28-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સવર્ણોને અનામત એક લોલીપોપ

રાજીવ પંડિતસવર્ણોમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી)નાં લોકો માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ખરડો સંસદનાં બંને ગૃહમાં પસાર થઈ ગયો. આ ખરડાનું હવે પછી શું થશે એ ખબર નથી. બંધારણીય નિષ્ણાતોના મતે સુપ્રીમ કોર્ટ આ ખરડાને કચરાટોપલીમાં ફેંકીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનો પોપટ કરી નાંખશે. તેમના મતે આ ખરડો બંધારણીય રીતે ટકે એમ જ નથી. તેમની દલીલો શું છે તેની વાત આપણે પહેલાં કરી જ છે પણ એક વાક્યમાં કહીએ તો, આપણા બંધારણમાં આર્થિક પછાતપણાના આધારે અનામત આપવાની જોગવાઈ જ નથી, અનામતનો આધાર સામાજિક અને શૈક્ષણિક પછાતપણું છે તેથી આ ખરડો ના ટકે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુમતીના જોરે બંધારણીય સુધારા ખરડો પસાર તો કરાવી દીધો પણ બંધારણમાં સંસદ ધારે ત્યારે સુધારા કરી નાંખે એવું નથી હોતું તેથી આ ખરડો કાયદો બનવાનો નથી જ એવી તેમની દલીલ છે.

બીજી તરફ અરુણ જેટલી જેવા હરખપદૂડા જુદું જ વાજું વગાડી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે તો આ બંધારણીય સુધારા ખરડો છે ને સંસદનાં બંને ગૃહોએ તેને બહુમતીથી પસાર કરી દીધો છે એટલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી પણ ના શકાય. એ અલગ વાત છે કે, રાજ્યસભામાં બે તૃતીયાંશ બહુમતીથી આ ખરડો પસાર થયો તેના બીજા જ દિવસે યૂથ ફોર ઈક્વાલિટી નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી નાંખી પણ દીધી ને આ ખરડાને પડકારી પણ દીધો.

આ ખરડો પસાર થયા પછી ભાજપવાળા ઉત્સાહમાં છે અથવા તો ઉત્સાહ બતાવી રહ્યા છે. સવર્ણોને પછાત બનાવીને મોદીએ બહુ મોટી ક્રાન્તિ કરી નાંખી હોય એ પ્રકારની કોમેન્ટ્સનો મારો સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે. બીજી તરફ આ મામલે મોદીની બરાબર ફીરકી પણ લેવાઈ રહી છે. એક તરફ નરેન્દ્ર મોદીનો ૨૦૧૫નો એક વિડિયો વાઈરલ થયો છે કે જેમાં તે અનામતની ટકાવારી નહીં વધે એવું જોરશોરથી કહી રહ્યા છે. એવા જોક પણ ફરતા થઈ ગયા છે કે, સાડા ચાર વરસમાં વિકાસનો જન્મ ના થયો એટલે છેવટે અનામતને દત્તક લેવો પડ્યો. મોદી સરકારે સવર્ણો માટેની ઈબીસી અનામતનો લાભ લેવા માટેની આવક મર્યાદા વાર્ષિક ૮ લાખ રૂપિયા નક્કી કરી છે. તેના કારણે એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે કે, વરસે ૫ લાખ કમાનારે ઈન્કમટેક્સ ભરવાનો ને ૮ લાખથી ઓછી આવક હોય એ ગરીબ ગણાય એ કેવું ? મોદીની ફીરકી લેવામાં સાથીપક્ષ શિવસેના પણ પાછળ નથી. શિવસેનાએ ટોણો માર્યો છે કે, આ દેશમાં કોઈ પણ સત્તાધીશને સામે હાર દેખાવા માંડે ત્યારે એ છેવટે અનામતનું શરણું જ લે છે.

આ પ્રકારની બીજી પણ કોમેન્ટ્સ પણ થઈ રહી છે ને એ બધાંની વાત કરવી શક્ય નથી પણ હવે મામલો સુપ્રીમ કોર્ટ પાસે છે. હવે સુપ્રીમ કોર્ટ શું નક્કી કરે છે એ જોવાનું છે, પણ આ ખરડાના મુદ્દે જે મૂળભૂત સવાલ છે તેની કોઈ ચર્ચા નથી કરતું. સવાલ એ છે કે, નરેન્દ્ર મોદીએ રાતોરાત જ સવર્ણોમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈબીસી)નાં લોકો માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરાવવાની જાહેરાત કેમ કરવી પડી ? નરેન્દ્ર મોદી અત્યાર લગી ગાઈવગાડીને અનામતની ટકાવારી નહીં વધે એવું કહેતા હતા ને અચાનક જ તેમણે અનામતનું શરણું કેમ લેવું પડ્યું ?

