14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
થોરિયમ બનાવશે ભારતને સુપરપાવર

પ્રાસંગિક-સંજય શ્રીવાસ્તવબની શકે ભવિષ્યમાં દેશના અમુક સમુદ્રતટો પર લટાર મારવા પર, રોમૅન્સ કરવા પર કે મસ્તીમજાક કરવા પર નિયંત્રણ આવી જાય. મોટા ભાગના દરિયાકિનારાઓ પર વિપુલ પ્રમાણમાં જે રેતી પથરાયેલી પડી છે એ માત્ર રેતી નથી, એમાં એક ઘેરું રહસ્ય છુપાયેલું છે. એમાં છે, ઊર્જાનો સૌથી મોટો ખજાનો. એમાંથી પરંપરાગત ઊર્જાના સર્વશ્રેષ્ઠ, સુરક્ષિત અને સ્વચ્છ સ્ત્રોતનું સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક પેદા થઈ શકે છે. દેશભરની આ દરિયાઈ રેતીમાં લગભગ ૯,૬૦,૦૦૦ ટન થોરિયમ ધરબાયેલું છે. સારા શબ્દોમાં કહીએ તો છુપાયેલું છે અને પૃથ્વી પરના થોરિયમના કુલ જથ્થાના એ ચોથા ભાગથી પણ વધુ છે.

ચાર વર્ષ પહેલાં યુનિવર્સિટી ઑફ બેર્ગનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિક્સ ઍન્ડ ટેક્નોલૉજીના પ્રોફેસર એગિલ લિલેસ્ટૉલે કહ્યું હતું કે થોરિયમ ભવિષ્યનો ઊર્જા સ્ત્રોત છે. બસ, ત્યારથી દેશે (જેમ સરકારો સામાન્ય રીતે ગંભીર વિષયો હાથ ધરતી હોય છે એમ) થોરિયમના વિષયને ગંભીરતાથી લીધો હતો. જોકે, હવે એ દિશામાં અચાનક જ કામકાજે વેગ પકડ્યો છે. વધતી વસતિને કારણે વધુને વધુ ઊર્જાની આવશ્યકતા રહેતી હોય છે, પરંતુ વધુપડતી ઊર્જાની આ આવશ્યકતા પર્યાવરણ માટે પરેશાની પેદા કરી શકે છે. આ પરેશાની ત્યારે જ ઓછી થાય જ્યારે કાર્બન-રહિત સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ થાય, પરંતુ એ દિશામાં આગળ વધવું ખર્ચાળ છે. એ સ્થિતિમાં હવે વાત પરમાણુ ઊર્જા પર આવીને અટકે છે. જોકે, આ પરમાણુ ઊર્જામાંથી ઊર્જા પ્રાપ્ત કરવા માટે જે રીતે પરમાણુ તત્ત્વોની આવશ્યકતા રહેતી હોય છે એની જ આપણી પાસે અછત છે.

જે કંઈ હોય, પણ સરકાર હવે સારી રીતે જાણે છે કે સમગ્ર વિશ્ર્વના થોરિયમના ભંડારનો બહુધા હિસ્સો ભારતીય સમુદ્રતટો પર પડ્યોપાથર્યો છે એટલે હવે એના ઉપયોગની બાબતમાં સરકારની કોશિશ વેગ પકડશે. ‘કામિની’ નામનું ભારતનું થોરિયમ આધારિત પ્રાયોગિક રિએક્ટર દુનિયાનું આવા પ્રકારનું પ્રથમ રિએક્ટર છે. આ રિએક્ટરની ક્ષમતા ૩૦થી ૪૦ કિલોવૉટ સુધીની છે. જોકે, થોરિયમ આધારિત ઊર્જા પ્રયોગનું આ પહેલું સફળ પ્રદર્શન છે જેના આધાર પર આગળ કામ થવા સંબંધિત સંભાવના પ્રબળ બનતી હોય છે.

પાછલા એક દાયકામાં થોરિયમથી ચાલતા રિએક્ટર નિર્માણના પ્રયાસોને એવા દેશોમાં બળ મળ્યું છે જ્યાં થોરિયમ મોટી માત્રામાં મળતું હોય છે. જોકે, યુરોપ તથા એવા ખંડોના દેશો તરફથી એને નિરુત્સાહી બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે દેશો પરમાણુ ઊર્જાની મહાસત્તા તરીકે ઓળખાય છે. બધાનું માનવું છે કે આ ઓછું ખર્ચાળ, અપેક્ષા મુજબ વધુ સુરક્ષિત તથા કાર્બન-મુક્ત ઊર્જાનો સ્ત્રોત છે. અત્યારે એનું ઉત્પાદન ભલે થોડું કઠિન છે અને એની ઉપલબ્ધતા તથા પ્રક્રિયા પણ મુશ્કેલ લાગી રહી છે, પરંતુ એના અનેક લાભો છે.

