26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અફલાતૂન માનવી, સૈનિક અને પ્રેમી

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહકોઈ ફિલ્મ, નવલકથા, નાટક કે ટીવી સિરિયલના હીરોના બધા સદ્ગુણનો સરવાળો કરીએ તો એ કોઈ સાચુકલા માણસમાં મળી આવે? ઈમ્પોસિબલ. બધા કહેવાના, પરંતુ મેજર શશિધરન વી. નાયરને મળ્યા હોય એ બધા એકીસૂરે બોલવાના: યસ, ઈટ ઈઝ વેરી મચ પોસિબલ.

હા, પુણેની ભાગોળે આવેલા ખડકવાસલાના રહેવાસી શશિધરન નાયરને બત્રીસ પ્લસ લક્ષણા કહી શકાય. વધુ વર્ણન કે વિશેષણોના વપરાશ વગર સીધેસીધા જાણીએ હકીકત, પણ એટલી ગેરન્ટી ખરી કે આવા માણસો હવે મળવા મુશ્કેલ છે હો.

મૂળમાં આ મલયાલી નાયર ફેમિલી કેરળનું, પણ સાડા ત્રણેક દાયકાથી રહે પુણેના ખડકવાસલામાં. એમાં ૧૯૮૫ની ૩૦મી જુલાઈએ શશિધરનનો જન્મ. એમના પપ્પા ખડકવાસલામાં આવેલા સેન્ટ્રલ વૉટર ઍન્ડ પાવર રિસર્ચ સ્ટેશનમાં નોકરી કરે. શશિધરને કેન્દ્રીય વિદ્યાલયમાં એસ.એસ.સી. પૂરું કર્યું. એ જ સમયે જીવનનો સૌથી મહત્ત્વનો નિર્ણય લઈ લીધો હતો કે ભવિષ્યમાં કરવું શું છે? મંઝિલ નક્કી કરી લીધી કે આપણે બીજું કંઈ કરવું નથી, લશ્કરમાં જોડાવું છે, સૈનિક બનવું છે અને માતૃભૂમિની રક્ષા કરવી છે બસ.

પુણેની બહુપ્રતિષ્ઠિત ફર્ગ્યુસન કૉલેજમાંથી બી.એસ.સી. પાસ કર્યું, ખૂબ સારા માર્ક્સ સાથે. આમાં માર્ક્સ કરતાં વધુ મહત્ત્વની બાબત એ કે ઘરથી કૉલેજ સુધીનું ૩૦ કિલોમીટરનું અંતર રોજ સાઈકલ પર જ કાપવાનું. માર્ક્સને પ્રતાપે લોભામણી, આરામદાયક

અને મહત્ત્વાકાંક્ષી કારકિર્દીની શક્યતા ડોકિયા કરવા

માંડી, પણ આ વિકલ્પોનો પળભરેય વિચાર કર્યા

વગર એ તો નીકળી પડ્યા સપનું સાકાર કરવાની

દિશામાં.

લશ્કરમાં જોડાવાની ઉત્કટતા દિનબદિન વધતી જતી હતી. એમાંય યુનિવર્સિટીમાં ભણતર દરમિયાન ઉત્કૃષ્ટ એન.સી.સી. કૅડેટ સાબિત થયા, એટલે વિશ્ર્વાસમાં ભરતીના ઉછાળા થતા રહ્યા. ત્યાર બાદ એન.ડી.એ. (નેશનલ ડિફેન્સ ઍકેડેમી)માં ત્રણ વર્ષની આકરી તાલીમ પણ સફળતાપૂર્વક પૂરી કરી.

