26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કે.એલ. રાહુલ: ફટકાબાજી કરતાં ફિયાસ્કાને કારણે વધુ ફેમસ થયો

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાકર્ણાટકના મેંગલોરમાં જન્મેલા ક્ધનનુર લોકેશ રાહુલ (કે. એલ. રાહુલ)એ ૧૧ જૂન, ૨૦૧૬ના દિવસે પોતાનું નામ ભારતીય ક્રિકેટની રેકૉર્ડ-બુકમાં સુવર્ણ અક્ષરે લખાવ્યું હતું, પરંતુ એના લગભગ ૩૧ મહિના બાદ તેણે એવું કામ કર્યું જેને કારણે સમગ્ર ભારતીય ક્રિકેટ-સમુદાયે શરમજનક સ્થિતિમાં મુકાઈ જવું પડ્યું. ૨૦૧૬ની સાલના એ દિવસે તેણે હરારેમાં ઝિમ્બાબ્વે સામે વન-ડેમાં સદી (અણનમ ૧૦૦) ફટકારી હતી. એ સેન્ચુરીએ ભારતને જિતાડ્યું હતું, પરંતુ રાહુલ ત્યારે સેન્ચુરી સાથે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો પ્રથમ ભારતીય ખેલાડી પણ બન્યો હતો. ત્યાર પછી તેને બીજી બાર જ વન-ડે રમવા મળી, પણ ટેસ્ટ અને ટી-ટ્વેન્ટીમાં ઘણું રમ્યો હતો.

રાહુલે ભારતીય ક્રિકેટ-સમુદાયને શરમમાં મૂકી દેતી તેમ જ યુવા વર્ગને ગેરમાર્ગે દોરતી કઈ હરકત કરી એના પર એક નજર કરી લઈએ: રાહુલે ૬ઠ્ઠી જાન્યુઆરીએ પ્રસારિત થયેલા જાણીતા ફિલ્મ ડિરેકટર અને પ્રૉડ્યુસર કરણ જોહરના ‘કૉફી વિથ કરણ’ ટીવી ટૉક-શોમાં હાર્દિક પંડ્યા સાથે ભાગ લીધો હતો અને કરણના સવાલોના ‘શૉકિંગ’ જવાબો આપ્યા હતા. તેમણે (ખાસ કરીને હાર્દિકે) સ્ત્રીઓને ઉતરતી બતાવતી તેમ જ સ્ત્રીઓનો માનભંગ કરતી કમેન્ટ્સ કરી હતી. હાર્દિકે બિયર બાર તથા નાઇટક્લબોમાં છોકરીઓ-મહિલાઓ સાથે પોતાનો વ્યવહાર કેવો હોય છે એની ‘વિચાર્યા વગર’ વાતો કરી હતી અને પોતાના પરિવારજનોને તેમ જ વિશેષ કરીને પોતાના મમ્મી-પપ્પાને ‘બદનામ’ કરતી ટિપ્પણીઓ કરી હતી. જોકે, રાહુલે હાર્દિકની તુલનામાં પોતાની સેક્સ-લાઇફ વિશે બોલવામાં થોડો સંયમ રાખ્યો હતો.

‘કૉફી વિથ કરણ’ શોની શરૂઆત રાહુલથી જ થઈ હતી. કરણ જોહરે સ્પોર્ટ્સ પ્રત્યેના પોતાના પ્રેમ વિશેની ભૂતકાળની વાતોથી શરૂઆત કરી હતી. જોકે, પ્રોગ્રામની ખરી શરૂઆત ત્યાર પછી થઈ હતી. રાહુલે ક્રિકેટ પ્રત્યેના પોતાના અનહદ પ્રેમની વાત કરવાની સાથે અંગત બનાવનો ઉલ્લેખ કરતા કરણ જોહરને કહ્યું, ‘હું ૧૮ વર્ષનો હતો ત્યારે એક દિવસ ક્રિકેટ રમીને ઘરે આવ્યો અને કપડાં બદલ્યા ત્યાર પછી મારી મમ્મીને મારી રૂમમાંથી એક કૉન્ડોમ મળ્યો હતો. મમ્મી મારા પર ખૂબ ગુસ્સે થઈ હતી અને મારા પપ્પાને કહ્યું, જુઓ તમારા લાડલાએ કેવું પરાક્રમ કર્યું છે, તેને જોરદાર ઠપકો આપો. મમ્મીના કહેવાથી પપ્પા મને મમ્મીની હાજરીમાં ખૂબ વઢ્યા તો ખરા, પણ મમ્મી રાત્રે સૂઈ ગઈ ત્યારે પપ્પા ધીમા પગલે મારી રૂમમાં આવ્યા અને પેલો કૉન્ડોમ મને પાછો આપતાં કહ્યું, જો બેટા...તું આનો ઉપયોગ કરે છે એનાથી હું ખૂબ ખુશ છું. તારે હંમેશાં આ રીતે સેફ રહેવું જોઈએ, પણ આ બધા માટે અમુક ચોક્કસ ઉંમર હોય એટલે તારે મહેરબાની કરીને હમણાં તો માત્ર ક્રિકેટ રમવા પર જ એકાગ્રતા રાખજે.’

