5-December-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજીબ ક્યા હૈ કિ તુઝ કો ન યાદ કર પાયે,કુછ અપને આપ સે ભી બેખબર રહે હૈં હમ

બઝમે-શાયરી-ડૉ. એસ. એસ. રાહીભારત અને પાકિસ્તાનનું કમનસીબ રાજકીય વિભાજન થયું તે વેળા કેટલાય શાયરો, કલાકારો, ગાયકો, સંગીતકારો અને ફિલ્મી હસ્તીઓ મને-કમને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. તો કેટલાક સમજદારોએ પાકિસ્તાનમાંથી હિન્દુસ્તાન આવીને ભારતને તેમની કર્મભૂમિ તરીકે પસંદ કરી હતી. ઉર્દૂ શાયર શંકર દત્ત એટલે કે કુમાર પાશી વિભાજન પછી પ્રથમ જયપુરમાં અને ત્યારબાદ દિલ્હીમાં રહ્યા હતા. ૧૭ સપ્ટેમ્બર ૧૯૯૨ની એક સાંજે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.

આધુનિક યુગના મુખ્ય ઉર્દૂ સર્જકોમાં તેમનું નામ ઈજ્જત સાથે લેવામાં આવે છે. તેમના ઉલ્લેખ વગર આધુનિક ઉર્દૂ શાયરીનો ઈતિહાસ અધૂરો ગણાય છે. તેમણે વાર્તાઓ, નાટકો અને સમીક્ષાઓનું લેખન કર્યું હતું. તેમની મુખ્ય ઓળખ તો શાયર તરીકે જ સ્થાપિત થયેલ છે. ‘પહલે આસ્માન કા ઝવાલ’ તેમની વાર્તાઓનું અને ‘જુમ્લોં કી બુનિયાદ’ તેમના એકાંકી - નાટકોનું પુસ્તક છે.

‘પુરાને મૌસમોં કી આવાઝ’ (૧૯૬૬), ‘ખ્વાબ તમાશા’ (૧૯૬૮), ‘વિલાસ-યાત્રા’ (૧૯૭૨), ‘ઈન્તિઝાર કી રાત’ (૧૯૭૩), ‘રૂ-બ-રૂ’ (૧૯૭૬), ‘ઈક મૌસમ મિરે દિલ કે અંદર, ઈક મૌસમ મિરે બાહર’ (૧૯૭૯), ‘ઝવાલે - શબ કા મંઝર’ (૧૯૮૪), ‘અર્ધાંગિની કે નામ’ (૧૯૮૫) અને ‘ચાંદ-ચિરાગ’ (૧૯૯૪)માં તેમની ગઝલો, નઝમો, રૂબાઈઓ અને ખંડકાવ્ય માણવા મળે છે. તેમના ચુનંદા કાવ્યોનું સંપાદન શીન કાફ નિઝામ અને નન્દકિશોર આચાર્ય દ્વારા ‘તુમ્હારે નામ લિખતા હૂં’ (૧૯૯૮) નામે સંપાદિત થયેલ છે.

પાકિસ્તાન, લંડન અને યુરોપના કેટલાક દેશોમાં તેમણે ગઝલ-યાત્રા કરી હતી. દિલ્હી ઉર્દૂ અકાદમી દ્વારા તેમનું મરણોત્તર સન્માન કરાયું હતું. તેમની રચનાઓ ભારતની ભગિની ભાષાઓમાં અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત થયેલ છે. નવીન શૈલી અને અદ્વિતીય પ્રતીકો, માનવતાના મૂળને શોધવાની ઝંખના - તલપ, એક તરફ શંકા તો બીજી તરફ આસ્થાના આલેખનને લીધે તેમની શાયરી તેમના ગાળાના અન્ય શાયરોથી જુદી તરી આવે છે.

ખ્યાતનામ ઉર્દૂ શાયર અને વિવેચક જનાબ અહમદ નસીમ કાસમીએ લખ્યું છે કે કુમાર પાશીની રચનાઓમાં જીવન અને જીવનની ચિંતાઓની ચમક છે તે મને અત્યંત ગમે છે.

