26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૃદ્ધલગ્નો કેવાં હશે?

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરમારો ‘વૃદ્ધાવસ્થામાં લગ્ન કરવા વિશે’ લેખ પહેલવહેલો એક સામયિકમાં પ્રગટ થયો તેના અણધાર્યા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક વૃદ્ધો મારા પર ગુસ્સે થયા હતા, કેટલાક પ્રસન્ન પણ થયા હતા. ગાલિબે કહ્યું છે કે, હું જાણું છું કે, સ્વર્ગ જેવું કંઈ છે નહિ, પણ દિલને ખુશ કરવા સ્વર્ગનો ખ્યાલ સરસ છે ! એક વૃદ્ધ સજ્જને લખ્યું છે કે હવે કંઈ મારાથી લગ્ન કરવાની હિંમત થઈ શકવાની નથી, પણ ‘દિલ કો ખુશ રખને કે લિયે યે ખ્યાલ અચ્છા હૈ’. કેટલાક વૃદ્ધોએ પોતાનાં સંતાનોને મારો લેખ વાંચવા માટે આડકતરી રીતે પ્રોત્સાહિત કર્યાં છે અને પરિણામની રાહ જોઈ રહ્યા છે. કેટલાક ગુનેગારો અમુકતમુક ફિલ્મ જોયા પછી એ સ્ટાઇલથી ગુનો કરે છે તેમ એક વડીલના પુત્રે મારો લેખ વાંચી મારા જ શબ્દોનો ઉપયોગ કરીને એના પિતાને પૂછ્યું કે, ‘પિતોં, તમે લગ્નોત્સુક છો?’ પુત્રના આવા અણધાર્યા પ્રશ્ર્નથી પિતોં પહેલાં તો ડઘાઈ ગયા. આ પછી એમના જાણવામાં આવ્યું કે પુત્રના પ્રશ્ર્નનું પ્રેરણાસ્થાન મારો લેખ છે. મારા પરિચિત હોવાને નાતે તેમણે મને સારી પેઠે ધમકાવ્યો ને આવું હલકું સાહિત્ય સર્જવાને બદલે આ ઉંમરે પ્રભુભજનમાં સમય ગાળવાની સલાહ આપી. એક વાચકે તો હિંમત કરીને મને જ પૂછી નાખ્યું કે, ‘ધારો કે તમારે આવા સંજોગો ઊભા થાય તો તમે કોઈ પણ ઉંમરે ફરી લગ્ન કરો ખરા ?’ આ પ્રશ્ર્નનો ઉત્તર ‘ના’માં આપું તો સત્યનો ભંગ થાય અને ‘હા’માં આપું તો ઘરમાં સુલેહભંગ થવાનો સંભવ ઊભો થાય. (આ ‘સુલેહભંગ’ કાયદાની પરિભાષાનો શબ્દ છે, જેનો અર્થ...... તમે સમજી ગયાં હશો) એટલે કોઈ રાજકીય નેતા પત્રકાર પરિષદમાં પ્રશ્ર્નોના ઉત્તર સિફતથી ટાળી દે એમ મેં હસીને આ પ્રશ્ર્નનો ઉત્તર ટાળી દીધો. એક રસિક વૃદ્ધ તો લેખ વાંચીને તરત ઘેર આવ્યા : આટલું બધું મગજ દોડાવ્યું છે તો આવાં વૃદ્ધલગ્નો કેવાં હશે એની પણ કલ્પના તમે કરી જ હશે ને ? ‘કેવાં હશે એ લગ્નો ?’ એ વિશે પણ કંઈક લખો. આ વડીલની ઇચ્છાને માન આપી આ લેખ લખ્યો છે.