પરમાણુ ભઠ્ઠીઓના બળતણ માટે આ બહુ સસ્તો વિકલ્પ છે, કારણકે પ્રકૃતિમાં એ યુરેનિયમની તુલનામાં ત્રણ ગણું વધુ ઉપલબ્ધ છે. જમીનના ખોદકામથી પ્રાપ્ત થતા દુર્લભ પદાર્થો અથવા દુર્લભ પાયાના ઑક્સાઇડ અથવા રેતીમાં એ (થોરિયમ) ભળેલું હોય છે. જ્યારે એ રિએક્ટરમાં પરમાણુની સક્રિય હાજરીનો નિર્દેશ કરે છે ત્યારે એની અમુક રાસાયણિક તથા ભૌતિક વિશેષતાઓ એને યુરેનિયમથી પણ ચડિયાતું અને ઉપયોગી બનાવી દે છે. તાજેતરમાં જ ચીને લગભગ ૩૩ અબજ ડૉલરનો ખર્ચ એના નિર્માણ પાછળ કર્યો છે. ચીન પોતાના નવી પેઢીના પરમાણુ રિએક્ટરમાં થોરિયમનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે.

કારણ એ છે કે એ યુરેનિયમ કરતાં વધુ સુરક્ષિત હશે. એમાં કોઈ જ સંદેહ નથી કે રાષ્ટ્રએ પણ એ દિશામાં પોતાની જાગૃતતા અને સક્રિયતા વધારવા પડશે. સરકાર એની વ્યાવસાયિક બાબતોને ગંભીરતાથી લઈ રહી છે. આપણો દેશ જો થોરિયમ કાઢવાની અને એના માટેના ખાસ રિએક્ટર બનાવીને એનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દે તો દેશની ઊર્જા-સમસ્યા મોટા પ્રમાણમાં દૂર થઈ જાય. જે દેશને ઊર્જાની ખાસ જરૂર છે એણે તો પોતાની ઊર્જાની આવશ્યકતાઓ માટે આત્મનિર્ભર થવું જ રહ્યું. ખનિજ તેલની બાબતમાં દેશની જે હાલત છે એ બધાની નજર સામે જ છે.

અશ્મિભૂત ઇંધણ (ફૉસિલ ફ્યુઅલ) એવું દ્રવ્ય છે જેનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા બાબતમાં વિશ્ર્વભરમાં અભિયાન ચાલે છે. એમ છતાં, આગામી એકાદ-બે દાયકામાં જ એનો જથ્થો શૂન્ય થઈ જશે. ત્યાર પછી એ ફરી મળવાની સંભાવના જ નહીં રહે. એવામાં ભારતે એ વિષયમાં પણ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. નવાઈ લાગે એવી એક વાત એ છે કે દેશમાં થોરિયમની જ જેમ અશ્મિભૂત ઇંધણના પણ અનેક મોટા ભંડારો ઉપલબ્ધ છે. બીજી વાત એ છે કે સરકારો અવિરતપણે એવો દાવો કરતી આવી છે કે આપણા દેશમાં ખનિજ તેલની શોધ અને એને જમીનમાંથી મેળવવાના પ્રયાસો સતત થતા રહે છે. ત્રીજી આશ્ર્ચર્યજનક વાત એ પણ છે કે એવું ક્યારેય નથી બન્યું કે આપણા દેશમાં ખનિજ તેલનો બહુ મોટો ભંડાર શોધી કઢાયો હોય અને એમાંથી મોટા પ્રમાણમાં તેલ કાઢવામાં આવ્યું હોય.

હવે જ્યારે વીજળી વગેરેના ઉત્પાદન માટે સૌર ઊર્જા તથા પવન ઊર્જા જેવા બિન-પારંપરિક અને સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતોની તુલનામાં પરમાણુ ઊર્જાને અપનાવવાની વાત ચાલે છે ત્યારે પણ સરકારોએ એ બાબતે દાવા ઘણા દાવા કર્યા તો છે, પરંતુ વ્યવહારુ રીતે એ દિશામાં કોઈ નક્કર કામ નથી થયું દેખાતું. જોકે, હવે સરકાર એ દિશામાં ખૂબ ગંભીર તો છે જ. મોનેજાઇટમાંથી થોરિયમ નીકળે છે અને એ મોનેજાઇટનો ભારતમાં સૌથી મોટો ભંડાર કેરળ રાજ્યમાં છેે. બિહાર તેમ જ આંધ્ર પ્રદેશ, ઝારખંડ, તમિળનાડુ તેમ જ રાજસ્થાનમાં પણ સમુદ્રતટો ઉપરાંતના સ્થળે થોરિયમ મોટી માત્રામાં મોજૂદ છે.

