26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમયના દર્પણમાં બ્રહ્માંડ

બ્રહ્માંડ દર્શન-ડૉ. જે. જે. રાવલઆપણને કોઇ પૂછે નહીં કે સમય શું છે, ત્યાં સુધી આપણે માનીએ કે સમય વિષે આપણે બધું જ જાણીએ છીએ. જ્યારે આપણને કોઇ સમય વિશે પૂછે કે સમય શું છે ત્યારે આપણને ખબર પડે કે સમય વિશે આપણે કશું જાણતા નથી. આપણી ત્યારે બોલતી જ બંધ થઇ જાય જેમ આપણને ખબર નથી કે મરઘી પહેલી કે ઇંડું પહેલું તેવી રીતે હજુ પણ આપણને ખબર નથી કે સમય ફેરફારો કરે છે કે ફેરફારો સમય માપે છે. બધા માને છે કે સમય ફેરફાર કરે છે, કારણ કે આપણે નાના હોઇએ, મોટા થઇએ અને છેવટે વૃદ્ધ થઇએ. આ પરથી આપણે માનીએ કે સમય ફેરફાર કરે છે. પણ એવા માણસો મેં જોયા છે જેઓ ૭૫ વર્ષના હોય પણ એકપણ વાળ તેમનો સફેદ ન થયો હોય, બધા જ દાંત હોય અને યુવાન જેટલી સ્ફૂર્તિ હોય. એવી મહિલાઓ-માનુનીને મેં જોઇ છે જે હોય ૫૫ વર્ષની પણ લાગે ૨૨ વર્ષની, ૨૫ વર્ષની પણ નહીં. ત્યારે લાગે કે આ બધા દાખલામાં સમય ફેરફાર કરી શક્યો નથી. તો બીજે છેડે ૩૦ વર્ષના યુવાનના બધા જ વાળ સફેદ થઇ ગયા હોય અને તે પણ સ્ફૂર્તિ વગરનો વૃદ્ધ લાગે.

બીજી બાજુ જો ફેરફાર થાય તો જ આપણને ખબર પડે કે સમય પસાર થાય છે. ઘડિયાળનું લોલક કે ટિક ટિક તમને ફેરફારનો નિર્દેશ કરે છે. તેમ છતાં આ માત્ર સ્કીમ હોય તેમ લાગે છે. પાણી વહે છે, પવન વહે છે માટે આપણે માનવા લાગ્યા કે સમય પણ વહે છે. જળઘટિકાયંત્રમાંથી બીજા પાત્રમાં ટપક ટપક પાણી પડે અથવા એકધારું પાણી પડે તે દ્વારા આપણે સમયને માપવાનું શરૂ કર્યું. સન-ડાયલ, સૂર્યઘટિકા યંત્ર કે રેતીઘટિકાયંત્રથી સમયમાપન શરૂ કર્યું.

મૂળભૂત પ્રશ્ર્ન એ છે કે સમયનો વિચાર કેવી રીતે આવ્યો?

પુરાતન માનવીની કલ્પના કરો. સવાર થાય એટલે સૂર્યોદય થાય. ગરમી લાગવા મંડે, પુરાતન માનવી જાગી જાય. આખો દિવસ રખડ્યા કરે. સાંજે સૂર્યાસ્ત થાય અને બધે જ અંધારું છવાઇ જાય. ત્યારે દીવા-ફાનસ-લાઇટ તો હતાં નહીં. તારા ઝગમગવા લાગે, ચંદ્ર આકાશમાં દેખાય. વળી પાછો રાત પછી સૂર્યોદય થાય. પણ તેને આ બાબતે કાંઇ ખબર પડતી નહીં. પણ રાતે પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થીનો ચંદ્ર જોવે અને તેના દર્શન કરે. પછી અષ્ટમીનો અર્ધચંદ્ર થાય. આમ ને આમ ચંદ્ર વધતો જાય. પછી પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર આકાશમાં દેખાય. આમ પ્રથમાથી અષ્ટમી અને અષ્ટમીથી પૂર્ણિમા એમ બે સ્પષ્ટભાગ પડી ગયા જેને આપણે સુદ કે શુક્લપક્ષ કહીએ છીએ. કૃષ્ણ પક્ષમાં આનાથી ઊલટું થાય અને બીજા બે ભાગ થાય. છેવટે અમાસને દિને ચંદ્ર ગાયબ થઇ જાય. આ જ તે કૃષ્ણપક્ષ અને તેના બે ભાગ. ચંદ્રની આ કળાએ તેને સમય ગણવાનો વિચાર આપ્યો. જોકે તેની પાસે ત્યારે ન હતી નંબર સિસ્ટમ, ન હતી ઘડિયાળ કે કેલેન્ડર. દિવસ અને રાત સૂર્ય, ચંદ્ર, તારા તેની પ્રથમ ઘડિયાળ બની. પણ જ્યારે પૈડાની-ચક્રની શોધ થઇ ત્યારે તેને ખબર પડી કે ચક્ર ઉપરનું એક બિન્દુ ફરીને તેની પ્રથમ સ્થિતિમાં આવે છે, ત્યારે પૂનમથી પૂનમ કે અમાસથી અમાસના ચક્રની ખબર પડી. તેને એણે મહિનો કહ્યો, જેના ૨૭, ૨૮ કે ૩૦ દિવસ છે. તારાના સંદર્ભે ચંદ્રનો મહિનો ૨૭.૫ દિવસનો છે અને પૂનમથી પૂનમના સંદર્ભે ચંદ્રનો મહિનો ૨૯.૫ દિવસનો છે. પણ આપણને પૂર્ણ દિવસ લેવા પડે માટે મહિનો ૩૦ દિવસનો થયો. આમ ૩૦ દિવસનો મહિનો અસ્તિત્વમાં આવ્યો.

