28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સમગ્ર યુરોપ-અમેરિકા વિરુદ્ધ ભારતનું યુદ્ધ!

મોન્ટાજ-અભિમન્યુ મોદીછેલ્લા થોડા મહિનાઓથી ઇન્ડિયાની સાથે યુરોપનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એ પણ ગંભીર રીતે. ના, આ કોઈ સોશ્યલ મીડિયા ઉપર થતી કમેન્ટના ટ્રોલિંગની વાત નથી. પણ યુરોપિયનો વિરુદ્ધ ભારતીયોનું યુદ્ધ અથવા તો મહાયુદ્ધ ચાલી રહ્યું છે.

મજાની વાત એ છે કે આ યુદ્ધમાં ભાગ લેનારા મોટા ભાગના ભારતીયોને ખબર જ નથી કે તેઓ યુરોપિયનો સામે લડી રહ્યા છે જ્યારે સામા પક્ષે યુરોપિયનો તન-મન-ધનથી પૂરી આક્રમકતા સાથે જંગમાં ઊતર્યા છે. આ યુદ્ધનું સમરાંગણ છે યુટ્યુબ નામની વીડિયો શેરિંગ વેબસાઈટ. પણ આ ફક્ત ઓનલાઈન યુદ્ધ નથી. યુરોપના લોકો ભારતીયો સામે જીતવા માટે ખરેખર રસ્તા ઉપર ઊતરી આવ્યા છે.

ઝડપી કોમ્યુનિકેશન અને શેરિંગ પ્લેટફોર્મના જમાનામાં આવું પણ થઇ શકે એ વર્ષો પહેલા કોઈએ વિચાર્યું પણ નહિ હોય. ઓનલાઈન હુંસાતુંસી સુધી તો ઠીક છે પણ એ જ મુદ્દો કોઈ યુદ્ધનું સ્વરૂપ પકડી લે એ તો વિચિત્ર કહેવાય. પણ એ જ થઇ રહ્યું છે. આ યુદ્ધ છે પ્યુડીપાઈ વર્સીસ ટી-સિરીઝનું. ના, લખવામાં કોઈ ટાઈપીંગ મિસ્ટેક નથી થઇ. યુટ્યુબની ચેનલનું નામ છે પ્યુ-ડી-પાઈ.

યુટ્યુબની દુનિયામાં સૌથી વધુ એટલે કે એશી મિલિયન જેટલા સબસ્ક્રાઈબર્સ ધરાવતી ચેનલ છે. તે એક જ માણસ ચલાવે છે જેનું સાચું નામ છે ફેલિક્સ શેલબર્ગ. જે ગેમ ઉપરના વીડિયો બનાવે છે. વીડિયો ગેમ રમતા રમતા કોમેન્ટરી આપે અથવા તો કોમેડી ક્ધટેન્ટ સાથે વીડિયો મુકે. પ્યુડીપાઈ સ્વીડીશ છે અને તેના ફેન આખી દુનિયામાં પથરાયેલા છે.

આપણે વીડિયો ગેમના જમાનામાં મારિયો રમતા હોઈએ કે

નોકિયાના ફોનમાં સ્નેક વાળી ગેમ રમતાં હોઈએ અને એ રમતા રમતા લાઈવ કોમેન્ટરી આપ્યે રાખીએ તો કેવું લાગે? એવું જ પ્યુડીપાઈના વીડિયો જોતા લાગે. જેને ઓનલાઈન ગેમિંગ સાથે કોઈ લેવાદેવા ન હોય એવા લોકો તો એના વીડિયો પાંચ મિનિટ પણ ન જોઈ શકે

એટલો કંટાળો આવે. તો આવી યુટ્યુબ ચેનલને ભારતીયો સામે શું વાંધો પડ્યો?

