6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મેરી પહેચાન દરખ્તોં કે બદન પર લિખના, મૈં બિખર જાઉં તો ખુશ્બૂ કા મુકદ્દર લિખના

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીગુજરાતી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં જેમણે નામ માત્રનું શિક્ષણ લીધું હતું, એક વખત જેમણે ખ્યાતિ અને શોહરતની બુલંદી જોઇ હતી અને ત્યાર બાદ જે ગુમનામીના ગાઢ અંધકારમાં અલોપ થઇ ગયા હતા તે શાયર ‘કફીલ’ અહમદાબાદીના નામથી ઓળખાય છે. અરબી ભાષાનો શબ્દ કફીલનો અર્થ જામીન, પોષક, પાલક, સારસંભાળ રાખનાર એવો થાય છે. આ શાયર તેમના તખલ્લુસ પ્રમાણે ઉર્દૂ ગઝલના પાલક-રક્ષક સાબિત થયા છે. આ શાયરે શાયરીની બંદગી પાછળ જિંદગીનાં મોંઘાં વર્ષો ખર્ચી નાખ્યાં હતાં. છતાં તેમને જદ્દોજહદ, કશ્મકશ અને પીડા સિવાય કશું જ હાથ લાગ્યું નહોતું. તેમના વડે ઉર્દૂ શાયરી માલામાલ તો થઇ પણ આ શાયર જિંદગીનાં છેલ્લા શ્ર્વાસ સુધી ગરીબ જ રહ્યા હતા. અમદાવાદના કાળુપુર જ જેવા ભરચક વિસ્તારમાં આવેલી એક નાનકડી ઓરડીમાં આ શાયરે તેમના પરિવારના પાંચ સભ્યો સાથે જિંદગી બસર કરી હતી. ઘર ચલાવવા માટે તેમણે ભાડૂતી રિક્ષા ફેરવી હતી. તો જે ગઝલ-ગાયકોએ તેમની ગઝલો લલકારી હતી તેના પુરસ્કારની નજીવી રકમ તેમના ફાળે આવતી હતી. આમ આ શાયર પીડિત જ નહીં, શોષિત પણ હતા.

તેમનું મૂળ નામ અબ્દુલરઝાક મેમણ હતું. તેમનો જન્મ સૌરાષ્ટ્રના મોરબીમાં ઇ.સ.૧૯૫૧માં થયો હતો જ્યાં ઉર્દૂનું નામ લેનારું પણ કોઇ નહોતું. રોજીરોટીની તલાશમાં તેમણે મોરબીથી અમદાવાદ સ્થળાંતર કર્યું હતું. માત્ર ૩ ગુજરાતી ચોપડી સુધી ભણનાર આ જિંદાદીલ શાયરે જિંદગીના કડવા અનુભવો અને ઠોકરોના વિષયમાં મહાનિબંધ લખી ડોક્ટરેટની પદવી મેળવી હતી. અમદાવાદના મશહૂર હકીમ અને શાયર મરહૂમ ‘આકિલ’ મન્માડી પાસેથી તેમણે વૈદ્ય-વિદ્યાના પાઠ શીખ્યા હતા. આમ આ શાયરે ચિકિત્સકનું કામ પણ કર્યું હતું. ‘કફીલ’માં કુદરતી પ્રતિભા છુપાયેલી પડી હતી. તેમણે જાતે જ ઉર્દૂ ભાષાની કેળવણી મેળવી શાયરી લખવાના બિસ્મિલ્લાહ કર્યા હતા. આરંભના દિવસોમાં શાયર ‘જમીલ’ કાનપુરી પાસે ‘કફીલ’ તેમની રચનાઓ માટે સલાહ-માર્ગદર્શન લેતા હતા.

ઇ.સ.૧૯૮૬ના વર્ષમાં મુંબઇમાં યોજાયેલી શાનદાર મુશાયરામાં ૩૬ વર્ષના આ યુવાના શાયરે તેમના દર્દીલા અવાજમાં રજૂ કરેલી ગઝલનો પ્રથમ શે’ર આ પ્રમાણે હતો:

મિજાઝ ઉસ કા અભી સમઝા નહીં હૈ,

વો બાદલ હૈ મગર બરસા નહીં હૈ.

