26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વતનમાં નાણાં મોકલવામાં એક નંબર છે બિનનિવાસી ભારતીયો

સાંપ્રત-લોકમિત્ર ગૌતમઆખી દુનિયામાં નોન રેસિડેન્ટ ઈન્ડિયન (એનઆરઆઈ) એટલે કે અનિવાસી ભારતીયો માટે કહેવામાં આવે છે કે એ બધા કરતાં વહેલો અને જલદી અમીર થઈ જાય છે. આનું કારણ પણ એવું છે કે એ લોકો જેટલું કમાય છે એની સરખામણીમાં બહુ જ ઓછો ખર્ચ કરે છે અને બને એટલા વધારેમાં વધારે નાણાં ભારતમાં પોતાને વતન, પોતાના ઘરે મોકલી આપે છે. આ માન્યતા ઘણાં દશકથી સ્થિર રહી છે અને ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૮માં પણ એટલી જ સાચી રહી છે. વર્લ્ડ બૅંકના ‘માઈગ્રેશન ઍન્ડ રેમિટન્સ’નામના અહેવાલમાં જણાવ્યા અનુસાર એનઆરઆઈ લોકોએ દુનિયાના અલગ અલગ ખૂણેથી ભારત ખાતે પોતાના ઘરે ૮૦ અબજ ડૉલર મોકલી આપ્યા હતા. આ ખરેખર બહુ મોટી રકમનાં નાણાં કહેવાય! આ ખરેખર બહુ મોટી રકમ એટલા માટે કહી શકાય કે દુનિયાના ૩૪થી વધારે રાષ્ટ્રોનું સામાન્ય બજેટ આ રકમ કરતાં ખાસ્સું ઓછું હોય છે. પાછલા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ ચીનાઓએ આમ નાણાં ઘરે મોકલાવાના મામલામાં ભારત કરતાં પાછળ જ રહેવું પડ્યું છે. એમ તો સંખ્યાના મામલે ચીની લોકો ભારતીયો કરતાં ખાસ્સા આગળ નીકળી ગયા છે. જોકે, વર્ષ ૨૦૧૮માં ભારતીયોએ ભારત ખાતે પાઠવેલા ૮૦ અબજ ડૉલરના મુકાબલે ચીની લોકો ફક્ત ૬૭ અબજ ડૉલર જ પોતાના વતનમાં મોકલી શક્યા છે.

અનિવાસી ભારતીયો પોતાને વતન બને એટલા વધારે પૈસા પોતાને ઘરે પાઠવી આપે છે એ વાત જગજાહેર અને જગતભરમાં ગાજેલી છે, પણ સવાલ એવો ઊભો થાય છે કે, ભારતીયો બીજા અનિવાસી નાગરિકોની સરખામણીમાં કમાઈ કમાઈને, કરકસર કરીને પોતાને ઘરે વધારે નાણાં શું કામ મોકલે છે? આ સવાલ સંબંધે વર્લ્ડ બૅંકની વાત માની લઈએ તો આમાં સૌથી વધારે ફાળો હોય તો તે સૌથી ઓછો ખર્ચ કરવાની કે કરકસરની વૃત્તિનો છે. ભારતીયો બીજા દેશોના નાગરિકોની સરખામણીમાં ખાવાપીવામાં સૌથી ઓછો ખર્ચ કરે છે. કેટલીક વાર તો આ ખર્ચ બીજા અનિવાસી નાગરિકોની સરખામણીમાં અડધો જ હોય છે. વળી, ભારતીયો બીજી એક બાબતમાં પણ ખાસ્સી બધી કંજૂસી-કરકસર કરતા હોય છે. એ લોકો બીજા રાષ્ટ્રોના નાગરિકો કરતાં મેડિકલ પર ઓછો ખર્ચ કરતા હોય છે. મોટાભાગના ભારતીયો નાની અમથી માંદગી કે તકલીફોમાં કોઈ પણ પ્રકારની તબીબી મદદ લીધા વિના જ સારા થવાના પ્રયાસો કરતા હોય છે!

ખરેખર તો આપણે વિદેશમાં વસતાં અને તેમના દ્વારા પોતાના દેશમાં મોકલાતાં નાણાંની વાત કરીએ છીએ ત્યારે એનો અર્થ વિકાસશીલ દેશોના એ લોકોની વાત કરીએ છીએ જે લોકો પૈસા કમાવા દુનિયાના અન્ય દેશમાં ગયા છે. જોકે, જગતના લગભગ બધા જ દેશોમાં આજકાલ ‘સ્થાનિક નોકરીઓ, સ્થાનિક લોકોને જ’ જેવા નારા અને મુદ્દા અસ્તિત્વમાં આવ્યા છે અને ક્યાંક વળી એ માટે આંદોલનો પણ ચાલ્યા છે. એમ છતાં વ્યાવહારિક સચ્ચાઈ તો એ જ છે કે, વિકાસશીલ દેશોના લોકોની વિકસિત જગતનાં રાષ્ટ્રોમાં નોકરીઓ મેળવવાની ટકાવારીમાં અને ત્યાં કમાઈને પોતાના એટલે કે વિકાસશીલ દેશોમાં મોકલાતી રકમમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં અનિવાસી નાગરિકોએ ૫૨૮ અબજ ડૉલર જેટલું ધન પોતાના વિકાસશીલ દેશોમાં મોકલ્યું, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ૧૧ ટકા વધારે છે.

