26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધ્યાન માત્ર ધર્મ નહીં ચિકિત્સા પણ છે

મેડિકલી યોર્સ -ઊર્મિલ પંડ્યાધ્યાન ધરવાથી મનને જે વિશ્રામ મળે છે તેનાથી માનસિક નહીં, શારીરિક બીમારીઓ પણ દૂર થઇ શકે છે. ધ્યાનને કારણે શરીરની આંતરિક ક્રિયાઓમાં પરિવર્તન આવે છે. પ્રત્યેક કોષ ઊર્જાન્વિત થાય છે. શરીરમાં પ્રાણતત્ત્વમાં વધવાથી પ્રસન્નતા,શાંતિ અને ઉત્સાહ તો વધે જ છે, સાથે સાથે હાઇ બ્લડપ્રેશર નિયંત્રણમાં આવે છે. તણાવ સંબંધી રોગો જેવાકે માથાના દુખાવા, અનિદ્રા, માંશપેશી તેમ જ સાંધાના દર્દોથી પણ રાહત મળે છે. આપણું માનસિક સ્વાસ્થ્ય સુધરે તે માટે સેરોટોનિન હોર્મોન ઘણું જરૂરી છે. ધ્યાનથી આ હોર્મોનનું ઉત્પાદન વધે છે. મગજ ખીલે છે. રચનાત્મક કાર્યો કરવાની પ્રેરણા મળે છે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસની સાથે સાથે ધ્યાન માટે થોડો સમય કાઢે તો તેમના આત્મવિશ્ર્વાસમાં વૃદ્ધિ થાય છે. તેમની શારીરિક અને માનસિક ઊર્જામાં વધારો થાય છે. અભ્યાસ માટે જે એકાગ્રતાની જરૂર હોય છે એમાં વધારો થાય છે. સમજણ શક્તિ, સહન શક્તિ અને યાદશક્તિ વધે છે.

ધ્યાન એ કોઈ ધાર્મિક ક્રિયા નથી, કોઇ પણ વિચારધારાવાળી વ્યક્તિ તેનો અભ્યાસ કરી શકે છે.

ચાલો ‘ધ્યાન’માં થોડા ઊંડા ઊતરીએ.

પતંજલિના અષ્ટાંગયોગમાંથી કળિયુગમાં માણસે જે ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખી છે તે છે યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન; તમે યમ-નિયમ પાળો કે ન પાળો, પ્રત્યાહાર દ્વારા પ્રભુ તરફ મીટ માંડો કે ન માંડો, આધ્યાત્મિક દૃષ્ટિ રાખો કે ન રાખો, આ ત્રણ ક્રિયાઓથી શારીરિક અને માનસિક ફાયદા તો થાય જ છે.

માનવીના શરીરમાં ત્રણ ક્રિયાઓ એવી છે કે જે દિવસ-રાત કામ કરતી હોય છે. તમારું શરીર કે કર્મેન્દ્રિયો રાત્રે આરામ ફરમાવતી હોય, પણ શ્ર્વસન - રુધિરાભિસરણતંત્ર, પાચનતંત્ર અને ચેતનાતંત્રના નસીબમાં ક્યારે પણ ‘રવિવાર’ નથી હોતો. રાત્રે કે રજાના દિવસે જમ્યા પછી તમે તો આરામ ફરમાવો છો, પણ પાચનતંત્રનું કામ તો ઊલટાનું જમ્યા પછી વધી જાય છે. શ્ર્વસનતંત્ર એક ક્ષણ માટે બંધ પડે તો પણ આપણા ‘રામ’ રમી જાય. આથી જ પાચનતંત્રને આરામ આપવાના બહાને ‘ઉપવાસ’ અને શ્ર્વસનતંત્રને આરામ આપવા માટે ‘પ્રાણાયામ’ એ શ્રેષ્ઠ વ્યવસ્થા છે.