તે મુશાયરાના શ્રોતા-ગણમાં સુપ્રસિદ્ધ ગઝલ-ગાયક પામેલાં સિંહ હાજર હતાં. કફીલની આ ગઝલથી તેઓ પ્રભાવિત થયાં હતાં. તેમણે તેમના આલ્બમમાં આ ગઝલને સ્થાન આપ્યું હતું. આ પછી તો પંકજ ઉધાસ, તલત અઝીઝ, ઉસ્તાદ મોઇનુદ્દીન ખાન જેવા મશહૂર ગાયકોએ કફીલની ગઝલોને સ્વરબદ્ધ કરીને કંઠ આપ્યો હતો.

પોતાની મસ્તી અને રંગમાં સાદગીભર્યું જીવન જીવી ગયેલા આ ખુદ્દાર શાયરે સંજોગો-પરિસ્થિતિઓ સાથે ક્યારેય સમાધાન કર્યું નહોતું. ૧૮ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ આ શાયરનું અમદાવાદની કર્મભૂમિમાં અવસાન થયું હતું.

તેમના કેટલાક શે’રનો હવે રસાસ્વાદ કરીએ.

* તેરી ખુશ્બૂ કહીં સે આતી હૈ,

ફિર હવા મુઝ કો આજમાતી હૈ.

તારી ખુશ્બૂ ક્યાંકથી આવે છે તે અંગેનો મને એહસાસ થયો કે નહીં તે માટે આ પવન મારી પરીક્ષા લેતો હોય છે.

* યૂં ગુઝરતે રહે ખયાલ તેરે,

જૈસે કોઇ બરાત જાતી હૈ.

જાણે કોઇ બરાત(જાન) જતી હોય તેમ તારા વિચારો મારા દિલ-દિમાગમાંથી પસાર થઇ જતા હોય છે.

* અબ મુસીબત ભી મેરે આંગન મેં,

રોઝ ચેહરા બદલ કે આતી હૈ.

મુશ્કેલી-વિઘ્નો મારા આંગણે સતત પડ્યા-પાથર્યા રહે છે. તે દરરોજ નવાં સ્વરૂપે મારા ઘરમાં પ્રવેશ કરે છે.

* સરે-બાઝાર મોહબ્બત કા તમાશા હોગા,

વો બગાવતી પે ઉતર આયા હૈ, અબ ક્યા હોગા?

હવે તો તેઓ વિદ્રોહ પર ઊતરી આવ્યાં છે. કોણ જાણે હવે શું થશે? હવે તો બજાર વચ્ચે પ્રેમનો તમાશો થશે એવું લાગે છે.

* ઘર સે નિકલે હૈં પહન કર જો વફાઓં કા લિબાસ,

ઉન કો સડકોં પે નહીં, આગ પે ચલના હોગા.

પ્રમાણિકતાનાં વસ્ત્રો પહેરીને ઘરની બહાર પગ મૂક્યો છે તેઓને હવે માર્ગો પર નહીં પણ અગ્નિ પર ચાલીને ઇમાનદારીની પરીક્ષા આપવી પડશે.

* હાં મેં હાં સબ કી મિલાતા હૈ ‘કફીલ’ હર લમ્હા,

વો ખુદા સે નહીં, ઇન્સાન સે ડરતા હોગા.

તે ખુદાથી નહીં પણ મનુષ્યથી ભયભીત છે માટે તો ‘કફીલ’ દરેક બાબતમાં દરેક ક્ષણે હામાં હા ભણી દે છે.

* તુઝે ખયાલ મેં લા કર ગલે લગા લેંગે,

ઇસી બહાને સે કુછ તો સુકૂન પા લેંગે.

તારી કલ્પના કરીને અમે તને ગળે લગાવી લેશું. આમ કરીને અમે થોડીક શાંતિ તો મેળવી લેશું.

