26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચેરિટી ફાઉન્ડેશનને ત્રીજો પુત્ર માનીને ત્રીજા ભાગની સંપત્તિ દાન કરી

સંઘર્ષથી સફળતા-ધનંજય દેસાઈમૂળ ચીનના લી કા શીંગના માતા-પિતા બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન શિફ્ટ થઈને હોંગકોંગમાં સ્થાયી થયાં હતાં. લી કાનું ભણતર ચાલતું હતું ત્યાં તેમના પિતાનું અવસાન થતાં ૧૫ વર્ષની ઉંમરે ઘરની નાણાકીય જવાબદારી આવી પડતાં ભણતર છોડીને કામે લાગી જવું પડ્યું હતું.

પ્લાસ્ટિક કંપનીમાં થોડા વર્ષ કામ કરીને અનુભવ લીધા બાદ તેમણે બાવીસમાં વર્ષે પોતાનો પ્લાસ્ટિક બિઝનેશ શરૂ કર્યો હતો. તેમાં સફળતા મળ્યા બાદ રિયલ એસ્ટેટ, ટેલીકોમ, પોર્ટ, ઊર્જા, ઈલેક્ટ્રિક ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. અમુક કંપની હસ્તગત કરી હતી.

૨૦૧૩માં ડોકમાં મોટી હડતાળને કારણે પોર્ટના બિઝનેશને ફટકો પડ્યો હતો. જીવનમાં બીજો મોટો આંચકો તેમના મોટા પુત્રનું અપહરણ થતા સહન કરવો પડ્યો હતો. મોટી રકમ ચૂકવીને પુત્રને છોડાવ્યાના અહેવાલ હતા. નવાઈની વાત એ છે કે જેમણે અપહરણ કર્યું હતું તેઓ રોકાણ ટિપ માટે લી કાની સલાહ લેતા હતા.

૩૭ અબજ ડૉલરની વિપુલ સંપત્તિ છતાં તેઓ કરકસર અને સાદગીનું જીવન જીવ્યા છે. ચેરિટી ફાઉન્ડેશનને તેઓ ત્રીજો પુત્ર માનતા હોવાથી ત્રીજા ભાગની સંપત્તિ દાન- ધર્માદામાં આપી છે. વિશ્ર્વના ત્રીજા મોટા દાનેશ્ર્વરી ગણાય છે. તેઓ ઘડિયાળ હંમેશાં અડધો કલાક આગળ રાખતા હતા તેથી દરેક કામમાં આગળ રહ્યા છે. તેમની સફળ સફર વિશે વિગતે જાણીએ.

લી કા શીંગનો જન્મ ૨૯, જૂન ૧૯૨૮ના દક્ષિણ પૂર્વ ચીનના ગુઆંગ ડોંગ પ્રાંતના ચાઉએન ચાઉત્ઝુમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ લીધા બાદ માધ્યમિક શિક્ષણ થોડું લઈને છોડી દેવું પડ્યું... તેઓ ૧૫ વર્ષના હતા ત્યારે પિતાનું ટીબીના કારણે મરણ થયું હતું.

પરિવારને આર્થિક ટેકો આપવા સ્કૂલ છોડીને કામે લાગી જવું પડ્યું. નાની ઉંમરમાં નાણાકીય જવાબદારી આવી પડી. આમ તો પિતાની બીમારીના કારણે ૧૨માં વર્ષે જ ભણતા હતા ત્યારે પાર્ટટાઈમ કામ શરૂ કર્યું હતું.

બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન પરિવાર સધર્ન ચીનથી શિફ્ટ થઈને હોંગકોંગ સ્થાયી થયો હતો. ૧૫ મા વર્ષે પ્લાસ્ટિક ટ્રેડિંગ કંપનીમાં કામ ચાલુ કર્યું. અઠવાડિયાના સાતે દિવસ અને રોજના ૧૬ કલાક કામ કરતા હતા. એક પ્રકારે બાળમજૂરી કરી. છ વર્ષ તેમાં કામ કર્યા બાદ તેમણે પ્લાસ્ટિકનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. ૨૨ માં વર્ષે પ્લાસ્ટિક ઉત્પાદન-માર્કેટિંગમાં સફળતા મેળવી લીધી. ચેઉકોંગ ઈન્ડસ્ટ્રી ઊભી કરી.

હોંગકોંગમાં રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ કંપની શરૂ કરી જે હોંગકોંગ શેરબજારમાં લિસ્ટેડ છે. બાદમાં તેઓ વિસ્તરણ અને વૈવિધ્યકરણ કરતા રહ્યા. તેઓ ૧૫મા વર્ષે પ્લાસ્ટિક ફેકટરીમાં કામ કરતા હતા ત્યારે જે વેતન મળતું હતું તેમાંથી ૯૦ ટકા માતાને આપી દેતા હતા. ત્રણ વર્ષમાં સખત મહેનત બાદ તેઓ મૅનેજર બની ગયા હતા. યુદ્ધ સમયના શરણાર્થી તરીકે એક તબક્કે તેમણે સાબુ પણ વેચ્યા હતા.

