી આપણે પ્રચલિત લોકગીતો, સુગમ સંગીતનાં લાજવાબ ગીતો તેમજ મનગમતાં ગુજરાતી ફિલ્મી ગીતોની વાત કરી, પરંતુ ગુજરાતી ગઝલોનો સમૃદ્ધ વારસો આપણી પાસે છે એ કેમ વિસરાય? ઉર્દૂ પછી ઉત્તમ ગઝલો ગુજરાતી ભાષામાં જ લખાઈ છે.

કસીદા એટલે કે પ્રશસ્તિ કરવી જેમાં સૌંદર્ય અને પ્રેમનું વર્ણન આવતું હોય એ અર્થબોધમાંથી ગઝલ જન્મી. ગઝલનો આરંભ અરબસ્તાનમાં, વિકાસ પર્શિયા (ઈરાન)માં થયો અને ત્યાંથી તે ભારત આવી. અમીર ખુસરોએ તેરમી સદીના અંત ભાગમાં ગઝલ ખેડી. ૧૪મી સદીમાં કબીરે ગઝલ સર્જી અને ૧૬મી સદીમાં મીરાંની એક રચનામાં પણ રદીફ-કાફિયા હોવાથી તેમાં ગઝલનું સ્વરૂપ દેખાયું હતું, પરંતુ ગુજરાતી ભાષામાં સમર્પિત ભાવથી સાચી ગુજરાતી ગઝલની શરૂઆત પંડિત યુગ (૧૮૫૮થી ૧૮૯૮) માં થઈ હતી.

ગઝલ એ અરબી શબ્દ છે જેનો અર્થ છે પ્રિયતમ સાથેની વાતચીત. જોકે એ પરમાત્મા સાથેની ગુફ્તેગૂ પણ હોઈ શકે છે. ગઝલ શબ્દ જેટલો સુંદર છે એટલો જ સુંદર છે એનો અર્થ. સપનામાં સંગોપેલી કે સાચો સાથ નિભાવતી પ્રિયા સાથેનો સંવાદ એ ગઝલ છે. પ્રણય ત્રિકોણનું ત્રીજું પાત્ર પણ કદાચ ગઝલ છે! પ્રેમ, લાગણી, ઉષ્મા અને સંબંધના નામે જિંદગીભર ખેંચતાણ કર્યા પછી માણસને બહુ મોડી ખબર પડે છે કે જિંદગીમાં પ્રેમ કરવા કરતાં પ્રેમનાં જખમો વધુ જીરવ્યા છે. વોટ્સએપ, ફેસબુક એ ખાલીપો પૂરવાનો શોર્ટકટ છે. ૨૧મી સદીની સ્વીટ એન્ડ ફાસ્ટ સર્વિસ!

આ ખાલીપો, વિરહ, આંસુ અને પ્રેમની નજાકત એ ગઝલનું મૂળભૂત તત્ત્વ અને સત્ત્વ છે. સાહિત્યનો એ એવો રોમાંચક અને જાદુઈ પ્રકાર છે જેમાં પ્રવેશનાર ભાવક કોઈ ગેબી દુનિયામાં પહોંચી ગયો હોય એવી અનુભૂતિ થાય છે.

જોકે, આજે જે ગઝલની વાત કરવી છે એમાં નથી પ્રિયતમાની વાત કે નથી પ્રભુ સાથેનો સંવાદ. એ રીતે વિચારીએ તો આધુનિક કાળમાં ગઝલનું સ્વરૂપ બદલાયું છે. કવિ હિતેન આનંદપરાની આ ગઝલમાં અમૂલ્ય જિંદગીને ઉજવવાની વાત છે. આ ગઝલમાં એમણે સેલિબ્રેશનને સત્કાર્યુ છે. પહેલા જ શેરમાં કહેવાયું છે કે ઈશ્ર્વર નહીં તો ઈશ્ર્વર જેવુંય કંઈક મળે તો એને ઉજવી લો. આજના કહેવાતા કળિયુગમાં જિંદગીના ખેલના આટાપાટા અને કાવાદાવામાં કંઈક સારું દેખાય એને ઉજવી લેવાની વાત યથાર્થ રીતે રજૂ થઈ છે.