આજે યુવાનોને જેમ કૉલેજમાં, સિનેમાગૃહોમાં બસની ક્યુમાં પોતાનું પ્રિયપાત્ર ભેટી જાય છે એમ વૃદ્ધોને પોતાનું પ્રિયપાત્ર મંદિરમાં, ભાગવત કે રામાયણની કથામાં કે વૃદ્ધાશ્રમોમાં મળી જશે. આત્મા આત્માને ઓળખશે અને પછી હૃદય પોકારી ઊઠશે ‘પ્રિયે / પ્રિય ! આજ સુધી તું / તમે ક્યાં હતી / હતા ?’ અલબત્ત, જેમ આજે પણ યુવાનોેનોે પ્રણયનો--લગ્નનો માર્ગ સરળ નથી તેમ વૃદ્ધોનો પ્રણયનો--લગ્નનો માર્ગ સરળ નહિ હોય. કોઈ યુવાન-યુવતી લગ્ન કરવા માગે છે ત્યારે હજુ આજે પણ કુટુંબ, જ્ઞાતિ, ધર્મ, અમીરી-ગરીબી વગેરે પ્રશ્ર્નો દીવાલ બનીને આડા ઊભા રહે છે અને યુવતી ‘વહાલા, હું લાચાર છું, મને ભૂલી જવાની કોશિશ કરજે’ કહી પિતાએ શોધી આપેલા ધનિક યુવાનને પરણી જાય છે ને યુવાન બિચારો ‘ચાંદી કી દીવાર ન તૂટી પ્યારભરા દિલ તોડ દિયા’ વગેરે વગેરે ગાતો થઈ જાય છે, અથવા તો કવિતાઓ લખી પસ્તીમાં વધારો કરે છે; એ જ રીતે વૃદ્ધ તાત કે માત લગ્ન કરવા ઇચ્છશે ત્યારે યુવાન સંતાનો એમને રોકવાનો પ્રયત્ન કરશે. ભાગવત કે રામાયણની કથામાં જતાં બંધ કરી દેશે. દેવદર્શને જશે ત્યારે નાનાં પુત્ર-પુત્રીને સાથે મોકલશે. ઘેર કશું ન કહેવા માટે દાદા-દાદી મંદિરમાં મૂકવા માટે મળેલા પૈસામાંથી આ બાળકોને ચૉકલેટ લઈ દેશે. આ પછી પણ પ્રભુતામાં ફરી પગલાં પાડવાનું અશક્ય જણાશે ત્યારે આ વૃદ્ધ હૈયાંઓ પગે વાનું તેલ ચોળતાં ચોળતાં ‘તું તડપે વહાં મૈં તડપું યહાં’ કે ‘એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઈ ઈધર ગિરા કોઈ ઉધર ગીરા’ જેવાં ગીતોની જેટલી પંક્તિઓ યાદ હશે એટલી ગાશે. (વૃદ્ધાવસ્થાને કારણે હૃદય નબળાં પડી ગયાં હશે. એટલે કદાચ હજાર ટુકડા ન થાય તોય બસો-પાંચસો ટુકડામાંથી એ હૃદયો નહિ જાય !) ટૂંકમાં, આ હૈયાસૂના સમાજમાં શું જીવનની વસંત સમી યુવાવસ્થા કે શું જીવનની પાનખર સમી વૃદ્ધાવસ્થા પ્રેમનો પંથ હંમેશાં કંટકછાયો જ રહેવાનો. આમ છતાં કેટલાંક યુવક-યુવતીઓ માતા-પિતા સામે બળવો કરીને નાસી જઈને પોતાના પ્રિયપાત્ર સાથે પ્રભુતામાં પગલાં પાડે છે અને પછી બીજે દિવસે છાપામાં ‘અમે રોંખુશીથી (જોકે માતાપિતાની નાખુશીથી) લગ્નગ્રંથિથી જોડાયાં છીએ’ એવી જાહેરાત આપે છે તેમ પુત્ર-પૌત્રો પોતાની પ્રતિષ્ઠાના બહાને વૃદ્ધોને પરણતાં અટકાવશે તો કેટલાંક ક્રાતિકારી વૃદ્ધ-વૃદ્ધાઓ નાસી જઈને લગ્ન કરશે. ‘અમે રોંખુશીથી (વંશવારસોની નાખુશીથી) લગ્નગ્રંથિથી જોડાયાં છીએ.’ એવી જાહેરાતોથી આપણાં ભવિષ્યનાં વર્તમાનપત્રો શોભશે. વર્તમાનપત્રો આવાં વૃદ્ધ લગ્નોની જાહેરાતો ક્ધસેશન દરથી છાપી આપશે. પોતાના પ્રિયપાત્ર સાથે પરણવા ન મળતાં યુવાન પુત્ર ઘર છોડીને નાસી જાય છે ને પછી બીજે દિવસે છાપામાં એના ફોટા સાથે જાહેરાત આવે છે,

