14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સ્ટેચ્યૂ ઑફ પેશન

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીચૂનિયો આજ સવારથી દોડાદોડ કરતો હતો. માણસો ભેગા કરવા, ફોન કરીને સૂચનાઓ આપવી, જુદીજુદી ક્લબ, સોશિયલ ગૃપ, જ્ઞાતિમંડળો, ઓળખીતા-પારખીતા તમામને ચોક્કસ સમયે, ચોક્કસ જગ્યાએ હાજર થવા કડકપણે આદેશ આપતો હતો. વચ્ચે મેં બે વાર ફોન કર્યો પણ વેઇટિંગ આવ્યું એટલે પહેલીવાર મને એમ થયું કે ચૂનિયો કંઈક મુશ્કેલીમાં છે નહિતર ચૂનિયાનો ફોન આટલો બિઝી ન જ આવે કેમ કે કામ જેવું તો ચૂનિયાને કંઈ હોય નહીં એટલે સ્વાભાવિક રીતે જ મુશ્કેલી મનમાં આવે. હું તાત્કાલિક સ્કૂટરને કીક મારી ચૂનિયાના ઘર તરફ ઊપડ્યો. ઘરમાં પ્રવેશતા જ ચૂનિયો ફોન હાથમાં લઈને આમથી આમ ચાલતો ચાલતો બરાડા પાડતો હતો. મેં ભાભીને ઇશારાથી પૂછ્યું એટલે મણ એકનો નિસાસો નાખી અને મને કહ્યું ‘આજ સવારથી આમ જ કરે છે. રામ જાણે બધાને ભેગા કરી શું કરવું હશે? મેં પૂછવાનો પ્રયત્ન કર્યો તો વડચકા ભરે છે. તમે જ પૂછો ચૂનિયાનું બાવડુ જાલીને મેં ઊભો રાખીને પૂછ્યું તો મને ગુસ્સા સાથે જવાબ આપ્યો કે ‘સ્ટેચ્યૂ ઑફ પેશનની વાત છે’ મને થયું કે આમાં પેશન જ નથી અને ભાઈ સ્ટેચ્યૂ ઑફ પેશનની વાત કરે છે. મેં તો મારો ગુસ્સો કાઢીને કહી પણ દીધું કે આજકાલ કયા માણસમાં કે કયા નેતામાં પેશન હોય? મારું બસ આટલું બોલ્યો અને ચૂનિયાનું લેક્ચર શરૂ થઈ ગયું.