તું તોળીને બોલે, હું બોલીને તોળું,

ખુલાસાઓ ઓસરતા જાય પછીથી,

જે ખામોશી ઊઘડે એને ઉજવી લો.

ખુલાસાઓ કર્યા પછી થાકી-હારીને જ્યારે ખામોશી પ્રવર્તે એ ખામોશીને ઉજવવાની વાત કેવી સૂક્ષ્મ અને સંવેદનશીલ છે. છેલ્લે તો અદભુત મક્તા છે કે તમે આ મીરાંનાં ગીત ગાઓ, ગાલિબની ગઝલ સાંભળો કે પરવીન શાકિરની ઉદાસ રચનાઓને છાતીએ લગાવો, છેવટે તો હૃદય સોંસરવું ઊતરે એ જ સાચું સર્જન. કાવ્યના પ્રકારોમાં પડ્યા વિના ફક્ત હૃદયને સ્પર્શે એ જ ઉજવો. કયા બાત હૈ!

આ ગઝલ પહેલીવાર આલાપ દેસાઈ પાસે સાંભળી ત્યારથી જ હૃદયને સ્પર્શી ગઈ હતી અને હૃદયને જે સ્પર્શે એ તો ઉજવવું જ પડે ને! સુપ્રસિદ્ધ માતા-પિતા, ગાયક બેલડી આશિત-હેમા દેસાઈની ગાયકીના ઉત્તમ તત્ત્વોને આત્મસાત કરી પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરનાર આલાપ દેસાઈ આલા દરજ્જાના ગાયક અને સંગીતકાર તરીકે હવે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. ગજબની સેન્સ ઓફ હ્યુમર ધરાવનાર આલાપ દેસાઈ કહે છે, "હું સમજણો થયો ત્યારથી ઘરમાં ગઝલ સાંભળતો આવ્યો છું. હેમા (મમ્મીને એ નામથી જ સંબોધે છે)ને ગઝલો ખૂબ પ્રિય એટલે એ હંમેશાં ઉ. ગુલામ અલીની ગઝલો સાંભળે. એ ગઝલો સાંભળીને હું મોટો થયો. મહેંદીહસન સા’બની ગઝલો ગમે, પરંતુ ગુલામ અલી સાહેબની ગાયકી કમાલની અને કમ્પોઝિશન પણ ટ્રીકી. એટલે અમારાં બધાંના મનમાં એમના માટે એક વિશેષ સ્થાન રહ્યું છે. તેથી જ સંગીતના પ્રકારોમાં ગઝલ મારે માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. હિતેન આનંદપરા અને મુકેશ જોશીની ગુજરાતી ગઝલો પર આલ્બમ કરવાનું નક્કી કર્યું ત્યારે હિતેનની આ ગઝલ મારા હાથમાં આવી હતી. એ વાંચતાં જ મનમાં સ્વરાંકન ગોઠવાતું ગયું. શ્રોતાઓ વચ્ચે આ ગઝલ ગાવાની શરૂ કરી ત્યારપછી તો એ ખૂબ ઊપડવા લાગી. છેલ્લો મીરાંવાળો શેર એટલા માટે મને ગમે છે કે એ કોઈપણ પરફોર્મર અને કોઈપણ શ્રોતાને લાગુ પડે છે. સંગીતનો કે કાવ્યનો પ્રકાર ગમે તે હોય બસ, તમે એને હૃદયથી માણો. કદાચ એ ગીત કે ગઝલ તમને સમજાય નહિ પણ એમાં સર્જકની ક્રિએટિવિટી તો સંપૂર્ણ, સો ટકા છે જ એટલે સર્જકની કે કલાકારની મહેનતને બિરદાવવી અગત્યની છે.

ગુજરાતી સંગીત સામે જાણકાર અને સજ્જ શ્રોતાઓની એવી વ્યાજબી ફરિયાદ હોય છે કે વ્યાવસાયિક કાર્યક્રમોમાં કે સુગમ સંગીતના ઉત્સવોમાં નવી રજૂઆત ઓછી થાય છે, ગાયકો સાધારણ રીતે પ્રચલિત ગીતો ગાવાનો આગ્રહ રાખે છે, શ્રોતાઓ પણ જાણીતાં ગીતો જ માંગે છે. સ્વરકાર ક્ષેમુભાઇ દિવેટિયા હંમેશાં કહેતા કે ગાયકે ગાનનો અને શ્રોતાઓએ કાનનો રિયાઝ કરવો જોઈએ. જો શ્રોતા રિયાઝી હોય તો કલાકારની રજૂઆતને એ માણી-પ્રમાણી શકે છે અને કાર્યક્રમમાં શ્રોતા કલાકાર પાસેથી એનું શ્રેષ્ઠ બહાર લાવી શકે છે.

