26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહિલા સશક્તીકરણની બેમિસાલ ત્રિદેવી

કવર સ્ટોરી-મૌસમી પટેલઆજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી રહી ગયું કે જ્યાં મહિલાઓએ પોતાના નામનો ડંકો ના વગાડ્યો હોય અને હવે ભારત આઝાદ થયાના ૭૧ વર્ષ બાદ ફરી એક વખત મહિલાઓ એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે અને એ પણ બરાબર ૨૬મી જાન્યુઆરીના (એટલે કે બે દિવસ બાદ). વાત જાણે એમ છે કે દર વર્ષે ૨૬મી જાન્યુઆરીના લાલ કિલ્લા પર યોજાતી પરેડમાં ૧૪૪ પુરુષ જવાનોેની આગેવાની એક મહિલા લેફ્ટનન્ટ કમાન્ડર લેશેે અને આવું કરનારી એ પહેલી મહિલા કમાન્ડર બનશે. જોકે પહેલા઼ં પણ લેફ્ટનન્ટ કમાન્ડર ભાવના કસ્તૂરી ૧૫મી જાન્યુઆરીના આર્મી ડેના દિવસે પણ પરેડમાં જવાનોની ટૂકડીનું નેતૃત્ત્વ કરી ચૂકી છે.

લેફ્ટનન્ટ કમાન્ડર ભાવના કસ્તૂરીનું નામ શનિવારે ભારતીય લશ્કરના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાઈ જશે, કારણ કે આવું કરતબ કરી બતાવનારી ભાવના એ પહેલી મહિલા છે. ગણતંત્ર દિવસે દિલ્હીમાં યોજાનારી આ પરેડમાં આર્મી સર્વિસ કૉર્પ્સ (એએસસી)ના ૧૪૪ જવાનોની ટૂકડીનું નેતૃત્વ કરવાની જવાબદારી ભાવનાના ખભા પર નાખવામાં આવી છે. આનાથી પણ રસપ્રદ વાત તો એ છે કે એએસસી ખૂદ બે દાયકા કરતાં વધુ સમય બાદ એટલે કે લગભગ ૨૩ વર્ષે આ પરેડમાં ભાગ લેશે.

૨૬ વર્ષીય લેફ્ટનન્ટ કમાન્ડર ભાવનાએ જ્યારે તેને સોંપવામાં આવેલી આ જવાબદારીની જાહેરાત સાંભળી ત્યારે પહેલાં એકાદ મિનિટ સુધી તેણે પોતે શું સાંભળ્યું તેના પર વિશ્ર્વાસ જ નહીં કરી શકી. ‘આ એક ખરેખર ગૌરવ અને સન્માનની વાત છે, એટલું જ નહીં ભારતીય લશ્કરના ઈતિહાસમાં મારા આ કાર્યની નોંધ લેવાશે એ જ કેટલું અદ્ભુત છે નહીં? હું ખૂબ જ ઉત્સાહિત છું આ પરેડ માટે. મને જેવી જાણ થઈ કે તરત જ મેં મારા સિનિયર ઓફિસર, પરિવારજનોને ફોન કરીને આ ન્યૂઝ આપ્યા. આ જવાબદારી કંઈ જેવી તેવી ના કહેવાય, અને આ તકને કારણે હું ભવિષ્યમાં વધારે જવાબદારીપૂર્વક કામ કરીશ, એવો મને વિશ્ર્વાસ છે’ એવું કહે છે ભાવના.

માઈક્રોબાયોલોજી (એમ.એસસી.)નો કૉર્સ કરનારી ભાવનાને હંમેશાંથી ભારતીય લશ્કરમાં જોડાવાની ઈચ્છા હતી. સપ્ટેમ્બર, ૨૦૧૬માં સર્વિસ સિલેક્શન બૉર્ડ દ્વારા લશ્કરમાં જોડાનાર ભાવના પોતાની વાત આગળ વધારતાં કહે છે કે ‘હું જ્યારે હૈદરાબાદમાં આવેલી અરોરા કૉલેજમાં ભણી રહી હતી એ વખતે મેં એનસીસીમાં ભાગ લીધો. ત્યાર બાદ મેં ૨૬મી જાન્યુઆરીની પરેડમાં પણ ભાગ લીધો હતો અને બસ એ પછીથી જ મને યુનિફોર્મનો મોહ લાગી ગયો.’

