6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુંભમેળામાં જવા માગો છો? તો આટલી તકેદારી રાખજો!

સાંપ્રત-મુકેશ પંડ્યાદુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજનનો હિસ્સો બનવા માગો છો, તો નિમ્નલિખિત સૂચનોનો અમલ જરૂરથી કરજો, જેથી તમારી સુરક્ષા અને સુવિધા જળવાઇ રહે અને ઉત્સવનો આનંદ પણ માણી શકાય.

ૄ જો તમે કોઇ વિવાદથી બચવા માગતા હો તો, બને ત્યાં સુધી ધાર્મિક વસ્ત્રો પહેરવાનું રાખજો. જેમ કે મહિલાઓએ પીળા રંગની સાડી કે પુરુષોએ સફેદ-પીળા રંગના વસ્ત્રો પહેરવાં. મહિલાઓએ પૂરું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવાં હિતાવહ છે. કુંભમેળા પ્રશાસને આવી સૂચનાઓ આપી રાખી છે, જે તમારી અને દરેકની સુવિધા માટે છે.

ૄ જરૂરી સામાન સાથે રાખો: ઠંડીથી બચવા ધાબળો, સ્વેટર, શાલ કે મફલર સાથે રાખો. પાણી અને ઠંડકના પ્રભાવથી બચવા ક્રીમ તેમ જ જરૂરી દવાઓ હાથવગી રાખો. તે ઉપરાંત પાણીની બોટલ, ટુવાલ અને નેપ્કિન પણ સાથે રાખો. આ સિવાય પૂરા શહેર અને તીર્થસ્થળની જાણકારી આપતી સચિત્ર પુસ્તિકા પણ સાથે રાખવાથી ઘણું માર્ગદર્શન મળી રહેશે.

ૄ સ્નાન સંબંધી જાણકારી: આમપ્રજા માટે સ્નાનના સમય નિયુક્ત કરેલા જ હોય છે, જેની સૂચના સમય સમય પર પ્રશાસન દ્વારા મળતી રહે છે. સવારે સાધુ-મહંતોના સ્નાન બાદ જ આમજનતા સ્નાન કરી શકે છે. મહિલાઓને સ્નાન સમયે વસ્ત્ર સંબંધી સૂચનાઓ આપવામાં આવે છે. પુરુષોએ નદીના સ્નાનનું મહત્ત્વ સમજીને નહાવું જોઇએ. અંદર તરવાથી કે રમવાથી આજુબાજુવાળાને પરેશાની થઇ શકે છે. પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ ઘાટની વ્યવસ્થા પણ હોય છે જેનો ઉપયોગ પણ કરી શકાય. નદીમાં અંદર કેટલે સુધી જવું એની સૂચનાઓ પ્રશાસન દ્વારા મળતી રહેતી હોય છે. આ સૂચનાઓનું ઉલ્લંઘન બિલકુલ ન કરવું, નહીં તો દુર્ઘટના સર્જાઇ શકે છે.

ૄ સાફસફાઇનું ધ્યાન રાખવું: ગંગા નદીમાં નહાતી વખતે સાફ સફાઇનું ધ્યાન જરૂર રાખવું. સાબુનો પ્રયોગ ન કરવો,કે કપડાં ન ધુઓ. ફૂલ-હાર કે પૂજા સામગ્રી નદીમાં ન છોડતાં, કચરાપેટીમાં જ નાખવાં. પોલિથિનનો ઉપયોગ બિલકુલ ન કરવો. કુંભમેળા ક્ષેત્રને સાફ-સૂથરા રાખવામાં સહયોગ કરવો.

ૄ સાધુસંતોનું સન્માન જાળવવું: એ જોવા મળ્યું છે કે સાધુઓ અને નાગાબાવાઓના અખાડાની આસપાસ વધારે ભીડ રહેતી હોય છે. આ બાવાઓની હરકતો જોવામાં લોકોને ઘણો રસ હોય છે. પરંતુ વધુ પડતી ભીડથી આ સાધુબાવાઓને અસુવિધાનો અનુભવ થાય છે, શક્ય છે કોઇ સાધુને ગુસ્સો પણ આવે. ભડકી પણ જાય. માટે આવા અખાડાઓની આસપાસ અનાવશ્યક ગીર્દી કરવી નહીં.

ૄ પવિત્રતા જાળવવી: ૬ કે ૧૨ વર્ષે આવતો આ કુંભમેળો અન્ય મેળાઓથી ઘણો અલગ તરી આવે છે. અહીં તન,મન અને આત્માની શુદ્ધિ અર્થે કાર્ય કરવું. પિકનિક કે રમતગમત માટેનું આ સ્થાન નથી. મન,વચન અને કર્મની પવિત્રતા જાળવવી જોઇએ. કુંભની ગંભીરતા અને ગરિમા જાળવી રાખવા જોઇએ. અપશબ્દોનો ઉપયોગ ન કરવો.

