26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જ્યાંથી સારું મળે ત્યાંથી વિવેકબુદ્ધિ વાપરીને ગ્રહણ કરવું જોઈએ

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લમને અને મારા મોટા બહેનને વાંચવાનો ઘણો શોખ નાનપણથી જ. ભારે વાંચનભૂખ. ઘરમાં પુસ્તકો ઘણાં. સામે જ તે કાળે દશરથલાલ જોશીની માલિકીનો બંગલો અને પાછળ ચાલી. એમની ઘરમાં મોટી લાઈબ્રેરી અને ચાલીની સર્વશ્રેષ્ઠ રૂમમાં વાચનાલય જ્યાં ભાતભાતનાં સામયિકો આવે. આટલું પૂરું ન હોય તેમ અને બંને બીજા વર્ગોનાં પાઠ્યપુસ્તક વાંચી નાખીએ અને વડીલો માટે કોઈ પત્રિકાઓ કે મેગેઝિનો આવે તે પણ વાંચીએ. આ કાળે ક્યાંક કશેક એક બહેનનું નામ વાંચેલું એ હતું કુરંગી. યાદ રહી ગયેલું. લાગેલું કે આ કેવું નામ? ‘કુ’ તો નકારાત્મક કહેવાય, કુરંગી એટલે શું ખરાબ રંગના? આવું તે કોઈ નામ પાડે? આગળ જતાં સમજાયું કે કુરંગ એટલે હરણ એટલે કુરંગીનો અર્થ હરિણી કે મૃગલી થાય. અહીં સુરંગી નામ હોય તો ભડકા થાય. રંગ આગળ ‘સુ’ લગાડીએ તો પહાડો તોડવા વપરાય તેવા સુરંગ થાય. ક્યાંક ને ક્યાંક એમની કૃતિઓ જોવા મળી જતી, પણ ભેટો ક્યારેય થયેલો નહીં. એક વાર વર્ષો પછી એમનો મારી ઉપર ફોન આવેલો. મારા દાદાના મોટી બહેન કીર્તિદા દિવાનજી અને બીજાં બે મહિલા લેખકોનો એમની ઉપર પ્રભાવ હતો અને એ વિશે પોતે લેખ લખેલો એમ કહેલું. કુરંગીબહેન નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયાના પરિવારના હતા અને શ્ર્વસુર પક્ષ રમણભાઈ નીલકંઠના પરિવારના પણ હતા. કીર્તિદા દિવાનજીની વાત ફરી ક્યારેક, પણ આજે એ યાદ આવ્યા, કારણ કે એમની અનન્ય ગુણોવાળી પુત્રીનું દસ વર્ષ અગાઉ પચાસ વર્ષની વયે એકાએક અવસાન થયેલું. એ પુત્રી તે મનોજ્ઞા દેસાઈ, ભાગ્યે જ કોઈ લેખકને આપણે નાની-મોટી સાહિત્યિક સભામાં જોતા હોઈએ છીએ. પોતાનો કોઈ સીધો સંબંધ હોય, વક્તા હોય તો આવે. ધીરે ધીરે ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાના આવા કાર્યક્રમોમાં સામાન્ય શ્રોતાગણની સંખ્યા પણ ઓછી થતી જાય. મનોજ્ઞા અહીં કાયમ હાજર હોય. એ એક ગુણગ્રાહી મહિલા હતી, જ્યાંથી સારું મળે ત્યાંથી વિવેકબુદ્ધિ વાપરીને ગ્રહણ કરવું એને ગમે. આવા જ કોઈ કાર્યક્રમમાં એ મળી ગયેલી અને પરિચય થયેલો. અમારા બંનેમાં ઉંમરનો તફાવત હતો, પણ એક બાબત બંનેમાં હતી અને તે એ કે શહેરી શિક્ષિત મધ્યમવર્ગ દ્વારા જે સાંસ્કૃતિક માહોલ ઊભો થયેલો તે અમારા બંનેના પરિવારોની પ્રથા અને પસંદગીને કારણે અમને લાભ મળેલો.

