26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બંધ કરો આ બંધ

પરેશ શાહથોડા દિવસો પૂર્વે મુંબઈમાં જાહેર પરિવહન સેવા દ્વારા એટલે કે જાહેર બસસેવા ઉપક્રમ (બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ)ના કર્મચારીઓ દ્વારા પોતાની માગણીઓ મંજૂર કરાવવાના દબાણ સબબ નવ દિવસની હડતાળ પાડવામાં આવી હતી અને સામાન્ય નાગરિક તોબા પોકારી ગયો હતો. આપણા દેશમાં હડતાળ, બંધ અને આંદોલન આ ત્રણ એવા શબ્દો છે જેનો પાકો પરિચય તમામ ભારતવાસીઓને બચપણથી જ હોય છે. આવું વિરોધ પ્રદર્શન કરવા પાછળ કારણો અલગ અલગ હોઈ શકે છે, પણ એનો ભોગ ફક્ત એક જ ઘટક બને છે અને એ છે સામાન્ય નાગરિક. આવા વિરોધકાળ દરમિયાન સામાન્ય નાગરિકોની અવસ્થા કોથળામાં ભરેલી પાંચશેરીનો માર ખાતી વખતે એનું મોં દાબી દેવાયેલું હોય એવી થાય છે. એની સામેની વિકટ પરિસ્થિતિ પૂર્વવત્ થાય ત્યાં સુધી જે બની રહ્યું છે એમાં મોં બંધ રાખીને માર્ગ કાઢવા સિવાય એની પાસે બીજો કોઈ જ વિકલ્પ હોતો નથી. દેશવાસીઓને આખા વર્ષ દરમિયાન અનેક વખત આવી અવસ્થામાં સપડાઈને જીવવું પડે છે એ આપણે સૌ જોઈએ છીએ અને વાર-પ્રસંગે એ તકલીફો અનુભવીએ પણ છીએ. હડતાળ, બંધ, આંદોલનો વગેરે કારણે કાયમી કે રોજિંદું કામકાજ અચાનક અવરોધાઈ જતાં પ્રચંડ આર્થિક હાનિ થાય છે. આ હાનિના આકડાં જુદા જુદા હોય છે. સામાન્ય નાગરિક આવા અવરોધને રોજિંદા જીવનનો એક ભાગ માનીને દિવસો પસાર કરતો રહે છે અને ખુલ્લા અવાજે પોતાનું દુ:ખ વ્યક્ત પણ કરી શકતો નથી. એ વિશે થોડી વાત કરવી આવશ્યક છે, જે કદાચ દરેક નાગરિકનો અવાજ છે.

જાહેર પરિવહન સેવાની હડતાળ હોય ત્યારે મોટાભાગના રિક્ષાચાલકો (ટેક્સીધારકો-ચાલકો પણ આમાં આવી જાય) ઉતારુઓને-પ્રવાસીઓને બેફામ લૂંટતા હોય છે એની સૌને ખબર હશે અને અનુભવ પણ હશે! એ લોકો કાયમી ભાડાં કરતાં વધારે ભાડું માગીને સુંડલે મોંએ કમાણી કરી લે છે, જાણે એમના જીવનનો એ છેલ્લો દિવસ હોય. ‘કોઈને દુભવીને, કોઈનો રોષ પામીને આક્રોશ સહન કરીને કમાણી ન કરવી’, એમ ડાહ્યા માણસોએ ભલે કહ્યું હોય, આ પણ આ કથન આવા ‘લૂંટફાટિયા’ લોકોના ગળે ઉતરતું નથી અને ઉતારુઓના આવા કઠણ સમયમાં એમને સાથ આપવાને બદલે તેમના ખિસાં હળવા કરી લે છે. ખરી વાત એ છે કે રિક્ષામાં પ્રવાસ કરનારો પ્રવાસી સામાન્ય નોકરીકર્તા, નાનોમોટો ધંધાદારી-વેપારી અને ભણવા-પરીક્ષા આપવાની મથામણમાં દોડતા વિદ્યાર્થીઓ તો ક્યારેક માંદા માણસો અને અશક્ત વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ હોય છે. આવા કિસ્સામાં એક સમાન્ય માણસ બીજા સામાન્ય માણસને લૂંટતો હોવાનું આપણને સ્પષ્ટપણે સમજાઈ જાય છે. તમને લાગે છે કે એ સમયગાળામાં બે-પાંચ-સાત હજાર કમાઈ લેવાથી એના જીવનમાં ઝાઝો ફરક પડવાનો નથી તો પણ ‘અચાનક મોમાં આવી પડેલી પુરી’ની જેવી સુવર્ણતક તરીકે જ આ કપરાકાળને જોવામાં આવે છે. આ મામલે સામાન્ય નાગરિકના મનમાં ભારે રોષ છે.

