27-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સૂરજનો છડીદાર

ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી૧૯૦૫માં જેનો જન્મ થયો હોય એને ૨૦૧૯માં ૧૧૩ વરસ વળોટી ગયેલી વૃદ્ધા (કે વૃદ્ધ) જ કહેવાય. પણ આ ૧૧૩ વરસની વૃદ્ધાએ ચાલુ મહિનાની ૧૧, ૧૨, ૧૩ તારીખે જે ચહેરો દેખાડ્યો એ જોયા પછી એને વૃદ્ધા કહેવાનું મન થતું નથી. અંગ્રેજીમાં જેને ફલય યિહફયિંમ ાજ્ઞિબહયળત કહેવાય છે એવું કેટલુંક છે પણ એની વાત પછી કરીએ. આ તરુણી લાગતી વૃદ્ધાનું નામ છે - ગુજરાતી સાહિત્ય પરિષદ. શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા એના સ્થાપક. (બહુ ઓછા માણસો એ વાત જાણે છે કે શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા, જૂના સમાજવાદી અને પછી કૉંગ્રેસ સરકારના રાજ્યમાં નાણામંત્રી બનેલા અશોક મહેતાના પિતા થાય છે.)

સુરત ખાતે મળેલી આ ત્રણ દિવસની પરિષદમાં સહુથી જમા પાસું, મોટાભાગના વક્તાઓએ કરેલું હોમવર્ક હતું. ભાવનગર કૉલેજની વિદ્યાર્થિની કિંજલથી માંડીને બ્રિટિશ સંસદના લોર્ડ ભીખુ પારેખ સુધી મોટા ભાગના વક્તાઓનું આ હોમવર્ક કર્યું હતું એ સ્વીકાર્યા વિના ચાલે નહિ. વક્તાઓનું આ હોમવર્ક યુવાનીનો પહેલો ચહેરો. અને આ હોમવર્ક એમની પાસે જેમણે કરાવ્યું એ નવનિર્વાચિત અધ્યક્ષ શ્રી સિતાંશુ યશશ્ર્ચન્દ્ર અભિનંદનના અધિકારી.

પણ વહેવારિક જીવનમાં એકેય યશ આખેઆખો નથી હોતો. આવા યશ સાથે કેટલાક દાણા છંટાયેલા હોય છે. વક્તવ્યો માટે સમયનો આગ્રહ રૂડોરૂપાળો કહેવાય, પણ પ્રત્યેક રૂપ બ્યુટીપાર્લરમાં જેટલું રૂપાળું લાગે એટલું બહાર રસ્તા પર આવ્યા પછી નથી લાગતું. લાંબું લેખન કરેલા વક્તા ઉપર સમયની બેધારી તલવાર લટકતી રહે ત્યારે એના કાળજામાં ફડ ફડ થાય. એનું નિવારણ વક્તાની સંખ્યા ઘટાડીને કરી શકાય. ઘટાડી શકાય એવા વક્તાઓની સંખ્યા આંગળી ચીંધીને દર્શાવી શકાય એમ છે.

અધિવેશનના બધા વિષયો ગાંધીની આસપાસ ઘૂમરાતા હતા એટલે એનીય થોડીક વાત કરવી જોઈએ. શિલ્પ સ્થાપત્ય આ બધું ભારે કલાત્મક છે, પણ આ સ્થાપત્યને યેનકેન પ્રકારેણ ગાંધી સાથે સાંકળી લેવાની વાત બહુ બંધબેસતી લાગી નહિ. ગાંધીજીએ પુષ્કળ વિચારણાઓ કરી છે એટલે સ્થાપત્ય તો શું કોઈ પણ કલા કે વ્યવસાયને ગાંધી સાથે સાંકળવા હોય તો એમાં ઝાઝું નકશીકામ જરૂરી નથી. ગાંધીજી અને વકીલાત, ગાંધીજી અને તબીબી વિજ્ઞાન, ગાંધીજી અને હિસાબ કિતાબ આવું ઘણું બધું થઈ શકે. બીજી બેઠકોમાં સમયનો અભાવ વર્તાયો ત્યારે આ બેઠકમાં સમય વધી પડ્યો.