આમ દુનિયાના કમજોર દેશના લોકો વિકસિત દેશોમાં જઈને સતત પોતાના દેશમાં નાણાં પાઠવવામાં ચડતી જાળવી રાખી છે. વિશ્ર્વ બૅંકની વાત માનીએ તો આવતા કેટલાક વર્ષોમાં આ સિલસિલો, આ સાંકળ કે પરંપરા અટકવાની કે ઊલટ થવાની નથી. વિશ્ર્વ બૅંકનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૯ આ મામલો વધશે અને આગામી ત્રણ વર્ષમાં આ રકમ વધીને ૬૮૯ અબજ ડૉલરની થશે. ટકાવારીના હિસાબે જોઈએ તો ગયા વર્ષે સૌથી વધુ બાંગલાદેશી લોકોએ પોતાના દેશમાં નાણાં પાઠવ્યા હતા એ પછીના ક્રમે પાકિસ્તાનીઓએ પોતાને વતન નાણાં મોકલ્યા હતા. ભારતીયોએ સામૂહિક રીતે સૌથી વધારે નાણાં દેશમાં પાઠવ્યા હતા. વિદેશોમાંથી ભારતીયો દ્વારા મોકલવામાં આવેલા નાણાં ભારતની કુલ રાષ્ટ્રીય ઊપજ-ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્ક્ટ (જીડીપી)ના ૨.૭ ટકા જેટલી છે.

હવે સવાલ એવો પણ થાય છે કે જ્યારે જગતભરમાં મંદીનો માહોલ છે ત્યારે અનિવાસી નાગરિકો પોતપોતાના દેશમાં એટલે કે વિકસિત દેશોમાંથી કમાઈને વિકાસશીલ દેશોમાં વધારેમાં વધારે નાણાં મોકલવામાં કેવી રીતે કામિયાબ રહ્યા? એના ઘણા કારણો છે તો પણ એના જવાબમાં એમ કહી શકાય કે, વર્ષ ૨૦૧૮માં અમેરિકાનું અર્થતંત્ર પાછલા કેટલાંક વર્ષોની સરખામણીમાં ખાસ્સી વધારે મજબૂત-દૃઢ રહ્યું હતું. ઑઈલની કિંમત પણ પાછલા વર્ષમાં ખાસ્સો સમય વધતી રહી હતી પછી લાંબા સમય સુધી એક ઊંચાઈ પર ટકી રહી હતી. આ કારણે અનિવાસી કે પ્રવાસી નાગરિકો તમામ આર્થિક ગતિને ધીમી પાડી દેનારી અપરોક્ષ મંદીની મારમાં પણ પોતાના દેશમાં વધારે નાણાં મોકલવામાં સફળ રહ્યા હતા. હવે જો ભારતીયોની જ વાત હોય તો ભારતીયો દ્વારા મોકલવામાં આવેલી નાણાં-રકમ વધારે હોવાનું, બીજું પણ એક એવું કારણ છે કે કામ કરનારા અથવા ઍક્ટિવ પ્રવાસી ભારતીય નાગરિકોની સંખ્યા સૌથી વધારે છે. લગભગ એક કરોડ, ૬૬ લાખ ભારતીયો જગતના જુદા જુદા દેશોમાં છે, જેઓ કાર્યશીલ છે અને જે તે દેશના વર્કફોર્સનો મહત્ત્વનો હિસ્સો છે. એમ જોવા જઈએ તો ચીનાઓની સંખ્યા ભલે ભારતીયો કરતાં ખાસ્સી વધારે હોય, પણ એ લોકોમાં બધા જ વર્કફોર્સનો હિસ્સો નથી કે માત્ર વર્કફોર્સ નથી. મોટા પ્રમાણમાં ઘરડાં ચીનાઓ પણ દુનિયાના કેટલાય દેશોમાં વસવાટ કરી રહ્યા છે.

વળી, બીજી પણ એક વાત નોંધવા જેવી છે કે વર્ષ ૨૦૦૦માં વિદેશોમાં રહેલા કામકાજી એટલે કે કામ કરનારા ભારતીયોની સંખ્યા ર્મા ૮૦ લાખની હતી તે હવે વધીને એક કરોડ, ૬૬ લાખની થઈ ગઈ છે એટલે કે છેલ્લાં ૧૮ વર્ષમાં એ બમણી થઈ ગઈ છે. હવે જો કોઈને કયા દેશમાં કેટલા ભારતીય વસે છે એવો સવાલ થાય તો સૌથી વધારે એટલે કે લગભગ ૩૩ લાખ ભારતીયો સંયુક્ત આરબ અમીરાતમાં વસે છે. એ પછીનો ક્રમ અમેરિકામાં વસતા ભારતીયોનો આવે છે, જે સંખ્યા લગભગ ૨૩ લાખની છે. કોઈ એક વિસ્તાર કે એક ક્ષેત્ર-પ્રદેશના હિસાબે જોઈએ તો સૌથી વધારે એટલે કે લગભગ ૮૯ લાખ ભારતીયો અખાતના દેશોમાં વસે છે અને લગભગ ૧૩ લાખ જેટલા ભારતીયો યુરોપમાં વસવાટ કરે છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝિલૅન્ડમાં ભારતીયોની સંખ્યા હાલમાં ઓછી છે. અનિવાસી ભારતીયો કે પ્રવાસી ભારતીયો દ્વારા મોકલવામાં આવેલી નાણાકીય રકમ દેશનાં વિકાસના કાર્યોમાં બહુ મહત્ત્વની સહાય બને છે અને ખાસ્સી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0k0l1R7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com