14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વૃદ્ધાવસ્થામાં લગ્ન કરવા વિશે...

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગર

કેટલાંક વરસ પહેલાં પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીજીના પ્રસાર-માધ્યમોને લગતા ખાતાના તે વખતના મુખ્ય સલાહકાર અને વરિષ્ઠ પત્રકાર એચ. કે. દુઆએ ૭૦ વર્ષની ઉંમરે કલકત્તાનાં જાણીતાં સમાજસેવિકા (ઉંમર વર્ષ ૪૦) અદિતિ શ્યામ સાથે લગ્ન કર્યાં. બંનેનું આ બીજું લગ્ન હતું.

ઘડપણમાં ગોવિંદના ગુણ ગાવાને બદલે પ્રભુતામાં પગલાં માંડનારા દુઆસાહેબની ટીકા કરનારા એકવીસમી સદીમાં પણ કેટલાક નીકળ્યા પણ મોટા ભાગનાએ દુઆસાહેબના આ બીજા લગ્ન માટે દુવા-શુભેચ્છાની લાગણી પ્રગટ કરી. કુંવારા પૂર્વ વડા પ્રધાને એમના આ સાહસિક સલાહકારને આ લગ્ન કરવા અંગે શી સલાહ આપી હશે એ જાણવા નથી મળ્યું. કદાચ દુઆસાહેબે એમની સલાહ ન પણ લીધી હોય. જે માણસ એક વાર પણ પરણ્યો ન હોય એ બીજી વાર પરણવા અંગે શી સલાહ આપી શકે? પણ કવિહૃદયના વાજપેયીજીએ શુભેચ્છાઓ જરૂર પાઠવી હશે.

દુઆસાહેબ અને અદિતિબહેન જેવાં ઘણાં વયોવૃદ્ધ સજ્જન-સન્નારીઓ હશે, જેઓ પરણવા માગતાં હશે, પણ એમની હિંમત નહિ ચાલતી હોય. ઉમાશંકર જોશીનું ‘કર્ણ-કૃષ્ણ’ નામનું પદ્યનાટક છે. મહાભારતનું યુદ્ધ રોકવા માટે શ્રીકૃષ્ણે કર્ણને એની સાચી ઓળખ આપી અને પાંડવોના પક્ષે આવી જવાની સલાહ આપી. કર્ણ જો પાંડવોના પક્ષે આવી જશે તો પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી જ્યેષ્ઠ પાંડવ કર્ણની પત્ની પણ બની રહેશે, એવી ખાતરી પણ શ્રીકૃષ્ણે આપી. દ્રૌપદી-સ્વયંવરમાં કર્ણની એન્ટ્રી રિજેક્ટ થયેલી. કર્ણ જીવનભર એ અપમાન ભૂલી શક્યો નહોતો. આમ છતાં દ્રૌપદીની વાત આવે છે ત્યારે કર્ણ કહે છે :

‘ના, કૃષ્ણ ના, હોય ન એવી વાર્તા,

આજે હવે જીવન અસ્ત વેળા.

આજે હવે પુત્રઘરેય પારણાં.’

પૌત્ર-પૌત્રીઓ જ્યારે પારણામાં હીંચકતાં હોય એ ઉંમરે પરણવાની વાત આવતાં મહારથી કર્ણ જેવો વીર યોદ્ધો પણ ઢીલોઢફ થઈ જતો હોય તો સામાન્ય વૃદ્ધજનોનું તો શું ગજું? પણ હવે આપણે એકવીસમી સદીમાં પ્રવેશ્યાં છીએ. એક નવા યુગનો આરંભ થયો છે. હવે આપણે વૈશ્ર્વિકીકરણની આબોહવામાં શ્ર્વાસોચ્છ્વાસ લેવાના છે. એટલે પૌત્ર-પૌત્રીઓ પારણિયામાં હીંચકતાં હોય એ ઉંમરે પરણવાની તક તકદીરમાં લખી હોય, તો વયોવૃદ્ધ સજ્જન-સન્નારીઓએ પરણવું કે નિસાસા નાખીને બાકીનું જીવન પૂરું કરવું એ વિશે વ્યાપક ચિંતન થવું જોઈએ. આ દિશામાં એક સામાન્ય જનમત ઊભો થવો જોઈએ. આ લેખ આ દિશાના ચિંતનનો એક નમ્ર પ્રયાસ છે.

