25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચટપટા ફાસ્ટ ફૂડની કડવી વાતો

વાચકની કલમે-જયકુમાર જોષી - મીરા રોડમાર્કેટિંગના વર્તમાનયુગમાં ટી.વી., મોબાઈલ, ઈન્ટરનેટ અને પ્રિન્ટ મીડિયા જેવા જાહેર પ્રચારનાં માધ્યમો વડે ગ્રાહકો પર જાહેરાતોનો રીતસરનો મારો જ ચલાવવામાં આવે છે. બિનઉપયોગી અને સ્વાસ્થ્યને હાનિરૂપ વસ્તુઓને ઉપયોગિતાનું લેબલ લગાવી ગ્રાહકોને પધરાવવામાં આવે છે. બિચારો ગ્રાહક આવી જાહેરાતોની ભરમારમાં આવી મહેનતથી કમાયેલાં નાણાં વેડફી નાખે છે અને અફસોસ વ્યક્ત કરે છે. જાણીતી સેલિબ્રિટીઓ પણ આવી જાહેરખબરોમાં મોડેલિંગ કરી પોતાનાં બૅંક બેલેન્સ મજબૂત કરે છે અને વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાનો આત્મસંતોષ અનુભવે છે. તાજેતરમાં ટીવી પર દેખાડાતી એક જાહેરખબરમાં કલાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીના મોબાઈલ સ્ક્રીન પર ફાસ્ટફૂડની જાહેરાત ચમકે છે. તે માટે વિદ્યાર્થી ઓર્ડર આપે છે. કલાસ પૂરો થતાં વેંત ફાસ્ટ ફૂડ લઈ ડિલીવરી બોય હાજર થઈ જાય છે. ‘ફાસ્ટ ફૂડ વિથ ફાસ્ટ ફ્રી ડિલીવરી’ એ જાહેરાતનો મૂળ મંત્ર છે.

કૉલેજિયન યુવક યુવતીઓમાં ફાસ્ટ ફૂડની ભારે બોલબાલા છે. હાથમાં કોલ્ડડ્રિંકની બોટલ અને રેસ્ટોરાંના ટેબલ પર ફાસ્ટ ફૂડ એ તેમની અનોખી પહેચાન છે. તેને તેઓ મોડર્ન લાઈફસ્ટાઈલના ભાગ તરીકે ઓળખાવે છે. ફ્રાયપોટેટો ચિપ્સ (ફ્રેંચ ફ્રાય), પિઝા બર્ગર અને હોટ્ડોગ જેવી ફાસ્ટ ફૂડ આઈટેમોનો ભારે દબદબો છે. શહેરની અનેક હોટેલોનાં મેનુઓ પણ પોષણક્ષમ આહારને સ્થાને ફાસ્ટ ફૂડથી ઊભરાતા જોવા મળે છે. આ એક જંક ફૂડ છે. જંક શબ્દનો અર્થ કચરો, રદ્દી, ઢગલો કે આકાર વિહીન જથ્થો (માસ) થાય છે.

આ પ્રકારના આહારનું વળગણ આપણા દેશમાં છે એવું નથી તે વિશ્ર્વવ્યાપી છે. અમેરિકન સરકારના કૃષિમંત્રાલયે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે અમેરિકનોમાં બટાકાની વપરાશ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. વપરાશના ૩૩ ટકા તેઓ પોટેટો ફ્રાય ચિપ્સના સ્વરૂપે ઝાપટે છે! બીજી બાજુ તેમના આહારમાં લીલા શાકભાજીના પ્રમાણમાં ભારે ઘટાડો નોંધાયો છે.

સ્થૂળતા અને અયોગ્ય આહારની પસંદગીનાં પરિણામો અંગે સંશોધન કરતી કેનેડાની ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ રિસર્ચ સેન્ટરનાં પ્રોગ્રામ ડાયરેકટર ગ્રેગ હેલન જણાવે છે કે ઈ. સ. ૨૦૧૫માં વિકસતા દેશોમાં અયોગ્ય આહારની પસંદગીના લીધે ૧૫ મિલિયન લોકોનાં મૃત્યુ થયાં હતાં, જે ઈ. સ. ૨૦૦૦ની સાલ કરતાં ૩.૮ મિલિયન જેટલાં વધારે હતાં.

ફાસ્ટ ફૂડની ઘેલછા અને શારીરિક શ્રમ કે કસરતનો અભાવ ખાનારનાં કમરના ઘેરાવામાં વધારો જન્માવવા કારણરૂપ બને છે. આધુનિક ડાયેટિશિયનોના મત અનુસાર વ્યક્તિની ઊંચાઈ કરતાં કમરના ઘેરાવાનું માપ જો અડધા કરતાં વધારે હોય તો બ્લેડપ્રેશર, જાતીય જીવનમાં નિષ્ક્રિયતા, ડાયાબિટીસ કે હાર્ટ બ્લોકેજ જેવી સમસ્યાઓની સંભાવના વધી જાય છે. ફાસ્ટ ફૂડના રવાડે ચઢેલી ટીનએજર યુવતીઓમાં ‘પોલિક્રાયેસ્ટિક ઓવિરિયન ડિસઓર્ડર’ (પી.સી.ઓ.ડી.) જેવી સમસ્યા નકારી શકાતી નથી. આ સમસ્યાને લીધે યુવતી ભવિષ્યમાં માતૃત્વ ધારણ કરી શકતી નથી. એક ગાયનેકોલોજિસ્ટના મતે પોતે સારવાર આપતા પી.સી.ઓ.ડી. કેસોમાં ૮૦ ટકા યુવતીઓએ આજીવન વ્યંધત્વ ભરેલી જિંદગી ગુજારવી પડે છે. તેઓ સંતાન સુખથી કાયમી ધોરણે વંચિત રહે છે.

