20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિયાળામાં વસાણાંનો અજોડ મહિમા

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)આયુર્વેદિક પદ્ધતિએ શિયાળામાં વસાણાં સેવનનો મહિમા અજોડ છે. આ ઋતુમાં સહુ કોઈ પોતાને અનુકૂળ આવે એ રીતના પાક બનાવે છે. શિયાળામાં ખાધેલા આ પાકને કારણે બારે મહિના તંદુરસ્તી જળવાઈ રહે છે. આ ઋતુમાં સહુ કોઈ કરી શકે તેવા સાદા સરળ પ્રયોગો ઔષધ તથા ખાનપાન અંગે વિચાર કરવો જરૂરી બની રહેશે.

આપણે ત્યાં અનાજમાં ઘઉં રાજા ગણાય છે. છતાં શિયાળામાં બાજરી, જુવાર અને મકાઈ પણ એટલા જ પૌષ્ટિક મનાય છે. નબળા બાંધાના લોકો માટે બાજરી ખૂબ જ પૌષ્ટિક છે. ઘઉંની એક રોટલીમાં પ્રોટીન એકથી બે ગ્રામ અને ૪૦ કૅલરી હોય છે, જ્યારે જુવારની એક રોટલી-ચપાટીમાં પ્રોટીન ત્રણ ગ્રામ અને ૧૧૦ કૅલરી ઉષ્માંક હોય છે. ઘઉંના પરોઠામાં ૨૫૬ કેલરી હોય છે. અડદની દાળ ઘટ્ટ કરી લઈ શકાય. તો ૧૦ ગ્રામ પ્રોટીન લગભગ એક કપમાંથી મળી રહે છે. બાજરીનો ગરમ રોટલો વધુ પૌષ્ટિક બને છે.

શિયાળામાં વધુ વપરાતી ચીજોમાં અડદનો પણ સમાવેશ થાય છે. અડદ પચવામાં ભારે છે, પણ જરૂરી છે. નાનપણથી બાળકોને મગ, મસૂર, તુવેર, અડદ ખાવાની આદત જરૂરી છે. આ બધાં સાથે ઘી, ગોળ, દહીં પૌષ્ટિક બની રહે છે. અડદ તમામ વયે સૌ કોઈને ઉપયોગી બની રહે છે. બાજરાની એક રોટલીમાં ૧૩ મિ. ગ્રામ કેલ્શિયમ, લોહ ૪ મિ. ગ્રામ, મેગ્નેશિયમ ૭૭ મિ. ગ્રામ, ફોસ્ફરસ ૮૦ મિ. ગ્રામ, સોડિયમ ત્રણ અને પોટેશિયમ ૯ મિ. ગ્રામ છે. આમાં રીંગણા, પાલક, મેથી, તાંદળજો અને સૂવાની ભાજી લેતાં કુદરતી મિનરલ્સ પુષ્કળ મળી રહે છે. રોજ સવારે સફેદ ડુંગળીનો રસ બે-ત્રણ ચમચી તેમાં મધ અને ઘી મેળવી નયણે કોઠે લેતાં પુરુષાતન મળે છે. તાજું લીલું લસણ પણ બાજરાના રોટલામાં કચુંબર બનાવી ચાવી ચાવીને ખાતા તેનો પૌષ્ટિક ગુણ મળે છે. બીજા અન્ય પ્રયોગોમાં મુસળી પણ સહેજ યાદ આવે છે.

મુસળીમાં સફેદ અને કાળી મુસળી એમ બે પ્રકાર હોય છે. એમાં કાળી મુસળીનો ઉપયોગ કરવાથી પેશાબ સાફ આવે છે. શરીરમાં માંસલ તત્ત્વ વધે છે. તેના મૂળ લાવી સાફ કરી કુટાવી ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણને ૩ થી ૬ ગ્રામ જેટલું મધમાં લઈ શકાય. દૂધમાં ઉકાળીને ખીર પણ બનાવી શકાય. જે ગાયના દૂધ સાથે લઈ શકાય. તેમાં થોડી એલચી, લવંગ, જાયફળ, જાવંત્રી નાખી શકાય. સફેદ મૂસળી વધુ માંસવર્ધક છે. એનું ચૂર્ણ પણ ૬ થી ૧૨ ગ્રામ જેટલું લઈ શકાય. એનો સ્વાદ રૂચિકર હોય છે. મધુર, શીતળ એવી શતાવરીને મળતી આ મુસળી ખૂબ જ પૌષ્ટિક હોય છે.