જો સૌથી પહેલા તો તમે એ સમજી લો કે સ્ટેચ્યૂ તેના માટે જ બનાવવાનું હોય જે ન હોય. એટલે એમ નહીં કે ગુજરી ગયા હોય પણ જે ન હોય તેનું સ્ટેચ્યૂ હોય. જેમ કે કોઈ પણ પક્ષમાં કે જ્ઞાતિમાં યુનિટી ન હોય એટલે સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનાવવું પડ્યું. એ રીતે તમારા કોઈમાં પેશન નથી એટલે મને સ્ટેચ્યૂ ઑફ પેશનનો વિચાર આવ્યો અને એ પણ યોગ્ય જીવંત વ્યક્તિનું સ્ટેચ્યૂ બનાવવાનું છે. ચેતેશ્ર્વર પૂજારા, રાજકોટનું ઘરેણુ. અમુક ગામની તાસીર હોય મિલનભાઇ. મારુ એ પાછળનું લોજિક પણ વાજબી છે. તમે જુઓ ચેતેશ્ર્વર જેટલા કલાક રમ્યો એની સામે કુલ આખી ટીમની કલાકો પણ ઓછી છે. ઓસ્ટ્રેલિયા વાળા તો હમણા બી.સી.સી.ને લેટર લખવાના છે કે અમને આટલું બધું તોડાવામાં રસ નથી. અમને એમ લાગે છે કે અમે જાણે દાવ દેવા જ આવ્યા હોઈએ! ભલે ચેતેશ્ર્વરના કેરિયરમાં તેના માં-બાપ, કાકા-કુટુંબ કે પોતાના વ્યક્તિત્વનો સિંહ ફાળો હોય, પરંતુ રાજકોટને તમે અવગણી ન શકો. પેશન એટલે શું શાંતિ? માત્ર શાંતિ નહીં, આળસ પણ ખરું. ચેતેશ્ર્વરની મુખ્ય લાક્ષણિકતા સામે વાળી ટીમ, ખાસ કરીને બોલરને થકાવી નાખવો. કંટાળાની હદ સુધી શાંતિ રાખવી. ત્રણ સ્ટંપની બહારના દડાની સાથે જાણે સ્નાનસૂતકનો સંબંધ ન હોય તેમ સામું પણ ન જુએ, તો રમવાની વાત તો ક્યાં આવે? ચેતેશ્ર્વરમાં દયાનો છાંટો પણ ન આવે. કારણ? બાઉન્ડ્રી લાઇનથી દોડીને આવતો ફાસ્ટ બોલર હોય એટલું બળ એકઠું કરી ૧૫૦ કિમીની ઝડપે દડો નાખે પણ સ્ટમ્પની બહાર નીકળી ગયો એટલે બોલર અને વિકેટકીપર કેચ કેચ રમતા હોય એવું લાગે. મારવા જેવા દડાને પણ જ્યારે પ્લેડ રમે ત્યારે રાજકોટની આળસ યાદ આવે. બપોરે એકથી ચાર અચૂક મેચ ચાલુ જ હોય પણ રાજકોટની તાસીર પ્રમાણે એ આરામનો સમય છે. આ સમય દરમિયાન ગમે તેવા બોલર, ગમે તેમ પોતાની કુશળતા અજમાવે ચેતેશ્ર્વરે તો આરામ જ કરવાનો. પીચ પર આંખ બંધ ન કરી શકાય એટલે ખુલ્લી આંખે આરામ ફરમાવે. આ દરમિયાન સામેની ટીમ થાકીને ઢગલો થઈ જાય પછી ચેતેશ્ર્વરની કમાલ ચાલુ થાય. આ તાસિરે જ તેને વોલ ઑફ ઇન્ડિયાનું બિરુદ આપ્યું તો આપણી પણ ફરજ બને ને કે આપણા ગામનું ગૌરવ સ્ટેચ્યૂ સ્વરૂપે વિશ્ર્વમાં ખ્યાતિ પામે. આ બધાને ફોન કરવાનું કારણ એક જ છે કે આજી ડેમ પાસે સરકાર જમીન ફાળવે અને ત્યાં સ્ટેચ્યૂ ઑફ પેશન પ્રતીક રૂપે ચેતેશ્ર્વરનું એક પૂતળું બને...

ચૂનિયાનો વિચાર તો મને ગમ્યો અને તાજેતરની જ વાત છે તો લોકોમાં ઉત્સાહ પણ રહેવાનો એટલે કામ તો બની જ જાય પણ ચૂનિયો આમ તેમ આંટાફેરા અને ફોન ઉપર જે રીતે વર્તન કરતો હતો એટલે મને એમ થયું કે આમાં વિધ્નો ક્યાં નડે? મારાથી ફરી ચૂનિયાને પૂછાઇ ગયું અને ફરી એક મોટું લેક્ચર શરૂ થયું.

