26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભાજપને ફરી લપડાક

રાજીવ પંડિતદેશનાં ત્રણ મહત્ત્વનાં રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી કારમી હારની ભાજપને ધીરે ધીરે કળ વળવા માંડી છે. રાજસ્થાનમાં ભાજપ હારશે એવું મનાતું હતું પણ કોંગ્રેસે અનપેક્ષિત રીતે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ જીત મેળવીને ભાજપને બહુ મોટો ફટકો મારી દીધો. ભાજપના નેતાઓ મધ્ય પ્રદેશમાં ટફ ફાઈટ થશે એમ માનતા હતા પણ સાવ હારી જવાશે એવું નહોતા માનતા. છત્તીસગઢમાં તો ભાજપની જીત પાકી જ મનાતી હતી ને કોંગ્રેસે પણ કલ્પના નહોતી કરી કે, પોતે જીતી જશે. સાવ અકલ્પનીય રીતે કોંગ્રેસે જીત મેળવી તેનો ભાજપને વધારે આઘાત લાગેલો ને ભાજપ સાવ દિગ્મૂઢ થઈ ગયેલો. એ આઘાતમાંથી ભાજપના નેતાઓ ધીરે ધીરે બહાર આવવા માંડ્યા છે ને કોંગ્રેસને એવો જ ફટકો મારવાની વેતરણમાં લાગી ગયા છે.

આ વેતરણના ભાગરૂપે જ ભાજપે કર્ણાટક ને મધ્ય પ્રદેશ પર નજર ઠેરવી છે. આ બે પૈકી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર (જેડીએસ) અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે. ભાજપે આ બંને સરકારોને ઘરભેગી કરીને પોતાની સરકાર બનાવવાના દાવપેચ શરૂ કર્યા છે ને તેના ભાગરૂપે તેણે કર્ણાટકમાં હમણાં ઑપરેશન ‘લોટસ’નો દાવ ખેલી નાંખ્યો. ઑપરેશન ‘લોટસ’ હેઠળ કર્ણાટકની જેડીએસ અને કોંગ્રેસની સરકાર ઉથલાવવાની ભાજપની મુરાદ હતી પણ એ ફળી નથી.

કર્ણાટક વિધાનસભાની કુલ બેઠકો ૨૨૪ છે પણ તેમાંથી ૨૨૨ બેઠકો માટે ચૂંટણી થયેલી. બે બેઠકોની ચૂંટણી અલગ અલગ કારણે રદ થયેલી. કર્ણાટકમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી તેથી ભાજપને ફાયદો કરાવવા રાજ્યપાલ વજુભાઈ વાળાએ તાબડતોબ એક એંગ્લો ઈન્ડિયન ધારાસભ્યની નિમણૂક કરી નાંખી હતી. આ કારણે સરકારની રચનાની કડાકૂટ ચાલતી હતી એ વખતે વિધાનસભાની સભ્યસંખ્યા ૨૨૩ થતી હતી ને બહુમતી સાબિત કરવા ૧૧૨ ધારાસભ્યોના મત જોઈએ. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૪ બેઠકો જીતી હતી અને ભાજપની મહેરબાનીથી નિમાયેલા એંગ્લો ઈન્ડિયન ધારાસભ્ય પણ ભાજપ ભણી ઢળતાં તેમની સભ્યસંખ્યા ૧૦૫ થઈ હતી.

