18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોઈ વ્યક્તિ હિંમત દાખવે તો ઘણું કરી શકે - ૨
જીવનભર કેટલાય અવરોધોનો સામનો કરવા છતાં દેશનાં પ્રથમ શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે ડગ્યાં નહોતાં

સુખનો પાસવર્ડ - આશુ પટેલ



દેશનાં પ્રથમ શિક્ષિકા બનેલાં સાવિત્રીબાઈ ફૂલેએ પોણા બે સદી અગાઉ રૂઢિચુસ્ત લોકોનો વિરોધ સહન કરતાં-કરતાં પતિ સાથે મળીને ૧૮૪૮થી ૧૮૫૧ દરમિયાન માત્ર ત્રણ વર્ષમાં જ દેશના જુદા-જુદા વિસ્તારોમાં અઢાર ક્ધયાશાળાઓ શરૂ કરી.

સાવિત્રીબાઈ અને જ્યોતિબાને બાળક નહોતું. લગ્નના ઘણાં વર્ષો પછી પણ સાવિત્રીબાઈએ બાળકને જન્મ ન આપ્યો એટલે સગાંવહાલાંએ જ્યોતિબા પર દબાણ કર્યું કે તે બાળક માટે બીજી કોઈ સ્ત્રી-છોકરી સાથે લગ્ન કરી લે. જોકે જ્યોતિબા એવા દબાણ સામે ઝૂક્યા નહીં.

આ દરમિયાન સાવિત્રીબાઈએ લખવાનું પણ શરૂ કરી દીધું હતું. તેઓ પોતાનાં લખાણો દ્વારા સમાજના કુરિવાજો સામે અવાજ ઉઠાવતા હતા. તેઓ ચોટદાર કાવ્યો લખીને લોકોમાં જાગૃતિ આણવાની કોશિશ કરતાં હતાં. એથી તો રૂઢિચુસ્ત લોકો તેમના પર વધુ રોષે ભરાયા. અધૂરામાં પૂરું, સાવિત્રીબાઈએ પતિ જ્યોતિબા ફૂલે સાથે મળીને સત્યશોધક સમાજની સ્થાપના કરી અને આભડછેટ, બાળવિવાહ, દહેજ જેવા કુરિવાજો સામે પણ અવાજ ઉઠાવ્યો. અને સમાજ જેમને હડધૂત કરતો હતો એવી વિધવા મહિલાઓને તેઓ મદદરૂપ બનવા લાગ્યા. તેમણે વિધવા મહિલાઓને આશ્રય આપવાનું શરૂ કર્યું. અને એક બ્રાહ્મણ વિધવાના દીકરા યશવંતને દત્તક લીધો.

સાવિત્રીબાઈની આવી બધી પ્રવૃત્તિઓથી રૂઢિચુસ્ત લોકો વધારે ઉશ્કેરાયા. સમાજ દ્વારા તેમના પરિવાર પર દબાણ કરાયું કે જ્યોતિરાવ અને સાવિત્રીબાઈને તમારા ઘરમાંથી કાઢી મૂકો નહીં તો તમારા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાશે. પરિવાર સમાજ સામે ઝૂકી ગયો અને એણે જ્યોતિબા અને સાવિત્રીબાઈને ઘરમાંથી કાઢી મૂક્યાં.

સાવિત્રીબાઈએ આવા તો કેટલાય અવરોધોનો સામનો જીવનભર કરવો પડ્યો. તેમના પતિ જ્યોતિબા મૃત્યુ પામ્યા ત્યારે પણ તેઓ સમાજનો રોષ વહોરીને સ્મશાનમાં ગયા હતા અને તેમણે પતિના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો. આ અગાઉ કોઈ ભારતીય મહિલાએ આવી હિંમત નહોતી કરી.

પતિના મૃત્યુ પછી પણ સાવિત્રીબાઈએ સમાજને સુધારવા માટેની પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. તેમનો દત્તક પુત્ર યશવંત મોટો થઈને તેમની પ્રવૃત્તિઓમાં મદદરૂપ બનવા લાગ્યો હતો. ૧૮૯૭માં મહારાષ્ટ્રમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેમણે પુણેમાં પ્લેગગ્રસ્ત લોકોની સારવાર માટે હૉસ્પિટલ શરૂ કરી. તેઓ પ્લેગના દર્દીઓને હૉસ્પિટલમાં લઈ આવતા અને તેમની સારવાર કરતા હતાં. આવી રીતે એક દર્દીની સારવાર દરમિયાન તેમને પણ પ્લેગ રોગ લાગી ગયો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના દિવસે તેમનું મૃત્યુ થયું. પણ એ અગાઉ ૬૬ વર્ષની ઉંમર દરમિયાન તેઓ એક જિંદગીમાં અનેક જિંદગીઓ જીવી ગયા.

સાવિત્રીબાઈ ફુલે પોણા બે સદી અગાઉ એ વાતનો પુરાવો આપી ગયા કે કોઈ વ્યક્તિ હિંમત દાખવે તો ઘણું કરી શકે છે. સ્ત્રીઓએ ભલે વધુ અવરોધો સહન કરવા પડતા હોય છે, પણ સ્ત્રીઓય ધારે તો ઘણું કરી શકે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3R7sY6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com