20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજીપાનો ઇન્ડેક્સ

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીમહાન અર્થશાસ્ત્રી અને નોબેલ પ્રાઇઝ વિનર અમર્ત્ય સેને વફાાશક્ષયતત શક્ષમયડ્ઢ શોધવાનો પ્રયત્ન કર્યો. હજુ સુધી આ ઇન્ડેક્સ માર્કેટમાં આવ્યો નથી એટલે મને લાગે છે કે અમર્ત્ય સેન દુ:ખી થઈ ગયા હશે અને બનાવી શક્યા નહીં હોય! કોઈ પણ ગમે તેટલો પ્રયત્ન કરી લે રાજીપો ક્યારેય માપી ન શકાય. હું જેવો ખુશ થઈને નીકળું એટલે મારી ઘરવાળી તરત જ દુ:ખી થઈ જાય હવે આ રાજીપો મારો ગણાય તો પત્નીનું દુ:ખ ગણાય. આ માત્ર મારી પત્નીની વાત નથી લગભગ આખું જગત આ રીતે જ ચાલે છે. અડધા એટલે દુ:ખી હોય છે કે આ માણસ સુખી કેમ છે તો અડધા એટલે સુખી હોય છે કે આ માણસ દુ:ખી છે. આમાં દુ:ખી અને સુખીનો એટલે કે રાજીપાનો ઇન્ડેક્સ કેમ તૈયાર કરવો? મારા જેવા મોંઘવારીથી રાડો પાડતા હોય તો સંગ્રહખોરો નીચા ભાવની ખરીદીની વસ્તુઓ મોંઘા ભાવે વેચીને ખુશ થતા હોય. તમે વોટ આપતી વખતે ખુશ હો અને જેવી સરકાર આવે એટલે ખબર પડે કે આપણે તો મૂર્ખ બની ગયા એટલે ફરી દુ:ખી થઈ જાવ. હવે વોટનો એકાદ માર્ક રાખ્યો હોય તો બહુ જ ટૂંકા ગાળામાં આ માઇનસમાં ચાલ્યો જાય! આ બંને વચ્ચે રાજીપાના ઇન્ડેક્સને કઈ રીતે મૂલવવો? આ રાજીપાના ઇન્ડેક્સ માટે વૈજ્ઞાનિકોએ કામે લાગવાની જરૂર છે અને શરીરમાંથી બ્લડ લઈને આ સમયે ભાઈ કેટલાં ટકા રાજી છે એ જાણી શકાય અને રાજીપા માટે આખો દિવસ બ્લડ લઈને ટેસ્ટ કરતો રહેવો એટલે દિવસના અંતે આજે કેટલા કિલો/ટન તમે રાજી રહ્યા એ કહી શકાય.

જોકે આટલું સંશોધન ન કરવું હોય તો મારી પાસે સીધેસીધો ઇલાજ છે. તમે પ્રખ્યાત વાત સાંભળી જ હશે કે દારૂમાં એક જીવડું નાખવામાં આવ્યું અને એ મરી ગયું. માણસનો જવાબ હતો કે ‘દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય છે’ જો આ કેટલી પોઝિટિવ વાત થઈ? જો તમે આ રીતે જીવતા થઈ જાવ તો તમારા રાજીપાનો ઇન્ડેક્સ હંમેશા ઉપર જ રહેવાનો. શાકભાજીમાં જીવાત જુએ એટલે મારી પત્ની રાડારાડ કરી નાખે. મને કંઈ ખરીદી કરતા નથી આવડતું, હું સાવ ડફોળ છું જેવા અનેક વાક્યો સંભળાવે પણ હું દુ:ખી થયા વગર એને સમજાવું કે શાકભાજીમાં પેસ્ટીસાઇડ કેટલાં નુકસાન કારક હોય છે. જો શાકભાજીમાં જીવાત હોય તો એનો અર્થ એવો થયો કે શાકભાજીને હજુ પેસ્ટીસાઇડની અસર નથી થઈ. ઘણીવાર તો એ પણ સમજાવું કે જે સબ્જી અને ફળો ખાઇને જીવાતો જીવતી હોય એ શું નુકસાન કરે?. બસ આ પછી જીવાતો કાઢીને અમે ફ્લાવરનું શાક ખુશીથી જમી લઈએ છીએ અને એમાં પણ જો કહી દીધું હોય કે એક કિલો સામે એક કિલો ફ્રી મળી છે તો તો તેલ ચટણીવાળું શાક પણ ખાવા મળે. અમારો ચૂનિયો કાયમ રાજી જ હોય. મને રોજ આવીને શેરબજારમાં ૫૦૦૦ રૂપિયા તો ક્યારેક ૧૦૦૦૦ રૂપિયાના ફાયદાની વાત કરે. મને એમ થાય કે આ રોજ આટલું કમાઇ લે છે તો પણ અમારી એક અડધી ચાનું કેમ કરી જાતો હશે! પણ ચૂનિયાએ ખુલાસો કર્યો ત્યારે ખબર પડી કે ચૂનિયો રોજ ધારી લે કે આજે રિલાયન્સ લીધા અને આજે વેચ્યા. જે ડીફરન્સ વધે એ એની માનસિક કમાણી! ચૂનિયા પાસેથી જો શીખવાનું હોય તો એ છે કે તમારું ટેન્શન બીજા પર નાખી દેવું અને કોઈનું કામ ન કરવું. વાંક સામેવાળાનો જ કાઢવો. જો ચૂનિયાથી કોઈ કામ બગડ્યું હોય તો એટલું જ કહે ‘તમને તો ખબર છે મારું કામ આવું જ છે, તો પછી મને ચિંધાય જ નહીં ને’. ચૂનિયાને જે વાત સાંભળવી હોય એ જ સાંભળે અને કહેવી હોય એ કહી જ દે. પાછું આપણે ફરિયાદ કરીએ તો કહે ‘નેતાઓને નથી જોતા મિલનભઈ. તમે ભાવ વધારાનું પૂછજો એ નવા સ્ટેચ્યૂની, મેળાઓની, ઉત્સવોની વાત કરશે પણ મૂળ વાત તો નહીં જ કરે’ હવે ચૂનિયો ખૂશ ન રહે તો શું રહે? ચૂનિયો જાણે છે કે ગામના ટેન્શન લઈને આપણને કંઈ લાભ નથી, દેવામાં છે!!!

