| ‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિક કે સંગ વો દો
|
|  એક જમાનામાં લોકપ્રિય સ્ટાર સંજીવ કુમારની કૉમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રિમેકની ખબરો આજકાલ ચર્ચામાં છે. આ ફિલ્મના રિમેકની સ્ટાર કાસ્ટ ફાઇનલ થઇ ચૂકી છે. સંજીવ કુમારની ક્લાસિક ફિલ્મની રિમેકમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.
મુદસ્સર અઝીઝના દિગ્દર્શન હેઠળ બની રહેલી આ ફિલ્મમાં કાર્તિક પહેલી વાર ભૂમિ અને અનન્યા સાથે સ્ક્રીન શેર કરશે. કહેવામાં આવી રહ્યુું છે કે ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મમાં હીરોઇન તરીકે તાપસી પન્નુનું નામ ચર્ચાઇ રહ્યું હતું, પણ નિર્માતાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીને ફિલ્મની ફાઇનલ કાસ્ટ અંગે જાણકારી આપી હતી.
જણાવી દઇએ કે ‘પતિ પત્ની ઔર વો’ 1978માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાંં સંજીવ કુમાર લીડ ભૂમિકામાં હતા. આ ફિલ્મનું દિગ્દર્શન બલદેવ રાજ ચોપડાએ કર્યું હતું. ફિલ્મના લીડ રોલ્સમાં વિદ્યા સિન્હા અને રંજીતા કૌર પણ હતા.
41 વર્ષ બાદ આ ફિલ્મની રિમેકમાં નવા કલાકારોને લેવામાં આવ્યા છે. ચંકી પાંડેની સુપુત્રી અનન્યા પાંડે ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા સાથે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટૂ’થી બૉલીવૂડમાં પદાર્પણ કરવા જઇ રહી છે. ભૂમિ, અનન્યા અને કાર્તિકની ત્રિપુટી બૉક્સઓફિસ પર કેવો કમાલ દેખાડે છે તે જોવું રહ્યું. |
|