રિક્ષાવાળા-ટેક્સીવાળાઓની હડતાળ હોય છે ત્યારે જાહેર પરિવહન સેવા આપનારા સામાન્ય નાગરિકોને લૂંટતાં નથી. ઊલટાનું ઉતારુઓ-પ્રવાસીઓની અગવડ ટાળવા માટે વધારાની બસો રસ્તા પર લાવી શકાય કે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવી શકાય એવા પ્રયાસોમાં રહે છે. આપણી પોતાની છાપને ‘કાળો’ રંગ લગાડી દેવામાં આપણે જાતે જ કેટલા બધા કારણભૂત છીએ એનો વિચાર કોઈ કરતું હોય એવું દેખાતું નથી. આવા કઠણ સમયે એક ઉપાય તરીકે કેટલાક નાગરિકોએ એવું સૂચન કર્યું હતું કે, જ્યારે જાહેર પરિવહન સેવાની હડતાળ હોય ત્યારે રિક્ષાવાળા-ટેક્સીવાળાઓએ પોતાના વાહનને અગ્રભાગે એક ખાસ રંગ (રંગ કયો હોય એ નક્કી કરી શકાય) લગાડી અથવા એક ચોક્કસ રંગનો ઝંડો લગાડીને નીકળવું. આવા ઝંડા લગાડેલી રિક્ષા-ટેક્સીનો ધારક-ચાલક રાબેતા મુજબનું મીટર રાખશે, શેરનાં ભાડાં પ્રમાણે જ ભાડું લેશે, એમ સામાન્ય નાગરિક સમજી શકશે. જે રિક્ષાટેક્સીધારકો-ચાલકો આમ કરતાં નથી એમનું વાહન તરત જ ઓળખાઈ જશે અને સમાચાર માધ્યમો પણ કયા વિસ્તારમાં કેટલી રિક્ષા-ટેક્સી રાબેતા પ્રમાણે સેવા આપશે એનો અંદાજ જણાવી શકશે.

જાહેર પરિવહન સેવા વ્યવસ્થા દ્વારા હડતાળ કરાઈ હોય ત્યારે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકોને, હાથ પર પેટ લઈ જીવતાં એટલે કે દૈનિક કમાણી કરનારાઓને ઘરે બેસી રહેવું તો પાલવે જ નહીં. સહેજ પણ પરવડતું ન હોવાં છતાં આવા લોકો રિક્ષાચાલકો દ્વારા કરાતી લૂંટ સહન કરીને કામ પર પહોંચવા તત્પર રહે છે. તાજેતરની બસ-હડતાળમાં રેલવે સ્ટેશનેથી ખાસ્સા અંદરના વિસ્તારોમાં રહેનારાઓની સ્થિતિ તો ખરેખર દયનીય હતી. લગભગ તમામ લોકો રિક્ષાચાલક મોં ફાડીને જે કહે એટલું ભાડું એના હાથમાં આપીને ચાલતી પકડતા હતા. મોટાભાગના લોકો આમ જ કરતા હોય છે અને હડતાળના સમયે ‘આવું જ થતું હોય છે, એમ જ થાય’ માનીને આવી લૂંટાવાની આદત એમને પડી ગઈ છે. આવા લોકોનું કામ એમનાં કામનાં સ્થળે પહોંચીને શરૂ થવાનું હોય છે જ્યારે આવી લૂંટનું કામ હડતાળ શરૂ થવાથી એનો અંત આવવા સુધી ચાલે છે... સમજો કે એ લૂંટમાર સમાજ પરનો અત્યાચાર છે. આ અન્યાયને ફગાવી દેવા માટે સંગઠિત રીતે શું કરી શકાય એનો વિચાર નાગરિકે જ કરવાનો છે. નાગરિકે શાંત ચિત્તે વિચારવું જોઈએ કે ‘આપણે ક્યાં સુધી આમ લૂંટાતા રહીશું?’