આમ તો ભાવનાનું પોસ્ટિંગ કારગિલમાં કરવામાં આવ્યું હતું, પરંતુ જુલાઈ, ૨૦૧૮માં એએસસી કન્ટિન્જન્ટના ૨૬મી જાન્યુઆરીની પરેડ માટે થનારા સિલેક્શન માટે તે બેંગ્લોર આવી હતી અને આ સિલેક્શન દરમિયાન પહેલાં ચાર જણની પસંદગી કરવામાં આવી પછી ૧૪૪ જવાનોની એક ટૂકડી તૈયાર કરવામાં આવી. લાંબી પ્રક્રિયાના અંતે ભાવનાના પર્ફોર્મન્સને ધ્યાનમાં લઈને તેને આ ટૂકડીનું નેતૃત્ત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પરેડ માટે તેણે શું શું ખાસ તૈયારીઓ કરવી પડી એની માહિતી આપતા તે જણાવે છે કે ‘છેલ્લાં છ મહિનાથી મારી આખી દિનચર્યા જ બદલાઈ ગઈ છે. રોજ સવારે વહેલાં ઊઠીને અમે લોકો દોડવું, પુશ અપ્સ, સીટ અપ્સ, ચીન અપ્સ, રોપ ક્લાઈમ્બિંગ જેવી વિવિધ ઍક્ટિવિટી કરીએ છીએ, જેથી અમારું શરીર બરાબર શૅપમાં રહે. આ ઉપરાંત અમે પરેડની પ્રેક્ટિસ પણ કરીએ છીએ અને એ વખતે અમારી ગતિવિધિઓ, ચહેરા પરના હાવભાવનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે, જો તેમાં કંઈ પણ ભૂલ જણાય તો ઈન્સ્ટ્રક્ટર તરત જ એ ભૂલ સુધારી નાખે. આખી પરેડમાં દરેક વ્યક્તિના ટાઈમિંગ્સ, કૉ-ઑર્ડિનેશન અને એકબીજા સાથેનો તાલમેલ ખૂબ જ મહત્ત્વનો હોયછે.’

આખી ટૂકડીમાં એક માત્ર મહિલા હોવાને કારણે તેને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેવી કે જવાનોને હંમેશાં મોટિવેટ કરવા, એક મહિલા હોવા છતાં તેમની સમોવડી શારીરિક ક્ષમતા કેળવવી અને તેમની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું વગેરે હોય. ‘એક ઓફિસર તરીકે હંમેશાં તેમના મગજમાં પૉઝિટિવ વિચારો જ આવે એ જોવાની મારી નૈતિક ફરજ છે. મારી આખી ટીમને મને સોંપવામાં આવેલી જવાબદારી માટે ગર્વ છે અને તે લોકો કોઈ પણ પ્રકારના ખચકાટ વિના મારા કમાન્ડ્સને અનુસરે છે. ટ્રેનિંગ દરમિયાન અમે લોકો સાથે ઊઠીએ-બેસીએ છીએ અને એક મજબૂત નાતો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સમયગાળો હું જીવનભર યાદ રાખીશ.’ વધુમાં જણાવે છે ભાવના.

લશ્કરમાં જોડાયા બાદ જીવનને લઈને એકદમ ક્રિસ્ટલ ક્લિયર અભિગમ ધરાવનારી આ વીરાંગના લશ્કરને કારણે કઈ રીતે તેના જીવનમાં પરિવર્તન આવ્યું એ વિશે જણાવે છે કે ‘પહેલાં હું કોઈ બાબતમાં નિર્ણય લેવામાં હંમેશાં ઢચુંપચું રહેતી, પરંતુ હવે લશ્કરમાં જોડાયા બાદ જવાબદારી અને ફરજને સમજી લીધા બાદ મારી આ આદત એકદમ બદલાઈ ગઈ છે. હવે હું આત્મવિશ્ર્વાસથી છલોછલ એક બીજી જ ભાવના બની ગઈ હોઉં એવું મને લાગ્યા કરે છે.’

તેનું માનવું છે કે દરેક મહિલામાં ક્ષમતા હોય જ છે, જરૂર છે બસ એ ક્ષમતાને ઓળખવાની અને તેને યોગ્ય દિશા આપવાની. લશ્કરમાં તેને ક્યારેય જાતિય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી, એટલું જ નહીં તે તો ત્યાં સુધી કહે છે કે એક વખત તમે ઓફિસર બનો એટલે પછી તમે એક મહિલા કે પુરુષ નથી રહેતાં. તમારે એટલું કામ કરવાનું હોય છે જેટલું એક પુરુષ ઓફિસરે કરવું પડે છે.

પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ વચ્ચેનું સંતુલન જાળવવામાં કેવી અડચણોનો સામનો કરવો પડે છે એની વાત કરતાં તે કહે છે કે ‘મારા પતિ (કૅપ્ટન ધીરજ) એક મેડિકલ ઓફિસર છે અને તેઓ ચંડીગઢમાં રહે છે. મારા અને ધીરજના લગ્ન એ લવ કમ અરેન્જ મેરેજ છે. હું અને ધીરજ એકબીજાને સ્કૂલના સમયથી ઓળખતા હતા, અમે લોકો એક જ જગ્યાએ ટ્યૂશનમાં જતાં હતા, પણ અચાનક જ અમે છૂટા પડી ગયા. પણ બાય લક એક દિવસ ફરી અમે બંને સામસામે ટકરાઈ ગયા અને પરણી ગયા, પરંતુ તેમ છતાં પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવામાં મારે પણ અન્ય મહિલાઓની જેમ ખેંચ-તાણ કરવી જ પડે છે.’

જોકે, આ વર્ષ માત્ર ભાવના માટે જ નહીં, પણ અન્ય બે મહિલા અધિકારીઓ માટે પણ ખાસ અને મહત્ત્વનું છે. જે રીતે ૭૧ વર્ષમાં પહેલી જ વખત કોઈ મહિલા લેફ્ટનન્ટ એએસસીનું નેતૃત્વ કરવા જઈ રહી છે એ જ રીતે પહેલી વખત લશ્કરની ડૅરડેવિલ્સ ટીમ (બાઈકર્સ ટીમ)માં પણ એક મહિલા અધિકારીએ પોતાની જગ્યા બનાવી લીધી છે. કૅપ્ટન શિખા સુરભિ એવી પહેલી મહિલા ઓફિસર છે જે લશ્કરના પુરુષ ઓફિસર સાથે મળીને બાઈકર્સ ટીમમાં સ્ટન્ટ કરતી જોવા મળશે. આર્મીની આ ડૅર ડેવિલ્સ ટીમે અત્યાર સુધી ૨૪ જેટલા રેકૉર્ડ્સ પોતાના નામે કર્યા છે અને આ ટીમનો હિસ્સો બનીને તે ખૂબ જ ખુશ છે.

જ્યારે કૅપ્ટન ભાવના સ્યાલ માટે પણ એટલું જ મહત્ત્વનું રહેશે. કૅપ્ટન સ્યાલ પણ સિગ્નલ્સ કૉરની છે અને તે ટ્રાન્સપોર્ટેબલ સેટેલાઈટ ટર્મિનલ સાથે પરેડમાં પોતાની ક્ષમતાનો પરચો આપતી જોવા મળશે. કૅપ્ટન ભાવના આ અંગે કહે છે કે ‘આ મશીન ડિફેન્સ કમ્યુનિકેશનનો જ એક હિસ્સો છે અને તે આર્મી જ નહીં પણ આર્મી, નેવી અને ઍરફોર્સ ત્રણેને જોડવાનું કામ કરે છે. વૉઈસ ડેટા અને વીડિયો કૉન્ફરન્સિંગની સુવિધા પણ પૂરી પાડે છે.

ભારતીય સૈન્યમાં મહિલાઓને હંમેશાં જ ઓફિસરના પદ માટે જ ભરતી કરવામાં આવે છે અને એ પણ શોર્ટ સર્વિસ કમિશન પર. મહિલાઓને કૉમ્બાટ ઓપરેશનમાં કોઈ પણ મહત્ત્વની જવાબદારી સોંપતા પહેલાં હજી પણ એ જ વર્ષો જૂની પુરુષવાદી વિચારધારા આડે આવે છે. એક મહિલા કઈ રીતે જંગનું નેતૃત્વ કરી શકે છે એવો સવાલ હજી પણ લોકોને થાય છે. આજથી દોઢસો વર્ષ પહેલાં જ્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, જૉન એફ આર્ક જેવી મહિલાઓએ જંગનું નેતૃત્ત્વ કર્યું હશે ત્યારે શું પુરુષ સૈનિકોએ તેમના નેતૃત્ત્વનો સહજતાથી સ્વીકાર કર્યો હશે? આ સવાલનો જવાબ કદાચ ના હશે, કારણ કે જો એવું હોત તો આ મહિલાઓએ ઈતિહાસ ના રચ્યો હોત.

દર વર્ષે ગણતંત્ર દિવસે પરેડ યોજાય છે અને આજે ૭૧ વર્ષે આ પરેડનું નેતૃત્ત્વ કરવાની જવાબદારી મહિલાને સોંપવામાં આવી છે, જ્યારે અન્ય દેશોમાં મહિલાઓને આ માન ખૂબ પહેલાં જ આપવામાં આવી ચૂક્યું છે. આટલા વર્ષે પણ જો ભારતીય સૈન્યમાં મહિલાઓને આટલી મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે તો ખરેખર આ મહિલાઓના જુસ્સા અને જૂનુનને સલામ છે, કે આખરે તેમણે પોતાના જોરે આ આ મુકામ હાંસલ કર્યો છે... સૅલ્યુટ છે બૉસ આ વીરાંગનાઓને!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

23Idm3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com