તેમની શાયરીના મિજાજનો હવે રસાસ્વાદ કરીએ.

* યે સચ સહી, કિ મુઝે ખાક મેં મિલા દેગા;

મગર બતા, કિ વો કિસ જુર્મ કી સઝા દેગા.

તે મને ધૂળમાં મેળવી દેશે તે વાત સાચી છે, પરંતુ મને એ તો બતાવો કે તે મને કયા ગુનાની સજા આપવાના છે.

* અજબ હૈ ઉસકી અદાલત, અજીબ ઉસ કે ઉસૂલ,

નહીં સુનેગા વો કુછ, ફૈસલા સુના દેગા.

તેની (ઈશ્ર્વરની-પ્રિયતમાની) અદાલત અદ્ભુત છે અને તેના સિદ્ધાંતો વિચિત્ર છે. તે તો કશું સાંભળ્યા વગર જ ચુકાદો આપી દેશે.

* ભૂલેંગે ન હમ ઉનકા કરમ, ઉન કી ઈનાયત;

હર ઝખ્મ કો રખેંગે હરા, સોચ લિયા હૈ.

તેમની કૃપા અને દયા અમે ક્યારેય ભૂલશું નહીં. તેમણે દીધેલા જખ્મોને અમે લીલાછમ રાખશું તે વિશે અમે વિચારી લીધું છે.

* અજીબ કયા હૈ કિ તુઝ કો ન યાદ કર પાયે,

કુછ અપને આપ સે ભી બેખબર રહે હૈં હમ.

અમે તમને યાદ કરી શક્યા નહીં તેમાં વિચિત્રતા જેવું કશું નથી. આમ જુઓ તો અમે અમારાથી પણ અજાણ્યા રહેતા હોઈએ છીએ.

* બસ કિ ‘પાશી’ ન મર સકે, ન જિયે;

દિલ કા રિશ્તા થા ટૂટતા ભી કયા.

‘પાશી’! અમે ન તો જીવી શક્યા કે ન તો મરી શક્યા કારણ કે તે તો હૃદયનો નાતો હતો. તે કેવી રીતે તૂટી શકે!

*કહીં ભી જા ન સકેગા તૂ હો કે મુઝ સે જુદા,

કિ મેરા જિસ્મ હૈ તૂ ઔર મૈં તેરા સાયા હૂં.

તું મારાથી અલગ થઈને ક્યાંય - કશે પણ જઈ શકશે નહીં કેમ કે તું મારું શરીર છે અને હું તારો પડછાયો છું.

* જબ વો નહીં તો મુઝ કો ઉજાલોં સે ક્યા ગરઝ,

ઘર મેં ઈસી લિયે હૂં અંધેરા કિયે હુવે.

હવે તેઓ છે જ નહીં તો પછી અજવાસ સાથે મારે કોઈ લેવા-દેવા નથી. માટે તો હું ઘરમાં અંધારું કરીને બેઠો છું.

* ઉસ કે બદન કી ધૂપ દા આલમ ન પૂછિયે,

જલતા હો જિસ તરહ કોઈ જંગલ કપાસ કા.

તેમના શરીરના તડકાની હાલત વિશે કશું જ પૂછો નહીં. કપાસનું જંગલ જાણે બળી રહ્યું હોય તેવું દૃશ્ય સર્જાયું છે.

* ઉસ કા થા યે કરમ કે સિતમ કુછ ન પૂછિયે,

ઈક પલ જો મુઝ કો દર્દે - જુદાઈ ન દે સકા.

તેઓ મને એક પળ માટે ય જુદાઈની વેદના આપી શક્યાં નહીં. આ તેમની (ખુદાની - સજનીની) કૃપા - દયા છે કે અત્યાચાર છે તે વિશે મને કશું જ પૂછશો નહીં.

