24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુપીમાં લોકસભા ચૂંટણીનો તખ્તો : ફઈ-ભત્રીજાની યુતિ
૩૮-૩૮-બેઠક માટે સહમતી

કટ્ટર દુશ્મન એસપી-બીએસપી સંપીને લડશે * કૉંગ્રેસને ઉંબરા બહાર ઊભી રાખીલખનઊ: વર્ષોથી કટ્ટર હરીફ બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને સમાજવાદી પક્ષ શનિવારે એક મંચ પર આવીને આગામી લોકસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં યુતિની જાહેરાત કરી હતી. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૮૦ બેઠક પૈકી બંને પક્ષ ૩૮-૩૮ બેઠક લડવા સહમત થયા હતા. કૉંગ્રેસને યુતિથી દૂર રાખી હતી. જોકે, કૉંગ્રેસ માટે અમેઠી અને રાયબરેલીની બેઠક ખાલી રાખી છે. અન્ય બે બેઠક સહયોગી પક્ષ માટે રાખી છે.

શનિવારે અત્રે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં માયાવતીએ જણાવ્યું હતું કે ગુરુ-ચેલા મોદી અને અમિત શાહની ઊંઘ હરામ થઈ ગઈ છે. યુપીની ફૂલપુર, ગોરખપુર અને કૈરાના લોકસભાની ચૂંટણીમાં અમારી યુતિએ ભાજપને હરાવ્યું હતું એ રીતે આગામી ચૂંટણીમાં પણ હરાવશું, એમ માયાવતીએ કહ્યું હતું.

કૉંગ્રેસને યુતિની બહાર રાખવા વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસના શાસન વખતે ગરીબી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધ્યો હતો તે ઉપરાંત સંરક્ષણ સોદા તથા અન્ય ક્ષેત્રે કૌભાંડ થયા હતા. ભૂતકાળમાં કૉંગ્રેસ સાથે યુતિ કરવાથી કોઈ ફાયદો થયો નહોતો. કૉંગ્રેસે કટોકટી લાદી હતી, જ્યારે ભાજપ અઘોષિત કટોકટી માટે જવાબદાર છે. બંને પક્ષની યુતિ લાંબી ચાલશે. વિધાનસભાની ચૂંટણીમાં પણ સાથે રહેશે. સમાજવાદી પક્ષમાંથી છૂટા થઈને અલગ પાર્ટી બનાવનારા શિવપાલ યાદવ પર ભાજપ મોટી રકમ લૂંટાવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

માયાવતીએ લખનઊ ગેસ્ટકાંડ ભૂલીને અખિલેશ યાદવ સાથે યુતિ કરી છે. અખિલેશ યાદવે યુતિ બાદ જણાવ્યું હતું કે બીએસપીથી બે પગલાં પાછું હઠવું પડશે તો પણ પીછેહઠ કરીશું. માયાવતીનું સન્માન કે અપમાન થશે તો તે મારું ગણાશે.

માયાવતી સંભવત: વડા પ્રધાનનો ચહેરો હશે એ વિશે પુછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે ભૂતકાળમાં યુપીએ અનેક વડા પ્રધાન આપ્યા છે. આગામી વડા પ્રધાન પણ ઉત્તર પ્રદેશનો જ હશે તેઓ બંને લોકસભા ચૂંટણી લડશે કે નહીં તે વિશે સ્પષ્ટતા કરી નહોતી.

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ યુતિને આવકારી હતી. ત્રીજા મોરચા વિશે સ્પષ્ટતા કરી નથી. (પીટીઆઈ)

----------------------------

અસ્તિત્વ ટકાવી રાખવા યુતિ: ભાજપનવી દિલ્હી: એકબીજાના ૨૫ વર્ષથી કટ્ટર દુશ્મન એવા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પક્ષની યુતિ ઉત્તર પ્રદેશ કે દેશના હિતમાં નથી, પરંતુ પોતાને બચાવવા અને ટકાવવા કરી છે. યુતિની કોઈ મોટી અસર થશે નહીં, એમ ભાજપના સિનિયર નેતા અને કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું. તેઓ નરેન્દ્ર મોદીને એકલા હરાવી શકે એમ નથી, તેથી ભેગા થયા છે. કૉંગ્રેસના સિનિયર નેતા એ કે એન્ટનીએ પણ સ્વીકાર્યું હતું કે કૉંગ્રેસ એકલી મોદીનો સામનો કરી શકે એમ નથી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીની યુતિ થઈ છે. જનતા મોદી સાથે છે. ૨૦૧૪ કરતાં સારો દેખાવ ભાજપ કરશે. પછાત વર્ગ મોદીને ટેકો આપી રહ્યો છે. (પીટીઆઈ)

------------------------------

કૉંગ્રેસ ‘ચૂપ’ થઈ ગઈએકલે હાથે કદાચ ચૂંટણી લડશેનવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં એસ.પી. અને બી.એસ.પી.ની યુતિમાં કૉંગ્રેસને બહાર રખાયા બાદ કૉંગ્રેસે ચુપકીદી રાખી છે. કૉંગ્રેસ કદાચ એકલા હાથે ચૂંટણી લડશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને યુપીના ઇનચાર્જ ગુલામ નબી આઝાદે યુતિમાંથી કૉંગ્રેસને બહાર રાખવાના નિર્ણય સામે તાત્કાકિલ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. રવિવારે લખનઊમાં કૉંગ્રેસના નેતાઓ મળીને નવી વ્યૂહરચના તૈયાર કરશે. જો કે, ગુલાબ નબી આઝાદ કૉંગ્રેસના યુપીના વડા રાજબબ્બર, પ્રમોદ તિવારી અને સંજયસિંહને મળ્યા હતા. યુતિમાંથી કૉંગ્રેસને બહાર રાખવા વિશે કૉંગ્રેસના કોઈપણ નેતા પ્રતિક્રિયા આપશે તો તે વ્યક્તિગત ગણાશે, એમ તેમણે કહ્યું હતું.