‘ચિ. ભાઈ, તું જ્યાં હો ત્યાંથી જલદી પાછો આવી જા. ઘરનાં બધાં કલ્પાંત કરે છે. તારાં બાની તબિયત ઘણી ગંભીર છે. તું પાછો આવી જા. તારી ઇચ્છા પ્રમાણે બધું ગોઠવી આપીશું.’ છોકરો નાસી ગયા પછી બીજે દિવસે પહેલું કામ છાપાં જોવાનું કરે છે આવી જાહેરાત આવી છે કે કેમ તે જોવા. આજનાં છોકરા-છોકરીઓ જાણે છે કે સાથે નહિ તો છેવટે એકલાંય નાસી જઈશું તો જ મા-બાપ ઇચ્છિત પાત્ર સાથે પરણાવશે એમ વિચારી નાસી જવાનો રસ્તો અપનાવે છે અને એ રીતે પિતાને લગ્ન ઉપરાંત જાહેરાતનો ખર્ચ પણ કરાવે છે. વૃદ્ધોને પણ યુવાન પુત્ર-પુત્રીઓ પરણતાં અટકાવશે તો વૃદ્ધો પણ ખાસ કરીને પુરુષ-વૃદ્ધો ઘર છોડીને નાસી જશે અને પછી બીજા દિવસે વર્તમાનપત્રમાં પેલી જાહેરાત આવી છે કે નહિ તે જોશે. નાસી જતી વખતે ઉતાવળમાં બેતાળાંના ચશ્માં ઘેર ભૂલી ગયા હશે તો જાહેરાત ખોળવા માટે ને વાંચવા માટે બીજાંઓની સહાય એમને લેવી પડશે. પચ્ચીસ-પચાસ વરસ પછી આવી જાહેરાતો વર્તમાનપત્રોમાં જોવા મળશે: ‘પૂજ્ય દાદોં, તમે ઘર છોડીને ગયા ત્યારથી તમારો લાડકો પૌત્ર અને/અથવા પૌત્રી કલ્પાંત કરે છે. (વહુઓ રોં થઈ હશે પણ એનો ઉલ્લેખ કરવામાં નહિ આવે). રોજની જેમ દાદા દૂધ પાશે, વાર્તા કહેશે તો જ દૂધ પીશ/સૂઈશ એવી નાનકાએ હઠ લીધી છે. તમે જલદી પાછા આવો. તમે ઇચ્છો છો એવું ગોઠવી આપીશું.’

