25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રવિવાર રડાવશે: બૅસ્ટની હડતાળ સાથે રેલવેનો બ્લૉક
બૅસ્ટની હડતાળ પાંચમા દિવસે પણ યથાવત્: મુંબઈગરાઓ હેરાન

સહારો.... બેસ્ટની સતત પાંચમે દિવસે હડતાળ યથાવત્ રહેતા એસટી બસ જ પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ બની હતી. (અમય ખરાડે)(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: જુદી જુદી માગણીઓ સાથે સોમવાર મધરાતથી હડતાળ પર ઊતરી ગયેલા બેસ્ટ કર્મચારીઓની હડતાળ શનિવારે હાયપાવર કમિટીની બેઠક બાદ પણ પાછી ખેંચાઈ નથી. હાઈ કોર્ટના આદેશ મુજબ સ્થાપવામાં આવેલી આ કમિટીની બેઠકમાં સકારાત્મક ચર્ચા થઈ હોવા છતાં જયાં સુધી કોઈ ઉકેલ આવશે નહીં ત્યાં સુધી હડતાળ પાછી ખેંચવામાં આવશે નહીં એવી જાહેરાત કૃતિ સમિતિના નેતા શશાંક રાવે કરી હતી. દિવસ દરમિયાન જોકે સ્ટેટ ટ્રાન્સપોર્ટની સાથે જ ખાનગી બસ અને સ્કૂલની બસ મુંબઈગરાની મદદે આવી હતી.

શનિવારે સતત પાંચમા દિવસે હડતાળ ચાલુ જ રહેતા સતત મુંબઈગરા હેરાનપરેશાન થઈ ગયા હતા. શનિવારની બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી, તો આજે રવિવારની રજા હોઈ હડતાળને મુદ્દે સોમવાર સુધી કોઈ ઉકેલ આવે એવી શક્યતા જણાતી નથી. તેથી સોમવાર સુધી મુંબઈગરાને તકલીફનો સામનો કરવો પડવાનો છે. બેસ્ટની હડતાળ ચાલી રહી છે તેમાં આજે પાછું મધ્ય રેલવે સહિત પશ્ર્ચિમ રેલવેમાં મેગાબ્લોક હોવાથી આજે નાગરિકોની બરોબરની કસોટી થવાની છે. આ દરમિયાન હડતાળના પાંચમા દિવસે પણ રસ્તા પર એક પણ બેસ્ટની બસ દોડી નહોતી. ડ્રાઈવર અને કંડકટરની ગેરહાજરીને કારણે બેસ્ટના ૨૭ ડેપોમાંથી એક પણ બસ બહાર નીકળી શકી નહોતી. શનિવારે ૬૬૨૧ ડ્રાઈવરમાંથી માંડ એક જ ડ્રાઈવર હાજર રહ્યો હતો, તો ૬૮૩૫ કંડકટરમાંથી એક પણ કંડકટર ફરજ પર હાજર થયો નહોતો.

બેસ્ટની હડતાળને કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા જુદા જુદા રૂટ પર છેલ્લા પાંચ દિવસથી બસ દોડાવવામાં આવી રહી છે, જેમાં શનિવારે આખા દિવસ દરમિયાન ૩૯ બસ દોડાવવામાં આવી હતી. તો ખાનગી બસ તથા સ્કૂલની બસો પણ રસ્તા પર ઉતારવામાં આવી હતી. મળેલ માહિતી મુજબ લગભગ ૧૭૨ જેટલી ખાનગી બસ દિવસ દરમિયાન દોડી હતી.