એક પ્રયોગમાં કાળી તથા ધોળી મુસળી, ગોખરું એ દરેક ચીજો ૨૫ ગ્રામ એખરો. શતાવરી, આમળા, બલદાણા અને બહુફળી દરેક ૧૫ ગ્રામ. કૌંચા મોચરસ, અક્કલકરો અને નાગકેસર એ દરેક ૧૦ ગ્રામ. તજ, તમાલપત્ર, જાવંત્રી અને એલચી એ દરેક પાંચ પાંચ ગ્રામ લઈને તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણનો લાંબા સમય સુધી સેવન કરવાથી ધાતુનો વધારો થાય છે. ધાતુ ઘટ્ટ થાય છે. શરીરને શક્તિનો સંચાર સાંપડે છે. આ ઉપરાંત મુસળી, શતાવરી, ગોરખમુંડી, ગળો, કૌંચબીજ, ગોખરું અને પીત્તપાપડો એ દરેક ચીજો સરખે વજને લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણના ઉપયોગથી શરીરને પુષ્ટિ મળે છે. મેદ તથા વીર્યનો વધારો કરે છે.

આવી જ રીતે ઘણાં લોકો શિયાળામાં સાલમનો પણ ઘણો ઉપયોગ કરે છે. સાલમ પંજો એ એના મૂળ છે. એનો કંદ આશરે ત્રણ સેન્ટિમીટર જેટલો હોય છે. સાલમ જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. હૃદયને બળ આપે છે. વીર્યવર્ધક છે. કામોત્તેજક છે. ઉત્તમ રસાયન છે. મધુર અને સહેજ ગરમ છે. સ્ત્રીઓના સફેદ પ્રદર, કમર તૂટવી વગેરે દરદો મટાડે છે. એનો ૧૨ ગ્રામ ભૂકો મધ કે દૂધ સાથે સવાર-સાંજ લઈ શકાય છે. એનાથી મજ્જાતંતુ તથા જ્ઞાનતંતુને બળ મળે છે. બેથી ચાર ગ્રામ જેટલું ચૂર્ણ લઈ દૂધમાં ઉકાળીને લેતાં પણ ઘણો ફાયદો થાય છે. એનાથી પાચનક્રિયા સતેજ બને છે. એનાથી કફ થતો નથી. વધુ પડતા માવા, ઘી, મસાલાને બદલે એકલી સાલમ વનસ્પતિનો ઉપયોગ સરળ અને સચોટ છે.

શિયાળામાં ઘણાં લોકો સાલમપાક બનાવીને ખાય છે. એ પૌષ્ટિક છે. તંતુઓને કૌવત આપે છે. અર્ધાંગવાયુ લકવો મટાડે છે. એનાથી ધાતુ મજબૂત થાય છે. લોહી સુધરે છે. સ્ત્રીને પ્રસૂતિ વખતની નબળાઈ મટે છે. શરીરની કાંતિમાં વધારો થાય છે. કેટલીક વાર પ્રદર વહે, પેશાબે ઘાત જાય, ધાતુ વિકાર થાય તેવે વખતે સફેદ મુસળી અને સાલમનું ચૂર્ણ બનાવી દૂધમાં લેવાથી બધી નબળાઈ મટી જાય છે. સાલમના ફળ ૪૦ ગ્રામ જેટલા અઢી લિટર દૂધમાં નાખી એક રાત્રિ રહેવા દેવું. ઉપરનું પાણી પહેલે દિવસે પી જવું. બીજે દિવસે તેમાં ૫૦૦ ગ્રામ સાકર તથા ૫૦૦ ગ્રામ ઘી નાખી એકત્ર કરવું. તેમાંથી બબ્બે તોલા ખવડાવવું. એનાથી મળની શુદ્ધિ થાય છે તથા શરીર પુષ્ટ થાય છે.

