6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યે શહર ખૂબસૂરત હૈ

પ્રાસંગિક-મૌસમી પટેલઈટલીના રાજધાની રોમને ‘ઈટરનલ સિટી’ તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે આપણા બનારસ કે કાશીને સનાતન શહેર તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે આ એક એવું શહેર છે જે બે હજાર વર્ષ કરતાં પણ વધુ સમયથી વસેલું છે.

મધ્ય એશિયાનું એક શહેર એવું પણ છે કે જે રોમ કરતાં પણ વધુ જૂનું છે નામે યેરેવાન... આ એક નાનકડું પણ ખૂબ જ સુંદર શહેર છે. આર્મિનિયાની રાજધાની છે યેરેવાન. આર્મિનિયા અત્યાર સુધી સોવિયત સંઘનો હિસ્સો હતો, પણ હવે એક આઝાદ દેશ છે અને આ દેશની વસતી છે ત્રીસ લાખ. આ આંકડો ભારતની રાજધાની દિલ્હીની વસતી કરતાં પણ ઓછો છે.

ગયા વર્ષે આ નાનકડો દેશ ખૂબ જ લાઈમલાઈટમાં આવ્યો હતો, કારણ કે અહીં એ વખતે એક વૅલ્વેટ ક્રાંતિ થઈ હતી અને ખૂબ લાંબા સમયથી આ સ્થળ પર રાજ કરી રહેલાં સર્જ સર્ગસ્યાનને અહીંની જનતાએ ખૂબ જ શાંતિથી વિરોધ પ્રદર્શન કરીને પદ છોડવા માટે મજબૂર કરી દીધા હતા. સત્તાના આ હસ્તાંતરણની અસર હજારો વર્ષ જૂના યેરેવાન શહેર પર પણ જોવા મળી રહી છે અને ૨૮૦૦ જૂના વર્ષ જૂના આ શહેરમાં લોકો ફરીથી કારોબાર પર ભાર મૂકી રહ્યા છે અને દેશ અને શહેર છોડી ગયેલાં લોકો પણ અહીં પાછા ફરવા લાગ્યા છે. એટલું જ નહીં પર્યટનક્ષેત્રે પણ અહીં ક્રાંતિ જોવા મળી રહી છે.

યેરેવાનની ખાસિયત એ છે કે અહીંના બધા જ લોકો એકબીજાને ઓળખે છે અને એટલું જ નહીં તેઓ એકબીજાના મિત્રો તરીકેનો વ્યવહાર રાખે છે અને એનાથી પણ રસપ્રદ વાત તો એ છે કે અહીંના લોકો એકબીજા સાથે એટલી હદે જોડાયેલા છે કે જો લાંબા સમય સુધી કોઈ એક ચોક્કસ વ્યક્તિની ગેરહાજરી ધ્યાનમાં આવે તો તેઓ તેની શોધખોળ શરૂ કરી દે છે તો જો કોઈ વ્યક્તિ મહિનાઓ બાદ મળે તો તેને એટલા ઉમળકાપૂર્વક મળે છે અને આટલા દિવસ સુધી નહીં મળવાના કારણો વિશે ચોક્કસ પૂછે છે.

બીજી રીતે જોઈએ તો આર્મિનિયાની સંસ્કૃતિ એ મેલ-જોલ વધારનારી કહી શકાય અને બધાને સાથે લઈને ચાલવામાં માને છે. સમુદાયમાં જ્યારે કોઈ નવી વ્યક્તિ જોડાય એ વાતને ખૂબ જ સારી માનવામાં આવે છે. ભાષાના મામલે પણ અહીં લોકોમાં એક અલગ જ આદરભાવ જોવા મળે છે. પોતાની ભાષા પ્રત્યે આ લોકોનો ખાસ કોઈ દુરાગ્રહ નથી હોતો અને તેઓ અલગ અલગ ભાષા બોલનારાઓનું પૂરેપૂરું માન જાળવે છે. જોકે એવું નથી કે બીજાની સંસ્કૃતિ અને ભાષાનો આદર કરવામાં તેઓ પોતાની સંસ્કૃતિ અને ભાષાનો આદર કરવાનું ચૂકતા નથી. આર્મિનિયા અસીરિયા, મેસેડોનિયા, પર્શિયા અને ઓટોમાન સામ્રાજ્યનો હિસ્સો રહી ચૂક્યો છે અને એટલે અહીં અનેક સભ્યતાઓનો મેળ જોવા મળે છે.