આપણા પૂર્વજો કરતાં આપણે ઘણાં પ્રગતિશીલ છીએ, એવું આપણે માનીએ છીએ, પરંતુ બધાં ક્ષેત્રો માટે આ સાચું નથી. આજે સિત્તેર વર્ષની ઉંમરના કોઈ વૃદ્ધ, દુઆસાહેબ જેવા અપવાદો બાદ કરતાં, લગ્નનો વિચાર સુધ્ધાં ન કરે ત્યારે આપણા પુરુષપૂર્વજો એમને કોઈ પણ ઉંમરે લગ્ન કરવાની તક મળે તો તેઓ જતી નહોતા કરતા. લગ્ન અને ઉંમર વચ્ચે કોઈ સહસંબંધ હોઈ શકે એવું આપણા પુરુષપૂર્વજોએ કદી સ્વીકાર્યું જ નહોતું ! પા-પા પગલી કરવાની ઉંમરેય તેઓનાં લગ્ન થતાં અને એક પગ ચિતામાં હોય એ ઉંમરેય તેઓ લગ્ન કરવાની હિંમત દાખવતા. એ મહાનુભાવોની રસિકતા, સાહસ અને શૌર્ય પ્રતિ આજેય મારું મસ્તક આદરપૂર્વક નમે છે. વળી, આ નરશ્રેષ્ઠો આવાં લગ્નો છાનાંમાના કરી લેતા હોત તો એમનું સાહસ બિરદાવવાને લાયક ન ગણાત. પણ આ પરાક્રમી વૃદ્ધ પુરુષો તો વાજતેગાજતે સાજનમાજન સાથે પરણવા જવાનું શૌર્ય દાખવતા- અને તે પણ કોઈ ષોડષી સાથે. મસ્તક પર મહાસાગરનાં ફીણ જેવા પીતધવલ કેશ શોભી રહ્યા હોય અથવા તો વાળ અને માથાનો ઋણાનુબંધ પૂરો થઈ ચૂક્યો હોય તથા માથા ને કપાળની સરહદો દૂધમાં સાકર ભળી જાય એમ એકબીજામાં ભળી ગઈ હોય, ચહેરા પર કાળ ભગવાને ચાસ પાડી દીધા હોય, દાંતોએ વિદાય લઈ લીધી હોય, શરીર આત્માને મુક્ત કરી દેવાની સતત ધમકી આપી રહ્યું હોય આવી સ્થિતિમાં પણ એક વૃદ્ધ પુરુષ ઘોડે ચડીને વાજતેગાજતે પરણવા જઈ રહ્યો હોય એવા દૃશ્યની આજની પેઢીને તો કલ્પના પણ ન આવે. ત્યારે આજે ? હજુ થોડાં વર્ષ પહેલાં છાપામાં મેં એક કિસ્સો વાંચેલો :