ટીવી-શોમાં રાહુલને ‘કયો ક્રિકેટર ચડિયાતો, સચિન તેન્ડુલકર કે વિરાટ કોહલી?’ એવું કરણ જોહરે પૂછ્યું તો રાહુલે હાર્દિકની જેમ ફટ દઈને વિરાટ કોહલીનું નામ આપી દીધું હતું.

રાહુલ અને હાર્દિકને ક્રિકેટ બોર્ડે હાલમાં તો ક્રિકેટ રમવામાંથી સસ્પેન્ડ કર્યા છે અને તેમનો આ કિસ્સો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી ગયો છે.

હવે આપણે રાહુલના વિવાદાસ્પદ કિસ્સા પરથી ધ્યાન હટાવીને તેની કરિયર અને બીજી અંગત બાબતો વિશે જાણીએ. રાહુલે ૨૬મી ડિસેમ્બર, ૨૦૧૪ના દિવસે મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તે ટેસ્ટ-સ્પેશિયલિસ્ટ ઓપનર છે અને ૩૪ ટેસ્ટમાં તેણે પાંચ સેન્ચુરીની મદદથી કુલ ૧૯૦૫ રન બનાવ્યા છે. તેની બૅટિંગ-ઍવરેજ ૩૫.૨૭ જેટલી સાધારણ છે, પરંતુ તે એક વાર ડબલ સેન્ચુરીની લગોલગ પહેાંચી ગયા પછી આઉટ થઈ ગયો હતો. ડિસેમ્બર ૨૦૧૬માં તે ચેન્નઈમાં સાડાસાત કલાકની બૅટિંગ બાદ ૧૯૯ રનના વ્યક્તિગત સ્કોર પર ઇંગ્લૅન્ડના સ્પિનર આદિલ રશીદના બૉલમાં જૉસ બટલરના હાથમાં કૅચઆઉટ ન થયો હોત તો તેના નામે ટેસ્ટની પ્રથમ ડબલ સેન્ચુરી લખાઈ ગઈ હોત. જોકે, તેના એ ૧૯૯ રનનું યોગદાન ભારતને એક દાવ અને ૭૫ રનથી જીતાડવામાં બહુ મોટું પુરવાર થયું હતું. ‘મૅન ઑફ ધ મૅચ’ કરુણ નાયરના અણનમ ૩૦૩ રનના સ્કોર સામે રાહુલનો ફાળો નાનો હતો, પરંતુ એ ૧૯૯ રને રાહુલની કરિયરને જોરદાર સ્ટાર્ટ અપાવ્યું હતું.

રાહુલે પાંચમાંથી ચાર ટેસ્ટ-સદી વિદેશી ધરતી પર ફટકારી છે. ૧૩ વન-ડેમાં તેના એક સદી સહિત કુલ ૩૧૭ રન છે, જ્યારે પચીસ ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં પણ તેણે બે સેન્ચુરી ફટકારી છે અને ૧૪૮.૩૮ના મજબૂત સ્ટ્રાઇક-રેટ (દર ૧૦૦ બૉલદીઠ બનાવેલા રન) સાથે તેણે કુલ ૭૮૨ રન બનાવ્યા છે.