૨૦૦૬માં તેઓ દહેરાદૂન સ્થિત ઈન્ડિયન મિલિટરી ઍકેડેમીમાં જોડાયા. ત્યાર બાદ ૨૦૦૭માં લશ્કરમાં જોડાયા. તેમણે પુણેની કૉલેજ ઑફ મિલિટરી એન્જિનિયરિંગની કેડેટ્સ ટ્રેઈનિંગ વિંગમાં ઈન્સ્ટ્રક્ટર તરીકેની કામગીરી પણ સફળતાપૂર્વક પાર પાડી. અગિયાર વર્ષની લશ્કરી સેવા દરમિયાન ઊંચાઈવાળા જોખમી સ્થળ ઉપરાંત ત્રાસવાદ વિરોધી કામગીરીમાં ઘણી જવાબદારી નિભાવી જાણી એ પણ સફળતાપૂર્વક. એટલું જ નહિ એ માણી પણ ખરી, કાયમ હસતા હસતા.

એક નાગરિક, એક યુવાન અને એક સૈનિક તરીકે મેજર શશિધરને બજાવેલી કામગીરીની સરખામણી થઈ શકે એવા ઉદાહરણ મળી આવે, પરંતુ એક સહૃદય માનવી, પ્રેમી અને પતિ તરીકેના દૃષ્ટાંત ભાગ્યે જ મળે.

શશિધરનની લવ-સ્ટોરી ખૂબ જ હટકે છે. આજના યુવાનોએ જાણવા-સમજવા જેવું છે કે સંબંધ, પ્રેમ, કટિબદ્ધતા અને લગ્ન એટલે ખરેખર છે શું?

મેજર શશિધરન ૨૭ વર્ષના હતા ત્યારે તેમની પ્રેમકથાના શ્રીગણેશ થયા. એક કોમન ફ્રેન્ડ મારફતે ૨૬ વર્ષની તૃપ્તિને મળ્યા. ને બન્ને પડી ગયા પ્રેમમાં. પહેલી જ નજરનો પ્રેમ. તૃપ્તિ કૉમ્પ્યુટર ક્ષેત્રે ઉજ્જવળ ભાવિ ધરાવતી હતી, પરંતુ શશિધરન અને તૃપ્તિને કયાં સફળતા, કારકિર્દી કે મહત્ત્વાકાંક્ષાની તમા હતી. એ બન્ને તો એકમેકમાં ખોવાઈ ગયા. ગળાડૂબ પ્રેમ. લગભગ છ મહિના પછી બન્નેની સગાઈ થઈ ગઈ. પરફેક્ટ કપલ એકદમ ખુશખુશાલ હતું. જાણે સ્નેહના સ્વર્ગમાં વિહરતું હતું.

પરંતુ નિયતિને આ કયાં મંજૂર હતું? સારા કામમાં સો વિઘ્નની કહેવતને માથે સાચું પડવાનું દબાણ આવ્યું. અચાનક નિદાન આવ્યું કે તૃપ્તિને મલ્ટીપલ આર્ટ્રિરિયોક્લેરોસિસ (શિરાઓની ધમની સખત થાય તેવો રોગ) થયો છે. બહુધા આ તકલીફ મોટી ઉંમરમાં થતી હોય છે, પણ તૃપ્તિને તો એકદમ યુવાન વયે બીમારી થઈ. આ સાથે જ એ સ્ફૂર્તિલી-ચેતનવંતી યૌવના અચાનક વ્હિલચૅરની આશ્રિત બની ગઈ.

આ સાથે જ ઘણાં ખાસ મિત્રો અને સાથીઓએ મેજરને સલાહ આપી કે તૃપ્તિને છોડી દે, સગાઈ તોડી નાખ, પરંતુ શશિધરન અડગ રહ્યા. નથિંગ ડુઈંગ.

મેજરે એક જ બાબતને પ્રાધાન્ય આપ્યું: પ્રેમ, પ્રેમ અને પ્રેમ. કોઈ શંકા-કુશંકાની પરવા કર્યા વગર તેમણે ધરાર તૃપ્તિ સાથે થોડા મહિનામાં જ લગ્ન કરી લીધા.