* એલાન ભી કર દેગા કિ રોશન કરો રસ્તે,

ઝુલ્મત મેં ચરાગોં કો જલાને ભી ન દેગા.

એક તરફ તે રસ્તા પર અજવાળું પાથરી દેવાનું એલાન કરશે તો બીજી તરફ અંધકારના દીપકોને પ્રજ્વલિત કરવા નહીં દે.

* આઝાદ ભી કર દેગા મુઝે મર્ગો - ફના સે,

જીને કે લિયે મુઝ કો બહાને ભી ન દેગા.

એક તરફ તે મને મૃત્યુ અને નાશમાંથી મુક્તિ આપી દેશે. તો વળી જીવવા માટે તે મને કોઈ બ્હાનું પણ નહીં આપે.

* ઘર મેં સબ કે ખિડકિયાં થીં ઔર દરવાઝા ભી થા,

ઘુટ કે મર જાને કા લેકિન સબ કો અંદાઝા ભી થા.

સૌના ઘરમાં બારીઓ અને દરવાજાઓ હતા, પરંતુ ગૂંગળાઈને મરી જવાનો બધાને અડસટ્ટો હતો.

* ખ્વાબ, યાદેં, આરઝૂએં, હસરતેં;

તૂ બતા કયા કુછ નહીં ફર્દા કે પાસ.

ભવિષ્ય (અનાગત) પાસે સ્વપ્ન, સ્મરણો, ઈચ્છાઓ અને લાલસાઓ છે. તું મને એ તો બતાવ કે ભવિષ્ય પાસે શું શું નથી!

* સૈરાબ કરે દશ્ત કો જો અપને લહૂ સે,

ઐસા કોઈ કિરદાર નિભાને કે લિયે દે.

પોતાના રક્તથી રણ-જંગલને તૃપ્ત કરી શકે એવું કોઈ પાત્ર-ચરિત્ર તો તું મને ભજવવા આપ.

* ઈસ કી રંગત ઔર નિખરેગી ખિઝાં મેં,

યે ગમોં કી શામ હૈ, ઈસ કો હરા રખ.

પાનખરમાં તેની રંગતને વધુ નિખાર આવશે. આ તો વેદનાની ડાળી છે. તું તેને હંમેશાં લીલીછમ્મ રાખજે.

* નિકલ પડે હૈં ઘરોં સે ડરે-ડરે સાયે,

સફર સિયાહ હૈ ઉન કા કહીં સવેરા લિખ.

ભયભીત પડછાયા ઘરની બહાર નીકળી પડ્યા છે. યાત્રા પણ કાળી ધબ્બ છે. માટે તું એના ભાગ્યમાં સવાર લખજે.

* જો કુછ નઝર પડા મિરા દેખા હુવા લગા,

યે જિસ્મ કા લિબાસ ભી પહના હુવા લગા.

જે કાંઈ મારી નજરે પડ્યું તે મારું જોયેલું લાગ્યું. આ દેહનાં વસ્ત્રો પણ મારા પ્હેરેલા હોય તેવું મને લાગ્યું.

* ગમ ન કર મેરે ફના હોને કા,

મૈં તો થા ખાક-બ-સર પહલે ભી.

મારા વિનાશ માટે તું દુ:ખી ન થાજે. કેમ કે હું તો પ્રથમથી જ બરબાદ થયેલો હતો.

* દશ્ત મેં જબ યે સદા દી કિ કહીં હૈ કોઈ?

ખાક ને ઉઠ ને કહા મુઝ સે નહીં હૈ કોઈ!

રણ-વનમાં મેં જ્યારે પૂછ્યું કે ક્યાંક કોઈક છે કે નહીં? તો ધૂળ - ડમરીએ કહ્યું કે અહીં મારા સિવાય બીજું કોઈ નથી.

* ઉઠેગા અભી હશ્ર, તૂ દેખ લે,

બહાતા હૂં અપના લહૂ દેખ લે.

