25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચિત્રકલાના ઈતિહાસની ધરોહર સમાન રેમ્બ્રેન્ટનું મહાન ચિત્ર

રેમ્બ્રેન્ટ. કોઈપણ કલાપ્રિય માણસે તેના કલાપ્રેમના મોટા કે નાના વિસ્તારમાં એક ચોક્કસ ભાગ જે ચિત્રકારના નામે ફાળવી રાખવો પડે એવો કલાકાર એટલે રેમ્બ્રેન્ટ. પિકાસો, કેરેવેજીઓ જેવા બહુ ઓછા ચિત્રકારો એવા થઇ ગયા જે ફક્ત એક જ શબ્દધારી નામથી ઓળખાયા. રેમ્બ્રેન્ટ ભલે ડચ પેઈન્ટર હોય પણ કોઈ પણ દેશમાં ચિત્રકલાનો વૈશ્ર્વિક સ્તર પર ઈતિહાસ લખવાનો થાય તો રેમ્બ્રેન્ટનો વ્યવસ્થિત ઉલ્લેખ કરવો પડે નહિ તો એ ઈતિહાસ અધૂરો ગણાય. ક્રાફ્ટ અને આર્ટનો આ માસ્ટર પેઈન્ટર અનેક નોંધપાત્ર ચિત્રકારોનો ગુરુ હતો. તેના જેવી આવડત બહુ ઓછા ચિત્રકારો કેળવી શક્યા છે. વિન્સી કે માઈકલ એન્જેલો વધુ પ્રખ્યાત થયા કારણ કે તેઓ મહાન ચિત્રકાર હતા. રેમ્બ્રેન્ટ એ જ હરોળનો ચિત્રકાર ગણાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

ઈ.સ. ૧૬૦૯ માં નેધરલેન્ડમાં જન્મેલા રેમ્બ્રેન્ટના ઘણાં ચિત્રોનો વિજ્ઞાનીએ અભ્યાસ કર્યો પછી તે નિષ્કર્ષ પર આવ્યા કે એ ચિત્રકાર સ્ટિરિયો બ્લાઈન્ડનેસનો શિકાર હોઈ શકે. અર્થાત તેને દરેક દ્રશ્ય ટુ-ડાયમેન્શનલ એટલે કે સપાટ જ દેખાતું હતું. આપણી આંખ બારી બહાર જોતી વખતે જે ઊંડાઈનું પરિમાણ પારખી શકે એ રેમ્બ્રેન્ટ માણી શકતો ન હતો એવો નિષ્ણાતોનો મત છે. નિષ્ણાતો આવા તારણ ઉપર કઈ રીતે આવ્યા એ સમજવા માટે તો પી.એચ.ડી. કરવું પડે પણ એટલું ખરું કે રેમ્બ્રેન્ટના ‘ધ નાઈટ વોચ’ના નામે ઓળખાતા આ ચિત્રનું મુખ્ય પાસું તેની થ્રી-ડી ઈફેક્ટ છે. જે માણસની આંખ ઊંડાઈ જોઈ શકતી ન હતી એ માણસનાં ચિત્રોની ગહનતા અને ઊંડાણના ખૂબ વખાણ થતા.

કેરાવેજીયો અને રેમ્બ્રેન્ટ. આ બંને ચિત્રકારો ‘કીઆરેસ્ક્યુરો’ના પિતામહ હતા. કીઆરેસ્ક્યુરો એટલે ચિત્ર કે સ્કેચમાં પ્રકાશ અને પડછાયાની અસર. કેરાવેજીયો તો રેમ્બ્રેન્ટનો સિનિયર. તેનાં ચિત્રોમાં તો ધૂપછાંવનો કોન્ટ્રાસ્ટ ઊડીને આંખે વળગે. આ બંને મહાન ચિત્રકારોનાં થોડાંક જ ચિત્રો ઉપર એક નજર નાખો અને પછી જો ભવિષ્યમાં કોઈ અજાણ્યું ચિત્ર નજર સામે આવે, જે આ બંનેમાંથી એકે દોરેલું હોય, તો તે તરત ઓળખી શકો. લાઈટ અને શેડો સાથે રમવામાં આ બંને મહારથીઓની દાદાગીરી હતી. કેરાવેજીયોનાં ચિત્રોમાં પ્રકાશ-પડછાયો થોડા વધુ તીક્ષ્ણ રહેતા. રેમ્બ્રેન્ટમાં એ અસર થોડી સોફ્ટ રહેતી અને એટલે જ કદાચ રેમ્બ્રેન્ટનાં ચિત્રો વધુ ડાર્ક લાગે. રેમ્બ્રેન્ટનાં ચિત્રોની ડાર્કનેસ એક મુખ્ય કારણ હતું - પાછલાં વર્ષોમાં રેમ્બ્રેન્ટના દેવાદાર થવા પાછળ.

