26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોપટે કરી ઑનલાઈન ખરીદી

ગુજરાતીમાં એક બાળગીત છે ‘પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે, તેને દેખીને મન મારું ડોલે’. પાળેલાં પંખીની વાત નીકળે તો પોપટને સૌથી ચતુર પક્ષી માનવામાં આવે છે. પાળેલો પોપટ માનવીની બોલી ઝડપથી શીખી જતો હોય છે. માલિક ઘરમાં આવે તેની સાથે તેની મીઠી બોલીમાં ‘આવો આવો’ બોલીને સ્વાગત કરતો હોય છે. અનેક વખત પોપટ મનમોહી લે તેવી મીઠી વાતો કરતાં પણ સાંભળવા મળે છે.

આધુનિક યુગમાં માનવીની પ્રગતિની સાથે પંખીઓને પણ પ્રગતિ કરવાનું મન થાય તે સ્વાભાવિક છે. તાજેતરમાં એક સમાચાર એવા મળ્યા છે કે એક પોપટે ઑનલાઈન ખરીદી કરી.

માંડીને વાત કરીએ તો આજકાલ ઑનલાઈન ખરીદીનો માહોલ બધે જ જોવા મળે છે. ઘરવખરી હોય કે ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી હોય કે દાગીનાની ખરીદી હોય મોટે ભાગે ઑનલાઈન જ કરવામાં આવે છે. લંડનના ઑક્સફોર્ડશાયરમાં આવેલા બ્લુબેરી ગામમાં નેશનલ એનિમલ વેલફેર ટ્રસ્ટ સેન્ચ્યુરી છે, જેમાંં મેરીઓન વિકનેવસ્કી નામે એક મહિલા કામ કરતાં હતાં. રોકો નામે એક ચબરાક પોપટ પણ આ સેન્ચ્યુરીમાં હતો. આ પોપટ મીઠી બોલી બોલવાને માટે નહીં પણ ગાળો બોલવાને માટે જાણીતો બન્યો હતો. કર્મચારી વર્ગ આ પોપટની બોલીથી સ્તબ્ધ હતા. મેરીઓનને પોપટ માટે અનુકંપા જાગી. તેણે પોપટને પોતાની સાથે રાખવાની અનુમતિ માગી. તેને અનુમતિ મળી ગઈ. પોપટ રોકો મેરીઓન સાથે રહેવા લાગ્યો. રોકો સંગીત સાંભળવાનો પણ શોખીન હતો. મેરીઓન ઘરે આવે ત્યારબાદ બંને રોમેન્ટિક ગીતના તાલે નૃત્ય કરીને આનંદ માણતા. એમેઝોનના સ્પીકર એલેક્સા દ્વારા મેરીઓન ઑનલાઈન ખરીદી કરતાં. ચતુર રોકો મેરીઓનની ખરીદીની આદતને ધ્યાનથી જોતો. મેરીઓન કામ માટે બહાર જાય એટલે રોકોએ પણ પોતાની ચતુરાઈનો ઉપયોગ કરીને સ્પીકર એલેક્સા ઉપર તેને મનગમતી વસ્તુઓ જેવી કે બ્રોકલી, તરબૂચ, દ્રાક્ષ, મનગમતા નાસ્તાની સાથે આઈસક્રીમનો પણ ઓર્ડર આપી દીધો. ચતુર પોપટે લાઈટ બલ્બનો પણ ઓર્ડર આપ્યો હતો. મેરીઓન જ્યારે કામ ઉપરથી ઘરે આવી ત્યારે તેને પોતાનું શોપિંગ લિસ્ટ જોઈને આશ્ર્ચર્ય થયું. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે રોકોએ તેની મનગમતી વસ્તુઓનો ઓર્ડર ઓનલાઈન આપી દીધો છે.

મેરાઓનનું કહેવું છે કે કામથી ઘરે આવ્યા બાદ પ્રતિદિન ઑનલાઈન ખરીદીનું લિસ્ટ ચેક કરવું પડે છે. રોકોએ કરેલી ખરીદીને તેણે રદ્ કરવી પડે છે. સામાન્ય રીતે મીઠું મીઠું બોલીને માલિકને રાજી કરતો પોપટ જમાનામાં આવેલા બદલાવની સાથે તેની હોંશિયારી દ્વારા ઑનલાઈન ખરીદી કરીને માલિકનું કામ ઓછું કરી આપી શકે છે તે હવે સ્વીકારવું જ રહ્યું. મેરીઓનનું કહેવું છે રોકો મારો પ્રિય છે. તેની સાથે સંગીતના તાલે મન ભરીને નૃત્ય કરવાનો આનંદ અવર્ણનિય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5713a24
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com