19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બંદગીનું બળ

ઈતહાસમાં બાદશાહ નાદિરશાહ ખૂબ જ પ્રખ્યાત છે.

દિલ્હીની કતલથી એ બાદશાહ તરીકે જાણીતો છે. તે ખૂબ જ ક્રોધી અને કડક સ્વભાવનો બાદશાહ હતો. એના મોઢામાંથી જે કંઇ શબ્દ નીકળતો એ જ એનો હુકમ બની જતો. બાદશાહ નાદિરશાહ સવારના પહોરમાં મસ્જિદમાં નમાજ પઢવા જતો હતો ત્યાં રસ્તામાં તેણે એક ફકીરને જોયો.

ફકીર પણ ખુદાની બંદગી કરતો હતો. બંદગી કરતાં કરતાં આકાશ સામે બે હાથ ઊંચા કરી એ કહેતો હતો,‘હે ખુદા! તું પણ કેવો છે! જ્યાં જરૂર નથી ત્યાં ભરતામાં ભરે છે અને મારા જેવાને તો તું આમ ભિખારી જ રાખે છે.’

બાદશાહના કાને શબ્દો પડ્યા. ઘડીભર તે ત્યાં ઊભો રહ્યો. ફકીર તો આંખો બંધ કરી બોલ્યે જતો હતો તેને ખબર પણ ન પડી કે બાજુમાં ઊભો ઊભો બાદશાહ નાદિરશાહ આ સાંભળી રહ્યો છે. ફકીરે આગળ ચલાવ્યું,‘અરે ખુદા! જરા નજર તો ઉઘાડ. તને ખબર તો પડે કે તું તારી દોલત ક્યાં ઠાલવી રહ્યો છે! મારા જેવાનું દળદર ફેડવામાં તને શું થાય છે? તારે ત્યાં કોઇ ઇન્સાફ છે કે નહીં?’

એમ કહી ફકીરે આંખ ઉઘાડી. સામે જ નાદિરશાહ નજરે પડ્યો. ફકીરના હાંજાં ગગડી ગયાં. નાદિરશાહે ક્રોધથી કહ્યું,‘આ ફકીરને પકડો. નમાજ પઢીને હું ાછો આવું ત્યારે મારી સામે હાજર કરો. મારે એને ફાંસીએ ચઢાવવો છે.’

એમ કહી નાદિરશાહ આગળ વધ્યો. જતાં જતાં તેણે ફકીરને કહ્યું,‘ફકીર, તારી પ્રાર્થના પૂરી કર.’ સિપાઇઓએ ફકીરને પકડ્યો. ફાંસીની સજા સાંભળતાં જ તેના હાથપગ પાણી પાણી થઇ ગયા. તેણે મનમાં ને મનમાં ખુદાની બંદગી શરૂ કરી દીધી,‘હે અલ્લાહ, હવે તો તું બચાવે તો જ બચું.’ વારંવાર મનમાં પ્રાર્થના કરવા લાગ્યો. નમાજ પઢીને નાદિરશાહ પાછો ફર્યો.

સિપાઇઓએ ફકીરને તેની સામે રજૂ કર્યો. ઘડીભર નાદિરશાહે ફકીર સામે જોયું. ફકીરની આંખમાં દયાની યાચના હતી.તે હજી ધ્રૂજતો હતો.

કોઇ દિવસ નહીં અને આજે નાદિરશાહે તેનું ફરમાન બદલ્યું. સિપાઇઓને કહ્યું, ‘તેને છોડી મૂકો.’

ફકીરને છોડવામાં આવ્યો. સરસેનાધિપતિ, સિપાઇઓ અને અન્ય દરબારીઓ ણ વિચારમાં પડ્યા: ‘આ કોણે ફરમાન બદલ્યું? નાદિરશાહે જેના એક શબ્દે દિલ્હીની ભયંકર કત્લેઆમ થઇ હતી, જેના એક ફરમાને ભલભલા ચમરબંધીઓ ધૂળ ચાટતા થઇ જતા હતા એ નાદિરશાહે આજ એક ફકીરને છોડી મૂક્યો.’

સૌ માટે એ ગહન પ્રશ્ર્ન જેવું હતું. ફકીરને બંધનમુક્ત કર્યો પછી નાદિરશાહે તેને પૂછ્યું,‘તું જાણે છે કે મેં તને શા માટે જીવતો છોડી મૂક્યો?’

‘ના હજૂર.’ ફકીરે કહ્યું.

‘હું જ્યારે મસ્જિદમાં નમાજ પઢવા ગયો ત્યારે તું શું કરતો હતો?’

‘ખુદાની બંદગી કરતો હતો.’

‘આજે તેં જે બંદગી કરી હતી. એવી એકધ્યાનથી ક્યારેય બંદગી કરી હતી?’

‘નહી હજૂર,’ ફકીરે કહ્યું,‘મોતને નજર સામે જોતાં જ જે વ્યાકુળતાથી મેં ખુદાની બંદગી કરી હતી એવી ક્યારેય કરી નથી.’

‘તો સાંભળ, આજની તારી બંદગી ખુદાના કાન સુધી પહોંચી એ જ ખુદાએ તારી બંદગીનો અવાજ મારે કાને પહોંચાડ્યો છે. એટલે તને છોડી મૂકૂં છું.’

એમ કહી નાદિરશાહે ફકીરને ધન આપી વિદાય કર્યો. ખુદા મહાન છે. તેની બંદગી હૃદયપૂર્વક કરવામાં આવે તો તે જરૂર સાંભળે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b71k067C
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com