ચિત્રકલાના ઈતિહાસમાં રેમ્બ્રેન્ટ શું કમ અદ્વિતીય ગણાય છે તેના માટે તેના અતિવિખ્યાત ‘ધ નાઈટ વોચ’ ચિત્રને જુઓ. હકીકતમાં આ ચિત્રમાં રહેલું દ્રશ્ય નથી નાઈટનું કે નથી એમાં કઈ વોચ કરવાનું તત્ત્વ. વાસ્તવમાં આ ચિત્ર ‘મિલીશિયા કંપની ઓફ ડિસ્ટ્રિક્ટ ટુ અન્ડર ધ કમાન્ડ ઓફ કેપ્ટન ફ્રાન્સ બેનીંગ કોક/એન્ડ વિલિયમ વેન રૂટેનબર્ક’ જેવું લાંબું નામ ધરાવતું હતું. ઈ.સ. ૧૬૪૨ માં દોરાયેલા આ ચિત્ર ઉપર એટલા બધા વાર્નિશના કોટિંગ ચડ્યા હતા કે ચિત્ર બહુ ઘેરું થઇ ગયું હતું. અઢારમી સદીના યુરોપના બહુ મહત્ત્વના ગણાય એવા અંગ્રેજી ચિત્રકાર સર જોશુઆ રેનોલ્ડસ જેવા ઘણાં ચિત્રકારો અને બીજા આર્ટ ક્રિટિકસે આ ચિત્રને ‘ધ નાઈટ વોચ’ નામ આપી દીધું. વાર્નિશના પડ ઉખાડયા પછી અને જરૂરી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી આ ચિત્રનો ઉજાસ સામે આવ્યો. અમુક લોકો આ ચિત્રને ‘ધ ડે વોચ’ પણ કહે છે. પણ લોકજીભે ચડેલું નામ ‘ધ નાઈટ વોચ’ છે.

આ ચિત્રમાં કમાલ એ છે કે ઉપર લાંબા નામમાં જેનો ઉલ્લેખ આવે છે એ ફ્રાન્સીસ કોક અને તેના બીજા સત્તર સાથીદાર સૈનિકોએ રેમ્બ્રેન્ટને પ્રોફેશનલ સ્તર ઉપર પોતાનો એક સમૂહ પોટ્રેટ બનાવવાનું કામ સોંપ્યું હતું. તે જમાનાના ચલણ મુજબ ૧૦૦ યુનિટ પ્રતિ વ્યક્તિ રેમ્બ્રેન્ટને મળ્યા હતા. હવે ગ્રુપ પોટ્રેટમાં સામાન્ય ચિત્રકાર દરેક વ્યક્તિને મહત્ત્વ આપવા માટે સ્કૂલના એન્યુઅલ ફોટોની જેમ બધાને લાઈનસર ઊભા રાખી દે. પણ આ રેમ્બ્રેન્ટ હતો અને તેને આ સૈનિકોની લાક્ષણિકતાઓ અને તેના કામનું પ્રતિબિંબ પડે એવું ચિત્ર દોરવું હતું. માટે તેણે ચિત્ર દોરવા માટે બરોબર કિંમત વસૂલ કરી પણ પોતાના અંદાજમાં જ ચિત્ર દોર્યું.

આ ચિત્રના મધ્યસ્થાને બે વ્યક્તિઓ છે જે ચિત્રમાં મુખ્ય છે બાકી બધા જાણે સ્પોર્ટિંગ કેરેક્ટર છે. લાલ ખેસ પહેરેલી વ્યક્તિ બેનિંગ કોક છે અને તેની બાજુમાં પીળા કપડાંમાં સજ્જ લેફ્ટનન્ટ રૂટેનબર્ક છે. બેનિંગ કોકનો ડાબો હાથ ચિત્રની બહારની દિશા બાજુ છે. સેલિબ્રેશન માટે તેમની કંપની અંધારા હોલમાંથી બહાર જતી હોય અને બધા પોતાની રીતે ઉજવણીમાં વ્યસ્ત હોય તેવું દ્રશ્ય છે. બેનિંગ કોકના હાથનો પડછાયો તેની બાજુમાં ઊભેલા લેફ્ટનન્ટના ગોલ્ડન-ક્રીમ કપડાંની બોર્ડર ઉપર પડે છે જ્યાં ડચ લોકોનું રાજચિહ્ન છે. લાઈટનો સોર્સ અને તેની દિશા બહુ જ સમજી વિચારીને મુકાઈ છે. હાથનો એક પડછાયો અહી ઘણું બધું કહી દે છે.