સવર્ણોમાં જે લોકો આર્થિક રીતે સધ્ધર નથી તેમની આ દેશના શાસકો ચિંતા કરે તેમાં કશું ખોટું નથી. એ ચિંતા કરવાની તેમની ફરજ છે જ પણ સાડાચાર વરસ લગી આ ફરજ ના મોદીને યાદ આવી કે ના ભાજપના બીજા કોઈ નેતાને યાદ આવી. હરિયાણા ને રાજસ્થાનમાં જાટ સમાજને અનામત જોઈએ છે તો ગુજરાતમાં પાટીદારો અનામત માટે ધમપછાડા કરી રહ્યા છે. રાજસ્થાનમાં ગુર્જરો છેક ૨૦૦૮થી અનામતની માગણી કરી રહ્યા છે ને તેમની માગણીમાં અત્યાર લગી ત્રણ સરકારો શહીદ પણ થઈ ગઈ. આંધ્ર પ્રદેશમાં કાપુ સમુદાય પણ અનામત માગી રહ્યો છે ને મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનું કોકડું હજુ ગૂંચવાયેલું જ છે. ભાજપના નેતાઓ આ બધા સમાજની અનામતની માગણી વખતે એક જ રેકર્ડ વગાડતા કે, બંધારણીય રીતે હવે કોઈને અનામત આપવી શક્ય નથી. ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ નીતિન ગડકરી તો વળી એક કદમ આગળ વધેલા. ગડકરીએ તો સામો સવાલ કરેલો કે, અત્યારે બધા અનામતની માગણી સાથેના ઝંડા લઈને ઊભા થઈ ગયા છે પણ તેમને અનામત આપી દઈએ તો પણ નોકરીઓ જ ક્યાં છે ? ઈન્ફર્મેશન ટેકનોલોજીના કારણે બૅંકોમાં રોજગારી ઘટી ગઈ છે ને સરકારમાં ભરતી જ થતી નથી ત્યારે નોકરીઓ છે ક્યાં ?

ભાજપના આ નેતાઓનું વલણ જગજાહેર હતું ને હવે અચાનક જ તેમના સુપ્રીમો મોદી સાહેબે ગુલાંટ લગાવીને અનામત આપી દીધી. કેમ ? કેમ કે મોદી સાહેબ રાહુલ ગાંધીથી ડરી ગયા છે. ભાજપના નેતાઓને અને મોદી સાહેબના ભક્તોને આ વાતથી મરચાં લાગશે પણ આ વાસ્તવિકતા છે. નરેન્દ્ર મોદી છેલ્લાં સાડા ચાર વર્ષથી વિકાસની વાતો કરતા હતા, આ દેશ નવાં આર્થિક શિખરો સર કરી રહ્યો છે એની બડાઈઓ મારતા હતા, આ દેશમાં હવે મેરિટ જ ચાલશે એવાં બણગાં ફૂંકતા હતા ને હવે અચાનક એ બધું હવા થઈ ગયું છે.

લોકસભાની ચૂંટણી સામે છે ને અત્યાર લગી જે મધ્યમ વર્ગ, જે હિંદુ મતદારોના જોરે ભાજપ ધીંગો હતો એ મતદારો ખસી રહ્યા છે તેનો અહેસાસ મોદી સાહેબને થયો છે એટલે તેમણે વિકાસની વિચારધારાને બાજુ પર મૂકી ને પછાતપણાની વિચારધારાનું શરણું લીધું. મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં મળેલી કારમી હારે હવામાં ઊડતા મોદી સાહેબને જમીન પર લાવી દીધા છે.

મોદી રાહુલ ગાંધીથી કેમ ડરી ગયા છે એ પણ સમજવા જેવું છે. તેના માટે મુખ્યત્વે ચાર કારણ જવાબદાર છે. પહેલું કારણ રાહુલની લડાયકતા છે, બીજું કારણ ગમે તેવાં અપમાનો અને નિષ્ફળતાને પચાવવાની તેનામાં તાકાત છે, ત્રીજું કારણ રાજકીય પરિસ્થિતિને સમજવાની તેની ક્ષમતા છે અને ચોથું કારણ મધ્યમવર્ગીય હિંદુઓમાં તેમની વધતી સ્વીકૃતિ છે.