આ જ રીતે આપણું ચેતનાતંત્ર પણ ૨૪ કલાક કાર્યરત હોય છે. રાત્રે ચેતાતંત્ર પણ સૂઈ જાય તો સવારે જાગીએ ત્યારે ગઈકાલનું કંઈ યાદ જ ન આવે. સ્મૃતિ ખોવાઈ જાય. ઊંઘ દરમિયાન ઘણા સ્વપ્ન આવતા હોય કે અનિશ્ર્ચિત વસ્તુ શરીર પર બેસે તો આપોઆપ જ હાથનું ત્યાં જવું, આ બધી ચેતનાતંત્રની જાગૃત કે અર્ધજાગૃત અવસ્થાની જ સાબિતીઓ છે. દિવસે તો વળી ચેતાતંત્ર વધુ વ્યસ્ત થઈ જાય છે. મનુષ્ય એક કલાક કામ કર્યા વગર બેસી શકે છે, પરંતુ વિચાર કર્યા વગર ક્ષણવાર પણ રહી નથી શકતો. ઘરના, કુટુંબના, દુકાનના, શાળાના, વ્યવહારના, વેપારના, રાજકારણના, દેશના, મનોરંજનના, ત્યાગના, બીમારીના, મોજમજાના, કંઈ ને કંઈ વિચારો સતત માનવીના મગજને કાર્યશીલ રાખે છે અને ઘણીવાર તો આપણે કંઈ પણ કાર્ય વગર માત્ર વિચારોના બોજથી થાકી કે કંટાળી જતા હોઈએ છીએ. દરેક વિચાર શરીર અને મનમાં ભેગી થયેલી શક્તિને નીચોવી નાખતા હોય છે. આ બધાથી દૂર ભાગવું હોય કે ચેતાતંત્રને રવિવારની રજા આપવી હોય તો શ્રેષ્ઠ વિકલ્પ છે. મનને નિર્વિચાર બનાવવું, પણ આ એક અત્યંત કઠિન પ્રક્રિયા છે. થોડા કલાકો માટે ખાવાપીવાનું બંધ કરી શકાય, થોડી મિનિટો માટે શ્ર્વાસને રોકી શકાય, પણ વિચારોને પળવાર માટે પણ આવતા રોકી રાખવા અત્યંત કપરું કાર્ય છે. કરોડોમાં એક માનવી કદાચ આ કાર્ય કરી શકતો હશે. બાકી મારા - તમારા જેવા માણસો તો બધા વિચારો દૂર કરી કોઈ એક વિચાર, વસ્તુ કે મૂર્તિ પર થોડી ક્ષણો ધ્યાન કેન્દ્રિત કરી શકે તો પણ ચેતાતંત્રને થોડોઘણો આરામ મળી જાય. આવી રીતે થોડી ક્ષણ પછી તાજગી અને સ્ફૂર્તિ મેળવી મગજની કાર્યક્ષમતા તો વધે જ છે, સાથે એકાગ્રતા, યાદશક્તિ, સમજણશક્તિનો પણ વિકાસ થાય છે. તાજેતરમાં સંશોધન મુજબ તમારા શરીરનું કૉલેસ્ટરોલ વધે છે એ માટે ભારે ચરબીવાળો ખોરાક, માંસાહાર ઉપરાંત માનસિક તાણ પણ જવાબદાર હોય છે. ધ્યાન એ માનસિક તાણ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તમે ભગવાનમાં માનતા હોવ તો જે ભગવાનમાં માનતો હો તેની મૂર્તિ કે છબી પર તમારું ધ્યાન કેન્દ્રિત કરી આ ફાયદો ઉઠાવી શકો છો. જે લોકો ભગવાનમાં નથી માનતા તે લોકો પણ કોઈ એક પદાર્થ પર અથવા તો પ્રજ્વલિત દીવા પર ધ્યાન કેન્દ્રિત કરી લાભ મેળવી શકે છે. તમે નાસ્તિક હો કે આસ્તિક કે તમારા મતમતાંતરો છે. શારીરિક બાબતમાં તેથી કશો જ ફરક પડતો નથી. ધ્યાન એ કોઈ પણ વ્યક્તિને નાત, જાત, રંગ કે વિચારભેદ જોયા વગર સર્વને લાભ આપતી ક્રિયા છે. ઘણા આસ્તિક લોકો ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતો હોય, પરંતુ તેમના કામ જુઓ તો એમ લાગે જ નહિ કે તેઓ પ્રભુને ગમતાં કાર્યો કરી રહ્યા છે, જ્યારે ઘણા નાસ્તિક લોકો ઈશ્ર્વરમાં શ્રદ્ધા ન રાખતા હોય, પણ મન, વચન કે કર્મથી કોઈને ઈજા ન પહોંચાડતા હોય તો એમ જ લાગે કે એ ભગવાનનાં જ કાર્યો કરી રહ્યા છે. આસ્તિક અને નાસ્તિક અંતે તો એક જગ્યાએ પહોંચે છે. જ્યાંથી આવ્યા હતા ત્યાં જ પાછા જાય છે. ફરક એટલો કે આસ્તિક લોકો પહેલા શક્તિને માને છે પછી જાણે છે, જ્યારે નાસ્તિક લોકો પહેલા શક્તિને જાણે છે પછી માને છે. ભારતથી વિમાનમાં બેઠેલા મુસાફર સતત પૂર્વ દિશામાં વિમાનપ્રવાસ કરે તો ભારત પાછો ફરે છે. એ જ રીતે ભારતથી પશ્ર્ચિમ દિશામાં સતત પ્રવાસ કરતો વિમાનપ્રવાસી પણ પૃથ્વીનું ચક્કર કાપી પાછો ભારત જ ફરે, ઍરપોર્ટ પરથી આપણને એમ લાગે કે બેઉ વિરુદ્ધ દિશામાં ગયા, પરંતુ બેઉ જણ કશાય અંગત સ્વાર્થ વગર પોતાના ધ્યાન કે દિશા પર નિયંત્રણ રાખી શકે તો પાછા ભારતમાં આવીને મળે છે. એ જ રીતે ધ્યાનની સાચી પ્રક્રિયા અને નિ:સ્વાર્થભાવ કોઈ પણ વ્યક્તિને ફાયદો કરાવી આપે તેવી સમગ્ર દુનિયામાં આવકાર પામેલી સર્વસામાન્ય પ્રક્રિયા છે. આધ્યાત્મિક ફાયદો મેળવવો ન હોય તો કાંઈ નહિ, પણ શારીરિક અને માનસિક ફાયદા માટે પણ અને ખાસ કરી આજના ભણતરયુગમાં મેડિટેશનનું મહત્ત્વ વધી ગયું છે.