તું જોઈ લેજે કે હું હમણાં જ મારું લોહી વહાવું છું. પરિણામે હમણાં કયામત - પ્રલય આવશે તે તું જોઈ લેજે.

* એક સાયા હૈં વહમ કા દોનોં,

યા’ની મૈં ઔર મિરા ખુદા દોનોં.

હું અને મારા ખુદા - ઈશ્ર્વર બન્ને જાણે વહેમનો પડછાયો હોય તેવું મને લાગ્યા કરે છે.

* અચ્છા હુવા કિ રૂહ કી ઉલઝન સે બચ ગયા,

મૈં ખુશ હૂં અપને સીને મેં ખંજર ઉતાર કર.

મેં મારી છાતીમાં ખંજર હુલાવી દીધું તેથી હું ખુશ છું કેમ કે તેને લીધે આત્માની મૂંઝવણથી હું પાર ઊતરી ગયો છું.

* ખૌફ હૈ ઉસ કો કહીં ન ઉસકે દીવારો - દર હિલ જાયેં,

શાહ કે ઘર મેં વાવૈલા હૈ મેરે ચુપ હો જાને પર.

તેના ઘરની દીવાલો અને દરવાજા ક્યાંક હલી ન જાય તેનો ભય તેને સતાવી રહ્યો છે. આ વિશે મેં ચુપકીદી ધારણ કરી તેના પરિણામે પેલા શાહના ઘરમાં કોહરામ મચી ગયો છે.

* મુઝ કો છેડો ન હવાઓ, જાઓ;

ફૈલ જાઉંગા ધુંઆ હૂં મૈં ભી.

ઓ પવન! તું આ રીતે મારી છેડછાડ (પજવણી) ન કર. તને ખબર છે ને કે હું પણ ધુમાડો છું અને ચારેકોર પ્રસરી જઈશ.

* અબ કાટ દિયે પાંવ હર ઈક શખ્સ કે ઉસને,

ઈસ શહર મેં અબ ઉસ સે બડા કોઈ નહીં હૈ.

તેણે તો હવે દરેક વ્યક્તિના પગ કાપી નાખ્યા છે. આ નગરમાં તેનાથી મોટું (ઊંચાઈમાં) હવે કોઈ પણ રહ્યું નથી.

* જુનુ ભી સર મેં થા, હમવાર રાસ્તા ભી થા;

તો ક્યા સફર મેં કોઈ મેરા રહનુમા ભી થા.

મારા દિમાગમાં ઉન્માદ હતો ને માર્ગ પણ સમતલ - સીધોસટ્ટ હતો. શું મારા પ્રવાસમાં કોઈ મારો પથદર્શક પણ સાથે હતો તેની મને ખબર નથી.

* વો લિખ રહા હૈ કહાની ઝમીં કે સફહે પર,

હૈં પેડ કલમેં તો સાગર હૈ યે દવાત ઉસ કી.

તે ધરતીનાં પૃષ્ઠ પર વાર્તા લખી રહ્યા છે. તેના માટે વૃક્ષો કલમ છે અને દરિયો શાહીનો ખડિયો છે.

* તમામ ઉમ્ર રહા હૂં મૈં જિસ્મ મેં મહસૂર,

તમામ ઉમ્ર કટી હૈ મેરી સઝા કી તરહ.

હું મારી આખી જિંદગી મારા શરીરમાં બંદીવાન (કેદી) રહ્યો છું. હું કોઈ સજા ભોગવી રહ્યો હોઉં તેમ મારું જીવન પસાર થયું છે.

* દિલ કી તરસે હૈ ઉસી કૂચ-એ-કાતિલ કે લિયે,

જાં કિ ખિંચતી હૈ ઉસી હુસ્ને - સિતમગર કી તરફ.

પ્રિયતમાની ગલી તરફ જવા માટે હૃદય વલખાં મારી રહ્યું છે. તો બીજી તરફ મારો પ્રાણ-આત્મા અત્યાચારી સૌંદર્ય તરફ મને ખેંચી રહ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

qhtg156
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com