સામાજિક પ્રશ્ર્નોમાં માર્ગદર્શન આપતી કૉલમના લેખક પાસે એક સજ્જને ધા નાખેલી. એમની મૂંઝવણ આવી હતી : પત્ર લખનાર સજ્જનની ઉંમર ૬૫ વરસની હતી અને તેઓ વિધુર હતા. આર્થિક રીતે ખૂબ સુખી હતા. બે છોકરીઓને પરણાવી દીધી હતી અને બંને અમેરિકામાં સાસરે હતી. એક દીકરો હતો તે પણ અમેરિકામાં સેટલ થયો હતો. આમ જુઓ તો કશી સમસ્યા નહોતી પણ એકાકીપણાની સમસ્યા ઘણી વિકટ લાગતી હતી. એમાં એમને એમના જેવું જ એકાકી જીવન ગાળતાં પંચાવન વર્ષની વયનાં વિધવા સન્નારીનો પરિચય થયો. એ સન્નારીના ત્રણેય પુત્રો અને એક દીકરી બધાં ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયાં હતાં અને ત્યાંનું નાગરિકત્વ ધરાવતાં હતાં. આ સજ્જન અને સન્નારી લગ્નગ્રંથિથી જોડાવા ઇચ્છતાં હતાં. પણ બંનેની સામાજિક પ્રતિષ્ઠા એટલી ઊંચી હતી કે એ બંને પરણે તો એમનાં સંતાનોના પ્રત્યાઘાત કેવા હોય, સમાજમાં કેવા પ્રત્યાઘાત પડે એ વિચારે બંને મૂંઝાતાં હતાં અને એ કારણે એમણે લેખક પાસે માર્ગદર્શન માગ્યું હતું. લેખકે તો વિનાસંકોચે પરણી જવાની સલાહ આપી હતી પણ તેઓ પરણ્યાં કે નહિ તેની ખબર નથી. વીસમી સદીના આરંભે ૬૫ વરસના પુરુષને સોળ વરસની કોમલાંગી ક્ધયાને પરણવામાં પણ કશો હિચકિચાટ નહોતો થતો ને વીસમી સદીના અંતે ૬૫ વરસના એક વિધુર સજ્જન ૫૫ વરસનાં એક વિધવા સન્નારીને પરણવું કે નહિ તેની મૂંઝવણ અનુભવે છે ! ઓછામાં ઓછું આ બાબતમાં તો આપણે આપણા પૂર્વજો કરતાં ઘણાં પછાત છીએ એમ મને લાગે છે.

બંને યુગના વૃદ્ધોને ન્યાય કરવા ખાતર મારે કહેવું જોઈએ કે આ યુગનાં વૃદ્ધોની પરણવાની ઇચ્છા એ યુગનાં વૃદ્ધો કરતાં જરાય ઓછી નહિ હોય. પણ એ યુગમાં યુવાન પુત્રો માટે માગાં આવતાં તેમ પ્રૌઢ કે વૃદ્ધ પિતા માટે પણ માગાં આવતાં. જ્યારે આજના યુગમાં વૃદ્ધોને ‘તમારે જાત્રાએ જવું છે?’ એવો સવાલ કોઈ-કોઈ દીકરા પૂછે છે ખરા, પણ વિધુર પિતાને ‘પિતોં, તમે લગ્નોત્સુક છો?’ એવો પ્રશ્ર્ન પૂછવાની સહૃદયતા યુવાન પેઢીએ ગુમાવી દીધી છે. એકવાર એક મિત્ર સાથે કોઈને ઘેર જવાનું થયું. યજમાને ચાનો વિવેક ન કર્યો એટલે મિત્રને ખોટું લાગ્યું. મિત્ર ચા પીતા જ નહોતા તોપણ એમને ખોટું શું કામ લાગ્યું એ મને સમજાયું નહિ. મિત્રે કહ્યું ‘હું ચા પીતો નથી તે ખરું પણ એમણે ના પાડવાની તક તો આપવી જોઈએ ને?’ બધાં વૃદ્ધો ફરી પરણવા તૈયાર થઈ જ જાય એવું ન બને. પણ નવી પેઢીએ કમ સે કમ એમને ના પાડવાની તક તો આપવી જોઈએ !

રસિકતાની બાબતમાં પણ આ જમાનાનાં વૃદ્ધો ખાસ કરીને પુરુષવૃદ્ધો ગયા જમાનાના વૃદ્ધ પુરુષો કરતાં સહેજેય ઊતરતા હોય એવું લાગતું નથી. કેટલાક વૃદ્ધ પુરુષો તો યુવાનોને પણ ઝાંખા પાડી દે એવા ને એટલા રસિક હોય છે. ઉંમર વધવાની સાથે એમની રસિકતા રિકરિંગ ડિપૉઝિટ સ્કીમની રકમની પેઠે વધતી જતી હોય છે. આપણા લોકસાહિત્યમાં એક દુહો છે :

તિરિયાં જોબન તીસ તક, ધોરી નવ ધરાં,

પુરુષ યૌવન વહાં તક, ઘીએ પેટ ભરાં.