દવાવિક્રેતા, ટ્રાન્સપોર્ટવાળાઓ, મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના કર્મચારીઓ, બૅંકના કર્મચારીઓ અને અધિકારીઓ, વિવિધ ગવર્નમેન્ટ ક્ષેત્રના કર્મચારીઓ, પબ્લિક ટ્રાન્સપોટ સર્વિસિઝ, રિક્ષા-ટેકસી વગેરેની હડતાળ પડે છે. કશું મનવાંચ્છિત ન થયું, કશું અનિચ્છિત બન્યું તો એના વિરોધમાં હડતાળ, નહીં તો બંધ, નહીં તો આંદોલનો શરૂ જ કરી દેવાના. બંધ ન પાળીને, હડતાળ ન કરીને પણ વિરોધ દર્શાવવા શાંતિપૂર્ણ આંદોલનો થઈ શકે છે એ આપણે શીખવાનું બાકી છે. ભારત બંધ, મહારાષ્ટ્ર બંધ, ગુજરાત બંધ, બિહાર બંધ... વગેરેનું એલાન થતું રહે છે અને બંધના સમયે પબ્લિક પ્રોપર્ટી-જાહેર માલમત્તાની તોડફોડ મોટા પ્રમાણમાં થતી જ હોય છે. વળી, આ ઘટનાઓનું ન્યૂઝ ચૅનલો દ્વારા કરાતાં પ્રક્ષેપણથી લાગતાવળગતાઓને વધારે જોર ચઢે છે. પોતાના બંધનો પ્રભાવ કેવો છે એ સમાજને સમજાઈ જાય એ માટે હિંસક આંદોલન કરતાં પણ એ લોકો અચકાતા-ખચકાતા નથી. બીજે દિવસે અખબારોમાં એ સમાચારો પ્રકાશિત થાય છે. સામાન્ય રીતે બે દિવસ આ બાબતોને પ્રસિદ્ધિ મળે છે. આ હડતાળિયા કે બંધ પોકારનારાઓ પોતાની ખ્યાતિ માટે આવી બાબતોનો ભરપૂર ગેરલાભ લેતા હોય છે. બધા જ આંદોલનકર્તાઓ હિંસક છે અને બીજાઓને તકલીફ-હાનિ થાય એમ આંદોલન કરે છે એવું કહેવાનું તો હરગિજ નથી, પણ જે લોકો આ રીતે આંદોલનો કરે છે એમની આ વાત છે. મુંબઈમાં તાજેતરમાં નવ દિવસ બસસેવાની હડતાળ પડી હતી એ સંદર્ભે વાત કરીએ તો મહારાષ્ટ્ર રાજ્યના માથે ચાર લાખ, ૬૧ હજાર કરોડનું દેવું છે. દેશના દરેક નાગરિક પર ૬૧ હજાર રૂપિયાનું દેવું છે. વર્ષભરનાં બંધ, આંદોલન કે હડતાળના સમયમાં જે આર્થિક નુકસાન થાય છે તેના આંકડા જાહેર થવા જરૂરી છે એથી કેટલું નાણાંકીય નુકસાન થયું છે એ સમજાશે અને એમાં કયા ક્ષેત્રનું કેટલું યોગદાન છે એની તો ખબર પડવી જ જોઈએ.