પરમાણુ ઊર્જાના નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર પંચાવન કરોડ યુરોના ખર્ચે ફક્ત ૧૦ વર્ષની અંદર થોરિયમ રિએક્ટરની શરૂઆત થઈ શકે છે. યુરેનિયમથી ચાલતા રિએક્ટરોને થોરિયમથી ચલાવવામાં ખર્ચ જરૂર થશે, પણ એ ઓછો ખર્ચ હશે. ભારતીય પરમાણુ યોજનાના જન્મદાતા હોમી જહાંગીર ભાભાએ જ દેશમાં બહુ જ ઓછા પ્રમાણમાં મળતા યુરેનિયમથી પરમાણુ શસ્ત્રો તથા મોટી માત્રામાં મળતા થોરિયમને શાંતિપૂર્ણ કાર્યો માટે યુરેનિયમનો વિકલ્પ બનાવવા તરફ ઇશારો કર્યો હતો તો પછી આપણે એ રસ્તે આગળ વધવામાં શું ખોટું છે?

એક વાત સાથે હવે સૌકોઈ સહમત છે કે ભવિષ્યની ઊર્જા-સુરક્ષા ન્યૂક્લિયર એનર્જીમાંથી જ આવી શકે. જોકે, એ વાત પણ સ્વીકારવાની રહે છે કે યુરેનિયમની તુલનામાં વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ‘પર્યાવરણ મિત્ર’ ગણાતા થોરિયમ પર ભરોસો કરવો જ પડશે. દેશમાં વિપુલ માત્રામાં થોરિયમ ઉપલબ્ધ હોવા છતાં આપણો દેશ કેમ હજી સુધી પ્રાયોગિક રિએક્ટરથી આગળ નથી વધ્યું એ પ્રશ્ર્ન છે. બની શકે કે સરકારને લાગતું હોય કે મોટા પાયે થોરિયમના રિએક્ટરો બનાવવાનું જનતાના પૈસાની બરબાદી જેવું લાગતું હશે, પરંતુ એવું છે નથી કારણકે ચાર રિએક્ટરો નિર્માણ થવાની દિશામાં તો છે જ. અસલ વાત એ છે કે થોરિયમ રિએક્ટરોને ૧૦ વર્ષની અંદર પૂરેપૂરા બનાવી લેવા માટે ભારતે એવા વિકસિત દેશોની સરકારો તથા વૈજ્ઞાનિકોની મદદ લેવી જોઈએ કે જેઓ પરમાણુ સામગ્રીના પુરવઠાકાર છે.

જોકે, આ દેશો આ બાબતમાં રસ નથી બતાવી રહ્યા. યુરેનિયમ અને પ્લુટોનિયમનો પુરવઠો તથા કોઈ પણ દેશ દ્વારા એના ખરીદ-વેચાણ પર આ દેશોનાં નિયંત્રણો છે. એટલે જ તેઓ ભારત જેવા મોટા અને પરમાણુ ટેક્નિકથી સંપન્ન દેશ પર પણ પોતાની મનમાની ઠોકી બેસાડતા હોય છે. જો થોરિયમ આધારિત પરમાણુ ઊર્જાનો પ્રયોગ સફળ થાય તો એ દેશોના ધંધાઓનું અને એના પર ચાલતી તેમની દાદાગીરીનું શું થશે? જોકે, ભારત પાસે પુષ્કળ થોરિયમ છે અને એની ટેક્નિક પણ ઉપલબ્ધ છે. એવામાં ભારત એ દેશોને વીજળી પેદા કરવા માટે ઉપલબ્ધ કરાવી શકે એમ છે. જો એવું થશે તો ભારત પણ પરમાણુ બળતણ પૂરા પાડતા દેશોની હરોળમાં આવી જશે.

એટલે જ એ બધા વિકસિત દેશો થોરિયમ રિએક્ટરના વિકાસમાં રસ નથી બતાડી રહ્યા. રશિયામાં થોરિયમનો મોટો ભંડાર નથી, પરંતુ ત્યાં એને ભવિષ્યમાં ઊર્જાનો સ્ત્રોત બનાવવા પર સંશોધન ચાલી રહ્યું છે. થોરિયમ રિએક્ટરો પર પણ એની નજર છે. એ સંદર્ભમાં ભારતને રશિયાના રૂપમાં સહયોગી મળી શકે એમ છે.

ટૂંકમાં કહીએ તો અત્યારે આપણા દેશે પોતાના બળ પર થોરિયમ આધારિત પરમાણુ ઊર્જા માટે જેની પણ શરૂઆત કરી હતી એ પ્રક્રિયા ઘણી આગળ વધી ગઈ છે અને યુરેનિયમ-આધારિત રિએક્ટરોના સ્થાને થોરિયમ-આધારિત રિએક્ટરો સંબંધિત યોજના પર ભાર આપવામાં આવી રહ્યો છે. એ માટે સરકારની નજર સમુદ્રતટો પરના થોરિયમ પર ટકેલી છે જ. આવી સ્થિતિમાં જો સરકારની નજર દરિયાકિનારાઓ પર હોય તો ત્યાં સામાન્ય જનતા માટે મેાજમસ્તી કરવાનું કેવી રીતે શક્ય બનશે?આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

43303t56
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com