24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હંગ્રી હૈયાથી હેત ના થાય : લંચ, ડિનર અને લવસ્ટોરી!

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ: સાચી ભૂખ ચોઘડિયું જોઇને નથી આવતી - (છેલવાણી)

પ્રેમ પ્રકરણ કે લવ-અફેરમાં સાચી લાગણીઓ ઉપરાંત ખાવાપીવાનો રોલ બહુ મોટો હોય છે. ઘણી સ્ત્રીઓ જમાડી જમાડીને પુરુષને પટાવે છે, તો ઘણાં પુરુષો મોંઘી આઈટેમો ચખાડીને ક્ધયાઓને ભરમાવે છે. બોલીવૂડનો સુપ્રસિદ્ધ સિંગર અભિજિત શરૂઆતનાં દૌરમાં જ્યારે સંઘર્ષ કરતો ત્યારે એકવાર એની ગર્લફ્રેંડે, રેસ્ટોરંટમાં બે-ત્રણ પ્લેટનો ઓર્ડર આપ્યો. ત્યારે અભિજિત ગુસ્સામાં બોલ્યો, ‘તુઝે તેરા બાપ કુછ ખિલા કે નહીં ભેજતા કિ રોજ મેરે પાસ આકે ઓર્ડર કરતી હૈ?’ ખેર, પછી તો અભિજિત સફળ થયો, બેઉ પરણી ગયાં પણ અભિજિતની ફરિયાદ લોજિકલ હતી. દરેક જુવાન દીકરીના બાપે એને ઘરેથી જમાડીને જ પ્રેમ કરવા મોકલવી જોઈએ કારણ કે દરેક પ્રેમી પુરુષનાં દિલમાં પ્રેમ તો ખૂબ હોય છે, પણ ખિસ્સામાં પૈસા પણ હોય એ જરૂરી નથી. અને પૈસા નથી એમ કહેવાની હિંમત તો એનાથી પણ ઓછી હોય છે. આવા સમયે છોકરીઓ મોંઘી આઈટેમો ઓર્ડર કરીને પ્રેમીની કસોટી કરતી હોય છે. આજે તો હવે માત્ર એક કોફીનો ઓર્ડર કરીને આખો દિવસ પ્રેમલા-પ્રેમલી કોફી-શોપમાં બેસી શકે છે, પણ ૧૯૭૦-૮૦-૯૦ના જમાનામાં એવું શક્ય નહોતું. ત્યારે ઘણીયે લવસ્ટોરીઓ, ઇડલી-ઢોંસા અને ચા સુધી જ વિકસીને ખતમ થઈ જતી. અનેક લૈલા-મજનૂ, સિંગ-ચણાં ખતમ થતાં સુધીમાં જ છૂટાં પડી જતાં.

જેમ પ્રેમની કોઈ ભાષા નથી હોતી એમ ભૂખની પણ કોઈ ભાષા નથી હોતી. દરેક માણસને પ્રેમની ભૂખ હોય છે અને દરેક માણસને ભૂખ સાથે પ્રેમ હોય છે. કવિ નઝીર અકબરાબાદીએ લખેલું કે, ‘ભૂખે ભજન ના હોય, ગોપાલા’ ભૂખ્યા પેટ ભજન ના થઈ શકે પણ અમેરિકાની ડ્રેક્સેલ નામની યુનિવર્સિટીએ કરેલાં એક રિસર્ચથી જાણવા મળ્યું છે કે જો સ્ત્રીનું પેટ ભરેલું હોય તો એની પ્રેમ કરવાની ભૂખ ઊઘડે છે! અર્થાત્ ભૂખ્યે પેટ સ્ત્રીઓને રોમાંસમાં રસ નથી પડતો! રિસર્ચ કરનારાંઓએ ભૂખી સ્ત્રીઓને રોમેન્ટિક ચિત્રો દેખાડ્યાં પણ સ્ત્રીઓએ બહુ ભાવ ના આપ્યો. પછી એ જ સ્ત્રીઓને પેટ ભરીને જમાડ્યાં બાદ એ જ શૃંગારિક ચિત્રો દેખાડ્યાં તો સ્ત્રીઓ પ્રેમ કરવા માટે ઉશ્કેરાઈ ગઈ!