માઉન્ટ એવરેસ્ટ ચડવાની હોડ લાગી હોય તો તેનસિંગ અને હિલેરી જેવા અપવાદો જુજ હોય કે બંને સંપીને સાથે ટોચ ઉપર આરોહણ કરે. આમ પણ એ જમાનો હવે ગયો. હવે તો ટોપ ઉપર પહોંચવા માટે ખુદે નંબર વન રહેવા ઉપરાંત બીજાને પછાડવામાં પણ એટલી જ મહેનત કરવી પડે છે. એ જ પ્યુડીપાઈના કિસ્સામાં થયું. પ્યુડીપાઈ યુટ્યુબ ચેનલના ગ્રાહકો એટલે કે સબસ્ક્રાઈબર્સનો અહમ ઘવાયો. થયું એવું કે પ્યુડીપાઈ પાસે સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ છે પણ સૌથી વધુ જોવાતી યુટ્યુબ ચેનલ હોય તો એ ટી-સિરીઝ છે. ટી-સિરીઝ એ ભારતીય મ્યુઝિક કંપની ખરી પણ યુટ્યુબમાં એ ઓગણત્રીસ જુદી જુદી ચેનલો ચલાવે છે જેને મુખ્યત્વે તેર નિષ્ણાતો સંભાળી રહ્યા છે.

ટી-સિરીઝ પાસે નવી ફિલ્મોના ટ્રેલર, નવી ફિલ્મોના વીડિયો ગીતો, જૂની ફિલ્મોનાં ગીતો, ભજનો એવું ઘણું બધું કોન્ટેન્ટ છે જે રોજેરોજ અપલોડ થાય છે. અઠાવન અબજ વ્યુઝ આ ચેનલના થઇ ગયા છે જે જગતની કોઈ પણ યુટ્યુબ ચેનલ કરતાં વધુ છે.

૨૦૧૬-૨૦૧૭ ના વર્ષ દરમિયાન જ યુટ્યુબ ઉપર સૌથી વધુ જોવાતી ચેનલ તરીકે ટી-સિરીઝ પ્રસ્થાપિત થઇ ચુકી હતી. જે ગતિથી યુટ્યુબ ઉપર ટી-સિરીઝની લોકપ્રિયતા વધતી જતી હતી એ મુજબ આ વર્ષના આ જ મહિનામાં તે પ્યુડીપાઈના સબસ્ક્રાઈબર્સની સંખ્યાને ઓવરટેક કરી જાય એમ હતી. આ વાતની પ્યુડીપાઈના ચાહકોને ખબર પડી અને પછી શરૂ થયું યુદ્ધ.

ઘણાં બીજા એવા યુટ્યુબ વીડિયો મેકર્સ/ચેનલ્સ છે જેના લાખો ફેન છે જેવા કે લોગન પૌલ, જેક્સેપ્ટીસાય, માર્કીપીલર આ બધા પ્યુડીપાઈના સપોર્ટમાં આવી ગયા. ઓનલાઈન ફેમસ હોય એવી ઘણી વ્યક્તિઓએ પ્યુડીપાઈની તરફેણમાં વીડિયો બનાવ્યા અને મુક્યા! યુટ્યુબનો મુદ્દો ટ્વીટર સુધી પહોંચ્યો અને ત્યાં સ્લોગન ‘સબસ્ક્રાઇબ ટુ પ્યુડીપાઈ’નું જાણે આંદોલન જ ચાલુ થઇ ગયું.

અમેરિકાનો એક યુટ્યુબર છોકરો છે જે મિસ્ટર બીસ્ટના નામે ઓળખાય છે. મિસ્ટર બીસ્ટે અમેરિકાના રસ્તા ઉપર રહેલા ઘણાં સાઈનબોર્ડ ખરીદી લીધા અને તેની ઉપર જાહેરાતો મૂકી. નોર્થ કેરોલીના રાજ્યમાં રેડિયો ઉપર જાહેરાતોનો મારો ચલાવ્યો.

અહી સુધી તો મજાક મસ્તી ચાલતી હતી. પણ ધીમે ધીમે આ ખેંચાખેંચીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું.

