26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિખરની ટોચે રાષ્ટ્રગીતનું ગાન

કવર સ્ટોરી-નિધિ ભટ્ટસ્વાતંત્ર્ય દિન હોય કે પ્રજાસત્તાક દિન હોય આપણે બધા સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિનો ગર્વ લેતા હોઈએ છીએ. રાષ્ટ્રગીતને કોઈ ખાસ જગ્યાએ ગાવામાં આવે ત્યારે તે અમૂલ્ય બની જતું હોય છે. ભારતનો ત્રિરંગો ફરકાવીને એકલપંડે રાષ્ટ્રગીત ગાવાનો લહાવો મળે તેનો આનંદ કંઈક હટકે જ હોય છે. બૅંગલુરુ સ્થિત ૩૫ વર્ષીય યુવાનની આ વાત છે. એકલપંડે ભારતીય ધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીત લલકારીને ભારતનું નામ દેશ-વિદેશમાં રોશન કરી દીધું છે. વિશ્ર્વના વિખ્યાત સાત શિખર (સમીટ)ને સર કરીને ભારતનું રાષ્ટ્રગીત સર્વશ્રેષ્ઠ ટોચ ઉપર ગવાય ત્યારે પ્રત્યેક ભારતીયનું માથું ગર્વિષ્ઠ બને જ. ચાલો, આજે એક એવી વ્યક્તિને મળીએ જેમણે અસહ્ય કહેવાય તેવા રોગને માત આપી. તન-મનની ઉપર કાબૂ મેળવીને એક નવા જ શોખને કેળવ્યો. દુનિયાને બતાવી આપ્યું કે જીવનમાં જો જીતવું હોય તો કંઈ પણ મુશ્કેલ નથી. નામ છે તેમનું સત્યરૂપ સિદ્ધાંત. વ્યવસાયે તેઓ એન્જિનિયર છે. ૩૫ વર્ષની વયે સત્યરૂપ સિદ્ધાંત આ સિદ્ધિ મેળવનારા પ્રથમ ભારતીય બની ગયા છે.

તા ૧૬મી જાન્યુઆરીને બુધવારના રોજ સત્યરૂપે ઍન્ટાર્કટિકા સ્થિત વૉલ્કેનિક શિખર ‘માઉન્ટ સિડલે’ ૪૨૮૫ મીટરની ઊંચાઈને આંબી. પહાડની ટોચ ઉપર પહોંચીને ભારતીય સમય અનુસાર વહેલી સવારના સાડા છ વાગ્યાના સુમારે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રગીત ગાયું. ગિનિસ બુકના રેકોર્ડ મુજબ ઑસ્ટ્રેલિયાના ૩૬ વર્ષીય ડેનિયલ બુલના નામે રેકૉર્ડ હતા. ડેનિયલે ૨૦૦૬થી ૨૦૧૭ના સમયગાળામાં ૧૫૭ દિવસના ગાળામાં ૭ સમીટ તથા ૭ વૉલ્કેનિક સમીટને સર કયાર્ર્ં સત્યરૂપ સિદ્ધાંત સૌથી નાની વયે ફક્ત ૨૦૧૨થી ૨૦૧૯ના સમયગાળાની અંદર ૨૭૪ દિવસમાં ૭ સમીટ તથા ૭ વૉલ્કેનિક શિખરને સર કરીને પ્રથમ ભારતીય નાગરિક બની ગયા છે. ૧૦ જાન્યુઆરીથી તેમણે ચઢાણ શરૂ કર્યું હતું. મંગળવારે તેમણે બૅઝ કૅમ્પ ઉપર પહોંચતા ભારતીય સમયાનુસાર ૮-૨૦ મિનિટ હતો. સત્યરૂપે ફોન ઉપર માહિતી આપી હતી કે સુસવાટા મારતો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. આસપાસ ઘણું જ ધૂંધળું દેખાય છે. માલસામાન પણ તેમણે જાતે જ ખેંચવો પડતો. ચારેબાજુ ફક્ત બરફની ચાદર જ છવાયેલી જોવા મળે છે. ટોચ ઉપર પહોંચવા માટે બરફને સતત તોડતા જવું પડતું હતું. આખરે હું સફળ બન્યો. ફક્ત સાતથી આઠ પર્વતાહોરક આ શિખરને સર કરી શક્યા છે.

