14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વર્સોવામાં મહિલાને અયોગ્ય સ્પર્શ કરવા બદલ પાર્કના વૉચમૅનની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અંધેરીના વર્સોવા ખાતે આવેલા પબ્લિક પાર્કમાં મહિલાને અયોગ્ય સ્પર્શ કરી તેમ જ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તેનો કથિત વિનયભંગ કરવા બદલ પાર્કના વૉચમૅનની ધરપકડ કરવામાં આવી હતી. વર્સોવા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રામસાગર પાલ (૨૫) તરીકે થઈ હતી. કોર્ટે તેને ૨૫ જાન્યુઆરી સુધીની અદાલતી કસ્ટડી ફટકારી હતી. અંધેરી પૂર્વમાં રહેતી ૩૭ વર્ષની લેખિકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તબીબના સ્વાસ્થ્ય સંબંધિત સૂચનને આધારે રોજ તે વર્સોવાના સાત બંગલા વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં ચાલવા જતી હતી. નવેમ્બર, ૨૦૧૮થી પાલ તેને ખરાબ નજરે નીરખતો હતો, એવો આક્ષેપ મહિલાએ કર્યો હતો. થોડા દિવસ અગાઉ તે પાર્ક પાસે પહોંચી ત્યારે આરોપીએ તેને હજુ પાર્ક ખુલ્લો ન હોવાનું કહી બહાર જ ઊભી રાખી હતી. તે સમયે પાંચ મિનિટ સુધી તે ગેટ પાસે જ ઊભી રહી હતી, એવું ફરિયાદીનું કહેવું છે. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે શુક્રવારે ફરિયાદી ગાર્ડનમાં પહોંચી ત્યારે આરોપીએ તેની નજીક આવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો. વિરોધ કરવા પણ તેણે ફરિયાદીને લાફો ચોડી દીધો હતો. તે સમયે ફરજ પર હાજર અન્ય વૉચમેનો ત્યાં દોડી આવ્યા હતા અને ફરિયાદીને છોડાવી હતી. વૉચમેનોએ જ આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો.

-----------------------------

ભિવંડીમાં પોલીસચોકી જમીનદોસ્ત કરી જમીન વેચી નાખી: બે જણની ધરપકડ



થાણે: ભિવંડીમાં છેલ્લા કેટલાક સમયથી અવાવરું પડી રહેલી પોલીસચોકી તોડી પાડી તેની જમીન આરોપીઓએ વેચી નાખી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ગેરકાયદે જમીન વેચવાના મામલે પોલીસે છ આરોપીઓને ઓળખી કાઢી બે જણની ધરપકડ કરી હતી.

ભિવંડીના નિઝામપુરા વિસ્તારમાં આવેલી પોલીસચોકી રાજ્ય સરકારના જાહેર બાંધકામ વિભાગ (પીડબ્લ્યુડી)ની જમીન પર હતી, જે છેલ્લા થોડા સમયથી જર્જરિત અવસ્થામાં હતી.

થાણે પોલીસનાં પ્રવક્તા સુખદા નારકરે જણાવ્યું હતું કે પોલીસ ચોકી અત્યાર સુધી કાર્યાન્વિત હતી, પરંતુ તેની ઇમારત જર્જરિત થઈ ગઈ હતી. પોલીસચોકીના સમારકામનો પ્રસ્તાવ સરકાર પાસે પેન્ડિંગ હોવાનું નારકરે જણાવ્યું હતું.

તાજેતરમાં આરોપીએ પોલીસચોકીની ઈમારત તોડી પાડી હતી અને તેનો કાટમાળ દોઢ લાખમાં વેચી નાખ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ એ જમીન કોઈને નવ લાખ રૂપિયામાં વેચી દીધી હતી. જોકે મિલકત ખરીદનારી વ્યક્તિને જમીનના દસ્તાવેજો રજૂ કરવાનું પોલીસે જણાવતાં તે રજૂ કરી શકી નહોતી, એવું પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું.

પોલીસે છ આરોપીને ઓળખી કાઢ્યા હતા, જેમાંથી બે જણની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલાઓની ઓળખ નઈમ શેખ (૪૮) અને સમશુ જામા મોહમ્મદ ઈસા અન્સારી (૪૮) તરીકે થઈ હતી. વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4526178i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com