6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મનોરંજન જગતનો ‘કૉપીયુગ’

સાંપ્રત-કાજલ રામપરિયામનોરંજન જગતમાં હાલમાં કૉપીયુગ જ ચાલી રહ્યો છે એમ કહીશું તો કંઇ ખોટું નહીં કહેવાય! આજના જગતમાં મૂળ વિષય પર કોઇપણ ક્ધટેન્ટ બનતું જોવા માટે લોકો તરસી રહ્યા છે. જેમ પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓ કૉપી કરતાં હોય છે તેમ જ મનોરંજન જગતમાં વિષયમાં થોડું મોડર્નાઇઝેશન લાવીને ફિલ્મ અને ટીવી નિર્માતાઓ દર્શકોને પોતાની સાથે જકડી રાખવાની કોશિશો કરતાં હોય છે. તે પછી જૂના ગીતોને નવા અંદાજમાં રજૂ કરવાના હોય કે પછી ફિલ્મોના વિષયો પર સિરિયલોનું નિર્માણ કરવાનું હોય! નિર્માતાઓ કૉપી કરવામાં માસ્ટરી કરી રહ્યા છે. ફિલ્મો આવ્યા બાદ તેમને એવા જ વિષય પર ધારાવાહિક નિર્માણ કરવાનો ચસ્કો લાગી તો જાય છે, પણ દર્શકોને એ વિષય સિરિયલના રૂપમાં પસંદ આવશે કે નહીં એ અંગેનો વિચાર કર્યા વગર બનાવી લે છે. એટલું જ નહીં, રિયાલિટી શૉની પણ ભારતમાં કૉપી કરવામાં આવે છે. અમેરિકાના હિટ શૉને ભારતીય અંદાજમાં દર્શકો સમક્ષ લાવવા એટલે કે કૉપી કરવામાં નિર્માતાઓ માસ્ટર થઇ ચૂક્યા છે. આપણા દેશમાં પ્રતિભાની આમ તો કોઇ કમી નથી, પણ આ કૉપીના ચક્કરમાં ટેલેન્ટનો વેડફાટ થઇ રહ્યો હોય એવું લાગે છે.

વર્ષ ૨૦૦૯માં ક્રિતિકા સેંગરની ‘ઝાંસી કિ રાની’ યાદ તો હશે ને! આ સિરિયલમાં ક્રિતિકા રાણી લક્ષ્મીબાઇના પાત્રમાં ઊંડી ઊતરી ગઇ હતી. તેની આ જ મહેનતને કારણે પ્રેક્ષકો આ સિરિયલ જોવાનું પસંદ કરતાં હતાં. બે વર્ષ સુધી આ સિરિયલે ટીવી જગત પર રાજ કર્યું હતું. આ વાત તો એક દાયકા પહેલાની થઇ, હાલમાં બૉલીવૂડ અભિનેત્રી કંગના રણોટ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ લઇને આવી રહી છે અને તે લક્ષ્મીબાઇના પાત્રમાં ખૂબ જ દમદાર પાત્ર ભજવવા જઇ રહી છે. દર્શકો તેને મોટા પડદે જોવા અધીરા થઇ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર પણ રૂવાડાં ઉભા કરે તેવું છે. ૨૫મી જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહેલી આ ફિલ્મ સિનેમાઘરોમાં કેવું પ્રદર્શન કરશે એ તો ખબર નહીં, પણ આ જ વિષયને ટીવી નિર્માતા ફરી એક ‘ખૂબ લડી મર્દાની-ઝાંસી કિ રાની’ નામની સિરિયલ લઇને આવી રહ્યા છે. ૧૬ વર્ષની અનુષ્કા સેન આ સિરિયલમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનું પાત્ર ભજવતી જોવા મળશે. આ ધારાવાહિક દર્શકોને પસંદ આવશે કે નહીં એ તો સિરિયલના અમુક એપિસોડ બાદ ખબર પડશે. એક પરિપૂર્ણ સ્ત્રીના પાત્રને ગણ્યાગાંઠ્યા કલાકારો જ ન્યાય આપી શકે છે. નિર્માતાએ કોન્સેપ્ટ તો કૉપી કરી લીધો, પણ તેને ન્યાય આપી શકશે ખરાં? એ પ્રશ્ર્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે.