આવું એક વસાણું છે વિદારી કંદ. વિદારી કંદ એટલે ભોંયકોળું. આ એક જાતનો વેલો છે. એના કંદ જમીનમાં ત્રણથી છ કિલોના થાય છે. તેને લાવી, ધોઈ, સાફ કરી તેના ટુકડા કરી તેનું ચૂર્ણ બનાવી એ કંદના રસમાં ત્રણ સપ્તાહ સુધી ઘૂંટી તેનું ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ ત્રણથી છ ગ્રામ જેટલું રોજ લેતાં સારી એવી સ્ફૂર્તિ આવે છે. વિદારી કંદ ધાતુ પૌષ્ટિક તરીકે વપરાય છે. તે વાયુ, પિત્ત, રક્તદોષ, દાહ અને ઊલટી વગેરેના દોષોનો નાશ કરે છે. તે ધાતુને વધારનાર છે. એના એક પ્રયોગમાં વિદારી કંદ અને રતાળુકંદ એ બંનેને સૂકવી ચૂર્ણ બનાવવું. પછી તેમાંથી ૧૦૦ ગ્રામ લઈ અહીં આપેલા ઓસડો ભેળવવા. ધોળી મુસળી, કાળી મુસળી, કૌંચા, ગોખરું, ઉપલેટ, શતાવરી, ગોરખમુંડી, જટામાંસી, ગંગેટીનું મૂળ, ગળોનું સત્ત્વ દરેક પાંચ પાંચ ગ્રામ લઈ ચૂર્ણ કરી મેળવી તૈયાર કરવું.

વિદારી ચૂર્ણ તથા વાજીકર ચૂર્ણ લેવાથી નબળાઈ, કમ કૌવત, શરીરનું કળતર અને શરીરની ક્ષીણતા એવા તમામ રોગનો નાશ કરે છે. તે વૃષ્ય છે. ધાતુનો વધારો કરે છે. કેટલીક સ્તંભન દવા માફક કબજિયાત કરતી નથી. વાપરવી ઘણી સહેલી તથા ગુણકારક છે. વીર્યસ્રાવના દરેક દરદોમાં વિદારી કંદનો ભૂકો બીજી વાજીકર દવાઓ સાથે લેવાથી ઘણો ફાયદો થાય છે.

આ મોસમમાં સેવન કરવા જેવા દ્રવ્યોમાં કૌંચબીજ, વિદારી કંદ, સાલમ, શતાવરી, ગોખરું, આસગંધ, મુસળી વગેરે શક્તિદાયક છે. એ સપ્તધાતુવર્ધક છે. એનાથી વીર્યબળ વધે છે. પ્રસન્ન દાંપત્ય માટે પણ આ પદાર્થો ખૂબ જ ઉપયોગી છે. એ કામોત્તેજક અસર બતાડે છે. આ દ્રવ્યો મોટે ભાગે મધુર રસ ધરાવતા હોવાથી શીતવીર્ય અને વિપાક કાળે મધુર છે. ખાસ કરીને એ વાજીકરણ અને રસાયન અસર દર્શાવે છે. કેટલાક લોકો શિયાળામાં સાદા સરળ પ્રયોગો કરે છે, જેમાં જેઠીમધનું ચૂર્ણ રોજ સવારે ત્રણથી છ ગ્રામ જેટલું નયણે કોઠે મધ સાથે લેવાથી શરીરમાં સારો એવો શક્તિનો સંચાર કરે છે. ત્રણથી છ મહિના આ પ્રયોગ કરવાથી ઘણો લાભ થાય છે. એના કારણે શરીર પુષ્ટ બનશે તથા શરીરમાં નવયુવાનીનો તરવરાટ જોવા મળશે. શતાવરીનું ચૂર્ણ પણ રોજ એક ચમચો લેતા તેની ચામડી ઉપર સારી અસર થાય છે. એનાથી પેશાબ છૂટથી આવે છે. આ ઉપરાંત અશ્ર્વગંધા તથા વરધારાનું ચૂર્ણ, અશ્ર્વગંધાનું ચૂર્ણ પણ એટલું જ અસરકારક છે. પ્રૌઢ હો કે યુવાન દરેક એક ચમચી જેટલું રોજ લે તો એનાથી ચેતનશક્તિ વધે છે. ભારે ભોજન લીધા બાદ લોકો બૃહદશંખવટી, લસુનાદિવટી કે ચિત્રકાદિવટી વગેરે લે છે. તેથી ભારે ભોજન પચાવી શકે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7756ot54
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com