પી.સી.ઓ.ડી.એ નવી સમસ્યા નથી. ભૂતકાળમાં તેનું અસ્તિત્વ હતું. પ્રાકૃતિક વાતાવરણમાં ઉછરતી અને પર્યાપ્ત માત્રામાં શારીરિક શ્રમ કરતી ગ્રામ્ય ટીન એજરોમાં આ સમસ્યા જોવા મળતી નથી. ફાસ્ટ ફૂડ તરફ આંધળી દોટ મૂકતી શહેરી ટીનએજરોમાં તે વધારે જોવા મળે છે. મૂળભૂત રીતે આ સમસ્યા ચયાપચન (મેટાબોલીઝમ) સંબંધેની છે. જેમાં યુવતીના હોર્મોન્સ સ્રાવમાં અસમતુલા જન્મે છે. તેની માઠી અસર તેની ફળદ્રુપતા પર પડે છે. પરિણામ સ્વરૂપ, માતૃત્વ ધારણ કરવાની ક્ષમતા ગુમાવી દે છે.

પી.સી.ઓ.ડી. અને ડાયાબિટીસ જેવા રોગો પર લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવીને જ નિયંત્રિત કરી શકાય છે, તે નિર્મૂળ કરી શકાતા નથી.

વિવિધ ક્ષેત્રમાં અતિ ઝડપ અને તુરંત પરિણામની બોલબાલા છે, આહાર ક્ષેત્ર પણ એનાથી બાકાત નથી. સમયની બચત અને ઓછી કડાકૂટના આકર્ષણના કારણે ઘણાં ઘરોમાં આ પ્રકારના આહારે પાછલે બારણેથી પગપેસારો કર્યો છે. આ પ્રકારના આહારની પોષણ ક્ષમતા અને કેલેરી પ્રાપ્તતા અંગે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સંશોધનો પણ થયા છે. યુ.કે.ની લિવરપુલ યુનિવર્સિટીના અભ્યાસ જૂથે નામી કંપનીઓ સહિત ૨૫૦૦૦ રેસ્ટોરાંની ફાસ્ટ ફૂડ ડિશોનો અભ્યાસ કરી જણાવ્યું હતું કે તેમાં ઉપલબ્ધ કેલેરીની માત્રા કેવળ ૭૫૧ જેટલી જ હતી. એક આંતરરાષ્ટ્રીય ફાસ્ટ ફૂડ સપ્લાયર કંપનીના આહારની કેલરી પ્રાપ્તતા ૭૮૧ હતી. આ અભ્યાસ જૂથના વડા એરેક રોબિન્સનના મતે ફાસ્ટ ફૂડની દરેક દસ ડિશો પૈકી એક જ ડિશમાં પોષણક્ષમ આહાર ઉપલબ્ધ હતો! પ્રણાલિકાગત આહારમાં પર્યાપ્ત માત્રામાં લીલા શાકભાજી, કઠોળ, સૂકોમેવો કે ફ્રૂટની વપરાશ થતી હોવાથી શરીરને જરૂરી વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર કે મીનરલ્સ સરળતાથી મળી શકે છે, જે ફાસ્ટ ફૂડમાં તે પર્યાપ્ત હોતાં નથી.

ફાસ્ટ ફૂડની બીજી એક વિશિષ્ટતા એ પણ છે કે તે ઓછા ખર્ચે તૈયાર થાય છે અને ઊંચા ભાવે વેચી શકાય છે. નફાનું માર્જિન ઘણું ઊંચુ જોવા મળે છે. બજારમાં રૂા. ૨૫ના કિલોના ભાવે વેચાતા બટાકા જ્યારો પોટેટો ફ્રાય ચિપ્સ કે પોટેટો વેફર નામ ધારણ કરે છે, ત્યારે તેનું મૂલ્ય કિલોના રૂા. ૩૦૦ને આંબી જાય છે! શહેરનાં પ્રોવિઝન સ્ટોર્સ રંગબેરંગી આકર્ષક ફૂડ પેકેટોથી ઊભરાતા જોવા મળે છે. આવા ફૂડ પેકેટો પર કાર્ટૂન ચિત્રો છાપી ટીવી પર કરાતી જાહેરાત પર ચિલીની સરકારે તાત્કાલિક પ્રતિબંધ લાદી દીધો છે, કારણ કે આહાર તરીકે બાળકો માટે આવા ફૂડ પેકેટો ભારે હાનિકારક જણાય છે. આપણે ઊંચા ભાવે જંક ફૂડ કે ફાસ્ટ ફૂડની ખરીદી અને વપરાશ કરી માંદગી અને શારીરિક સમસ્યાઓને નિમંત્રણ આપી ડૉકટરો અને હૉસ્પિટલોનાં તોતિંગ બિલ ચૂકવીએ છીએ. ફાસ્ટ ફૂડ એ એક એવું માર્ગદર્શક સાઈન બોર્ડ છે, જે હૉસ્પિટલ કે દવાખાનાના માર્ગનું દિશા સૂચન કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

D27261e3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com