જો મારે બધાને ભેગાં કરીને આ પ્રસ્તાવ મૂકવો છે. આમાં બધા યથાયોગ્ય યોગદાન આપે એવી મારી ઇચ્છા. પેલા લોકોએ તો ચાઇનાથી મટિરિયલ મંગાવી લીધું પણ આપણે તો એવું ન કરી શકીએ ને? હવે પ્રશ્ર્ન એવો થાય છે કે બપોરે જમીને ભેગા થવાની વાત કરુ છૂં તો અમુક ચોખ્ખી ના પાડે છે કે ૧ થી ૪ તો રજનીકાંત આવે તો પણ ન આવીએ. સવારનું કહું છું તો સવારના એક ટાઇમ તો કામ કરવું પડે કે નહીં એવું કહીને ટાળી દે છે અને સાંજે ભેગા થવાની વાત કરીએ તો બે પ્રશ્ર્નો નડે છે. એક તો સાંજ પડ્યે હમણા માલ મળતો નથી એટલે એક બે કલાક દારૂ શોધવામાં જાય છે અને એમની વાત પણ સાચી કે બે ઘૂંટડા અંદર જાય તો વાત ફોર્સથી બહાર આવે અને જો શોધવાનો સમય આપીએ તો સાંજે કલેક્ટર સાહેબ નીકળી ગયા હોય છે. આ બધા પ્રશ્ર્નોમાં મારુ પેશન જતું રહે છે. ક્લબવાળાને કહ્યું કે તમારા સભ્યોને લઈને આવો તો કહે છે કે કોઈ એન્ટરટેઇનિંગ પ્રોગ્રામ અને પૂરો થતા ડિનરનું આયોજન કરો તો જ બધા સભ્યો આવે. જ્ઞાતિ લેવલે કહી શકાય એમ નથી કારણ પૂતળું કોનું છે એ મુદ્દા પર જ ચર્ચા અટકી જાય છે.

ચૂનિયો વધારે પેશન ગુમાવે તે પહેલા મેં તેને કહી દીધું કે ચેતેશ્ર્વરના સ્ટેચ્યૂ માટે ટોળાની જરૂર નથી. આપણે બે જણા જ જો પેશન રાખીને રજૂઆત કરીએ અને એ પણ બપોરે ૧ વાગ્યા પહેલા તો કલેકટર ઊંઘે એ પહેલા આપણી વિનંતી સ્વીકારી લે અને બપોરે ૪ વાગ્યે બીજો સ્ટાફ જાગે એ પહેલા સરકારને જગ્યા ફાળવણી માટે કાગળ મોકલી પણ શકાય. ચૂનિયાને મારી વાત ગળે ઊતરી ગઈ પણ મારા તરફથી જનતાને થોડી વિનંતીઓ છે કેમ કે વાત સ્ટેચ્યૂ ઑફ પેશનની છે. સ્ટેચ્યૂ ગમે તે કંટ્રીમાં બને કોઈએ વોટ્સએપમાં કે ફેસબૂકમાં સ્ટેટ્સ નાખવા નહીં કે વિરોધના મેસેજ ફેલાવવા નહીં અને પેશન રાખવી, ટિકિટનો દર ગમે એટલા રૂપિયા હોય, લાઇનમાં ઊભા રહેતી વખતે માથે છાપરું હોય કે ન હોય, ગમે તે વારે ઇચ્છા પડે ત્યારે સ્ટેચ્યૂની સફાઇ બાબતે રજા રહેશે એટલે જો આપને ધક્કો થાય, આજુબાજુની જમીનવાળા તમને દર્શનાર્થીઓને ઘુરી ઘુરીને જુએ કે કાળા વાવટા ફેલાવી તો પણ તમારે તમારી પેશન છોડવાની નથી. હું તો ત્યાં સુધી કહું છું કે કદાચ આ સ્ટેચ્યૂ બને કે ન બને તમે જેમ ‘અચ્છે દિન’ની પેશન રાખી છે એમ જ ક્યારેક સ્ટેચ્યૂ બનશે એવી પેશન રાખવી.

વિચારવાયુ: ચેતેશ્ર્વરની કારકીર્દીનો ખરો ઉદય લગ્ન પછી થયો છે કેમ કે હવે પેશન કોને કહેવાય એ સમજાણું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

b7ab3b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com