ભારતીય મનીષીઓએ નિરીક્ષણ કર્યું કે ચંદ્ર દરરોજ તારામંડળને બદલે છે, ૨૭ દિવસમાં તે ૨૭ તારામંડળમાંથી પસાર થાય છે. તેમને તેમણે નક્ષત્રો કહ્યાં. આમ ૨૭ નક્ષત્રો બન્યાં પણ ૮૦૦૦ વર્ષ પહેલાં અભિજિત નામનું ૨૮મું નક્ષત્ર હતું જે ખૂબ દૂર હોવા છતાં પણ તે એક જ એવું નક્ષત્ર હતું જે વસંતસંપાતનું નિર્દેશન કરતું હતું. આ અભિજિત નક્ષત્ર દર ૨૫૮૦૦ વર્ષે નક્ષત્ર બને છે.

આરબો રણમાં મુસાફરી કરતા ત્યારે દિવસે ધગધગતા તાપમાં મુસાફરી કરી શકે નહીં માટે તેઓ દિવસે તંબુ તાણી આરામ કરતા અને રાતે મુસાફરી કરતા. રાતે મુસાફરી કરતાં દિશા જાણવા તેમનું ધ્યાન રાત્રિઆકાશમાં જ રહેતું. તેઓ ત્યારે ચંદ્રને, તારાને અને ધ્રુવતારાને જોતા રહેતા. તેમણે જોયું કે ચંદ્ર દર રાતે નક્ષત્ર બદલે છે. માટે તેઓ માનતા કે ચંદ્ર દિવસે મુસાફરી કરે છે, અને રાતે તંબુરૂપી નક્ષત્રમાં આરામ કરે છે. આરબો પોતે દિવસે તંબુમાં આરામ કરતાં અને રાતે મુસાફરી કરતા.

ભારતીય ખગોળવિદોએ ચંદ્રની આ ૨૭ નક્ષત્રો વચ્ચેથી મુસાફરીને આત્મસાત્ કરવા આ ૨૭ નક્ષત્રોને ચંદ્રની ૨૭ પત્નીઓની કલ્પના કરી હતી.

ભારતીય મનીષીઓ કે દુનિયાના કોઇ પણ વિદ્વાનોની એક મહત્ત્વની પ્રવૃત્તિ-ક્રિયા-ફરજ દિવસ-રાત આકાશનો અભ્યાસ કરવાની હતી. તેઓએ જોયું કે સૂર્ય એક રાશિમાં હોય પછી જ્યારે ચંદ્ર આકાશમાં પૂનમથી પૂનમ એક ચક્કર મારી લે ત્યારે સૂર્ય એક તારામંડળમાંથી પસાર થતો, તેને તેમણે રાશિ કહી. તેઓએ એ પણ જોયું કે ચંદ્ર જ્યારે પૂનમથી પૂનમ કે અમાસથી અમાસ બાર ચક્કર લગાવી રહે છે ત્યારે સૂર્ય બાર રાશિઓમાંથી પસાર થઇ વળી પાછો તેની પ્રથમ રાશિમાં આવે છે. આમ વર્ષના ૧૨ મહિના થયાં. મહિનાના બે ભાગ કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ થયા અને દરેક પક્ષના વળી પાછા પ્રથમાથી અષ્ટમી અને અષ્ટમીથી પૂનમ કે અમાસ એમ બે ભાગ થયા. મહિનાના કુલ ચાર ભાગ થયા.

પ્રાચીન ભારતીય કે ગ્રીક ખગોળવિદોએ જોયું કે રાત્રિ દરમિયાન એક પછી એક એમ ૧૨ પ્રકાશિત તારા લગભગ સમયના સરખા ભાગે ઉદય પામે છે. આ પ્રમાણે રાત્રિના ૧૨ ભાગ થયા. તેવી જ રીતે દિવસના ૧૨ ભાગ થયા. આમ ૨૪ કલાકનો દિવસ થયો.