અલબત્ત, સંક્રાંતિકાળમાં જ વૃદ્ધોને આવી હાલાકી વેઠવી પડશે. વૃદ્ધલગ્નો રુટિન બની જશે પછી તો માબાપ જેમ રંગેચંગે પોતાનાં લાડકા-લાડકીઓને પરણાવે છે એમ જ પુત્ર-પુત્રીઓ, પૌત્રો-પૌત્રીઓ, દૌહિત્રો-દૌહિત્રીઓ પોતાનાં દાદા-દાદીઓને, નાના-નાનીઓને પરણાવશે. એકવીસમી સદીના ઉત્તરાર્ધમાં પ્રતિવર્ષ સૌને આવાં કાર્ડ મળશે : અમારા પૂજ્ય દાદોં અમૂલખરાય (નિવૃત્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉ. વ. ૬૫) શ્રીમાન કાંતિલાલ મહેતા પૂજ્ય દાદીમા, ગં. સ્વ. કેસરબહેન (નિવૃત્ત આચાર્યશ્રી, ઉં. વ. ૬૦) સાથે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યાં છે. આ પ્રાચીન દંપતીને શુભેચ્છાઓ પાઠવવા યોજેલા ભોજન-સત્કાર સમારંભમાં ઉપસ્થિત રહેવા આપને હાર્દિક નિમંત્રણ છે.

એ સત્કાર સમારંભો કેવા હશે? મોેટા હૉલમાં સરસ રીતે શણગારેલા

સ્ટેજ પર મૂકવામાં આવેલી ખુરશીઓ પર દાદા-દાદી બિરાજ્યાં હશે; પુત્ર-પુત્રીઓ-પૌત્ર-પૌત્રીઓ, દૌહિત્ર-દૌહિત્રીઓ અને અન્ય સ્વજનો સમારંભમાં આવી રહેલા મહેમાનોને ઉલ્લાસથી સત્કારી રહ્યાં હશે; આવનાર મહેમાનો દાદા-દાદીને વંદન કરીને

શુભેચ્છાના પ્રતીક રૂપે ભેટ આપતા હશે; દાદા-દાદી એમનાં દંતવિહીન અથવા ચોકઠાયુક્ત મુખારવિંદથી મરક મરક હસશે અને શુભેચ્છાઓ સ્વીકારશે.

અહા ! કેવું હશે એ ભવ્ય દૃશ્ય ! દેવો પણ અંતરિક્ષમાં ઊભા રહીને આશીર્વાદ આપશે.

આવા પ્રસંગોએ દાદા-દાદીને અપાનારી ભેટો કેવી હશે ?

દાદોંના દાંતના ચોકઠાનું અગાઉથી માપ લેવડાવી સારા ડેન્ટિસ્ટ પાસે ચોકઠું તૈયાર કરાવી સુંદર ખોખામાં પૅક કરી ખોખા પર ‘પૂ. દાદીમા સાથે સહનૌભુનક્તુ કરતી વખતે, ભોજનનો સ્વાદ ચોકઠાની સહાયથી સારી રીતે માણી શકો એવી શુભેચ્છાઓ સાથે’ એવાં સુવાક્યો લખવામાં આવશે. એ જ રીતે બેતાળાંનાં ચશ્માં (અગાઉથી નંબર જાણીને) ભેટ આપી શકાશે. પૂ. દાદોંની કે પૂ. દાદીમાની કે બંનેની કર્ણેન્દ્રીય આઉટ ઓફ ઑર્ડર હોય તો (અગાઉથી ઑડિયોગ્રામ કરાવી) હિયરિંગ એઇડ પણ આપી શકાશે. આ હિયરિંગ એઇડની મદદથી દાદા-દાદી એકબીજાનાં મધુર પ્રેમવચનોનું શ્રવણ કરી શકશે.

આધ્યાત્મિક મનોભાવવાળાં દંપતીઓને દેવદેવીઓની છબીઓ, માળા, ગૌમુખી, અગરબત્તીનાં સ્ટૅન્ડ, ધાર્મિક પુસ્તકો વગેરેની ભેટ આપી શકાશે.

આ બધું આજે તમને તરંગી લાગી રહ્યું હશે, પણ ઈ.સ. ૨૦૨૫માં જન્મેલાં બાળકો આવાં લગ્નો જોશે પણ ખરાં ને કરશે પણ ખરાં એ નક્કી માનજો.

આવા નીરોગી ને નિર્મળ સમાજની માનવજાતને પ્રતીક્ષા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

331Movn
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com