આ બંને મુખ્ય પાત્રોની આજુબાજુ ત્રણ બંદૂકધારી માણસો છે. ડાબી બાજુ લાલ કપડાંમાં સજ્જ વ્યક્તિ બંદૂકમાં દારૂગોળો ભરે છે. બેનિંગ કોક અને લેફ્ટનન્ટની વચ્ચે દેખાતી વ્યક્તિ બંદૂકને લોડ કરે છે અને જમણી બાજુ રહેલી ત્રીજી વ્યક્તિ બંદૂકમાંથી ફાયર કરે છે. બંદૂક વાપરવાની એક બહુ જૂની મેન્યુઅલમાંથી પ્રેરણા લઇને રેમ્બ્રેન્ટે આ ત્રણ સૈનિકોને અહીં મુક્યા. લાલ કપડાંમાં સજ્જ એવી પહેલી બંદૂકધારી વ્યક્તિ અને બેનિંગ કોકની વચ્ચે પાછળ એક નાની છોકરી દેખાય છે જેની કમર ઉપરથી મરેલી મરઘી લટકાઈ રહી છે. વિજયના જશ્નનું એ સૂચક છે. ત્રિપરિમાણીય અસર ઊભી કરવા માટે રેમ્બ્રેન્ટે લેફ્ટનન્ટના હાથમાં રહેલી તલવાર અને તેની પાછળ રહેલી બે આડી બંદૂકો એમ જાણે ત્રણ લીટી દ્વારા ચિત્રનાં પાત્રો વચ્ચે વિભાજન કરી નાખ્યું છે. દરેક પાત્રની દ્રષ્ટિ જુદી જુદી દિશામાં છે. ઉપર રહેલા એક શિલ્ડમાં અઢાર નામો કોતરેલા છે જે શહીદ સૈનિકોની નામાવલી છે. આ ચિત્રમાં બીજી તો આવી ઘણી ખૂબીઓ છે જેનું વિસ્તારપૂર્વક વર્ણન કરી શકાય.

આ આખું ચિત્ર જોવા કરતાં સાંભળવા જેવું છે. ચિત્રમાં જમણી બાજુ એક માણસ ડ્રમ વગાડી રહ્યો છે. તેની નીચે એક કૂતરો ભસી રહ્યો છે. ત્રણ સૈનિકો બંદૂકમાં દારૂગોળા દાગી રહ્યા છે અને બાકી બધા માણસો કંઇક ને કંઇક પ્રવૃત્તિ કરી રહ્યા છે જે ઉજવણીનો ભાગ હોય. પેલી નાની છોકરીની પાછળ જે બે ભાઈઓ ઊભા છે તેની પાછળ કપાળ અને એક આંખ જ દેખાય છે એ કદાચ રેમ્બ્રેન્ટ ખુદ છે એવું કહેવાય છે. આ ચિત્ર બાર ફૂટ બાય પંદર ફૂટનું છે. ઘણાં માનસિક અસ્થિર લોકોએ આ ચિત્રને નુકસાન પહોચાડવાની કોશિશ કરી હતી. બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન તો આ ચિત્રનું ભૂંગળું વાળીને તેને સંતાડી જ દેવું પડ્યું હતું. ગોદાર્દની ઈ.સ. ૧૯૮૨ ની ફિલ્મ ‘પેશન’માં પણ આ ચિત્રનો ઉલ્લેખ છે અને અમુક મ્યુઝિશિયનો આ ચિત્ર ઉપરથી સિમ્ફની બનાવવા માટે પણ પ્રેરિત થયા છે. વિન્સેન્ટ વાન ગોગના શબ્દો હતા: ‘રેમ્બ્રેન્ટ પોતાની કળામાં એટલા ઊંડા ઊતર્યા હતા કે તેનું વર્ણન કરવા માટે જગતની કોઈ ભાષામાં શબ્દો નથી. રેમ્બ્રેન્ટને ચિત્રકાર નહિ પણ જાદુગર કહેવા વધુ ન્યાયપૂર્ણ કહેવાશે’.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7IW2j8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com