કૉંગ્રેસને ફટકો પડવાની સાથે મહાગઠબંધનના પ્રયાસને પણ ઝટકો લાગ્યો છે, પરંતુ જાહેરમાં કોઈ બોલતું નથી. અમુક નેતા માને છે કે કૉંગ્રેસ એકલા હાથે યુપીમાં ચૂંટણી લડશે તો વધારે બેઠક જીતશે. પક્ષ માટે એકલા લડવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. કૉંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે આઝાદ રવિવારે વિગતે પ્રત્યુત્તર આપશે.

કૉંગ્રેસના મીડિયા કો-ઓર્ડિનેટર રાજીવ બક્ષીએ કહ્યું હતું કે અમે યુપીમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર છીએ. સમાન વિચારધારાવાળી પાર્ટી સાથે યુતિ કરવા અમે તૈયાર છીએ.

ટીએમસીનાં મમતા બેનરજી, સામ્યવાદી પક્ષના સીતારામ યેચુરી, આરજેડીના તેજસ્વી યાદવે એસ.પી.-બી.એસ.પી. યુતિને આવકારી છે. કૉંગ્રેસે સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે. જો કે, પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે યુપીમાં કૉંગ્રેસની અવગણના મોટી જોખમી ભૂલ છે તમામ વિપક્ષોનો ઉદ્દેશ ભાજપને હરાવવાનો છે.

સીપીઆઈના નેતા ડી. રાજા માને છે કે બી.એસ.પી.-એસ.પી. યુતિ વિપક્ષી એકતા માટે પીછેહઠ નથી. (પીટીઆઈ)

------------------------------

રાષ્ટ્રીય લોકદળને જોડાવાની આશાલખનઊ: આવનારી લોકસભાની ચૂંટણી માટે બહુજન સમાજવાદી પક્ષ-બસપ અને સમાજવાદી પક્ષ-સપએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણીજોડાણની કરેલી જાહેરાતના દિવસે રાષ્ટ્રીય લોકદળે એમ કહીને યુતિમાં જોડાવાની આશા જીવંત રાખી હતી કે યુતિમાં સ્થાન મેળવવા અંગેની વાટાઘાટ ચાલી રહી છે.

બસપ અને સપએ શનિવારે બંને પક્ષના જોડાણની જાહેરાત કરી હતી.

જ્યાં સુધી અમારો સવાલ છે યુતિમાં જોડાવા અંગે અમારી વાતચીત ચાલી રહી છે, એમ રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય પ્રવક્તા અનિલ દુબેએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં બસપ અને સપ પ્રત્યેકે ૩૮ બેઠક પર ચૂંટણી લડવાના અને કૉંગ્રેસ માટે બે તેમ જ અન્ય પક્ષો માટે માત્ર બે જ બેઠક બાકી રાખવાના લીધેલા નિર્ણય બાદ દુબેએ કહ્યું હતું કે બેઠક મુખ્ય મુદ્દો નથી.

જો કોઈપણ પક્ષનો જોડાણમાં સમાવેશ કરવો હોય તો કોઈને કોઈ રસ્તો શોધી શકાય છે.

રાષ્ટ્રીય લોકદળના નેતાએ કહ્યું હતું કે અમારા પક્ષનો મુખ્ય આશય શાસક ભાજપને હરાવવાનો છે અને એ માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ હાથ મિલાવવા જોઈએ.

આ લક્ષ્યને પાર પાડવા અમે પ્રતિબદ્ધ અને કુરબાની આપવા તૈયાર છીએ, પરંતુ અમારા આત્મગૌરવ સાથે સમાધાન નહીં કરીએ, એમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રીય લોકદળના ઉત્તર પ્રદેશ એકમના પ્રમુખ મસૂદ અહમદે કહ્યું હતું કે અધિકારનો હિસ્સો મેળવવાનો પક્ષને વિશ્ર્વાસ છે.

અમે આશા નથી છોડી દીધી. રાષ્ટ્રીય લોકદળ હજુ પણ યુતિમાં જ છે. પક્ષના ઉપાધ્યક્ષ જયંત ચૌધરીએ અખિલેશ યાદવ સાથે વાત કરી છ બેઠકની માગણી કરી છે.

યુતિના નેતાઓ સાથે તેઓ વાતચીત કરશે અને અમને અમારા અધિકારનો હિસ્સો મળી રહેશે, એમ તેમણે કહ્યું હતું.

થોડા જ અઠવાડિયામાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમને વિશ્ર્વાસ છે કે યુતિના નેતાઓ અમારી માગણી અંગે વિચાર કરશે. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

x2Xj77
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com