સત્યરૂપનું કહેવું છે કે બાળપણમાં અસ્થમાના રોગને કારણે ૧૦૦ મીટર ચાલવાનું થાય તો પણ થાકી જતો. મનમાં એક પ્રકારનો ડર બેસી ગયો હતો. ડરને કારણે પ્રત્યેક પ્રવૃત્તિ ઉપર થોડી લગામ લાગી ગઈ હતી. મારી ઈચ્છા હતી તેમાંથી બની શકે તેટલું ઝડપથી બહાર નીકળવું. ખાવા-પીવાની પણ પરેજી પાળવી પડતી. કુટુંબીજનોના સહકાર સાથે હું મારી પીડાને દૂર કરવાના વિવિધ પ્રયાસો કરતો. મારી જાતને વિવિધ પડકારો આપવાના પ્રયોગ પણ કરતો. કોઈપણ જાતની દવા લીધા વગર મક્ક્મ મનોબળથી હું વિવિધ વાનગીઓને ખાવાનો પ્રયાસ કરતો. ક્યારેક એવું પણ બનતું કે વાનગીઓને કારણે મારું સ્વાસ્થ્ય બગડી જતું. અનેક વખત લાગતું કે મૃત્યુ નજદીક છે. કપરી સ્થિતિમાં મનોબળને મક્કમ રાખવાનો નિર્ધાર કરતો રહેતો. કહેવાય છે ને કે પ્રત્યેક વ્યક્તિનું પ્રારબ્ધ વ્યક્તિના હાથમાં જ છે. બસ, આ જ વાતને હું વાગોળતો રહેતો. મનોમન જીવનમાં સફળતાના શિખરોને આંબવાનું નક્કી કરી લીધું. જીવનમાં શિસ્ત, યોગ્ય આહાર અને સંક્લ્પને અપનાવ્યા. સાત વર્ષથી તંદુરસ્ત જીવન જીવી

રહ્યો છું.

જે કંપનીમાં કામ કરતો હતો તેના બૉસે એક વખત પર્વતારોહણનો એક વિડિયો મને બતાવ્યો. તે સમયે પ્રથમ વખત લાગ્યું કે ભારતમાં પણ પર્વતારોહણનો આનંદ માણી શકાય છે. તેમનું વજન થોડું વધારે હતું. તેમ છતાં તેમણે પ્રયાસ ર્ક્યો હતો. મને પણ લાગ્યું કે હું પણ અસ્થમાના રોગને પર્વતારોહણથી પછાડવાનો પ્રયોગ કરી શકું છું. તેમની આગળ મારી પર્વતારોહણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રથમ વખત મેં મનીપાલમાં પર્વતારોહણની મજા માણી. બસ, ત્યારથી પર્વતો પ્રત્યે આકર્ષણ લાગ્યું. પહાડોની સુંદરતા તથા ભવ્યતાનું મને ગજબનું આકર્ષણ લાગ્યું. વિશ્ર્વભરના વિવિધ શિખરોની જાણ થઈ. વળી તે સર કરવાની ઈચ્છા જાગી. વિશ્ર્વભરના વિવિધ ખંડમાં આવેલા શિખરોને સર કરવાનો નિર્ધાર ર્ક્યો. ઘોડેસવારી તથા પેરાગ્લાઈડિંગ પણ શીખી લીધું. પ્રથમ વખત ઍવરેસ્ટ બૅઝ કેમ્પ કરવાનો મોકો મળ્યો ત્યારે મારી જાતને વચન આપી દીધું કે હું જરૂર પાછો આવીશ.

સત્યરૂપે તાલીમ દાર્જિલિંગમાં આવેલી હિમાલયન માઉન્ટેનિયરિંગ સંસ્થાની સાથે કરી હતી. આફ્રિકા સ્થિત ‘કિલિમાંજરો શિખર’થી તેમણે ૭ સમીટને સર કરવાની શરૂઆત ૨૦૧૨ના જૂન મહિનાથી કરી હતી. ૨૦૧૬ના જૂન માસમાં તેમણે ઍવરેસ્ટને સર ર્ક્યો હતો. વિદેશમાં પર્વતારોહણ વખતે અનેક વખત વિદેશીઓ ભારતીય ધ્વજ જોઈને આનંદિત બની જતા હોય છે. સત્યરૂપની હવે પછીની ઈચ્છા નોર્થ પોલને સર કરવાની છે, જે જાંબાઝ પર્વતારોહકનું મનપસંદ સ્થળ છે. તેનું કહેવું છે કે પર્વતારોહણ દ્વારા તેની ઈચ્છા સમાજમાં એક સંદેશ આપવાની છે કે વ્યક્તિએ પોતાનામાં આત્મવિશ્ર્વાસ કેળવવો આવશ્યક છે. સમાજના લોકો શું કહેશે તેની દરકાર છોડવી જ રહી. દુનિયામાં અનેક તકો મળતી હોય છે તેને ઝડપીને આગળ વધવું જ જોઈએ. કલકત્તાનો રહેવાસી સત્યરૂપ તેના શોખને કારણે હાલમાં બૅંગલુરુમાં સ્થાયી થયો છે.