----------

હાઈ પાવર કમિટીએ સમસ્યા સાંભળી, સોમવારે કોર્ટમાં અહેવાલ રજૂ કરશે‘બેઝિક પગારની માગ તાત્કાલિક ધોરણે પૂરી કરો’(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બૉમ્બે હાઈ કોર્ટના આદેશ અનુસાર હાઈ પાવર કમિટીએ બૅસ્ટના કર્મચારીઓના સંગઠનની સમસ્યાઓ સાંભળી હતી. સંગઠને પોતાના ૧૪,૦૦૦ કર્મચારીના બૅઝિક પગારની માગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળ પરત ન લેવા જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી ડી. કે. જૈનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પરિવહન, શહેરી વિકાસ વિભાગના સેક્રેટરી તેમ જ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર હાજર હતા અને આ સાથે બૅસ્ટના કર્મચારી યુનિયનનાં પ્રતિનિધિઓ પણ હતા. કૃતિ સમિતિના સભ્ય નીતિન પાટીલે જણાવ્યું હતું કે અમારી ત્રણ મુખ્ય માગ છે. ૨૦૦૭થી બેસ્ટમાં જોડાયેલા કર્મચારીઓને બેઝિક સેલરી આપવામાં આવે. આ સાથે ૨૦૧૬માં અમારું વેજ એગ્રીમેન્ટ પૂરું થયું છે, જેમાં અમે રૂ. ૮,૦૦૦નો વધારો માગ્યો છે, જે મામલે અમે બાંધછોડ કરવા તૈયાર છીએ અને ત્રીજી માગ બેસ્ટને મુંબઈ મહાનગરપાલિકામાં વિલીનીકરણની છે, પરંતુ હાલમાં કર્મચારીઓનો બેઝીક પગાર મેળવવાને અમે પ્રાથમિકતા આપી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે હાલમાં બેસ્ટના ૧૪,૦૦૦ કર્મચારીને રૂ. ૫૦૦૦થી પણ ઓછો બેઝિક મળે છે, જે ઓછામાં ઓછા વેતન કરતા પણ ઓછો છે. જ્યારે તેમને કાયદેસર રીતે રૂ. ૮૯૩૦ મળવા જોઈએ. તેમના ઓછા પગારને લીધે તેઓ અને તેમનો પરિવાર અપાર મુશ્કેલીઓનો સામનો કરે છે. સરકારે તેમને આ નાણાં આપવા માટે હાલમાં રૂ. ૧૬૦ કરોડ ખર્ચવાના રહેશે.

બેસ્ટના વિલીનીકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે અગાઉ આ પ્રસ્તાવ બેસ્ટ અને પાલિકાની સ્ટેન્ંિડગ કમિટીમાં મંજૂર થઈ ગયો છે. કમિશનર અજોય મહેતાએ પોતાનો અભિપ્રાય આપી તેને મંત્રાલયમાં મોકલવો જોઈએ, પરંતુ તેમણે અચાનક યુ ટર્ન લઈ વિલીનીકરણની ચોખ્ખી ના પાડી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ખોટ ખાતી બેસ્ટને પાલિકામાં સમાવવા માટે પાલિકા તૈયાર નથી. ચીફ સેક્રેટરી એ કે જૈને જણાવ્યું હતું કે અમે

કર્મચારીઓના યુનિયનની વાત સાંભળી છે અને અમે કોર્ટમાં સોમવારે અહેવાલ રજૂ કરીશું.

---------

મધ્ય અને પશ્ર્ચિમ રેલવેમાં બ્લૉક

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મધ્ય રેલવે દ્વારા બદલાપુર અને કર્જત વચ્ચે આજે સવારે ૧૦.૪૫થી બપોરે ૩.૧૫ વાગ્યા દરમિયાન અપ અને ડાઉન લાઇન પર ટ્રાફિક, પાવર અને એસ ઍન્ડ ટી બ્લૉક લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શેલુ સ્ટેશન અને ભિવપુરી સ્ટેશન ખાતેના એફઓબીનું કામ કરવામાં આવશે. બ્લૉકને કારણે અમુક ઍકસ્પ્રેસ અને પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે અમુક લોકલ સર્વિસને આંશિક રદ કરવામાં આવી છે.

બ્લૉકના પગલે ૫૧૩૧૮/૫૧૩૧૭ પુણે-કર્જત-પુણે પેસેન્જર, ૧૧૦૦૯/૧૧૦૧૦ સીએસએમટી-પુણે-સીએસએમટી સિંહગઢ ઍકસ્પ્રેસ, ૧૨૧૧૭/૧૨૧૧૮ એલટીટી-મનમાડ-એલટીટી ગોદાવરી ઍકસ્પ્રેસ રદ કરવામાં આવશે.