રિતક રોશન અને ઐશ્ર્વર્યા રાય બચ્ચન સ્ટારર ‘જોધા અક્બર’ને રિલીઝ થયાને ૧૧ વર્ષ થઇ ચૂક્યા છે છતાં પણ આજે દર્શકો તેમના અભિનયને ભૂલી શકતાં નથી. આ ફિલ્મ આવી ત્યારબાદ ટીવી ક્વીન ગણાતી એકતા કપૂરે પણ વર્ષ ૨૦૧૩માં ‘જોધા અક્બર’ના નામે જ એક સિરિયલનું નિર્માણ કર્યું હતું, જેમાં રજત ટોકસ અને પરિધી શર્મા પોતાના પાત્રને ન્યાય આપવામાં સફળ રહ્યા હતાં અને દર્શકોને મનોરંજન પૂરું પાડવાની પરીક્ષામાં પાસ થયાં હતાં. એકતા કપૂરે કરેલી આ કૉપી હિટ સાબિત થઇ હતી. તેથી ‘જોધા અક્બર’ ફિલ્મની સાથે સિરિયલની દુનિયામાં પણ અમર થઇ ગયાં.

૧૯૬૦માં હિંદી સિનેમામાં પહેલી વાર ‘મુગલ-એ-આઝમ’ નામની ફિલ્મ આવી હતી. દિલીપ કુમાર, પૃથ્વીરાજ કપૂર અને મધુબાલાના અભિનય અને સલીમ-અનારકલીના પ્રેમને લીધે ફિલ્મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ તો રંગભૂમિ પર પણ આ વાર્તાને દર્શાવવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૮માં સંજય છેલના દિગ્દર્શન હેઠળ બનેલી કૉમેડી ડ્રામા ‘માન ગયે મુગલ-એ-આઝમ’ આવી હતી, જેમાં રાહુલ બોઝ, પરેશ રાવલ, મલ્લિકા શેરાવત અને કે. કે. મેનન જેવા કલાકારોએ મોડર્ન અંદાજમાં વાર્તાને રજૂ કરી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી ઠીક ઠીક પ્રતિસાદ મળ્યો હતો. ત્યારબાદ સિરિયલના નિર્માતાને આ ઐતિહાસિક ડ્રામાને દર્શકો સમક્ષ ગયા વર્ષે પહેલી ઑક્ટોબરના દિવસે ‘દાસ્તાન-એ-મહોબ્બત સલીમ-અનારકલી’ આવી હતી. આ ધારાવહિકમાં શહીર શેખ અને સોનારિકા ભદોરિયા મુખ્ય ભૂમિકામાં હતાં, પણ આ સિરિયલ ખરાબ રીતે ફ્લૉપ જતાં ચોથી જાન્યુઆરીના દિવસે બંધ કરવી પડી હતી. હાલમાં પણ ૧૯૬૦માં આવેલી સલીમ-અનારકલીની પ્રેમકથાને યાદ કરવામાં આવે છે. તેથી સિરિયલના ફોર્મેટમાં આ કૉપી સુપરફ્લૉપ સાબિત થઇ હતી. ફિલ્મકાર સંજય લીલા ભણસાળીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી રણવીર સિંહ અને દીપિકા પદુકોણ સ્ટારર ‘બાજીરાવ મસ્તાની’ની ગણતરી વર્ષ ૨૦૧૫માં હિટ ફિલ્મોમાંની એકમાં કરવામાં આવે છે. આ ફિલ્મ પર ભણસાળીએ કમરતોડ મહેનત કરી હતી. જોકે, બૉક્સઓફિસ પર રૂ. ૩૦૦ કરોડથી વધુનો વકરો કરીને તેમની તેમ જ રણવીર-દીપિકા અને પ્રિયંકા ચોપરાની મહેનતનું ફળ મળી ગયું. બૉક્સઓફિસ પર ધમાકો બોલાવેલ આ ફિલ્મને જ્યારે સિરિયલના રૂપે ટીવી પર લાવવામાં આવી ત્યારે શરૂઆતથી જ દર્શકોને પ્રભાવિત કરી નાંખી હતી. ૧૫૧ એપિસોડ સુધી ચાલેલી આ સિરિયલને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ટીવી નિર્માતાઓએ કરેલી આ કૉપી સફળ નીવડી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

62703o4N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com