આ અધિવેશનની ઊડીને આંખે વળગે એવી વિશેષતા વિદ્યાર્થીઓની સંખ્યાને ગણી શકાય. યુવા મંચના બેનર હેઠળ જોતાવેંત ગમી જાય એવા ચહેરાવાળા વિદ્યાર્થીઓએ જે સાહિત્યિક રજૂઆતો કરી એને ઊંડો શ્ર્વાસ લઈને કહેવું હોય તો કહી શકાય - મારાં વહાલાં કક્કા-બારાખડીને નજીકના ભવિષ્યમાં ઊની આંચ આવે એમ નથી. શરત માત્ર એટલી જ છે કે આ યુવા પેઢીને ટકોરાબંધ કરવા માટે શિક્ષકોએ મહેનત કરવી પડશે. શિક્ષકો માત્ર અભ્યાસક્રમ ભણાવી જાણે એ સાવ અપૂરતું છે. એમને આવી કોઈ ફરિયાદ કરવાનો અધિકાર નથી. ‘સેવા’ના ભેખધારી ઈલાબહેન અડધા સૈકાના અનુભવને અંતે બળતા હૃદયે બહુ સાચા શબ્દો કહ્યા. "આવું શિક્ષણ અને આવા અભ્યાસક્રમો ન ભણાવીએ એ જ બહેતર છે.

આ લખનારે અધ્યક્ષીય પ્રવચનનો એક નવો યુગ જોયો. પરિષદમાં કે જ્ઞાનસત્રોમાં ઉપસ્થિત રહેવાથી જ્ઞાન વૃદ્ધિ થાય છે એવો ભ્રમ તો ઘણા વરસોથી છૂટી ગયો હતો. આ મુક્તિદાતા હતાં અધ્યક્ષીય પ્રવચનો. ખાસ્સું સો-દોઢસો પાનાંનું મુદ્રિત પુસ્તક કરીને એની એક એક નકલ પ્રત્યેક પ્રતિનિધિને આગોતરી આપી દેવામાં આવી હોય અને છતાં પૂરા બેકે અઢી કલાક સુધી માનનીય અધ્યક્ષ આ મુદ્રિત પ્રવચન અક્ષરેઅક્ષર વાંચે - સભામંડપમાંથી પોણા ભાગના સભ્યો બહાર જતા રહ્યા હોવા છતાં, સુરત જ્ઞાનસત્રમાં નવનિર્વાચિત પ્રમુખે સમયની તલવાર માત્ર વક્તાઓ સામે જ નહોતી ઉગામી પણ પોતાના ગળા ઉપર પણ મૂકી હતી. સાત મિનિટના અધ્યક્ષીય પ્રવચનમાં એમણે જે કહેવું હતું એ આરતીની ઘંટડીની જેમ સાંભળવું ગમે એમ કહેવાઈ ગયું.

સ્વાગત સમિતિએ સેવાધારી સ્વયંસેવકોની જે ફોજ ઉતારેલી એને સલામ કર્યા વિના ચાલે નહિ. આ સેવાનો સ્વીકાર કર્યા પછી પણ ભોજન વ્યવસ્થા વિશે આંગળી ચીંધ્યા વિના પણ ચાલે નહિ. લંચ બૉક્સ અને ડિનર બૉક્સ વ્યવસ્થા છે પણ સમાધાન નથી અને ગુજરાતીમાં ‘ભૂખે ભજન ન હોય ગોપાલા’ તથા મરાઠીમાં ‘આધી પોટોબા નંતર વીઠોબા’ આ વાત કેમ ભુલાય?

