| નાલાસોપારામાં કૅશ વૅનમાંની ૩૮ લાખની રોકડ લૂંટવાના કેસના મુખ્ય આરોપીની આત્મહત્યા |
| પોલીસ ધરપકડ કરવા આવી રહી હોવાની જાણ થતાં યુપીમાં ખાધો ગળાફાંસો |
|
| (અમારા પ્રતિનિધિ તરફથી)
ભાયંદર: શસ્ત્રોની ધાકે હુમલો કરી ખાનગી બૅન્કના એટીએમમાં રૂપિયા ભરવા આવેલી કૅશ વૅનમાંની ૩૮ લાખની રોકડ લૂંટવાની નાલાસોપારામાં બનેલી ઘટનાના શંકાસ્પદ મુખ્ય આરોપીએ ઉત્તર પ્રદેશના તેના વતન ખાતે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ કથિત આત્મહત્યા કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદ આરોપી સુરેન્દ્ર યાદવ (૩૯) યુપીમાં મુગસરાબાદ શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં ચંદા ગામમાં રહેતો હતો. શુક્રવારે ઝાડ સાથે રસ્સી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં યાદવનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં પોતે આત્મહત્યા કરી રહ્યો હોઈ તેના આ પગલા માટે કોઈને જવાબદાર ન ઠેરવવાનું જણાવાયું હતું, એમ પોલીસનું કહેવું છે.
નાલાસોપારા પૂર્વમાં ૮ જાન્યુઆરીએ થયેલી ૩૮ લાખ રૂપિયાની લૂંટમાં યાદવ સંડોવાયેલો હતો. યાદવ પરિવાર સાથે તેના વતન ગયો હોવાની માહિતી પોલીસને મળી હતી. પરિણામે તેને તાબામાં લેવા માટે વાલિવ પોલીસે યુપીની સ્થાનિક પોલીસની મદદ માગી હતી. પોલીસની ટીમ યાદવને પકડવા માટે નીકળી ગઈ હતી. આ વાતની જાણ થતાં તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ખાનગી બૅન્કના ગોરાઈપાડા વિસ્તારમાં આવેલા એટીએમ સેન્ટરમાં રૂપિયા ભરવા કૅશ વૅન આવી હતી. સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ રૂપિયા ભરવાનું કામ હાથ ધરાયું ત્યારે મોં પર રૂમાલ બાંધેલા બે શખસ સિક્યોરિટી ગાર્ડની નજીક આવ્યા હતા. ઘાતક શસ્ત્રો વડે ગાર્ડ પર હુમલો કરી બન્ને શખસે રોકડ ભરેલા બૉક્સની લૂંટ ચલાવી હતી. નજીકમાં વેગન આર કાર સાથે હાજર સાથી સાથે બન્ને લૂંટારા ફરાર થઈ ગયા હતા.
આ પ્રકરણે વાલિવ પોલીસે ત્રણ અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે ગુનામાં વપરાયેલી કારની શોધ હાથ ધરી હતી. કારના નંબર પરથી પોલીસને આરોપી યાદવના ઘરનું સરનામું મળ્યું હતું. યાદવ તેના બન્ને સાથી સાથે નાલાસોપારાના બિલાલપાડા સ્થિત ડોંગરપાડા વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપી પરિવાર સાથે ત્યાંથી રફુચક્કર થઈ ગયા હોવાનું જણાયું હતું.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ગામમાં તેમના સમાજમાં યાદવની સારી પ્રતિષ્ઠા હતી. તેનો ગુનાહિત ભૂતકાળ પણ નહોતો. પ્રથમ વાર જ આવો ગુનો આચરનારા યાદવે બદનામી અને ડરના માર્યા આવું પગલું ભર્યું હતું. |
|