સામાન્ય રીતે સ્ત્રી, અન્નપૂર્ણા દેવી કહેવાય છે. શાસ્ત્રોમાં સ્ત્રીને ‘ભોજયેષુ માતા’ પણ કહેવાય છે. પણ હવે જે તારણ નીકળ્યું છે મુજબ બીજાને જમાડનારી સ્ત્રી, પોતે ભૂખી હોય તો એને પ્રેમમાં મજા નથી આવતી. પહેલાં પેટ, પછી પ્રેમ! આમ તો વાસના માટે ‘શારીરિક ભૂખ’ શબ્દ છે, પણ પેટની ભૂખને પ્રેમની ભૂખ સાથે સંબંધ હોય?

ઇંટરવલ:

જો શરીર રહતા સદા રતિ-રોટીમેં લીન

વો પશુ હૈ માનવ નહીં, દોનોં મેં ભી દીન ( નીરજ)

પેલા ભૂખ વિશે રિસર્ચ કરનારાઓએ આપણી ગુજરાતી સ્ત્રીઓ પર એ પ્રયોગ કરેલો કે નહીં એની ખબર નથી કારણ કે જો કર્યો હોત તો અલગ જ રિઝલ્ટ આવ્યાં હોત. ગુજરાતી સ્ત્રીઓ પાપડનાં લૂવાંને જોઈને ઉશ્કેરાઈ શકે છે. પાપડનાં કાચા લોટનાં લુગદામાં ગુજરાતી સ્ત્રીઓને શું રસ પડતો હશે એ ખરેખર રિસર્ચનો વિષય છે. એવી જ બીજી આઈટેમ છે, કાચી કેરીનાં અથાણાં-જે અગાસી પર સૂકવવામાં આવ્યાં હોય છે. ભલભલી સંયમી સ્ત્રીને કાચી કેરી દેખાડીને ચલિત કરી શકાય છે! અહીંયા ગુજરાતી સ્ત્રીઓની ટીકાનો ઇરાદો બિલકુલ નથી પણ રસવૃત્તિની પ્રશંસા છે.

ખરેખર જો ભરપેટે સ્ત્રીઓને રોમાંસ કરવામાં વધુ મજા આવતી હોય તો એનો અર્થ એ કે સ્ત્રીઓ દિલથી નહીં, પેટથી વિચારે છે. આમ પણ કવિઓએ ‘દિલ’ ને બહુ માથે ચઢાવ્યું છે પણ દિલ જેટલું જ કે વધુ અગત્યનું અંગ પેટ છે. દિલ તો ક્યારેક જ કોઈકને જોઈને ધડકી ઉઠે છે કે પછી કયારેક જ દર્દીલાં ગઝલ-ગીત સુણીને રડી ઉઠે છે, પણ પેટ તો નિયમિતપણે બેથી ત્રણવાર દિવસમાં પોતાનો પરચો દેખાડે છે. માટે દિલ કરતાં પેટ વધુ મોટું સત્ય છે.

કહેવાય છે કે પુરુષના દિલ સુધી જવાનો રસ્તો એના પેટમાંથી પસાર થાય છે, પણ પેલા રિસર્ચ પછી આ માન્યતાએ હવે યુ-ટર્ન લેવો પડશે. હવે સ્ત્રીના દિલ સુધી પહોંચવા પણ એના પેટ દ્વારા જ પહોંચવું પડશે! વેલ, જમાનો બદલાય એમ પ્રેમની વ્યાખ્યા પણ બદલાતી હોય છે. પરંતુ સાવ આ રીતે બદલાશે એ નહોતું ધાર્યું! એની વે, હવેથી દરેક પ્રેમીએ, પ્રેમિકાને ભરપેટ જમાડીને જ પ્રેમની વાતો શરૂ કરવી પડશે! ચલો, સ્ત્રી સમાનતાની ચળવળ છેક ‘પેટ’ સુધી પહોંચી ગઈ છે, એમ હવે કહી શકાય!