આ ગઝલમાં કવિ અને સ્વરકાર-ગાયકનું શ્રેષ્ઠત્વ બહાર આવ્યું છે. આ ગઝલ એના અદભુત શેર અને મીઠાં સ્વરાંકનને લીધે ધીમે ધીમે પ્રચલિત થઈ રહી છે. આવાં સુંદર ગીતો-કાવ્યો અને ગઝલો વાચકો સુધી પહોંચાડવાનો આ જ હેતુ છે કે જૂનું ને જાણીતું શ્રોતાઓ માણે અને નવી સુંદર રચનાઓને પ્રમાણે.ગઝલ લેખનમાં હિતેન આનંદપરાની માસ્ટરી છે. એમની ગઝલમાં ગેયતત્ત્વ છે. શબ્દોની પસંદગી એવી છે કે ગાવામાં અજુગતું ન લાગે.

હિતેનભાઈની અન્ય એક ગઝલ પણ ખૂબ સુંદર છે જે આલાપે જ કમ્પોઝ કરી હતી, પરંતુ અમદાવાદના જાણીતા ગાયક પ્રહર વોરાને એ એટલી બધી પસંદ પડી કે છેવટે રેકોર્ડિંગ એના અવાજમાં જ થયું.

એ ગઝલના શેર છે :

આ જ સર્જનનો સમય છે, લે કલમ

એકલા પડવાની સય છે લે કલમ,

આજ ચંદ્ર પૂર્ણતાની ટોચ પર

કાલથી નક્કી જ ક્ષય છે, લે કલમ

શબ્દ ગીતાના સ્તરે પહોંચી જશે

દેહ આખો શ્યામમય છે, લે કલમ

ગજબના શેર છે! સાહિરના શબ્દો અહીં યાદ આવે છે, જો ભી હૈ બસ યહી એક પલ હૈ! સહજ સ્ફૂરે ત્યારે આવતીકાલની રાહ નહીં જોવાની. સર્જનની આ જ વેળા છે, કલમ હાથમાં લઈને શબ્દો ઉતારવા માંડો. આ ગઝલનો આખરી શેર કમાલનો છે :

એક મહેફિલ પૂરતી મહેનત નથી

કાવ્યને પોતાની વય છે, લે કલમ!

રાગ ભૈરવી પર આધારિત આ ગઝલ મોરપીંછની હળવાશ જેટલી સુખદાયી અને કર્ણપ્રિય છે.

શયદા એવૉર્ડ તથા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક મેળવનાર હિતેનનાં બે કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે. આપણને અસ્વસ્થ કરી દે એટલી સ્વસ્થતા ધરાવતા હિતેન આનંદપરા શાંત અને વ્યવસ્થાના માણસ છે એવું કવિ સુરેશ દલાલ હંમેશાં કહેતા. એમની વાત સાચી છે. ઈમેજ તથા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી સાથે સંલગ્ન હોવાથી ખૂબ બધા કાર્યક્રમોનું આયોજન કરે છે છતાં વ્યસ્તતા વચ્ચે જ્યારે પણ સર્જનનો સમય મળે ત્યારે એ પળ સેરવી લઈ ઉત્તમ રચનાઓ રચે છે.

લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે,

આ માણસ બરાબર નથી.

ગણે છે ને ઓછી પડે તો લડે છે,

આ માણસ બરાબર નથી...!