આ કઈ સામાજિકતા હતી? કઈ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હતી. ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં પહેલી વાર સિક્યુલર સંસ્થાઓ ઊભી થઈ. અહીં સિક્યુલર એટલે આજકાલ જેમને જીવ દઈને ભાંડવામાં આવે છે તેવા સર્વધર્મ સમતાનો પુરસ્કાર કરતા તર્કશુદ્ધતાવાદી નહીં. તે પણ હશે પણ આ કાળની નોંધ એ લેવાની કે પહેલી વાર શિક્ષિત નવયુવાનો માત્ર જ્ઞાતિ કે ધર્મ અંગેની સંસ્થાઓને બદલે વધુ પ્રકારના લોકો જોડે હળતા મળતા, જૂથો બનાવતા અને સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક કરતા થયેલા. નર્મદની ‘બુદ્ધિવર્ધક સભા’, કવિ દલપતરામ અને અન્યોની ફાર્બસ સભા, અમદાવાદની વિદ્યાસભાની મૂળ સંસ્થા વગેરે સમાજસુધારા, નવું સાહિત્ય વગેરે વિષયો પર ચર્ચા કરતા, આમાં હિંદુ બ્રાહ્મણ વાણિયા ઉપરાંત જૈનો, પારસી અને ક્યારેક મુસ્લિમ સજ્જનો ભાગ લેતા, અહીંથી પત્રકારત્વ નીપજે છે, સાહિત્ય મિલનો થાય છે, શિક્ષિત અને સુધરેલા પરિવારોમાંથી સ્ત્રીઓ પણ જાહેર જીવનમાં પ્રવેશ કરે છે, મુંબઈના ઉપનગરોમાં આવી સંસ્થાઓ અને પોતે જ સંસ્થા હોય તેવી વ્યક્તિઓ સાંતાક્રુઝ અને વિલેપારલેમાં વિશેષ જોવા મળતી. સાંતાક્રુઝમાં સાહિત્ય સંસદ હતી જેમાં રામભાઈ બક્ષી જેવા વિદ્વાન અને ધીરુબહેન પટેલ જેવા સર્જક હતા. સજ્જ ભાવકો પણ ખરાં. સાંતાક્રુઝમાં આપણા સૌથી મોટા સંગીતકાર અવિનાશ વ્યાસ રહે, એમના કોકિલકંઠી પત્ની વસુમતી વ્યાસે સૌ પ્રથમ ‘ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી’ કે ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવાં ગીતો ગાયેલાં. નાટ્ય દિગ્દર્શક ચંદ્રવદન ભટ્ટ અને એમના અભિનેત્રી પત્ની નિહારિકા પણ અહીં. આગળ જતાં ખુદ પુરશોત્તમ ઉપાધ્યાય પણ અહીં રહેલા અને અવિનાશ વ્યાસની ટીમને સોહાવેલી. અતિશય દેખાવડા ગુજરાતી ઍક્ટર ઉમાકાંત દેસાઈ પણ અહીંના જાણીતા પ્રવક્તા - ગઝલકાર શોભિત દેસાઈના એ કાકા. ઉમાકાંતભાઈના પુત્રવધૂ કે પૌત્રવધૂ અવનિ દેસાઈ આજે પણ નૃત્ય અને કોરિયોગ્રાફી તેમ જ પારંપરિક ગરબાઓ કરાવી જાણે છે. બીજી બાજુ વિલેપારલેમાં સાહિત્યસભા, સ્નેહરશ્મિ અને હાઈ સ્કૂલના આચાર્ય અને ઉમાશંકર જોષી પોતે ત્યાં શિક્ષક. કરસનદાસ માણેક, ગુલાબદાસ બ્રોકર ને કાંઈ કેટલાયે લેખકો અહીં રહે. કવિ - ગાયક - સંગીતકાર નિનુ મઝુમદાર વિલેપારલેના અને એમના ગાયક પુત્રી રાજુલ મહેતા પણ અહીં રહેતા. તત્કાલીન ગુજરાતી સંગીતજગતના બેમિસાલ ગાયક વિણા મહેતા વિલેપારલેના. મઝુમદાર જોડે ત્યાર પછી લગ્ન કરી આવેલા કૌમુદી મુનશી આજે પણ અહીં રહે છે. આ બંને પરાંમાં ૧૯૫૦થી ૧૯૭૦ સુધી કે તેથી પણ અગાઉનાં વર્ષોમાં સુગમ સંગીતના જાહેર જલસા અને કવિ સંમેલનો કે મુશાયરાઓ અપરંપાર થાય. કિશોર અને યુવાવર્ગને આમ ઘેરબેઠાં ગંગા મળે. વડીલો જોડે મોટાં બાળકો પણ જાય. રસવૃત્તિ સજાગ થાય અને ટકે. નાનાં મોટાં યુવાજૂથો ઊભાં થાય, પ્રવૃત્તિઓ કરે, લડે, આથમી જાય, વળી નવાં મિત્રમંડળો કે યુથસર્કલો જામે. આવામાં શેઠિયાઓ ભલે દાન આપે પણ પ્રવૃત્તિઓ જીવતી રહે સામાન્યજનોની સંસ્કારિતા અને સાંસ્કૃતિક ભૂખ અને તલપથી. મનોજ્ઞા દેસાઈએ આ યુગનો પાછલો ભાગ જોયો હશે. લોકશાહીનાં મૂળ નખાયા હતાં ત્યારે સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે દરબારોમાંથી નીકળી પ્રજાજનો સુધી પહોંચવા માંડેલા. આ વિકાસ ચાલુ રહ્યો ત્યાં સુધી મુંબઈ, પુણે, કલકત્તા કે વડોદરા-અમદાવાદમાં મધ્યમવર્ગ આ બધી કલાઓનો ભોક્તા બની રહ્યો. આથી કલાઓ પણ મંજાઈને ચમકતી થઈ. બે દાખલા સંગીતના સંબંધમાં આપું. સાંતાક્રુઝ સંગીતસભા મેંગલોરી સારસ્વત બ્રાહ્મણોના રસ અને સંચાલનને લીધે ચાલી અને વિલેપારલે મ્યુઝિક સર્કલ મરાઠી બ્રાહ્મણોને કારણે. ગુજરાતીઓ અહીં બહુ ઓછા જોવા મળે, એક રાતે સાંતાક્રુઝની પોદ્દાર સ્કૂલના હોલમાં અમજાદ અલીખાનનો સરોદનો કાર્યક્રમ હતો. થોડા વખત પછી એમણે રાગોનું મિશ્રણ કરી વગાડવા માંડ્યા. શિવરંજની પણ આવે ને લલિત પણ, તો વળી કોઈક પ્રકારના અન્ય સૂરો પણ ખરા. સરસ જ વગાડ્યું. સૌએ શાંતિથી રસપાન કર્યું અને પછી કહ્યું કે હવે કાંઈક સોલિડ વગાડો, ભાઈએ માલકૌંસ વગાડવો જ પડ્યો. બીજી વાર બિરલા સભાગૃહમાં સસ્તી ટિકિટ લઈને બેઠેલી. બાજુમાં કોઈ ગિરગામની મરાઠી બહેન હશે, આધેડ વયની બહેન. એ જ્યાં માથું હલાવે કે વાહ કરે તે બરાબર જગ્યાએ જ કરી હોય. આવા શ્રોતાઓને સંગીતકારો ખાસ આગળ બેસાડવા લઈ આવે જેથી ઉચિત પ્રતિસાદ મળે જે કલાકારની પરફોર્મન્સ સુધરે, પેલી બાઈના બ્લાઉસ પર દોરીએથી ઉતારેલું તેવી નિશાની પણ હતી. ઈસ્ત્રી નહોતી કરી. એ સંગીત સાંભળવા ને નહીં કે એ બહાને ભપકો કરવા. બીજી બાજુ દિલ્હીમાં એક મોટા જલસામાં ગયેલી, આગળની બે-ત્રણ લાઈનની ખુરશીઓ ખાલી. અમલદારો અને રાજકારણીઓ માટે રાખી હશે. નાના જલસામાં જાણકારો જતા હશે. રાજ્યાશ્રયને કારણે ત્યાં વધુ કલાકારો સાંભળવા મળે પણ પેલી દિલથી નીકળેલી સમજપૂર્વકની વાહ ન સાંભળવા મળી.

