26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જજ નથી બનવું ઈમરાનને

ફિલ્મી બાતેં-આશકા શાહલાંબા સમયથી સ્ક્રીન અને લાઈમલાઈટથી દૂર રહેલો અને બી-ટાઉનનો ‘સિરીયલ કિસર’ ઈમરાન હાશમી હાલ તો તેની આગામી ફિલ્મ ‘ચીટ ઇન્ડિયા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે, તેણે એક કાર્યક્રમમાં એવું જણાવ્યું હતું કે જો તક મળશે તો ટચૂકડાં પડદે પણ કામ કરવા તૈયાર છે, પણ તેને રિયાલિટી ટીવી શોમાં જજ બનવામાં કોઈ રસ નથી.

‘ચીટ ઈન્ડિયા’ પહેલાં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે ૨૫મી જાન્યુઆરીએ રજૂ થવાની હતી, પણ તે દિવસે ઐતિહાસિક પાત્રો પર આધારિત બે ફિલ્મો પણ રજૂ થઇ રહી છે, કંગના રનૌતની ‘મણિકર્ણિકા’ અને નવાજુદ્દીન સિદ્દીકી અભિનિત ‘ઠાકરે’, એટલે ‘ચીટ ઇન્ડિયા’ ના નિર્માતાએ આ ફિલ્મને આ જ શુક્રવારે એટલેકે ૧૮ જાન્યુઆરીએ જ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ફિલ્મ રિલીઝની તારીખ બદલવા બાબતે ઇમરાનનો સંપર્ક કરતાં એ જણાવે છે કે ૨૫ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસને લઇને એ વીક એન્ડ બોક્સ ઓફિસની દૃષ્ટિએ હોટ તો કહેવાય, પરંતુ એ કારણને લઇને ત્રણ ફિલ્મો ટકરાઇ રહી હતી. કોઇ પણ ફિલ્મને સળંગ રજાઓનો ફાયદો ત્યારે જ મળે છે, જ્યારે જાહેર રજા શુક્રવારે આવતી હોય. પણ આ જાહેર રજા શનિવારે આવતી હોવાથી વધુ ફાયદો નહીં થાય.

ઇમરાન વધુમાં જણાવે છે કે અમારી ફિલ્મ એક કોન્સેપ્ટ પર આધારિત ફિલ્મ છે. આવા પ્રકારની ફિલ્મ હજુ સુધી બની નથી. આ ફિલ્મ વધુ બિઝનેસ કરી શકે એ માટે એવું વીક એન્ડ જરૂરી હતું જ્યારે બીજી કોઇ મોટી ફિલ્મ અમારી સાથે ટકરાતી ન હોય, મતલબ કે સોલો વીક એન્ડ હોય. ૧૮ જાન્યુઆરીએ કોઇ મોટા બજેટની ફિલ્મ રજૂ થવાની નથી એટલે અમે અમારી ફિલ્મ એક અઠવાડિયું વહેલી રિલીઝ કરવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મનો બિઝનેસ વિકસિત કરવા માટે એક અઠવાડિયાનો સમય મળી જશે અને બીજા અઠવાડિયામાં આવતી રજાઓનો પણ લાભ મળશે. ફિલ્મ રિલીઝના એક દિવસ પહેલાં એક કલાકારને થતી બેચેની બાબતે પણ ઇમરાન હાશમી પોતાના મનની વાત જણાવતા કહે છે, કે જેમ કોઇ પરીક્ષાનું પરિણામ આવવાની તૈયારી હોય ત્યારે વિદ્યાર્થીઓના દિલમાં ઉથલ-પુથલ મચી ગઇ હોય એવી બેચેની ફિલ્મ રિલીઝ થવા પહેલાં મારા મનમાં પણ વધતી જાય છે. શુક્રવારના પહેલા શો પછી હું દર્શકોનો રિવ્યૂ અને બોક્સ ઓફિસ કલેક્શન બેઉ તપાસી લઉં છું. આજ કાલ માત્ર ફિલ્મના સમીક્ષકોના રિવ્યૂ જ મહત્ત્વપૂર્ણ નથી હોતાં, સોશિયલ મીડિયા પરના દર્શકોના મંતવ્યો પણ મળી જાય છે એ પણ ઘણા અગત્યના હોય છે. પહેલા શો પછી ફિલ્મની ગતિનો ખ્યાલ આવી જાય છે.

વાતને આગળ વધારતાં ઇમરાન હાશમી કહે છે કે ક્યારેક ક્યારેક માત્ર થોડા પ્રશંસકો ફિલ્મ જોઇને ટિપ્પણી કરે એનાથી ફિલ્મ ચાલશે કે નહીં ચાલે તેનો કોઇ અંદાજ નથી આવતો. સમીક્ષકોના રિવ્યૂ જોઇને પણ ઘણા લોકો ફિલ્મ જોવાનું મન બનાવતા હોય છે. અગર સમીક્ષકોએ ફક્ત બે જ સ્ટાર આપ્યા હોય તો સમજો તમારી ફિલ્મ ગઇ. પરંતુ ૩ થી ૪ સ્ટાર મળે તો ફિલ્મને ફાયદો થાય છે. ત્યાર પછી અમે પહેલા દિવસે ભેગા થયેલા કલેક્શનની પણ રાહ જોતા હોઇએ છીએ જેની પૂરી માહિતી અમને શનિવારે સવારે મળી રહે છે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન હાશમીની ફિલ્મ ‘ચીટ ઇન્ડિયા’માં દેશની ખોખલી શિક્ષણ વ્યવસ્થા પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. સૌમિકસેનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં ઇમરાન હાશમી નેગેટીવ ભૂમિકામાં છે. ફિલ્મના નિર્માતા અતુલ કસ્બેકર અને ભૂષણ કુમાર (ટી સિરીઝ) છે.

ફિલ્મની વાતો કરતો ઇમરાન ટીવીમાં સારો મોકો મળે તો નાના પરદા પર કામ કરવા પણ તૈયાર છે, જોકે અત્યાર સુધી જે કામની તેને ઓફરો મળી છે તેમાં તેને રસ પડ્યો નથી. એ કહે છે કે ટીવી પર કામ કરવાની બાબતે હું જરા વધુ પડતી તકેદારી રાખું છું. ટીવી પર હું એવા કામ કરવા માગુ છું જેની પર મને પોતાને વિશ્ર્વાસ હોય અને એ વિષયને હું બરાબર સમજી શકું અને એવું કામ મને આજ સુધી મળ્યું નથી. જે ઓફરો મને મળી છે એમાં કોઇ ન કોઇ રિયાલિટી શોમાં જજ બનવાનું જ કહેવામાં આવતું પણ મને જજ બનવામાં કોઇ રસ નથી. આનો મતલબ એ નથી કે આ કામ કરવું એ કોઇ ખરાબ વાત છે, પણ મારે કોઇ જુદા જ કોન્સેપ્ટ પર કામ કરવું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

62jMN4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com