બીજી તરફ કોંગ્રેસની છાવણીમાં વિધાનસભાની ચૂંટણીમાં જેડીએસના ૩૭ ને કોંગ્રેસના ૭૮ મળીને ૧૧૫ ધારાસભ્યો જીત્યા હતા. બીજા ત્રણ છૂટપૂટિયા ધારાસભ્યો ચૂંટાયા હતા. આ ધારાસભ્યોમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી, અપક્ષ ને એક્ટર ઉપેન્દ્ર રાવની પાર્ટી કેપીજેપીનો એક-એક ધારાસભ્ય હતા. આ ત્રણેય ધારાસભ્યો વિધાનસભામાં વિશ્ર્વાસના મત વખતે કોંગ્રેસ-જેડીએસ તરફ ઢળ્યા હતા. શરૂઆતમાં એ ત્રણેય દૂધ ને દહીં બંનેમાં પગ રાખીને બેઠા હતા. ઘડીકમાં ભાજપની છાવણીમાં ઘૂસી જતા તો ઘડીકમાં કોંગ્રેસની સોડમાં ભરાઈ જતા હતા પણ એક વાર કોંગ્રેસ-જેડીએસની સરકાર રચાશે એ નક્કી થયું પછી ત્રણેય કોંગ્રેસ-જેડીએસની પંગતમાં બેસી ગયેલા. પછીથી વિધાનસભાની બે બેઠકોની ચૂંટણી થઈ ને બંને બેઠકો જીતીને કોંગ્રેસે પોતાના ધારાસભ્યોની સભ્યસખ્યા ૮૦ પર પહોંચાડી દીધી.

ત્રણ છૂટપૂટિયા ધારાસભ્યો સિવાય જેડીએસ-કોંગ્રેસ પાસે ૧૧૮ ધારાસભ્યો થયા ને ત્રણ છૂટપૂટિયાઓ સાથે તેમનો આંકડો ૧૨૧ પર પહોંચ્યો. આ સમીકરણો જોતાં કોંગ્રેસ-જેડીએસની સરકારને કોઈ ખતરો નહોતો કેમ કે ભાજપ કરતાં તેની પાસે ૧૬ ધારાસભ્યો વધારે હતા. માનો કે છૂટપૂટિયા ત્રણ ધારાસભ્યો ખરી જાય તો પણ ભાજપનો પનો પહોંચવાનો નહોતો કેમ કે તેને બહુમતી માટે બીજા ૫ ધારાસભ્યો તો જેડીએસ-કોંગ્રેસમાંથી ખેરવવા જ પડે એમ હતા. તેના કારણે એવું લાગતું હતું કે, કર્ણાટકમાં હમણાં કશું નહીં થાય ને લોકસભાની ચૂંટણી લગી કશું નહીં બદલાય.

આ માન્યતા વચ્ચે ભાજપે અચાનક ઑપરેશન ‘લોટસ’નો દાવ ખેલી નાંખ્યો. કર્ણાટક ભાજપના કર્તાહર્તા તરીકે હમણાં યેદુરપ્પા છે ને યેદુરપ્પા રાજકારણના જૂના ખેલાડી છે. તેમણે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોનો સંપર્ક કરવા માંડ્યો ને લગભગ ૧૫ જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને રાજીનામું અપાવીને સરકાર ઉથલાવવાનો તખ્તો તૈયાર કરી નાંખ્યો. યેદુરપ્પાને આ ઓપરેશન સફળ થવાનો પાકો ભરોસો હતો કેમ કે તેમણે દસ વર્ષ પહેલાં આ ખેલ કરેલો જ. ૨૦૦૮ની વિધાનસભા ચૂંટણીમાં કર્ણાટકની કુલ ૨૨૪ સીટમાંથી ભાજપને ૧૧૦ સીટ મળી હતી. એ વખતે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ ૧૧૩ના બહુમતી માટે જરૂરી જાદુઈ આંકડાથી ૩ સીટ માટે તેનો પનો ટૂંકો પડી ગયો હતો. એ વખતે યેદુરપ્પાએ બહુમતી મેળવવા માટે ઓપરેશન લોટસ ફોર્મ્યુલા અપનાવી હતી. આ ફોર્મ્યુલા અંતર્ગત જેડીએસ અને કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની તરફ કરવા ફોસલાવાયા હતા. યેદુરપ્પાએ અપક્ષ ધારાસભ્યોનો પણ સંપર્ક સાધ્યો હતો. અંતે ભાજપને અપેક્ષિત બહુમતી મળી ગઈ હતી. હવે એક દાયકા પછી આ જ દાવ ચાલશે એવો યેદુરપ્પાને વિશ્ર્વાસ હતો.