યુટ્યુબના અમેરિકન અને યુરોપિયન શોખીનો એક થઇ ગયા અને ટી-સિરીઝ ચેનલને ટ્રોલ કરવાનું ચાલુ કર્યું. ટી-સિરીઝના બધા વીડિયો ઉપર ડીસલાઈક આપવાની માસ મુવમેન્ટ ચાલુ થઇ અને ખોટી રીતે ટી-સિરીઝના વીડિયોને રિપોર્ટ કર્યા. પ્યુડીપાઈના અમુક ચાહકોએ ભારત દેશ વિરુદ્ધ ખરાબ કમેન્ટો કરવાની ચાલુ કરી દીધી. ટી-સિરીઝની ચેનલને હક કરવાનું ચાલુ થયું. હેકરજિરાફ જેવું ઓનલાઈન નામ ધરાવતા એક હેકરે એંશી હજાર જેટલા પ્રિન્ટરને હેક કર્યા અને પ્યુડીપાઈ મુશ્કેલીમાં છે અને ટી-સિરીઝને માત કરવા એને તમારી મદદની જરૂર છે’ એવી પ્રિન્ટો કઢાવી. ટી-સીરીઝને અનસબસ્ક્રાઇબ કરીને પ્યુડીપાઈને સબસ્ક્રાઈબ કરવાની વિનંતીઓ કરી. અમેરિકાના અતિપ્રતિષ્ઠિત અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ની વેબસાઈટ હેક કરવામાં આવી અને એમાં પણ પ્યુડીપાઈની ભલામણ કરવામાં આવી.

ભારતમાં પણ ટી-સિરીઝની તરફેણમાં અમુક યુટ્યુબ વીડિયો મેકર્સ મેદાનમાં આવ્યા. પ્યુડીપાઈના અમુક વીડિયોમાં રેપ સોંગ દ્વારા ભારતીયોની મજાક ઉડાવવામાં આવી હતી તેની નિંદા થઇ અને અમુક ઇન્ડિયન સ્ટેન્ડ અપ કોમેડિયનોએ પ્યુડીપાઈ માટે કરવામાં આવી રહેલા પેતરાઓની ટીકા કરી. ટી-સિરીઝના એક સમયના કર્તાહર્તા ગુલશન કુમારના દીકરા ભૂષણ કુમારે બીબીસીને કહ્યું કે તેણે થોડા મહિના પહેલા પ્યુડીપાઈનું નામ પણ સાંભળ્યું ન હતું અને આ સ્પર્ધા ચાલુ થયા પછી તેની ચેનલના વ્યુઝ આખી દુનિયામાંથી વધી ગયા છે.

મુદ્દો એ છે કે આવડી મોટી દુનિયામાં ઇન્ટરનેટ નામની એક સગવડતા છે. એ ઇન્ટરનેટ ઉપરની કરોડો વેબસાઈટમાંથી એક વેબસાઈટ ઉપર બે ચેનલ વચ્ચે કોઈ જ ઝઘડો નથી પણ તેના ચાહકોએ ખાસ કરીને પશ્ર્ચિમી દેશમાં વસતા ચાહકોએ ઝઘડો વહોરી લીધો અને સીધા યુદ્ધ કરવા ઊતરી પડ્યા. ઓનલાઈન જીતવા માટે રિયલ લાઈફમાં પણ નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરી અને કરોડો ડૉલર્સનો વેડફાટ કર્યો, એક આભાસી સ્પર્ધા જીતાડવા માટે! આ વર્તમાન સમય છે જેમાં દરેક વ્યક્તિ બીઝી છે એવું માને છે. જયારે દરેક વ્યક્તિ ‘બીઝી’ રહેતી નહિ ત્યારે ક્યારેય આવી નોનસેન્સ લડાઈઓ થઇ નથી. વેલકમ ટુ ધ ૨૦૧૯!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W62l53G1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com