* તૂ બદગુમાં હૈ તો હમ ભી હૈં બાકમાલ બહુત,

તુઝે મિલેગે નહીં ઔર તુઝે મના લેંગે.

તું અમારાથી ભલે નારાજ હોય ક્ધિતુ અમારી પાસે પણ કેટલીક આવડતો છે. અમે દૂર રહીને, તને મળ્યા વગર તને મનાવી લેશું.

* હમારે ખૂન મેં તહઝીબ હૈ બુઝુર્ગો કી,

તેરા કુસૂર ભી હોગા તો હમ નિભા લેંગે.

અમારા વડીલોના સંસ્કાર-સભ્યતા અમારા લોહીમાં વહી રહ્યા છે. કદાચ તારી ભૂલ થશે તો તેનેય અમે નિભાવી લેશું.

* બિછડ ગયા હૈ તો અબ ઉસ કા સાથ ક્યા માંગૂં?

ઝરા સી ઉમ્ર હૈ, ગમ સે નજાત ક્યા માંગૂં?

મારું દર્દ મારાથી છોને વિખૂટું પડી ગયું. તેનો સાથ હું ક્યાં સુધી માંગું?

જીંદગી ટૂંકી છે તો પછી હું આ દર્દથી છૂટકારો શા માટે માંગું?

* યૈં રંગો-નૂર, બહારો-ખિઝાં, સભી ઉસ કે,

કિસી કે હુસ્ન સે રંગે-હયાત ક્યા માંગૂં?

આ રંગ અને પ્રકાશ, આ વસંત અને પાનખર- આ બધું એમનું છે. કોઇની યુવાની પાસેથી હું જીવનના રંગ શા માટે માગું?

* સિતમ યે હમ સે કિયા કિસ કી બદ્દુઆઓં ને?

દિયા જલાતે હી હમલા કિયા હવાઓં ને.

કોઇની નકારાત્મક પ્રાર્થનાઓએ અમારા પર ઘણા અત્યાચાર કર્યા. અમોએ દીવો પેટાવ્યો ત્યાં હવાએ (દીપકને ઓલવી નાખવા માટે) હુમલો શરૂ કરી દીધો.

* કિસી કા દર્દ હમ અપને જીગર મેં રખતે થે,

યે હક ભી છીન લીયા વક્ત કે ખુદાઓં ને.

અમે તો અમારા કાળજામાં પરાયાનું દર્દ સંઘરી રાખતા હતા. પરંતુ સમયના ખુદાઓએ (સંજોગોના અધિપતિઓએ) અમારો આ અધિકાર પણ અમારાથી ઝૂંટવી લીધો.

* મેરી પેહચાન દરખ્તોં કે બદન પર લિખના,

મૈં બિખર જાઉં તો ખુશ્બૂ કા મુક્દ્દર લિખના.

મારા વિશેની ઓળખ વૃક્ષોના શરીર (તેના થડ) પર લખજો. (એમ કરવાથી) હું વિખરાઇ જાઉં તો તેને સુગંધનું નસીબ (માનજો) લખજો.

* ખુદ કો માસૂમ સમઝ લેના બડી બાત નહીં,

હૈ બડી બાત સિતમગર કો સિતમગર લિખના.

પોતાની જાતને નિર્દોષ માનવી તે સરળ વાત છે. પરંતુ અત્યાચારીને અત્યાચારી કહેવું કઠીન છે. છતાં એને સિતમગર કહેવો તે નાનીસૂની વાત નથી.

* સારી દુનિયા મેરે કદમોં મેં સિમટ આયે મગર,

મેરા મર્ઝહબ નહીં કતરે કો સમન્દર લિખના.

આખું વિશ્ર્વ સમેટાઇને મારા ચરણોમાં ભલે આવી જાય, પરંતુ બિન્દુને દરિયો કહેવો એ મારા ધર્મની વિરુદ્ધની બાબત છે.