જાણે આ યુગલની ફતેહથી નિયતિ વધુ વિફરી. તૃપ્તિને પેરેલિસિસનો અટેક આવ્યો અને કમરથી નીચેનો ભાગ સાવ નિર્જિવ-નકામો થઈ ગયો. આનાથી શશિધરન જરાય વિચલિત ન થયા કે ન એમનો પ્રેમ ઘટ્યો. આ યુવાન કપલ કાયમ સાથે રહે. શક્ય હોય ત્યારે બન્ને પાર્ટી કરે. મહેફિલમાં જાય. શક્ય એટલા સત્તાવાર સમારંભમાં હાજર રહે, જ્યાં વ્હિલચેર ન જઈ શકે, ત્યાં મેજર અર્ધાંગિનીને ઊંચકીને ગર્વભર સસ્મિત આગળ વધે. તૃપ્તિએ પણ લશ્કરના રીતરિવાજ શીખી, સમજી અને સ્વીકારી લીધા. પત્નીની બીમારીને નામે મેજરે ક્યારેય બદલીમાં ન રાહત માગી કે ન ફરજમાં કચાશ રાખી.

આ સાથે બધાને મેજર શશિધરન માટેનું માન સતત વધતું ગયું. કેવું અદ્ભુત યુગલ છે! કેવો અફલાતૂન પ્રેમ છે.

મેજર નાયરની સંબંધ-સાથી પ્રત્યેની ઉત્કટતા અને કટિબદ્ધતાએ ભારતને જ નહિ, સમગ્ર વિશ્ર્વને રિલેશનશિપના ઊંડાણ-અગત્યતાના નવા પાઠ શિખવ્યા.

બંનેએ છ વર્ષનું ભરપૂર ઉદાહરણરૂપ સહ-જીવન વિતાવ્યા બાદ ડિસેમ્બર-૨૦૧૮માં મેજર એક મહિનાની રજા લઈને આવ્યા. પૂરેપૂરો સમય પરિવાર સાથે વિતાવ્યો. કેટકેટલાં સંભારણા આપ્યા ને લીધા. રજા બાદ મેજરની પૉસ્ટિંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ, તો તેમણે તૃપ્તિને સધિયારો આપ્યો: ડરતી નહિ, હું બહુ જલદી તારી પાસે પાછો આવીશ.

મેજર શશિધરન તો ફરજમાં જોતરાઈ ગયા, પણ ઘરવાળા પર શું વીતી હશે એની કલ્પના શક્ય નથી, પણ રજા પૂરી થયાના દસ દિવસ બાદની સવારે તેમણે ઘરે ફોન કર્યો. ખાસ તો મમ્મી સાથે વાતચીત કરી. સૈનિકોના આવા એક-એક ફોનથી ઘરવાળાને કેટલા રાહત-ખુશી મળતા હશે? ફોન મુકાયાની બીજી જ પળેથી શરૂ હશે નવેસરથી ટેન્શન અને ઈંતેજાર.

કાશ્મીરથી બીજો ફોન આવ્યો બરાબર દસ દિવસ બાદ. શુક્રવાર, તા. ૧૧-૦૧-૨૦૧૮ની સાંજે સરહદ પાસે પાકિસ્તાને બિછાવેલા આઈ.ઈ.ડી. (ઈમ્પ્રુવાઈઝડ, એક્સપ્લોઝિવ ડિવાઈસ)ના ધડાકામાં મેજર શશિધરન વીરગતિ પામ્યા. રાજૌરી જિલ્લાના નૌશેરા પ્રાંતમાં રૂપમતી અને પુખ્ખરણી ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ કરેલા આઈ.ઈ.ડી. વિસ્ફોટમાં ગુરખા રાઈફલ્સના ૩૧ વર્ષના મેજર નાયર અને વધુ એક સૈનિક જીવન ગુરંગે જીવ ગુમાવ્યા. નિયંત્રણ રેખા પાસે ઘૂસણખોરી માટે સૈનિકોના માર્ગને લક્ષ્ય બનાવવા માટે આતંકવાદીઓએ આ ધડાકા કરાવ્યા હતા. પાકિસ્તાને ફરી યુદ્ધ-વિરામનો ભંગ કર્યો અને આપણા બત્રીસલક્ષણા દેશ માટે ખપી ગયા.