અહીંના વેકેશન્સ અને રજાઓ પણ જૂની પરંપરાઓને અનુરૂપ જોવા મળે છે. ઈસ્ટરના ૯૮મા દિવસે ઊજવવામાં આવનાર વર્દાવાર અહીંનો લોકપ્રિય તહેવાર છે. આ દિવસે અહીં લોકો એકબીજા પર પાણી છાંટે છે (જેની સરખામણી ભારતના હોળીના તહેવાર સાથે કરી શકાય છે) અને આ તહેવાર અહીં ઈસાઈ ધર્મ આવ્યો તેના પહેલાંથી ઊજવવામાં આવે છે. ઉપરાંત અહીં એક ટ્રન્ડેઝમ નામનો તહેવાર ઉજવવામાં આવે છે, જે ક્રિસમસના ૪૦ દિવસ બાદ ઊજવવામાં આવે છે, જેમના નવા નવા લગ્ન થયા હોય તેમના માટે આ તહેવાર ખરેખર મહત્ત્વનો હોય છે, જેમાં પતિ-પત્ની એકસાથે આગ પરથી કૂદે છે.

અત્યારે સારા અને વૈભવી દિવસોમાં જીવી રહેલા આર્મિનિયાનો ભૂતકાળ દર્દનાક રહ્યો છે. પહેલાં વિશ્ર્વયુદ્ધ દરમિયાન ઓટોમાન તુર્કોએ અહીં મોટા પાયે કત્લેઆમ મચાવી હતી અને એક ડઝનથી વધુ અમેરિકન રાજ્યો આને તૂર્કીનો નરસંહાર માને છે, પણ એ વાત અલગ છે કે તૂર્કી આ વાતનો ઈનકાર કરે છે. જોતે તમામ મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યા બાદ પણ અહીંના લોકો ખૂબ જ ખુલ્લા અને મોટા મનના છે. નવા વિચારો અને નવા લોકોનું હૃદયથી સ્વાગત કરે છે.

યુરોપના અન્ય શહેરની સરખામણીએ યેરેવાન ખૂબ જ નાનકડું શહેર છે અને વીસ મિનિટમાં જ તમે શહેરના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી શકો છો. શહેરનો સૌથી મહત્ત્વો હિસ્સો છે કેન્ટ્રોન. કેન્ટ્રોનનો અર્થ થાય છે કેન્દ્ર. અહીં રસ્તાની બંને બાજુએ કૅફે આવેલા છે, જ્યાં લોકો હળેમળે છે અને એકબીજા સાથે વાત-ચીત કરે છે. આ ઉપરાંત પણ યેરેવાનની એક બીજી ખાસિયત છે અને એ ખાસિયત એટલે રાજસ્થાનના જયપુરની જેમ અહીં પણ મોટાભાગની ઈમારતો ગુલાબી રંગની છે એટલે એને પિંક સિટીના નામે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવિકતામાં આ ગુલાબી ઈમારતોને ટફ નામના પથ્થરથી બનાવવામાં આવી છે અને સવાર-સાંજના પ્રકાશમાં આ શહેર ગુલાબી-ગુલાબી દેખાય છે.

વૅલ્વેટ ક્રાંતિએ આ શહેરને ખૂબ જ ઓછા સમયમાં ધરમૂળથી બદલી નાખ્યું છે. કેટલીય પેઢીઓ પહેલાં દેશ છોડી ગયેલા લોકો હવે ફરી અહીં આવીને વસવા લાગ્યા છે. યેરેવાનમાં હાલમાં જ સ્માર્ટસિટી પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટની મદદથી અહીં નવી ટૅક્નોલોજીનો પાયો નાખવામાં આવી રહ્યો છે, જેથી લોકોનું જીવનધોરણ સુધરે અને તેઓ વધારે આરામથી જીવી શકે. વૉટિંગ માટે એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, એવા નવા સ્થળો ડેવલપ કરવામાં આવ્યા છે જ્યાં લોકો એકબીજા સાથે વિચારોનું આદાનપ્રદાન કરી શકે.

કોઈ પણ ઝડપથી વિકસી રહેલાં શહેર સાથે જે થાય છે એ બધું જ તમે યેરેવાનમાં અનુભવી શકો છો, પરંતુ પ્રદૂષણ અહીં એક મોટી સમસ્યા બની રહી છે. ખૂબ ઝડપથી અહીં પરિવર્તન આવી રહ્યું છે અને લોકો એ પરિવર્તનના સાક્ષી બની રહ્યા છે. આશા રાખીએ આ યેરેવાન અને આર્મિનિયાના લોકો સામે જે પડકારો આવી રહ્યા છે તેનો સામનો કરવામાં તેમને સફળતા મળે અને હજારો વર્ષ જૂના યેરેવાન શહેરને નવું રૂપ આપીને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6825nc22
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com