મનોજ્ઞા વ્યવસાયે સ્પીચ થરેપિસ્ટ હતી. બધાં ઉપરાંત એને ખગોળમાં પણ ઘણો રસ, તારા વગેરેનો અભ્યાસ ડૉ. જે. જે. રાવલને પણ મળે. કદાચ કાંઈક કામ પણ કર્યું હશે. નાનાં છોકરાં ભેગાં કરી એમને તારા બતાવવાનો અને સમજાવવાનો કાર્યક્રમ રાખે. નિબંધ લખે, વાર્તા અને કવિતા લખે, નાટક લખે, નાટક કરે, એકદમ બહુમુખી પ્રતિભા. વડીલો સાથે વિનયથી વર્તે અને સમવયીઓ જોડે વિવેકથી. શાંત, સ્વસ્થ અને પ્રેમાળ. નજીકનો સંબંધ નહોતો, છતાં શરદી-તાવની ટૂંકી માંદગીમાં એનું અવસાન થયું એ જાણીને દિલમાં શૂળ વાગેલું જે એના ગયાના દસ વર્ષને કારણે મિત્રો વિલેપારલેમાં કનુભાઈ સૂચક અને સુશીલાબહેનને ઘરે હવે ચાલતી સાંતાક્રુઝ સાહિત્ય સંસદમાં આજે સાંજે સાત વાગે એના મિત્રો સંભારણા કરશે એ યાદ આવે છે ત્યારે પેલી વાગેલી શૂળ બહાર ફરી માથું કાઢી રહી છે.