તેમના મિત્રો સ્કૂલમાં ભણતા હતા ત્યારે ફુરસદના સમયે રમતા હતા. જ્યારે લી પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. તેઓ વધારે ભણી શક્યા નહીં, પરંતુ તેમને નોલેજની ભૂખ ઘણી હતી જે તેમણે અન્યો પાસેથી મેળવી.

એકાઉન્ટનું ભણ્યા નહીં છતાં એકાઉન્ટન્સીની નોકરી કરી તે માટે તેમણે સતત વાંચન કર્યું તથા ટેક્ષબુકમાંથી જાતે શીખ્યા. અન્યોની સલાહ લીધી.

યુવા વયમાં જ અનુભવોનું ભાથું લઈને તેમણે પ્લાસ્ટિકની અનેક આઈટમ બનાવવા માંડી. જોકે, પ્લાસ્ટિકના ફૂલ વધારે વખાણાયાં. કેનેડાની હસ્કી એનર્જીમાં મોટો હિસ્સો ખરીદ્યો. પ્રોપર્ટીના ભાવ ઘટતાં ત્યારે તેમાં રોકાણ વધારવાની વ્યૂહરચના તેમણે અપનાવી તેમાં સફળ રહ્યા. અન્ય બાબતમાં તેઓ બીજા વેચતા ત્યારે તેઓ ખરીદી લેતા હતા. આર્થિક રીતે સધ્ધર થતાં તેમણે બ્રિટનની પ્રખ્યાત હચીસન વોમપોઆ અને હોંગકોંગ ઈલેક્ટ્રિક હોલ્ડિંગ કંપની હસ્તગત કરી લીધી. ત્યાર બાદ તેમણે ટેલીકોમ, ઈલેક્ટ્રિક અને પોર્ટ ક્ષેત્રે ઝંપલાવ્યું. પોર્ટની હેરફેરમાં ૭૦ ટકા પર તેમનો અંકુશ આવી ગયો. બંદર સેકટરમાં તેઓ મોટા ઈન્વેસ્ટર ગણાતા હતા.

રિયલ એસ્ટેટ ડેવલપર, હેલ્થ-બ્યુટી ક્ષેત્રે મોટા રિટેલરમાં તેમનું સ્થાન મજબૂત થયું. ઊર્જા, ટ્રાન્સપોર્ટેશન, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ઝંપલાવ્યું. ૫૦ દેશોમાં તેમણે પાંખ ફેલાવી. લોકશાહી દેશોમાં મોટું રોકાણ કર્યું. ફેશબુકમાં એક તબક્કે મોટા રોકાણકાર હતા. વિશ્ર્વમાં ઝડપથી પ્રગતિ કરનાર ચીનના અલીબાબા ગ્રુપ સાથે પણ લી કાએ કામ કર્યું. હોંગકોંગમાં ડિજીટલ વોલેટ સર્વિસ લાવ્યા.

તેમણે મોબાઈલ ફોન કંપની ઓરેન્જને જર્મનીની કંપનીને ૧૫ અબજ ડૉલરના વેચી નાખી. પોર્ટ ક્ષેત્રે તેમના મોટા કામકાજને ૨૦૧૩માં પીછેહઠ સહન કરવી પડી હતી. ડોકમાં મોટી હડતાળ થતાં તેની અસર થઈ હતી.

મોટાભાગની વ્યક્તિ ૫૮માં વર્ષે નિવૃત્ત થાય છે.જ્યારે લી કાએ ૫૮ વર્ષ સુધી સક્રિય રહ્યા બાદ ૮૯માં વર્ષે નિવૃત્ત થયા હતા. હોંગકોંગના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકે વર્ષો સુધી પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. વિશ્ર્વમાં ૧૧મા અમીર વ્યક્તિ ગણાય છે.

તેઓ ૬૮ વર્ષના હતા ત્યારે તેમના માટે આઘાતજનક ઘટના બની હતી. મોટા પુત્ર વિકટર લીનું ગેંગસ્ટર દ્વારા અપહરણ કરાયું હતું. તેને અબજો ડૉલર આપીને છોડાવ્યાના અહેવાલ છે. હોંગકોંગના શ્રીમંત પરિવારો હંમેશાં ગેંગસ્ટરોના રડાર પર રહે છે. તેમાં લી કા પણ બાકાત નહોતા. સુરક્ષામાં જરા પણ ક્ષતિ રહી જાય તો અપહરણકારો સફળ થઈ જાય છે.