પોતાની માગણી સંતોષાઈ ગઈ કે, માગણીઓ પૂર્ણ કરવાની ખાતરી મળી એટલે બધા જ શાંત થઈ જાય છે. આંદોલન-હડતાળ-બંધ પાછો ખેંચી લેવાય છે, પણ એને કારણે કેટલું નુકસાન થયું છે એની જાણ આવા આંદોલનકર્તાને થવી ના જોઈએ શું? થવી જ જોઈએ! એવી જ રીતે હડતાળ કે બંધનું એલાન કર્યા પછી જે માગણીઓ (ક્યારેક આંશિક રીતે) માન્ય કરવામાં આવે છે એ બંધ કે હડતાળ કર્યા પહેલા જ પૂર્ણ કરવી શક્ય છે કે નહીં એની સ્પષ્ટ માહિતી લાગતાવળગતાઓને આપવી અત્યાવશ્યક છે. કોઈ પણ પ્રકારના નુકસાનની ભરપાઈ સરકારની તિજોરીમાંથી જ કરવામાં આવતી હોય છે. ઉપરાંત બંધ-હડતાળ-આંદોલનમાં મોટા પ્રમાણમાં માનવબળનો ઉપયોગ કરવો પડે છે.

બીજી તરફ, હાથમાં માથું મૂકીને દેશનું રક્ષણ કરનારા લશ્કરી જવાનો ક્યારેય નાગરકિને બાનમાં પકડવાનું કામ કરતા નથી. તેઓ સરકારી કાર્યક્ષેત્રમાં ફરજ બજાવતા હોવા છતાં લશ્કરમાં હોઈને દેશના નાગરિકોને મુશ્કેલી પડે એવું કશુંય કરતા નથી. ઉપરાંત સરકારી ક્ષેત્રમાં ફરજ બજાવતા હોવા છતાં લશ્કરી જવાનોને અત્યંત કઠણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરવું પડતું હોય છે. મહિનાઓના મહિનાઓ તો ક્યારેક કેટલાંક વર્ષો સુધી તેમને પોતાના કુટુંબથી દૂર રહેવું પડતું હોય છે. સતત દુશ્મનોના હુમલાનો ઓથાર માથા પર હોવાની, ક્યારેક શહીદ થઈ જવાની કે ક્યારેક પકડાઈને શત્રુના કેદખાનામાં સબડવાની સંભાવના ધરાવતું જીવન આપણો દરેક જવાન જીવતો હોય છે. ક્યારેક દુશ્મનોનો સામનો કરવાનો થાય ત્યારે તેમની પાસે જીવન બચાવવાની આપાતી સુવિધા ટૂંકી-કાચી હોવાની સંભાવના પણ હોય છે... તો પણ ફક્ત અને ફક્ત દેશની સેવા કરવાના પ્રણ સાથે હાથમાં રહેલાં સાધનોની મદદથી શત્રુ પર એ તૂટી પડે છે. આવું સાહસ ફક્ત લશ્કરી જવાન જ કરી શકે છે અને કરે પણ છે એટલે જ સરકારી-અર્ધ સરકારી ક્ષેત્રોમાં કામ કરનારા દરેક ઘટકે લશ્કરી જવાન એટલે શું એ સ્પષ્ટપણે-નક્કરપણે સમજી લેવાની જરૂર છે. આ જવાનોની સરખામણીમાં આપણે અનેકગણાં સુખી છીએ તો પણ નાગરિકોને બાનમાં પકડવાની પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ. આ બાબત યોગ્ય છે કે અયોગ્ય એનો અભ્યાસ દરેક નાગરિકે પોતાની સમજણશક્તિ પ્રમાણે કરવો જ ઘટે!

હાથે કર્યા હૈયે વાગવાના છે એવી સમજણ આપતું એક સચોટ કથન મહાત્મા ગાંધીએ કહ્યું છે. એમણે કહ્યું છે કે, "તમે આજે જે કરો છો એના પર જ તમારું ભાવિ નિર્ભર છે. હડતાળ, બંધ અને આંદોલન કરવા પહેલા આ કથનને મન-અંતરમાં કંડારીને પછી જે કરવું છે એ કરીએ તો આપણે આપણા ભાવિને ખરાબે ચડાવવાથી દૂર રહી શકીશું એમ માની લેવામાં અતિશયોક્તિ નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4732FR
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com