યેદુરપ્પાએ ભાજપ હાઈકમાન્ડને પણ વાત કરી રાખી હશે ને તેમણે પણ લીલી ઝંડી આપી દીધી હશે તેથી રાતોરાત ભાજપના બધા ધારાસભ્યોને હરિયાણાના એક રિસોર્ટમાં મોકલી દેવાયા. યેદુરપ્પાએ એ પછી પહેલો ફટકો માર્યો અને એક અપક્ષ તથા કેપીજેપીના ધારાસભ્યે બગાવત કરી નાંખી. યેદુરપ્પાએ એવો દાવ ગોઠવેલો કે, આ બંને ધારાસભ્યો ખુલ્લેઆમ ભાજપના સમર્થનમાં મેદાનમાં આવે પછી જેડીએસ અને કોંગ્રેસના ૧૬ ધારાસભ્યો મેદાનમાં આવે. યેદુરપ્પાને બધા ધારાસભ્યો પોતાની વાત માનશે એવો ભરોસો નહોતો પણ શનિવાર સુધીમાં ૧૨ ધારાસભ્યોએ રાજીનામું આપવાની ખાતરી આપી હતી તેથી એટલા ધારાસભ્યો તો બગાવત કરશે જ એવું તેમનું માનવું હતું. યેદુરપ્પા પોતે લિંગાયત સમાજના મોટા નેતા છે. બીજા કોઈ નહીં આવે તો લિંગાયત સમાજના ડઝન ધારાસભ્યો તો તેમની વાત માનશે જ એવો યેદુરપ્પાને ભરોસો હતો. તેમના કમનસીબે માત્ર ચાર કોંગ્રેસી ધારાસભ્યોએ બગાવત કરી. એ લોકોએ પણ રાજીનામાં તો ના આપ્યાં પણ મુંબઈ જતા રહ્યા. તેમને એમ કે પોતાની સાથે બીજા ધારાસભ્યો પણ જોડાશે પણ એવુ કશું ના થયું એટલે એ બધા પણ ઢીલા પડી ગયા.

બીજી બાજુ કોંગ્રેસે પણ ડેમેજ કંટ્રોલ ક્વાયત શરૂ કરી અને સિધ્ધારામૈયાએ કોંગ્રેસી ધારાસભ્યોની એકતા દેખાડવા માટે ધારાસભ્યોની બેઠક બોલાવી દીધી. આ બેઠકમાં હાજર નહીં રહેનારા ધારાસભ્યો સામે પક્ષપલટા કાયદા હેઠળ કાર્યવાહી કરાશે એવું તેમણે એલાન કર્યું ને એ સાથ જ બગાવતીઓની હવા નીકળી ગઈ. એક પછી એક કોંગ્રેસી ધારાસભ્યો પ્રગટ થવા માંડ્યા ને છેવટે બધા હાજર થઈ ગયા. કોંગ્રેસ માટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું ને જેડીએસ અને કોંગ્રેસની સરકાર ઉથલાવવા માટેનું ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ સાબિત થઈ ગયું.

ભાજપે મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસના કમલનાથની સરકારને ઘરભેગી કરીને પોતાની સરકારને બેસાડવા આવું જ ઓપરેશન કરવાનું નક્કી કરેલું. મધ્ય પ્રદેશમાં કુલ ૨૩૦ ચૂંટાયેલા સભ્યો ને ૧ નિયુક્ત સભ્ય મળીને ૨૩૧ ધારાસભ્યો છે એ હિસાબે બહુમતી માટે ૧૧૬ ધારાસભ્યો જોઈએ. કોંગ્રેસ પાસે અત્યારે ૧૧૪ ધારાસભ્યો છે ને તેને બહુમતી માટે બીજા બે ધારાસભ્યોનો ટેકો જોઈએ. કોંગ્રેસને બસપાના બે, સમાજવાદી પાર્ટીના ચાર અને એક અપક્ષ ધારાસભ્યે ટેકો આપ્યો છે. આ રીતે તેને કુલ ૧૨૧ ધારાસભ્યોનો ટેકો છે. ભાજપ પાસે કુલ ૧૦૯ ધારાસભ્યો છે અને તેને બહુમતી માટે બીજા સાત ધારાસભ્યો જોઈએ. ભાજપ માટે મધ્ય પ્રદેશમાં એ રીતે સરળ ખેલ છે કેમ કે તે કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા વિના બાકીના ધારાસભ્યોને તોડે તો પણ તેની બહુમતી થઈ જાય. જોકે સલામતી ખાતર ભાજપે મધ્ય પ્રદેશમાં પણ કોંગ્રેસના દસેક ધારાસભ્યોનો સંપર્ક કરીને તેમને રાજીનામા માટે સમજાવેલા. જોકે કર્ણાટકમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું એટલે ભાજપે મધ્ય પ્રદેશમાં પણ હાલ પૂરતો વિચાર માંડી વાળવો પડ્યો છે. કર્ણાટકમાં તો કુમારસ્વામીની સરકાર જૂની છે પણ મધ્ય પ્રદેશમાં સરકારની રચનાને માંડ એકાદ મહિનો થયો છે ત્યારે જ આવી હરકત કરાય તેનાં ખરાબ સંકેત જાય એમ સમજીને પણ ભાજપે વિચાર માંડી વાળ્યો.