આપણા શાસ્ત્રોમાં દેવદેવીઓને સંબોધીને જે શ્ર્લોકો કે મંત્ર રચાયા હોય એ તમે બારીકાઈથી જોશો તો તમને ખ્યાલ આવશે કે મોટાભાગે તેમના રૂપનું, તેમણે ધારણ કરેલા વસ્ત્રો, અલંકારો કે શસ્ત્રોનું વર્ણન જ હોય છે. આ એક સારી પ્રક્રિયા છે. એ બહાને પણ તેમના તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. જેમ કોઈ સ્ત્રી કે પુરુષ સુંદર હોય કે સુંદર વસ્ત્રો કે અલંકારોથી સજ્જ હોય તો તે અન્યનું ધ્યાન ખેંચી શકે છે. એ જ રીતે સર્વે વિચારો પડતા મૂકી કોઈ શક્તિના સુંદર સ્વરૂપ પર આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ તો પણ સામાન્ય માનવી માટે તો તે વરદાનરૂપ બની જાય છે, મૂર્તિપૂજા એ ધ્યાનનું પ્રથમ પગથિયું છે, એનું વિરોધી નથી. અત્યારે મૂર્તિપૂજકો અને તેના વિરોધીઓ સામસામે લડીને નાહક પોતાનો અને અન્યનો સમય વેડફે છે. મૂર્તિ પરનું ધ્યાન હોય કે વિચાર પરનું ધ્યાન હોય કે પછી આંખ બંધ રાખીને કોઈ સારા મંત્ર કે ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. કોઈ પણ રીતે લાભ જ છે. નુકસાન નથી.

જે નાસ્તિક લોકો કે મૂર્તિ કે મંત્ર પર ધ્યાન ધરવામાં માનતા ન હોય કે પછી તે વસ્તુઓ પ્રાપ્ત ન હોય, તે એક શાંત જગ્યાએ બેસી પોતાના જ શ્ર્વાસોચ્છ્વાસને ધ્યાનથી જુએ અને તેમાં મન પરોવી સાક્ષીભાવથી અંદર જતા અને બહાર નીકળતા શ્ર્વાસનું અવલોકન કર્યા કરે તો પણ એટલા જ ફાયદા થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3370v75U
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com