ઘણા માણસો પોતાના રાજીપાનો ઇન્ડેક્સ નીચે રાખવા માટે જ જીવતા હોય તેવું લાગે! બગીચામાં મન પ્રફુલ્લિત કરવા ગયો હોય પણ કો’કના છોકરા લપસણી ખાતા હોય ત્યાં ઉપાધી કરવા લાગે કે ‘એ જો આ પડ્યો તો લાગશે’, હીચકા ખાતા હોય તો સલાહ દેવા લાગે ‘આવડા મોટા હીચકા ન ખવાય, જો હૂક છટક્યું તો ખોપરી ફાટી જશે’. જુવાનિયાઓ મસ્તીથી પાણીપૂરી આરોગતા હોય તો ત્યાં જઈને સલાહ દેવા લાગે ‘બહારનું ન ખવાય, માંદા પડશો’ હોસ્પિટલમાં ખબર પૂછવા ગયા હોય ત્યારે પોતે તો દુ:ખી હોય જ પણ બીજાને મરી જવા સુધીના દાખલા આપીને બીજાને પણ દુ:ખી કરે. આવા માણસો સવારના જાગે ત્યારથી જ દુ:ખી થવાનું શરૂ કરે. જાગીને છાપું વાંચે એ સાથે જ ઉપાધિ શરૂ કરે કે આ દેશ ક્યાં જઈ રહ્યો છે. ચા પીવે એટલે યુરિયાવાળા અને પાણી નાખેલા દૂધની વાતો કરે. નહાવા જાય તો પ્રાણીની ચરબીવાળા સાબુનું વિચારીને દુ:ખી થાય. નાસ્તો કરવા બેસે એટલે ગેસના બાટલાના ભાવની ચિંતા કરે. નોકરી પર જાય તો સહકર્મચારીઓને ખુશ જોઈને આખો દિવસ બળતરા કરતો જાય. સરકાર બરાબર પગાર આપતી હો તો પણ આ મહિને પગાર આવશે કે નહીં એની ચિંતા કરતો હોય! સાંજે ઘેર જતો હોય અને જો રસ્તામાં એકાદ બે યુવાનોને બાઇક પર સ્પીડમાં જતા જુએ તો ઘેર પહોંચીને ઘરના પર બળતરા કાઢે. રાત્રે ઊંઘવા જાય તો પણ દુ:ખી દુ:ખી થઈને જ કે સપના સારા આવશે કે નહીં! ફરી સવારથી આ જ પ્રક્રિયા.

મેં એક ગીત સાંભળ્યું છે ‘મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા’ આ ગીતની દરેક લાઇનની જેમ જો સાચે જ કોઈ જિંદગી જીવતો હોય તો એનો રાજીપાનો ઇન્ડેક્સ સૌથી ઉપર જ રહે કેમ કે જો તમને ગમ અને ખુશીમાં ફેર જ ન દેખાય તો એટલું તો નક્કી છે કે કાં તમે ખરા અર્થમાં બૌદ્ધત્વ પ્રાપ્ત કરી લીધું છે અથવા તમારી અંદર જાનવરના લક્ષણો આવી ગયા છે કેમ કે જો તમે માણસ છો તો તમારી અંદર લાગણીઓ રહેવાની જ એટલે ખુશી અને દુ:ખ બંને અનુભૂતિ થવાની જ. જીવનમાં એવી એક વાર કલ્પના કરી લો કે માત્ર અને માત્ર ગળ્યું જ ખાવા મળે તો કેટલી વાર સુધી ખાઇ શકાશે? ગળપણ એક નહીં માણસને ખારાશ, તીખાશ, ખટાશ બધું જ જોઈતું હોય છે બાકી કોઈ પણ એક જ વસ્તુથી જીવી જ ન શકાય. જિંદગી તો ઇસ્ટમેન કલરની ફિલ્મ છે તેની કોઈ માપ સાઇઝ ન જ કાઢવા જવાય. બાકી અમસ્તા અડધા મટી ગયેલા ગૂમડા પર ખંજોરતા ભલે દુખાવો થાય પણ એ મીઠો તો લાગે જ છે. હું તો ઘણીવાર વિચારું કે જો મારા જીવનમાં મારી પત્ની ન હોત તો દુ:ખ શું છે એની મને ક્યારેય ખબર જ ન પડી હોત! અને એટલે જ મને મળતી નાની નાની ખુશીઓ પણ મારો તો રાજીપાનો ઇન્ડેક્સ ઉપર જ રાખે છે. --------------------------

વિચારવાયુ: અંબાણી પરિવારના લગ્નના ખર્ચની અસર શેરબજારના ઇન્ડેક્સ પર થાય કે નહીં?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4H5K71h
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com