૧૧૩ વરસનાં આ ડોસીમા હવે જુવાનજોધ થવા જઈ રહ્યાં છે ત્યારે જુવાનીમાં જ કરવા જેવું સહુપ્રથમ કામ યાદ કરવાનું મન થાય છે. સાહિત્ય એ ઉન્નતભ્રૂઓનો કસરતી આયામ નથી પણ ‘હંબો હંબો વીંછુડો’ સુધીની ઉઘાડપગી પદયાત્રા છે. ૧૯૨૯માં સાર્થ જોડણી કોશની પહેલી આવૃત્તિના પ્રકાશન વખતે ગાંધીજીએ કહ્યું હતું - ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.’ આ જોડણીકોશમાં જે કંઈ લખાયું હોય એ જ અંતિમ એવું ક્યાં સુધી માનીશું? ગાંધીજીનું આ વાક્ય કુરાનનો કલમા નથી, ગીતાનો શ્ર્લોક છે. શ્ર્લોકમાં સ્થળ કાળના સંદર્ભમાં વિવેકપુર:સર અર્થઘટનનું નાવીન્ય દાખલ કરી શકાય. શ્રી મહેન્દ્ર મેઘાણી પ્ર ને પ્ર કરે કે મ્ર-મૃ, કૃ-ક્ર આવું બધું ક્યાં સુધી ચલાવીશું? બીજી બાજુ ઊંઝા જોડણીના સમર્થકો થાકીને પોતાની સ્વીકૃત જોડણીને અમલી કરે એનાથી અરાજકતા ઊભી નથી થતી? આ વિશે યોગ્ય વિચારણા કેમ ન થઈ શકે? ત્રીસ કે ચાળીસ વરસ સુધી ગુજરાતીનો વિષય શાળા કે કૉલેજમાં ભણાવનાર શિક્ષક પણ આજેય એક ફૂલ્સકેપ પાનું જોડણીની ભૂલ વિના લખી શકાતો નથી. જો આવું હોય તો આ જોડણી વિશે ખુલ્લા દિલે સ્વચ્છ પુનર્વિચારણા કરી ન શકીએ? વિચારણા પૂર્વે જ મતમતાંતરો દૃઢ કરીને આવું કામ ન થાય. થોડાં વરસો પહેલાં મુંબઈમાં અમે કેટલાક મિત્રોએ આવી વિચારણા કરવા એક મંચની સ્થાપના કરી હતી. અમારા પૈકી કેટલાકે જોશીલા ઉત્સાહથી આ મંચનું નામ આપ્યું હતું - ‘જોડણી સુધાર મંચ’ અને પછી આ મંચનું અધ્યક્ષ સ્થાન લેવા આપણા સ્વસ્થ અને સમર્થ સમીક્ષક સદ્ગત યશવંત દોશીને વિનંતી કરી હતી. યશવંતભાઈએ જોડણી વિશે પુનર્વિચારણા સ્તુત્ય છે એમ કહીને પ્રમુખ પદ તો સ્વીકાર્યું પણ એ સાથે જ એક શરત જોડી દીધી. આપણે જ્યારે આવી વિચારણાને જોડણી સુધાર મંચ કહીએ છીએ ત્યારે વર્તમાન જોડણી પ્રથામાં કશુંક ખોટું છે અને આપણે એ બદલવા માંગીએ છીએ એવો ધ્વનિ આપોઆપ સ્વીકૃત થઈ જાય છે. કોઈ પણ પુનર્વિચારણા એના વિશે કોઈ પણ પ્રકારની ગાંઠ બાંધ્યા વિના જ કહી શકાય. આટલું કહીને યશવંતભાઈએ આ મંચને નવું નામ આપ્યું - ‘જોડણી મંચ’. પરિષદે ભાષાના આ પ્રશ્ર્ને ‘સબકા સાથ, સબકા વિકાસ’ પ્રધાનમંત્રીનું આ સૂત્ર ગમે કે ન ગમે તો પણ સ્વીકારવા જેવું છે.

આ સ્વીકાર અકાદમીની સ્વાયત્તતાના આગ્રહ જેવો ન રાખીએ. પુનર્વિચારણાને અંતે જે કંઈ નિશ્ર્ચિત થાય એ જોડણી જો સરકારી સ્તરે પાઠ્ય પુસ્તકોમાં દાખલ ન થાય તો એનો અમલ ઝાંઝવાના જળ જેવો થઈ જાય. દેશની કઈ ભાષામાં કઈ સરકારે સ્વાયત્ત અકાદમી કરી છે એની વિચારણા પણ કરવા જેવી ખરી! ગુજરાતમાં જ્યારે અકાદમી અલ્પકાલીન સમય માટે સ્વાયત્ત બની હતી ત્યારે એનું બંધારણ આજે કેટલાને યાદ હશે? એના પહેલા જ પાને લખ્યું હતું - ‘ગુજરાતમાં વસતા ગુજરાતીઓ માટેની આ અકાદમી.’ ત્યારેય આ અકાદમી બધા ગુજરાતી ભાષીઓ માટે નહોતી. ગુજરાતની બહાર વસતા સુંદરમ, ગુલાબદાસ બ્રોકર, ચંદ્રકાંત બક્ષી અને બીજા અનેક અત્યારે આ સ્વાયત્ત અકાદમીને બંધારણીય રીતે સ્વીકાર્ય નહોતા. આની પણ થોડીક વિચારણા થવી જોઈએ એમ નથી લાગતું? એ પણ યાદ રાખવું જોઈએ કે સ્વાયત્ત અકાદમી તો ગુજરાતમાં વસતા સાહિત્યકારોને મળી પણ હતી, પણ આંતર યુદ્ધને કારણે એ સાચવી શકાઈ નહોતી.

સૂરજનો સારથી અરુણ છે, સૂરજના રથને સાત ઘોડા જોડાયેલા છે. આ સાતેય ઘોડાની કુલ સાત લગામ સારથી અરુણના જમણા હાથમાં હોય છે. અરુણ આ સાતેયને સંભાળીને રથ શી રીતે હાંકતો હશે એ આપણે જાણતા નથી, પણ એ રથ હાંકે છે, એકલે હાથે હાંકે છે અને લાખો વરસોથી એકેય ઘોડાનો એકેય પગ ક્યાંય લથડ્યો નથી. સિતાંશુભાઈ, તમારે આ અરુણ કર્મ કરવાનું છે અને એ પણ માત્ર ત્રણ જ વરસમાં. અમારી શુભેચ્છાઓ તમારી સાથે છે. હવે પછી તમારી ભૂમિકા સૂરજના છડીદારની છે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

we38P108
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com