નવાઈની વાત એ છે કે જેમના પર અપહરણનો આરોપ હતો તેઓ રોકાણ ટિપ માટે લી ની સલાહ લેતા હતા. વિકટર લી તેમના અનુગામી તરીકે ચેરમેનપદે છે. બીજા પુત્ર રિચાર્ડ લી ટેલીકોમ અને અન્ય કંપની સંભાળે છે. બંને પુત્ર કેનેડાના નાગરિક છે અને નામ પણ એવા જ રાખ્યા છે. લી પોતે હોંગકોંગ અને કેનેડા બંનેનું નાગરિકત્વ ધરાવે છે. ૭૮માં વર્ષે લીની કદર કરીને તેમને લાઈફટાઈમ એચીવમેન્ટ એવૉર્ડ અપાયો હતો.

તેમનો સ્વભાવ કરકસરનો છે. ખોટાં ભપકામાં માનતા નથી. લાઈફ સ્ટાઈલ અત્યંત સાદી છે. તેમની પાસે ૩૭ અબજ ડૉલરથી વધુની સંપત્તિ છે. તે પૈકી ત્રીજા ભાગની એટલે કે લગભગ ૧૧ અબજ ડૉલરથી વધુની સંપત્તિ ચેરિટી- દાનમાં આપી દીધી છે. વિશ્ર્વના ત્રીજા મોટા દાનેશ્ર્વરી ગણાય છે. તેના પર એક નજર કરી લઈએ. તેમનું ફાઉન્ડેશન બીલ ગેટસ બાદ બીજું મોટું ફાઉન્ડેશન છે.

ચેરિટી ફાઉન્ડેશનને તેઓ ત્રીજો પુત્ર માને છે એટલે ત્રીજો ભાગ દાન કર્યો છે. લીએ યુનિવર્સિટી ડિગ્રી મેળવી નહીં, પરંતુ અનેક યુનિવર્સિટીને દાન આપ્યું અને અમુક યુનિવર્સિટી પણ ઊભી કરી.

મેલ્બોર્ન યુનિવર્સિટીને કૅન્સર રિસર્ચ માટે ડોનેશન આપ્યું.કેલિફોર્નિયા, સ્ટેનફોર્ડ, સિંગાપોર, ઓક્સફર્ડ યુનિવર્સિટીને દાન કર્યું. તેમના વતન નજીક મેડીકલ કૉલેજ અને યુનિવર્સિટી સ્થાપી. ગુઆંગડોંગ- ઈઝરાયલ ઈન્સ્ટિટયૂટ ઓફ ટૅકનોલૉજી સંયુક્ત સાહસમાં સ્થાપી. ટોરન્ટોમાં નોલેજ ઈન્સ્ટિટયૂટ ઊભી કરી.

સિંગાપોર મૅનેજમેન્ટ યુનિવર્સિટીમાં તેમના નામની લાઈબ્રેરી છે. યુકેમાં કેમ્બ્રીજ કૅન્સર રિસર્ચ સેન્ટરને લીનું નામ અપાયું છે. અનેક હૉસ્પિટલને ચેરિટી કરી છે. ભારત સહિત અન્ય દેશોમાં ભૂકંપ,પૂર સહિતની કુદરતી હોનારતમાં તેમણે મદદ કરી છે.

તેઓ ઓછું ભણ્યા પણ ગણ્યા વધુ તેથી જ તેમને સાંભળવા ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ- ઈજનેરીના વિદ્યાર્થીઓ બિઝનેશ લીડર હંમેશાં ઉત્સુક રહેતા હતા.

લીના પત્ની ગંભીર બીમારીના કારણે ૫૫ માં વર્ષે મરણ પામ્યાં પછી તેઓ ઢીલા પડી ગયા હતા. ઘણાં સંઘર્ષ કરીને સફળ થયેલા લીના ક્વોટ અને વિચાર જાણવાની સહુને ઉત્સુકતા હોય જ. તેમાના અમુક ક્વોટ અત્રે પ્રસ્તુત છે.

તમારી જાતને સતત સુધારતા રહો અને જોબ કે વ્યવસાયમાં બેસ્ટ આપવાનો પ્રયાસ કરો. મેં કર્મચારી (એમ્પ્લોયી) તરીકે ઘણા વર્ષ કામ કર્યું હતું તેથી તેઓને શું જોઈએ છે તે બરાબર જાણે છે એમ તેમનું માનવું છે.

હું કોઈને પણ યસ કહું એટલે આ શબ્દ કોન્ટ્રાક્ટ બની જતો હતો. લોકોને એટલો વિશ્ર્વાસ હતો. તેમણે સાદી અને સસ્તી ઘડિયાળ વર્ષો સુધી પહેરી હતી. ઘડિયાળ હંમેશાં અડધો કલાક આગળ રાખતા હતા તેથી દરેક કામમાં આગળ રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1Qh4332
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com