મનોજ્ઞાના અવસાન સમયે એની મિત્ર અને લેખિની સામયિકની એક સર્જક તથા સાહિત્ય સંસદની સભ્ય મિતા પારેખની એક મનોજ્ઞાના અવસાન સમયની કવિતા. મનોજ્ઞાના ઘણાં રસ, પસંદગી અને આવડતોમાં બાગકામ પણ હતું, એનાથી શરૂ કરી મિત્ર કવિ મીતા પારેખ મનોજ્ઞાનું ન હોવું તે એને માટે શું તેનો એક કાવ્યમાં અહેસાસ કરાવે છે.

---------------------------

તારી યાદ

વહેલી પરોઢે આપણે ક્યારેક જ મળતા

તું ફૂલોની સુગંધ ને પીતી

એને હળવેથી ચુંટતી

તેને દૂરથી હું તને જોતી

વહેલી પરોઢે બીજું બોલવું પણ શું

આપણા વચ્ચે થતી સ્મિતની આપ-લેમાં

નહિ બોલાયેલા શબ્દોની ખળ ખળ વહેતી

નદી હું મહેસૂસ કરતી

મનોજ્ઞા આજે તું નથી

તારી આંગળીઓમાંથી ટપકતી

નજાકતને શોધતા આ ફૂલોને ક્યાં

ખબર છે તારા ના હોવાનો

મારા દ્રવતા હૃદયને

તારા ચાલી જવાની ખબર

તારા ગમતા તારલિયાએ જ કરી

તને યાદ છે એક વાર તે વાદળાં પાસે

ઉધાર માગેલો વરસાદ

એ જ વરસાદને

અમે બારેમાસ આંખોમાં

તારા વિરહને યાદ તરીકે વસાવી દીધો

અને આજે વહેલી પરોઢે

તારી સાથે નહિ બોલાયેલા

સંવાદોને રસ્તા પર વહેતા મૂક્યા છે

અને હું ભીંજાઉં છું નખશીખ

- મીતા પારેખ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r1h573
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com