* તેરી જુસ્તજૂ કી થકન મિલી, મુઝે તેરા પ્યાર મિલા નહીં,

તેરે શહર મેં કોઇ પેડ ભી, મુઝે સાયાદાર મિલા નહીં.

તારી શોધમાં હું થાકીને લોથપોથ થયો છતાં તારો પ્રેમ મને મળ્યો નહીં. તારા (પ્રેમ)નગરમાં છાયો આપી શકે એવું એકે ઘટાદાર વૃક્ષ પણ મને મળ્યું નહીં.

* જહાં હર ખુશી મૈં ને બાંટ દી, યે વો બેકસોં કા દયાર હૈ,

મેરે આંસુઓં કો જો બાંટ લે, મુઝે વો દયાર મિલા નહીં.

જ્યાં મેં મારી દરેક ખુશી બીજાઓ વચ્ચે વ્હેંચી દીધી તેવા લાચારોનું એ મકાન છે. પરંતુ મારા આંસુઓને ઝીલીને વ્હેંચી શકે એવું એક પણ ઘર મને મળ્યું નહીં.

* રુસ્વાઇ ને હમ કો ભી તન્હા નહીં છોડા,

હમને ભી મગર શાન સે જીના નહીં છોડા.

બદનામીએ મને ક્યારેય એકલો મૂક્યો નથી. સામે છેડે મેં પણ શાનથી જીવન જીવવાની આશા ત્યજી દીધી નથી.

* આઇને કી ફિતરત કભી બદલેગી, ન બદલી;

ચેહરોં ને મગર રંગ બદલના નહીં છોડા.

અરીસાનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી તેમ બદલાશે પણ નહીં. અરીસાની આવી પ્રકૃતિ હોવા છતાં ચહેરાઓએ તેના રંગઢંગમાં કશું પરિવર્તન કર્યું નથી.

* ઇક બાર કિસી મોડ પે સચ બોલ ગયા થા,

દુનિયા ને અભી તક મેરા પીછા નહીં છોડા.

જીવનના કોઇક વળાંક પર (અજાણતા જ) હું સાચું બોલી ગયો હતો. ત્યારથી આ જગત મારી પાછળ પડી ગયું છે.

*નઝરોં સે ગિર ગયે તો કહાં સર છુપાઓગે?

જીસ શહર મેં જાઓગે, પત્થર હી ખાઓગે.

તમે તેની નજરમાંથી ઊતરી જશો તો પછી તમે તમારો ચહેરો (માથું) ક્યાં સંતાડશો? આ સ્થિતિમાં તમે જ્યાં જશો ત્યાં તમારે પથ્થરના જખ્મો ખાવા પડશે.

* તુમ અપની ફિતરતોં સે કહાં બાઝ આઓગે,

દૌલત હુઇ જો ખત્મ તો ફિર ખાક ઉડાઓગે.

તારી આદતો-ટેવો તારાથી છૂટશે નહીં તેની અમને ખબર છે. તારી પાસેથી ધન-દૌલત ખૂટી જશે પછી પણ તું ધૂળ માટી ઉડાડતો રહેવાનો છે તેની અમને ખાતરી છે.

*ઇક બાત યાદ રખના યે દુનિયા હૈ આઇના,

તુમ અપના અસલી રૂપ કહાં તક છુપાઓગે?

આ વિશ્ર્વ એક દર્પણ છે તે વાત તું યાદ રાખજે. તેમાં તારું પ્રતિબિંબ જેવું છે તેવું દેખાઇ આવશે. આમ, તું તારું અસલ સ્વરૂપ ક્યાં સુધી છુપાવી શકીશ?

* હમ અપની સાદગી દરિયા મેં ફેંક આયે હૈં,

ફરેબ ઇતને દિયે હમ કો બે-વફાઓં ને.

વિશ્ર્વાસઘાત કરનારાઓએ અમારી સાથે એટલી બધી દગાબાજી કરી છે કે અમોએ અમારી સાદગી દરિયામાં ફેંકી દઇને હવે અમે નવરા થઇ ગયા છીએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W5x811Y0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com