દરમિયાન સીએસએમટીથી સવારે ૯.૦૧ વાગ્યે રવાના થતી સીએસએમટી-કર્જત લોકલ માત્ર અંબરનાથ સ્ટેશન સુધી ચલાવવામાં અવાશે. સીએસએમટીથી સવારે ૯.૩૮, ૧૦.૩૬, ૧૧.૧૫ અને ૧.૧૩ વાગ્યે રવાના થતી સીએસએમટી-કર્જત લોકલ માત્ર બદલાપુર સ્ટેશન સુધી દોડશે. થાણેથી સવારે ૧૦.૩૮ અને ૧૨.૦૫ વાગ્યે રવાના થતી થાણે-કર્જત લોકલ માત્ર બદલાપુર સુધી દોડાવવામાં આવશે. સીએસએમટીથી બપોરે ૧૨.૨૨ વાગ્યે રવાના થતી સીએસએમટી-ખોપોલી બદલાપુર સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે. કર્જતથી ૧૦.૪૫, ૧૧.૧૯, ૧૨.૦૧, ૧.૦૦ વાગ્યે સીએસએમટી જવા રવાના થતી કર્જત-સીએસએમટી લોકલ બદલાપુરથી ઊપડશે. થાણે જવા માટે કર્જતથી ઊપડતી ૧૨.૨૧ અને ૧.૨૭ વાગ્યાની કર્જત-થાણે લોકલ બદલાપુર સ્ટેશનથી રવાના થશે. ખોપોલીથી ૧.૪૮ વાગ્યે રવાના થતી ખોપોલી-સીએસએમટી લોકલ બદલાપુરથી રવાના થશે. કર્જતથી ૧.૦૧ વાગ્યાની કર્જત-સીએસએમટી લોકલ અંબરનાથથી રવાના થશે.

ટ્રેક્સ, સિગ્નલિંગ અને ઑવરહેડ ઇક્વિપમેન્ટના મેઇન્ટેનન્સના કામ માટે આજે ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૦.૩૫થી બપોરે ૩.૫૩ દરમિયાન પશ્ર્ચિમ રેલવે દ્વારા જમ્બો બ્લૉક લેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે તમામ સ્લો લાઇનની ટ્રેનો ફાસ્ટ લાઇન પર દોડાવવામાં આવશે, પરિણામે અમુક અપ અને ડાઉન સબર્બન ટ્રેન રદ કરવામાં આવશે.

------------

સોમવાર સુધીમાં નિવેડો લાવો નહીં તો... મનસેની ચીમકી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: બેસ્ટ કર્મચારીઓ પાંચ દિવસથી પોતાની માગ સાથે હડતાળ કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ તેમાં કૂદ્યું છે. સોમવાર સુધીમાં હડતાળ પૂરી કરવામાં નહીં આવે તો મનસે મેદાનમાં કૂદશે અને કર્મચારીઓને સાથ આપશે, તેમ મનસેના નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યું હતું. દેશપાંડેએ વડાલા ડેપો ખાતે કર્મચારીઓને સંબોધ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તમે મુંબઈગરાઓને હેરાન કરવા માગતા નથી, પરંતુ તમારા પ્રશ્ર્નોને પ્રશાસન અવગણી રહ્યું છે ત્યારે હવે મુંબઈગરાઓનો વારો છે કે તે તમને સાથ આપે. દેશપાંડેએ સોશિયલ મીડિયા પર શિવસેનાને ટોણો મારતા પૉસ્ટ મૂકી હતી કે આટલાં વર્ષોથી મરાઠી માણૂસના નામે રાજકારણ કરે છે અને હવે તેમના જ પેટ પર અને તેમનાં મા-બહેનો પર કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે સેનાને ચેતવણી પણ આપી હતી કે ધ્યાનમાં રાખજો તે માત્ર ૪૦,૦૦૦ કર્મચારી નથી, દરેકનો ચાર-પાંચ જણનો પરિવાર છે અને તેમની સાથે તમે અન્યાય કરી રહ્યા છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

43Al1104
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com