ૄ દાન કરો, પણ સમજી વિચારીને: આવા પ્રકારના મેળાઓમાં નકલી કે બનાવટી સાધુ-સંતો કે પંડિતોનો ભેટો પણ થઇ જતો હોય છે. કોઇ પણ પ્રલોભનમાં લપેટાયા વગર યોગ્ય પાત્રને જ દાન કરવું. ભિખારીઓને પ્રોત્સાહન ન આપવું. સંપત્તિનું વરવું પ્રદર્શન ન કરવું.

ૄ ખાનપાન સંબંધી સૂચનો: એવું જોવા મળે છે કે કેટલાય લોકો પોતાની સાથે લાવેલા ભોજનના ડબ્બા ખોલીને રસ્તાના કિનારે, બસ સ્ટેન્ડ પર કે રેલવે સ્ટેશન પર ખાવા બેસી જાય છે. આમ કરવાથી બીજા યાત્રાળુઓને અડચણ ઉભી થાય છે અને જ્યાં ત્યાં ગંદકી પણ થાય છે. ભોજન માટે વિશેષ પંડાલ ઊભા કરાયા છે તેનો જ ઉપયોગ કરવો જોઇએ. ઘણી એવી હોટેલો પણ હોય છે, જે તમે સાથે લાવેલા ભોજન કરવાની પણ અનુમતિ આપે છે. સ્વચ્છ પાણીની બોટલ હંમેશાં હાથવગી રાખવી. હાથલારી કે ખુલ્લામાં વેચાતા ખાદ્યપદાર્થો બને ત્યાં સુધી ન ખાવાં.

ૄ સુરક્ષા સંબંધિત સૂચનાઓ: કોઇ પણ બિનવારિસ સામાન દેખાય તો પ્રશાસનને સૂચિત કરવાની સહુની ફરજ છે. કોઇ શંકાસ્પદ બનાવ કે હિલચાલની ગંધ આવતી હોય તો પણ સંબંધિત સુરક્ષા દળોને જાણકારી આપવી જોઇએ. નાવમાં બેસતી વખતે કે નહાતી વખતે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું. રાતના કોઇ કારણ વગર મેળામાં ફર્યા વગર વહેલાસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જવું.

ૄ સભ્યતા જાળવવી: આવા મોટા ધાર્મિક આયોજનોમાં ક્યારેક ભાગદોડની આશંકા, અસામાજિક તત્ત્વોની સક્રિયતા કે ગેરધાર્મિક લોકોની ગતિવિધિઓ વધવાથી તણાવભરી પરિસ્થિતિ પણ ઊભી થઇ શકે છે. આવા સંજોગોમાં શાંતિ જાળવી રાખવી અને બીજાઓને પણ શાંત કરવાના પ્રયત્નો કરવા. આવેશ કે આક્રોશથી કામ ન લેવું. કોઇ નાનું બાળક કે વ્યક્તિ ભૂલી પડી ગઇ હોય તો એમને એમના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં મદદ કરવી.

ૄ ખરાબ કર્મોથી દૂર રહો: કુંભમેળામાં માંસ, મદિરા કે તામસી ચીજો ખાઇને જવાનું ટાળવું જોઇએ. કોઇ સાધુ સંતોનું અપમાન ન કરવું. મજાક ન ઉડાવવી. માસિકસ્રાવ થતો હોય એવી મહિલાઓ કે અપવિત્ર કાર્યો કરનારા પુરુષોએ તીર્થસ્નાન કરવાનું ટાળવું. નદીની અંદર પેશાબ કરવાની ક્રિયાને મહાપાપ ગણવામાં આવ્યું છે.

ૄ સારા કર્મો કરતાં રહો: કુંભમેળામાં સ્નાન ઉપરાંત કલ્પવાસ અને સત્સંગ જેવા કાર્યો પણ થતાં રહેતાં હોય છે. જપ, તપને ધ્યાન જેવી ક્રિયાઓ પણ કરતાં રહેવું. વિવિધ સાધુ-સંતોના પ્રવચન સાભળવાં. બ્રહ્મચર્ય પાળવું. પૂર્વજોના આત્માની શાંતિ માટે પિંડદાન કરવું કે બા્રહ્મમુહૂર્તમાં સ્નાન કરવા જેવી પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2s2lB4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com