રાહુલે કૉંગ્રેસના પ્રમુખ બન્યા પછી મોદી સરકાર સામે રીતસરનો મોરચો જ માંડી દીધો. કૉંગ્રેસમાં રાહુલ પહેલાં સોનિયા ગાંધી પ્રમુખ હતાં. સોનિયા ગાંધીએ પ્રમુખપદ સંભાળ્યું ત્યારે સીતારામ કેસરી સહિતના નેતાઓના પાપે કોંગ્રેસ પતી જ ગયેલી. એ વખતે સોનિયાએ માથે સાડીનો છેડો નાંખીને આખા દેશમાં ફરવા માંડેલું ને જેવું આવડે એવું હિન્દી બોલીને લોકોને પોતાની તરફ ખેંચવાના પ્રયત્નો શરૂ કરેલા. રાહુલે એ તો કર્યું જ છે પણ સાથે સાથે તેણે સંસદના મોરચે પણ ભાજપને ભિડાવવાનો ખેલ માંડી દીધો. રાહુલે એક તરફ ગ્રામીણ મતબૅંકને અને ખાસ તો ખેડૂતોને પોતાની તરફ વાળવાની વ્યૂહરચના અપનાવી તો બીજી તરફ મોદી સરકારની કામગીરી સામે અણિયાળા સવાલો કરીને માહોલ ગરમ કરી દીધો. રાફેલ સોદા મુદ્દે રાહુલ સાચું બોલે છે કે નહીં એ ખબર નથી પણ તેણે ભાજપ સરકારની નિયત સામે લોકોના મનમાં શંકા તો પેદા કરી જ દીધી છે. સતત મારો ચલાવીને તેમણે ભાજપને બચાવની સ્થિતિમાં તો મૂકી જ દીધો છે.

રાહુલની જે રીતે મજાક ઉડાવાઈ છે એવી મજાક આજ સુધી કોઈ કૉંગ્રેસ પ્રમુખની નહીં ઉડાવાઈ હોય. તેને કોઈ કારકુનની નોકરી પણ ના આપે એવી કોમેન્ટથી માંડીને પપ્પુ જેવાં વિશેષણ તેના માટે વપરાયાં. રાહુલે તેનાથી હતોત્સાહ થયા વિના જંગ ચાલુ રાખ્યો. લોકોમાં ફરતો રહ્યો ને તેનું પરિણામ એ આવ્યું કે, કૉંગ્રેસ સાયલંટલી બેઠી થઈ ગઈ. છેલ્લા એક વર્ષમાં જ પંજાબમાં કૉંગ્રેસે સત્તા આંચકી, કર્ણાટકમાં ભાજપને સત્તાથી દૂર રાખ્યો અને ત્રણ રાજ્યમાં તો ભાજપને ધોબીપછાડ આપીને પોતાના મુખ્યમંત્રીને બેસાડી દીધા. રાહુલે પોતાની મજાક, પોતાના અપમાનનો જે રીતે જવાબ આપ્યો તેના કારણે ડર લાગવો સ્વાભાવિક છે.

રાહુલમાં રાજકીય સમજ પણ ધારણા કરતાં વધારે છે. રાહુલે એક વાતની ગાંઠ વાળી છે કે, ગમે તે રીતે ભાજપને સત્તાથી દૂર કરવો. એ માટે જે સમાધાન કરવું પડે એ સમાધાન કરવાની તેની તૈયારી છે. કૉંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાય તો પણ વાંધો નહીં એવું તેનું વલણ છે. કર્ણાટકમાં સામેથી જેડી(એસ)ને મુખ્યમંત્રીપદ આપીને રાહુલે એ સમજદારી બતાવી. મધ્ય પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને પોતાની સાથે રાખવા માટે તેમની માગણી સહજતાથી સ્વીકારી લીધી. આ વલણના કારણે બધા ભાજપ વિરોધી પક્ષોમાં રાહુલનો પ્રભાવ વધી રહ્યો છે, રાહુલ એક નેતા તરીકે ઊભરી રહ્યા છે.

મોદી રાહુલથી ડરી ગયા તેનું ચોથું મોટું કારણ મધ્યમવર્ગીય હિંદુઓમાં અને ખાસ તો ભાજપની મજબૂત મતબૅંક મનાતા સવર્ણોમાં તેમનો વધતો પ્રભાવ છે. કૉંગ્રેસ ત્રણ રાજ્યમાં ચૂંટણી જીતી તેનું કારણ સવર્ણોનો કૉંગ્રેસને ટેકો જ છે. એ પહેલાં ગુજરાતમાં રાહુલે ભાજપને જમીન પર લાવી દીધેલો ને પછી કર્ણાટકમાં પણ ભાજપના હિંદુત્વના દાવને નિષ્ફળ બનાવ્યો. કોંગ્રેસનો સવર્ણોમાં પ્રભાવ ના વધ્યો હોત તો ત્રણેય રાજ્યમાં ભાજપ આરામથી જીતી ગયો હોત. મોદીએ સવર્ણો સામે અનામતનો ટુકડો ફેંકવો પડે છે તેનું કારણ આ જ છે. રાહુલે સોફ્ટ હિંદુત્વ દ્વારા ભાજપના ગરાસ પર ધાપ મારી તેમાં ભાજપ રઘવાયો થયો ને તેણે આ દાવ ખેલવો પડ્યો છે.

આ દાવ કેટલો ફળે છે એ જોઈએ ને એ પહેલાં તો સુપ્રીમ કોર્ટમાં આ અનામત ટકે છે કે નહીં એ પણ જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

340P83
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com