સ્ત્રીનું યૌવન ત્રીસ વરસ સુધીનું ગણાય (સ્ત્રી-વાચકોએ આ પંક્તિખંડ તરફ દુર્લક્ષ કરવું), બળદની જુવાની એ ધૂંસરીએ જોડાય ત્યારથી એની નોકરી નવ વરસની થાય ત્યાં સુધી ગણાય, પણ પુરુષનું યૌવન તો એ જ્યાં સુધી ઘીથી પેટ ભરતો હોય ત્યાં સુધી ટકે છે ! આ દુહો બતાવે છે કે પુરુષ ઉંમરથી ભલે વૃદ્ધ થાય, હૃદયથી તો એ ચિરયુવાન હોય છે ! એટલે રસિકતાની બાબતમાં આજના વૃદ્ધોને ‘અન્ડરએસ્ટીમેટ’ કરવામાં એમને ઘણો અન્યાય થાય છે એવું મારું માનવું છે.

એટલે હું તો વૃદ્ધોએ ફરી લગ્ન કરવાં જોઈએ એ વાતની તરફેણ કરું છું. વૃદ્ધ પુરુષ વૃદ્ધાને કે પ્રૌઢાને જ પરણે એટલો આગ્રહ વાજબી છે. પણ વૃદ્ધો પરણે જ નહિ એવો આગ્રહ વિધવાઓએ પરણવું જ નહિ એવા એક જમાનાના આગ્રહ કરતાં ઓછો ક્રૂર નથી.

હું માનું છું કે વૃદ્ધ માતા કે પિતા જો એકાકી જીવન ગાળતાં હોય, તો એમનાં સંતાનોએ જ એમનાં લગ્ન કરાવી આપવાં જોઈએ. એકવીસમી સદીમાં માતાપિતાની આ જ સાચી સેવા ગણાય.

લગ્ન એ માણસના જીવનની રોમાંચક ઘટના છે, પરંતુ લગ્ન જુવાનીમાં થાય તો જ રોમાંચક ગણાય એ ખ્યાલ ખોટો છે. ખરું પૂછો તો યુવાન યુગલો કરતાં વૃદ્ધ યુગલો લગ્નગ્રંથિથી જોડાય એ ઘટના વધુ રોમાંચક લાગવાની.

પચ્ચીસ-ત્રીસ વરસનો યુવાન વીસ-પચ્ચીસ વરસની યુવતીને પરણે એ ઘટના રુટિન ગણાય, રોમાંચક ન ગણાય. એમાં કદાચ રોમાંચકતા હોય તોયે પરણનાર બે વ્યક્તિ પૂરતી જ હોય, જ્યારે પાંસઠ-સિત્તેર વરસના વૃદ્ધ સજ્જન એમની ઉંમરનાં સન્નારીને પરણે તો એ લગ્ન એ બે માટે જ નહિ, માણનાર-જાણનાર સૌ માટે રોમાંચક હોવાનાં !

હું જાણું છું કે આ આખી બાબત આજે તમને તરંગી ને હાસ્યાસ્પદ લાગવાની. જેમને માટે મેં આ ચિંતન કર્યું છે એ વૃદ્ધો પણ કદાચ આનો વિરોધ કરવાનાં, પરંતુ કોઈ પણ નવી વાત પહેલાં તો વિચિત્ર, હાસ્યાસ્પદ ને વિરોધપાત્ર જ લાગતી હોય છે. પણ એક વાર એનો સ્વીકાર થઈ જાય પછી એવી બાબતો રુટિન બની જતી હોય છે. મેં આવાં લગ્નોનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરવાની હિંમત દાખવી છે એ રીતે બીજાંઓ પણ દાખવશે એવી મને આશા છે. એકવીસમી સદીના ઉત્તરાર્ધમાં આવાં વૃદ્ધલગ્નો પણ રુટિન બની ગયાં હશે એમાં શંકા નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

pCe5r7Fh
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com