જોકે ત્યારે અને આજેય ઘણી ઉદાર સ્ત્રીઓ એવી પણ છે જે- ‘આજે ભૂખ નથી’ કે ‘હું ડાયટિંગ પર છું’ એવું જૂઠું બોલીને મરદની લાજ રાખી લે છે. આવા સમયે રમેશ પારેખનાં રસીલાં પ્રેમકાવ્યો કે પછી મરીઝ-ગાલિબની ગઝલો વડે જ પ્રેમીઓ કામ ચલાવી લે છે. દરેક પ્રેમમાં ભૂખ સમાયેલી છે અને દરેક ભૂખમાં પ્રેમ. પ્યાસા ફિલ્મમાં ભૂખ્યા અને બેકાર શાયર(ગુરૂદત્ત) માટે એક વેશ્યા (વહીદા) ખાવાનું લઈ આવે છે અને યાદગાર પ્રેમસંબંધ શરૂ થાય છે. એક પ્રેમી જ્યારે બીજાને પ્રેમપૂર્વક જમાડે છે એ ઘડીએ જ બેઉનાં સાચાં જન્માક્ષર મળવાનાં શરૂ થઈ જાય છે. પ્રેમીઓ હોટલોમાં જમે, વાતો કરે ત્યારે વાનગી તો નિમિત્ત બની જાય છે, પણ ખરેખર તો વ્હાલને જ બેઉ ચાખ્યાં કરતાં હોય છે.

પ્રેમ અને ભૂખની એક સાચી ઘટના કહું? એક રોડ-સાઈડ હોટલ હતી જેમાં પત્ની રસોડું સંભાળે, પતિ ગલ્લો સંભાળે, બાળકો વેઈટરનું કામ કરે. એ ફેમિલીનું એક બાળક રસ્તે જતાં લોકોને હોટલ સુધી પરાણે પકડીને લઈ આવવાનું કામ કરે. એકવાર એક કપલને એ રીતે લાવવામાં આવે છે. એ છોકરા-છોકરીએ આજે નક્કી કરવાનું છે કે હવે પછી એ લોકો મળશે કે નહીં, ભવિષ્યમાં પરણશે કે નહીં. એ લોકો, એકાદ-બે આઈટેમોનો ઓર્ડર આપે છે અને પોતાની લવસ્ટોરી વિશે ઉગ્ર ચર્ચા કરવા લાગે છે. પણ પ્રોબ્લેમ એ છે કે જે આઈટેમ ઓર્ડર કરવામાં આવી છે એ બનાવવા માટે હોટલમાં પૂરતો માલ નથી. હોટેલ ચલાવનાર પતિ બહાર સામાન લેવા દોડે છે. પત્નીને તૈયારી કરવા કહે છે. પતિ, એકથી બીજી દુકાને ઉધારી માટે કાકલૂદી કરે છે. પત્ની, સામાન માટે રાહ જુએ છે. છેવટે, પતિ જેમ તેમ કરીને સામાન લઈ આવે છે પણ ત્યાં સુધી પેલાં કપલ વચ્ચે ભયંકર ઝઘડો થઈ ગયો છે. એકબીજાને ક્યારેય ના મળવાની કસમ ખાઈને હોટલમાંથી જવા નીકળે છે. આ જોઈને હોટલ ચલાવનાર પતિ-પત્ની બેઉને વિનવે છે કે ‘આટલી જલદી આવો નિર્ણય ના લો આખી જિંદગીનો સવાલ છે, અને વળી અમે ઉધારી પર પેલી ડીશ બનાવવા સામાન લઈ આવ્યાં છીએ! પ્લીઝ તમે થોડીવાર રોકાઈ જાવને. કદાચ તમારો જિંદગીનો નિર્ણય બદલાઈ જાય અને અમને પણ બે રૂપિયા કમાવા મળશે, નહીં તો અમને બહુ નુકસાની જશે પ્લીઝ!’ હોટેલવાળાંઓ ખાતર, પ્રેમીકપલ ત્યાં બેસી પડે છે. રડતાં રડતાં ફરી સમાધાન કરી લે છે. એ લોકો પોતાના પ્રેમને કારણે માની ગયાં કે પેલા હોટલવાળાઓને લીધે? ખબર નથી! પણ પ્રેમ અને ભૂખને સીધો સંબંધ તો છે જને?

એન્ડ ટાઇટલ્સ:

આદમ: ભૂખ લાગી છે. શું ખાઉં?

ઇવ: કસમ ખા!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08I325
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com