રાહુલ નવી પેઢીના ઓપનિંગ બૅટ્સમેનોમાં સૌથી ઉત્તમ દરજ્જાનો મનાય છે. ૨૦૧૦ના અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત છેક છઠ્ઠા નંબર પર રહ્યું હતું, પરંતુ એ સ્પર્ધામાં રાહુલનો પર્ફોર્મન્સ સાધારણ (૬ મૅચમાં ૧૪૩ રન) રહ્યો હતો. પછીના વર્ષમાં રાહુલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં રમવાની શરૂઆત કરી હતી અને ૨૦૧૩-’૧૪માં તેણે કુલ ૧૦૩૩ રનથી કર્ણાટકને રણજી ટ્રોફીનું ટાઇટલ અપાવ્યું હતું. એ રણજી સિઝનમાં તેણે ત્રણ સેન્ચુરી ફટકારી હતી, ત્રણ વાર નાઇન્ટીઝમાં રન નોંધાવ્યા હતા અને ફાઇનલમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો. એ પર્ફોર્મન્સને પગલે સનરાઇઝર્સ હૈદરાબાદે તેને આઇપીએલની નવી સિઝન માટે એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે હૈદરાબાદની ટીમનો વિકેટકીપર-બૅટ્સમૅન બન્યો હતો, પરંતુ પછીથી માત્ર બૅટ્સમૅન તરીકેની ભૂમિકા ભજવી હતી. ટેસ્ટ-ક્રિકેટમાં તે જે બૅટિંગ-ટેક્નિકથી રમે છે અને જે સમજદારીથી બોલરોનો સામનો કરે છે એને લીધે ભારતના અનેક પીઢ ખેલાડીઓ તેના પર આફરીન થઈ ચૂક્યા છે. રાહુલ દ્રવિડ જેવું જ નામ ધરાવતો કે. એલ. રાહુલ તેને (દ્રવિડને) ગુરુ માને છે અને મોકો મળે ત્યારે તેની પાસેથી ટેક્નિકલ બાબતોમાં અને મનોબળ વધારવા સંબંધમાં ટિપ્સ લઈ લે છે.

કે. એલ. રાહુલ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં સનરાઇઝર્સ હૈદરાબાદ ઉપરાંત કિંગ્સ ઇલેવન પંજાબ અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર વતી પણ રમી ચૂક્યો છે, પરંતુ ૨૦૧૬ના વર્ષની આઇપીએલ તેના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી, કારણકે એમાંના ૩૯૭ રનને પગલે તેને ભારતની વન-ડે અને ટી-ટ્વેન્ટી ટીમમાં સ્થાન મળ્યું હતું. રાહુલ એ આઇપીએલમાં વિરાટ કોહલીના સુકાન હેઠળની બૅન્ગલોરની ટીમ વતી રમ્યો હતો અને પછીથી વિરાટના જ નેતૃત્વ હેઠળની ભારતની મર્યાદિત ઓવરો માટેની ટીમોનો મેમ્બર બન્યો હતો.

રાહુલના બાળપણની વાત કરીએ તો તેનો ઉછેર મેંગ્લોરમાં થયો હતો. કે. એન. લોકેશ અને રાજેશ્ર્વરીના આ પુત્રને નાનપણથી ક્રિકેટ રમવાનો ભારે શોખ હતો. તેના પિતા પ્રોફેસર છે. તેની મમ્મી પણ શિક્ષિકા છે. રાહુલના પિતા કે. એન. લોકેશ સુનીલ ગાવસકરના ચાહક છે. તેઓ પોતાના પુત્ર (કે. એલ. રાહુલ)નું નામ ગાવસકરના પુત્ર (રોહન ગાવસકર)ના નામ પરથી રાખવા માગતા હતા, પણ તેઓ એવા જ ખ્યાલમાં હતા કે ગાવસકરના પુત્રનું નામ રાહુલ છે એટલે તેમણે પણ પોતાના પુત્રનું નામ રાહુલ પાડ્યું હતું.

કે. એલ. રાહુલે ૧૧ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાની શરૂઆત કર્યા બાદ ૧૮ વર્ષની ઉંમરે તે બૅન્ગલોર (હવે બેંગલુરુ)માં સ્થાયી થયો હતો અને ત્યાંની જૈન યુનિવર્સિટીની કૉલેજમાં ભણ્યો હતો. એ સાથે તેણે ક્રિકેટમાં કરિયર બનાવવા પર પણ ધ્યાન આપ્યું હતું.

આઇપીએલના ઇતિહાસમાં ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી (દિલ્હી ડેરડેવિલ્સ સામે ૧૪ બૉલમાં ૫૦ રન)નો વિક્રમ કે. એલ. રાહુલના નામે છે, પરંતુ તેની એ બધી ફટકાબાજી કરતાં લોકોને તેનો ‘કૉફી વિથ કરણ’વાળો ફિયાસ્કો કાયમ માટે યાદ રહી જવાનો છે એમાં બેમત નહીં હોય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

656wmlA
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com