૮૦૦૦ વર્ષ પહેલાં ભારતીય કેલેન્ડર અસ્તિત્વમાં આવ્યું તેને અદિતિ કેલેન્ડર કહે છે. એ વખતે વસંતસંપાતબિન્દુ મિથુન રાશિના પુનર્વસુ નક્ષત્રમાં હતું. વસંતસંપાતબિન્દુના દિવસે, દિવસ અને રાત બંને ૧૨-૧૨ કલાકના હોય છે. તે દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં ઉદય પામે છે. પછીના દિવસોમાં સૂર્ય ઉત્તર દિશાની અલગ અલગ જગ્યાએ ઉદય પામે છે. ત્રણ મહિના પછી તે ઉત્તરમાં હોય છે અને કર્ક રાશિમાં રહે છે, પછી તે વળી પાછો દક્ષિણ તરફ આવતો જાય છે. ત્રણ મહિના પછીના આ દિવસને સૂર્યનું દક્ષિણાયન ગમન કહે છે. સૂર્ય જ્યારે ઉત્તર તરફ આગળ વધતો જાય છે, તેમ તેમ દિવસ લાંબો અને લાંબો થતો જાય છે. ત્રણ મહિના પછી તે સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત થાય છે. ત્યારે તે કર્ક રાશિમાં રહે છે અને પછીના દિવસે દક્ષિણ તરફ આવતો જાય છે. સૂર્ય ત્યાર પછીના ત્રણ મહિના રહે છે તો આકાશના ઉત્તરગોળાર્ધમાં પણ તેની ચાલ દક્ષિણ તરફી હોય છે. સૂર્ય જ્યારે કર્ક રાશિમાં હોય છે ત્યારે તેને સંલગ્ન પૃથ્વી પરના અક્ષાંશને કર્કવૃત્ત કહે છે.

વસંતસંપાતના દિવસથી પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર વસંતઋતુ બેસે છે. ત્રણ મહિના પછી દક્ષિણાયનના દિવસથી ઉનાળો શરૂ થાય છે, અને પછી ત્રણ મહિને પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર વર્ષાઋતુ બેસે છે. અને જ્યારે વળી પાછા દિવસ અને રાત બાર-બાર કલાકના થાય છે ત્યારે શરદસંપાત થાય છે. ત્યારે પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર શરદઋતુ બેસે છે.

શરદસંપાત પછી સૂર્ય છ મહિના આકાશના દક્ષિણ ગોળાર્ધમાં વિચરે છે. વસંતસંપાત પછી તે ત્રણ મહિના આકાશના ઉત્તરગોળાર્ધ પર ઉપર ચઢે છે, પછી દક્ષિણાયન થાય છે અને પછી સૂર્ય ત્રણ મહિના આકાશના ઉત્તરગોળાર્ધમાં નીચે ઊતરે છે. શરદસંપાત થાય છે અને પછી સૂર્ય છ મહિના આકાશના દક્ષિણગોળાર્ધ પર વિચરે છે. તે ત્રણ મહિના આકાશના દક્ષિણગોળાર્ધ પર ઊંચે અને ઊંચે ચઢતો જાય છે, આકાશના ઉત્તરગોળાર્ધના સંદર્ભે સૂર્ય નીચે અને નીચે ઊતરતો જાય છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધ પર શિયાળો બેસે છે અને પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર ઉનાળો હોય છે. પછી તે આકાશના દક્ષિણગોળાર્ધના ઊંચામાં ઊંચા બિન્દુએ અને આકાશના ઉત્તરગોળાર્ધના સંદર્ભે તે નીચામાં નીચા બિન્દુએ હોય છે. પૃથ્વીના ઉત્તરગોળાર્ધમાં દિવસ ટૂંકામાં ટૂંકો અને રાત લાંબામાં લાંબી હોય છે. પૃથ્વીના દક્ષિણગોળાર્ધ પર આનાથી ઊલટું હોય છે. પછી સૂર્ય હોય છે તો આકાશના દક્ષિણગોળાર્ધમાં પણ તે ઉત્તર તરફ વિહરવાનું શરૂ કરે છે. આ વખતે તે મકર રાશિમાં હોય છે. આ સંદર્ભે પૃથ્વી પરના સંલગ્ન અક્ષાંશને મકરવૃત્ત કહે છે. આ આકાશમાં સૂર્યની ગતિ છે જેને આપણે ઋતુચક્ર કહીએ છીએ.

૮૦૦૦ વર્ષ પૂર્વે જ્યારે વસંતસંપાત પુનર્વસુ નક્ષત્રમાં હતું ત્યારે ભારતીય કેલેન્ડરનો પ્રારંભ થયો. પુનર્વસુ નક્ષત્રની અધિષ્ઠાત્રી દેવી અદિતિ છે. અદિતિને બે મોઢાં છે, એક આગળ અને બીજું પાછળ. તે વર્ષના પ્રારંભે પણ નૈવેદ્ય લે છે અને વર્ષના અંતે પણ નૈવેદ્ય લે છે. માટે તેને બે મોઢાં છે. આ દિવસે સૂર્ય બરાબર પૂર્વ દિશામાં આકાશના ઉત્તરગોળાર્ધમાં ઉદય પામે છે. તે ત્યાં જન્મે છે. માટે તે અદિતિનો પુત્ર ગણાય છે અને તેથી તેનું નામ આદિત્ય પડ્યું છે. અદિતિ દેવોની માતા ગણાય છે. સૂર્યના ઉત્તર વિચરણને દેવાયન કહેવાય છે, દક્ષિણના વિચરણને પિતૃઆયાન કહે છે.

(ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

23n6qkw6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com