મેજર જેવા ઉમદા માનવીની અકાળે ચિરવિદાયથી કુટુંબીજનો જ નહિ સંપૂર્ણ શહેરના રહેવાસીઓ વ્યથિત, દુ:ખી-દુ:ખી થઈ ગયા. આ વીરના અંતિમ દર્શન માટે પુણેવાસીઓ ઊમટી પડ્યા હતા. એકદમ સ્વયંભૂ ધસારો જોઈ લો. ‘શશિધરન ઝિંદાબાદ’, ‘ભારત માતાકી જય’, ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ જેવા સૂત્રોમાં જોશ વધતું જતું હતું.

હકીકતમાં તો શનિવારે રાતે મેજરના પાર્થિવદેહને ખાસ વિમાનમાં પુણે લવાયો. લશ્કરના સધર્ન હેડક્વાર્ટરમાં બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં અંતિમ દર્શન માટેની વ્યવસ્થા કરાઈ. સક્રિય-નિવૃત્ત સૈનિકો અને લશ્કરી અધિકારીઓએ પુષ્પચક્ર થકી વીરને અંજલિ આપી

હતી.

બીજા દિવસે એટલે રવિવારે સવારે ખડકવાસલા સ્થિત ઘરમાં એટલો સન્નાટો હતો કે સૌને એકમેકના શ્ર્વાચ્સોચ્છ્વાસ સંભળાય, પરંતુ ગુસ્સો હતો કે આપણા શ્ર્વાસ ચાલે છે અને જેના ચાલવા જોઈએ એના તો બંધ થઈ ગયા છે! સદ્ગતના નાની, માતા લતા, પત્ની તૃપ્તિ અને બહેન શીના એકદમ ગુમસુમ હતા. રઘવાયા થઈને એકમેક સામે જુએ એટલે આંખમાં આંસુ ધસી આવે. આવા સમયે હિમ્મત આપે એવો કોઈ પુરુષ આસપાસ નહિ, કારણ કે શશિધરનના પિતા થોડાં વર્ષ અગાઉ જ સ્વર્ગે સિધાવી ગયા હતા.

રવિવારે સવારે ખડકવાસલાના ઘરેથી શહીદ મેજર શશિધરન નાયરની અંતિમ યાત્રાનો આરંભ થયો. પુણેકરની ભારે ભીડ વચ્ચે સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે વૈકુંઠ સ્મશાનભૂમિએ મુકામ આવી ગયો. સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે માનવંદના અપાઈ, પછી કેરળથી ખાસ આવેલા માસિયાઈ ભાઈ આશ્ર્વત નાયરે શહીદના પાર્થિવદેહને મુખાગ્નિ આપ્યો.

મેજર શશિધરન વી. નાયર જેવા માનવી હવે ભાગ્યે જ આપણી વચ્ચે દેખાવાના કે આવવાના. કદાચ એટલે જ ઉપરવાળાને એમની હાજરી-સહવાસની વધુ જરૂર પડી હશે.

થેન્ક યુ ઍન્ડ સૅલ્યુટ મેજર શશિધરન નાયર સર. તુમ કો ન ભૂલ પાયેંગે.

-----------------------

જાનથી પ્યારા પતિને સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે વસમી વિદાય આપતી પત્ની (ઉપર)

સગાઈ પછીની રોમાંચક પ્રેમની પળોમાં ખુશખુશાલ શશિધરન અને તૃપ્તિ (જમણે)

લશ્કરી ગણવેશમાં સજ્જ મેજર શશિધરન નાયર (એકદમ જમણે)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6o877A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com