21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બીટકોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને વચગાળાના જામીન મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : કરોડો રૂપિયાના બીટકોઈન તોડના ચર્ચાસ્પદ મામલામાં સંડોવાયેલા ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને કોર્ટ તરફથી થોડી રાહત મળી છે. કોર્ટે નલિન કોટડિયાના જામીન મંજૂર કર્યા છે. એટલે કે થોડા સમય માટે જેલમાંથી મુક્તિ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા હાલમાં કરોડો રૂપિયાના બીટકોઈન તોડ મામલે જેલમાં હતા, આ સમયે તેમણે બીમાર માતાની સારવાર માટે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને લઈ સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે નલિન કોટડિયાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. કોર્ટની સુનાવણી બાદ હવે પોલીસ જરૂરી કાર્યવાહી કરી નલિન કોટડિયાને જેલમુક્ત કરશે. બીમાર માતાની સારવાર માટે કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ચર્ચાસ્પદ કરોડોના બીટકોઈન તોડ મામલે સીબીઆઈએ ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ કરી હતી. ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી બીટકોઇન કેસની કુલ ત્રણ ફરિયાદ પૈકી પહેલી ફરિયાદ નોંધાવનાર શૈલેષ ભટ્ટના આરોપ પ્રમાણે અમરેલી પોલીસ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએ મળી તેમનું ગાંધીનગરથી અપહરણ કરી ૧૨ કરોડના બીટકોઈન પડાવી લીધા હતા. આ મામલે સીઆઈડી દ્વારા નિવેદન નોંધાવવા માટે નલિન કોટડિયાને સમન્સ મોકલ્યા પછી તેઓ ફરાર થઈ ગયા હતા. ફરાર થયેલા કોટડિયાને શોધવા માટે સીઆઈડી ક્રાઈમની વિવિધ ટીમે કામે લાગી હતી. લગભગ બે મહિનાની લાંબી મહેનત બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણકારી મળી હતી કે નલિન કોટડિયા મહારાષ્ટ્રના ધૂલિયા પાસે અંતરિયાળ વિસ્તારમાં છે. આ માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ટીમને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી. ચોક્કસ સ્થળે દરોડો પાડતા નલિન કોટડિયાને ઊંઘતા ઝડપ્યા હતા.

-------------------------------

ઇતિહાસે સરદાર પટેલ સાથે અન્યાય કર્યો, ગરિમાનું

સ્થાન વડા પ્રધાન મોદીએ અપાવ્યું : ઉપરાષ્ટ્રપતિ નાયડુ



(અમારા પ્રતિનિધિ તરફથી)

વડોદરા: ઇતિહાસે સરદાર પટેલ સાથે પૂરતો ન્યાય નહોતો કર્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદારને યોગ્ય સ્થાન અપાવ્યું છે. સમગ્ર દેશનાં ગામેગામ અને ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવેલા લોખંડથી બનેલું આ સ્ટેચ્યૂ ભવિષ્યનું વિઝન છે. તેમ દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આજે રવિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આજે રવિવારે નર્મદા ડેમ ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુનું મહાનુભાવોએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં તેઓએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ આ મુલાકાતને લઈ કહ્યું કે, હું અહીં આવીને ખુશ છું અને ભાવુક પણ છું. નાનપણથી જ સરદાર પટેલનો પ્રેમી છું. મારા મનમાં એવી ભાવના હતી કે ઇતિહાસે સરદાર સાથે પૂરતો ન્યાય નહોતો કર્યો, જે મોદીએ યોગ્ય સ્થાન આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, સમગ્ર દેશના ગામેગામ અને ખેડૂતો સાથે એકત્ર કરવામાં આવેલા લોખંડથી બનેલું આ સ્ટેચ્યૂ ભવિષ્યનું વિઝન છે. ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતેના પ્રદર્શનનું પણ અવલોકન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ નાયડુ અને ગુજરાતના શિક્ષણ પ્રધાન સાથે સરદાર પટેલ પર તૈયાર કરવામાં આવેલું ઓડિયો-વીડિયો પ્રેઝન્ટેશન પણ નિહાળ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

gY272u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com