પર્વતારોહણ વખતે ખાસ પ્રકારનું ભોજન સાથે રાખવામાં આવે છે. જેમાં પાણી-ભેજનું પ્રમાણ હોતું નથી. ગરમ પાણી નાખીને પળવારમાં ભોજન તૈયાર થઈ જાય છે. આ ભોજનમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીનની માત્રા સમાયેલી હોય છે. સૂકો મેવો, ચૉકલેટ વગેરે પણ હાથવગા રાખવામાં આવે છે. હવામાનમાં વારંવાર બદલાવ થતો હોવાને કારણે નાની નાની વાતની ખાસ કાળજી લેવામાં આવતી હોય છે. પહેલી વખત હેલિકૉપ્ટરમાં માલસામાન તથા ઈંધણને લઈ જવામાં આવે છે. ત્યારબાદ યોગ્ય જગ્યા પસંદ કરીને બૅઝ કૅમ્પની પસંદગી કરવામાં આવે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો સમયગાળો ૭ સમીટ સર કરવા માટેનો શ્રેષ્ઠ ગણાય છે. શિખર સર કરવાનું નક્કી ર્ક્યા બાદ મનમાં એક અલગ ઉત્સાહ તથા આત્મવિશ્ર્વાસ આપમેળે આવી જતો હોય છે.

ખર્ચની વાત કરતાં સત્યરૂપ જણાવે છે કે જિજીવિષા હોય ત્યારે આપોઆપ રસ્તો નીકળી જતો હોય છે. ભંડોળ એકઠું કરવા બે પાળીમાં નોકરી કરવાનું શરૂ ર્ક્યું. બૅંકમાંથી લૉન લીધી છે. વળી મિત્રોએ પણ મદદ કરીને મારી આગળ વધવાની ઈચ્છાને આવકારી છે. એવું પણ બને કે લૉન ભરવા માતા-પિતા પણ પોતાની થાપણ વાપરે.

માતા-પિતાએ પણ સિદ્ધાંતના પર્વતારોહણના શોખને ગમતીલો બનાવી દીધો છે. તેમનું કહેવું છે કે સત્યરૂપ શિખર સર કરવા નીકળે ત્યારથી જ અમારી ધડકનો વધી જતી હોય છે. દિવસ-રાત ફક્ત તે હેમખેમ પાછો ફરે તેની પ્રાર્થના અમારી ચાલુ જ રહે છે. ઘરેથી નીકળે ત્યારથી તેની ઝીણામાં ઝીણી માહિતી અમે સેટેલાઈટ ફોન દ્વારા મેળવતા રહીએ છીએ. વાસ્તવમાં ક્યું શિખર કયા દેશનું ગણાય તે વિશે પણ પર્વતારોહકમાં મતભેદ થતા જોવા મળતા હોય છે. કારણ કે અનેક વખત ખંડીય સરહદ બે દેશોની અડખે-પડખે જોવા મળતી હોય છે. વાસ્તવમાં પ્રત્યેક ખંડમાં ત્રણ સૌથી ઊંચા શિખરો આવતા હોય છે. સત્યરૂપે કુલ ૯ શિખરો સર કર્યા છે.

-------------------------------

સત્યરૂપની શિખરલક્ષી સિદ્ધિઓ

ક માઉન્ટ ઍવરેસ્ટ (૮૮૪૮ મીટર) નેપાળ.

ક માઉન્ટ ઍકોનકાગુઆ (૬૯૬૧ મીટર)આર્જેન્ટિના

ક માઉન્ટ મેક્નિલેય/માઉન્ટ ડેનાલિ (૬૧૯૪ મીટર)યુએસએ

ક માઉન્ટ કિલિમાંજરો (૫૮૯૫ મીટર) ટાન્ઝાનિયા

ક માઉન્ટ એલબ્રુઝ (૫૬૪૨ મીટર)રશિયા

ક માઉન્ટ બ્લાન્ક (૪૮૦૮.૭ મીટર) ફ્રાન્સ

ક માઉન્ટ વિનસન માસીફ (૪૮૯૨ મીટર) એન્ટાર્કટિકા

ક માઉન્ટ પુનકેક જાયા/કારસ્ટેન્ઝ પિરામિડ (૪૮૮૪ મીટર) ઈન્ડોનેશિયા

ક માઉન્ટ કોસિઝકો (૨૨૨૮ મીટર) ઑસ્ટ્રેલિયા

વૉલ્કેનિક શિખરો

ક માઉન્ટ ઓજસ ડેલ સલાડો (૬૮૯૩ મીટર) ચિલી.

ક માઉન્ટ ક્લિમાંન્ઝરો (૫૮૯૫ મીટર) તાન્ઝાનિયા

ક માઉન્ટ ઍલબ્રુઝ (૫૬૪૨ મીટર) રશિયા

ક માઉન્ટ પિકો ડે ઓરિઝાબા (૫૬૩૬ મીટર) મેક્સિકો

ક માઉન્ટ દામાવંદ (૫૬૧૦ મીટર) ઈરાન

ક માઉન્ટ ગુલીવે (૪૩૬૮ મીટર) પપુઆગિની

ક માઉન્ટ સિડલે (૪૨૮૫ મીટર) એન્ટાર્કટિકા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

373Y68d8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com