એ એમની જાણીતી ગઝલ છે.્

કવિ હિતેન આનંદપરા આજની આ ગઝલ, કૈં ઈશ્ર્વર જેવું મળે...ના છેલ્લા શેર વિશે એ કહે છે, "કવિતા મહદ્ અંશે ગઝલ, ગીત અને અછાંદસ પ્રકારમાં લખાતી હોય છે. જેને જે પ્રકાર ફાવે તે લખે. પણ અછાંદસ લખનાર ગઝલની નિંદા કરે કે ગઝલ લખનાર અછાંદસની નિંદા કરે એ યોગ્ય નથી. દરેક ફોર્મેટની પોતીકી શક્તિ છે. એટલે લખ્યું કે કાવ્યનો પ્રકાર કોઈ પણ હોય, અંતે તો વાત સ્પર્શે છે કે નહીં એ અગત્યનું છે.

--------------------------

કૈં ઈશ્ર્વરની જેવું મળે ક્યાંક તમને,

હો મંદિર કે રસ્તે, એને ઊજવી લો,

ને માણસની જેવું કળે છાતીએ જો,

વધાવી લો ફૂલે, એને ઉજવી લો.

ફરક આપણામાં બહુ નાનકડો અમથો,

તું તોળીને બોલે, હું બોલીને તોળું,

ખુલાસાઓ ઓસરતા જાય પછીથી,

જે ખામોશી ઊઘડે એને ઉજવી લો.

જે આપણને મૂકીને ચાલ્યા ગયા છે

એનો ગમ ઉઠાવીને ક્યાં સુધી જીવશું?

એ સંભવ છે પૂરો જૂનું જે ગયું છે,

નવા નામે મળશે, એને ઉજવી લો.

થવાકાળ ભેગાં થયાં આપણે સૌ,

થવાકાળ છુટ્ટા પણ પડતા જવાના,

આ મૂડીમાં મુઠ્ઠીભર સ્મરણો બચ્યાં છે,

એ આંખે વળગશે, એને ઉજવી લો.

હો મીરાંનાં ગીતો કે ગાલિબની ગઝલો,

કે પરવીનની ખિન્ન કરતી અછાંદસ,

પ્રકારોના વળગણને બાજુએ મૂકી,

હૃદયને જે સ્પર્શે એને ઊજવી લો.

શાયર : હિતેન આનંદપરા

સ્વરકાર-ગાયક : આલાપ દેસાઈ

------------------------

આપના ઉત્તર શનિવાર સાંજ સુધી અને વફશુફક્ષય.મફબિફબિજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ પર મોકલી આપવા. શનિવાર સાંજ સુધીમાં આવેલા જવાબ જ સ્વીકાર્ય રહેશે. પછીના ગુરુવારે આ જ કોલમમાં સાચા જવાબ આપનારનાં નામ પ્રસિદ્ધ થશે. વાચકોએ જવાબની નીચે પોતાનું સંપૂર્ણ નામ લખવું.ક્વિઝ ટાઈમ

ગુજરાતી ભાષામાં રચાયેલી સૌ પ્રથમ ગઝલ ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે...ના રચયિતાનું નામ જણાવો.

------------------

ગયા વખતની ક્વિઝનો જવાબ

ભાસ્કર વોરાની અન્ય રચના, તારે રે દરબાર મેઘારાણા...ના સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગાયિકા હંસા દવે છે.

ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄમયંક ત્રિવેદી ૄનૂતન વિપીન ૄચંદ્રવદન શેઠ ૄઅલ્પા મહેતા ૄમાના વ્યાસ ૄનિખિલ બંગાળી ૄક્ષમા મહેતા ૄપરેન શેઠ ૄમહેન્દ્ર દલાલ ૄપ્રવીણ શેઠ ૄઘનશ્યામ ભરૂચા ૄહંસાબેન ભરૂચા ૄજિજ્ઞેશ ભરૂચા ૄકુણાલ ભરૂચા ૄકુંતેશ ભરૂચા ૄદિલીપ રાવલ ૄહરીશ જોષી ૄસ્મિતા શુક્લ ૄદિલીપ પરીખ ૄપુષ્પા સુતરીયા ૄજ્યોત્સના શાહ ૄનેહલ દલાલ ૄઅરુણકુમાર પરીખ ૄરેણુકા ખંડેરીયા ૄશૈલજા ચંદરીયા ૄજયશ્રી ગોરડીયા ૄરોહિત મહેતા ૄરસિક જુઠાણી (કેનેડા)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

616Jo6X3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com