19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વાઘના અસ્તિત્વની જાણ કરે છે જંગલના જ પ્રાણીઓ

લાઈમ લાઈટ-નિધિ ભટ્ટદુનિયાના મોટાભાગના જાનવરો જે ખુશીથી લઈને દુ:ખ સુધી કે પછી સુરક્ષિતથી લઈને જોખમ સુધીની માહિતી અવાજ કરીને વ્યક્ત કરે છે, પણ આ બધામાં કાળા માથાનો માનવી એ એક જ એવું પ્રાણી છે કે જે પોતાની ભાવનાઓને શબ્દોનો દેહ આપીને વ્યક્ત કરે છે.

પ્રાણીઓ જંગલમાં રહીને આવનારા જોખમની જાહેરાત વિવિધ પ્રકારના અવાજો કરીને પોતાના સાથીઓને કરી દે છે અને આ જંગલ જ એવી જગ્યા છે કે જ્યાં દરેક તાકાતવર પ્રાણી પોતાનાથી નબળા પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે.

ગયા વર્ષે જ નરભક્ષી બની ગયેલી વાઘણ અવનીનો શિકાર કરવામાં આવ્યો અને આવા સમયે એક સવાલ ચોક્કસ થાય છે કે આખરે જંગલના કયા ભાગમાં વાઘ છે એની જાણ વનવિભાગને કે શિકારીઓને કઈ રીતે થાય છે? આ પાછળ કોઈ જ રૉકેટ સાયન્સ નથી, પણ માત્ર આસપાસની પરિસ્થિતિ અને હિલચાલને ઑબ્ઝર્વ કરવાની જ વૃત્તિ છે. આજે આપણા આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ આ આર્ટિકલમાં કરીશું. વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કે વીડિયોગ્રાફરો માટે આ જાણવું ખૂબ જ મહત્ત્વનું હોય છે કારણ કે એક તો આ બાબત જાણી લઈને તેઓ વાઘના વધુ સારા પિક્ચર ક્લિક કરી શકે છે અને બીજું એટલે પોતાની સામેના જોખમ સામે સમય રહેલાં યોગ્ય તકેદારીના પગલાં લઈ શકે.

વાઘ તમારા આસપાસમાં જ ક્યાં છે તેની જાણ પણ તમને જંગલમાં રહેલાં અન્ય પ્રાણીઓ જ કરશે. વાઘ જે જે પ્રાણીઓનો શિકાર કરે છે તે પ્રાણીઓના અવાજ પરથી જ ફોટોગ્રાફર અને વનવિભાગના અધિકારીઓને જાણ થઈ જાય છે કે વાઘ ક્યાંક આસપાસમાં જ છે. વાઘના પગલાં તો વીતી ગયેલા સમય તરફ ઈશારો કરે છે અને આ ઉપરાંત પગ માર્ક પરથી જાણી શકાય છે કે અહીં આગલી રાતે વાઘે કયા જાનવરનો શિકાર કર્યો હતો.

વાઘ જો એક વખત નજર સામેથી ઓઝલ થઈ જાય તો પછી તેને ફરી શોધવો મુશ્કેલ થઈ જાય છે, પછી તમે તેને પાછો શોધવા આકાશ-પાતાળ એક કરો કે આખા જંગલ પરથી ડ્રોન ફરાવો કે આખા જંગલમાં ફરી ફરીને તેના શિકારની જગ્યાઓ પર ફરો, પણ તે તમને એ જગ્યાએ પાછો નહીં જ મળે.

વાઘ જ્યારે પણ શિકાર પર નીકળે છે ત્યારે તેનો શિકાર બનનારા પ્રાણીઓ ખૂબ જ સાવચેત થઈ જાય છે અને તેઓ વિચિત્ર અને અલગ પ્રકારના અવાજ કરીને તેમના અન્ય સાથી અને પ્રાણીઓને આવનારા જોખમ વિશેની ચેતવણી આપી દે છે. વાઘની સૌથી સચોટ અને સાચી માહિતી આપવામાં લંગૂરનો નંબર હંમેશા પહેલો જ આવે છે. જંગલમાં આસપાસમાં દીપડો દેખાય એટલે ભોંકવાનું શરૂ કરી દે છે, જ્યારે વાઘ નજરે પડે તો એક અલગ પ્રકારનો જ અવાજ કાઢીને તેના સાથીઓને જોખમની જાણ કરે છે.

એ જ રીતે વાઘનો એકદમ મનપસંદ શિકાર છે હરણ. લંગૂરોનો વાઘને જોઈને કરેલો વિશિષ્ટ અવાજ સાંભળીને આ હરણ ખૂબ જ સતર્ક થઈ જાય છે અને પછી પોતાના આખા સમૂહને ચેતવણી આપવા આ હરણ પણ સતત એક અલગ પ્રકારનો અવાજ કાઢે છે. હવેથી જ્યારે પણ ટાઈગર રિઝર્વની મુલાકાત લો ત્યારે તમારે આ જંગલના અન્ય પ્રાણીઓના અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, કારણ કે આ અવાજ પરથી જ તમને જાણ થશે કે અહીં વાઘ છે કે નહીં અથવા તો વાઘ શિકારની શોધમાં કઈ તરફ જઈ રહ્યો છે.

માણસના મનમાં ઊંડે ઊંડે હંમેશાંથી જ એક ઈચ્છા રહેલી હોય છે કે તે પ્રાણીઓ સાથે વાત-ચીત કરી શકે કે તેમની વાતોને સમજી શકે, પણ એવું તો ક્યારે શક્ય બનશે કે આવું બનવાનું શક્ય છે કે નહીં તેની પણ આપણને જાણ નથી. પરિણામે આપણે એમની સાથે વાત-ચીત કરવાના મોહને જતો કરીને જો પણ શાંતચિત્તે તેમની વાતો પણ સાંભળીએ તો પણ આપણે તેમની પાસેથી ઘણું બધું જાણી શકીએ છીએ કે સમજી શકીએ છીએ. દાખલા તરીકે જેમ વાઘના અસ્તિત્વનો અહેસાસ આપણને જંગલમાં રહેલાં અન્ય પ્રાણીઓના અવાજ પરથી થાય છે. તો સૌથી બેસ્ટ ઓપ્શન તો એ જ છે કે આપણે એમની વાતો સાંભળવા પર ધ્યાન આપીએ અને જંગલની દુનિયાને સારી રીતે સમજવાનો પ્રયાસ કરીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

63n7Xq
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com