ભાજપ હવે ફરી ઓપરેશન ‘લોટસ’ હાથ ધરશે કે નહીં એ ખબર નથી પણ ઓપરેશન ‘લોટસ’ની નિષ્ફળતા દેશના રાજકારણમાં સમીકરણો કઈ રીતે બદલાઈ રહ્યાં છે તેના પુરાવારૂપ છે. હજુ થોડાક મહિના પહેલાં લગી એ સ્થિતિ હતી કે, ભાજપ આ પ્રકારનાં કોઈ પણ ઓપરેશન હાથ ધરે તો તેને સફળતા મળતી. ભાજપે આ જ દાવ અજમાવીને ગોવા અને ઉત્તર-પૂર્વનાં કેટલાંક રાજ્યોમાં પૂરતી બહુમતી નહીં હોવા છતાં પોતાની સરકારો બનાવી હતી. એ માટે ભાજપે સોદાબાજી કરી હતી એવું ના કહીએ તો પણ એ રાજ્યોના ધારાસભ્યોને ભાજપ સાથે રહેવામાં પોતાની રાજકીય કારકિર્દી વધારે સુરક્ષિત લાગતી હતી તેથી ભાજપ સાથે બેસી જતા.

કર્ણાટકનાં પરિણામોથી સ્થિતિ બદલાઈ. કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી ના મળી પછી ભાજપે પહેલાં પોતાની સરકાર રચેલી અને એ વખતે બહુમતી માટે ખૂટતા ધારાસભ્યો મેળવવા પૂરી તાકાત લગાવી દીધેલી પણ મેળ ના પડ્યો. એ પછી દેશનાં ત્રણ મહત્ત્વનાં રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને કારમી હાર મળી. આ હારના કારણે એવો મેસેજ ગયો કે, કોંગ્રેસ ફરી બેઠી થઈ ગઈ છે અને ભાજપના વળતાં પાણી શરૂ થઈ ગયાં છે. કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં આટલા બધા ધમપછાડા છતાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને નથી તોડી શકતી તેનું કારણ એ જ છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જીતી તેના કારણે કોંગ્રેસમાં આપણું ભાવિ સુરક્ષિત નથી તેવો ડર હતો તે નીકળી ગયો છે તેથી ભાજપ ફાવતો નથી.

ભાજપ આ દાવપેચમાં ના ફાવે એ જરૂરી પણ છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપ એ પ્રકારની માનસિકતા બતાવી રહ્યો છે કે, ચૂંટણીમાં ના જીતીએ તો કંઈ નહીં, ચૂંટણી પછી બધું મેનેજ કરીને સરકાર બનાવી લઈશું. આ માનસિકતા લોકશાહી માટે ખતરનાક કહેવાય ને જનાદેશનું ઘોર અપમાન કહેવાય. કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં ભાજપ ના ફાવ્યો તેના કારણે જનાદેશનું માન જળવાયું છે ને ભાજપની આ બધું ખરીદી લેવાની માનસિકતાને જોરદાર લપડાક પડી છે.

ભાજપ આ વાત સમજે તો સારું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

652vdqa
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com