21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચીનથી શરૂ થઈ પતંગની વર્લ્ડ ટૂર

કવર સ્ટોરી-દર્શના વિસરીયા૧૪મી જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિ અને મકરસંક્રાંતિનું જ બીજું નામ એટલે પંતગોત્સવ કે કાઈટ ફેસ્ટિવલ. પણ મિત્રો અહીં મુંબઈના તહેવારોની વાત કરીએ તો એક શેર ચોક્કસ જ યાદ આવી જાય કે- ‘રોનકે કહાં દિખતી હૈ અબ પહેલે જૈસી, અખબાર કે ઈશ્તેહાર બતાતેં હૈ કોઈ ત્યૌહાર આયા હૈ...’.

જ્યારે અખબારોમાં ફેસ્ટિવલ્સ સેલની મોટી મોટી જાહેરખબરો આવેને ત્યારે જ કોઈ તહેવાર આવી રહ્યો હોવાની જાણ મુંબઈગરાને થાય છે અને તેમાં પણ જ્યારે પતંગોત્સવની વાત હોય ત્યારે તે મુંબઈના વિશાળ ગગનમાં માત્ર છૂટી છવાઈ અલપઝલપ કોઈ પતંગ ઉડતી દેખાય એટલું જ બસ. પણ આપણા ગર્વીલા અને રંગીલા ગુજરાતમાં પતંગોત્સવની આખી રોનક જ અલગ હોય છે અને આ તહેવાર દરમિયાન તમને અડધાથી વધારે ભાગનું ગુજરાત ઘરના ધાબા પર જ જોવા મળશે. ખૅર આપણે તો આજે વાત કરવી છે આ કાઈટ ફેસ્ટિવલની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ અને દુનિયામાં પહેલી પતંગ આકાશમાં ક્યાં, ક્યારે અને કેમ ઊડી એ વિશે. (અને અફકૉર્સ કાઈટ ફેસ્ટિવલ અને કાઈટ્સના કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફૅક્ટ્સ તમારા માટે બૉનસ હશે!)

એવું કહેવાય છે કે ‘પતંગ તો ભગવાન રામે પણ ચગાવી હતી અને એમની પતંગ સીધી ઈન્દ્રલોકમાં પહોંચી ગઈ હતી અને ભગવાન ઈન્દ્રના પુત્ર જયંતની પત્નીને એ પતંગ ખૂબ જ ગમી ગઈ હતી, તેણે એ પતંગ પોતાની પાસે રાખી લીધી હતી. ભગવાન રામે પતંગ ક્યાં ગઈ તેની તપાસ કરવા માટે હનુમાનજીને મોક્લ્યા. પતંગની શોધમાં હનુમાનજી ઈન્દ્રલોક પહોંચી ગયા અને ત્યાં તેમણે એક સ્ત્રીના હાથમાં પતંગ જોઈને એ પતંગ પાછી આપવાની માગણી કરી ત્યારે સ્ત્રીએ પતંગ ઉડાવનારના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. હનુમાનજી આ સંદેશો લઈને ભગવાન રામ પાસે પહોંચ્યા અને ભગવાન રામે હનુમાનજી સાથે જ સંદેશો મોકલ્યો કે દેવી હું તમને ચિત્રકૂટમાં અવશ્ય જ દર્શન આપીશ.’ આ વાતનો ઉલ્લેખ ‘રામચરિતમાનસ’ના બાલકાંડમાં જોવા મળે છે.

જોકે તેમ છતાં પહેલી પતંગ ક્યાં અને કોણે બનાવી એ વિશેના અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. પણ એક એવી લોકવાયકા પણ પ્રસિદ્ધ છે કે આજથી ૧૦૦-૨૦૦ નહીં પૂરા ૨૮૦૦ વર્ષ પહેલાં એટલે કે ત્રીજી સદી દરમિયાન ચીન દ્વારા પતંગની શોધ કરવામાં આવી હતી. પાંચમી સદીમાં ચીનના જ બે ફિલોસૉફર લૂ બૅન અને મૌજીએ કાગળની પતંગ તૈયાર કરી હતી. પહેલાંના સમયમાં સંદેશાની આપ-લે માટે પણ પતંગનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે પતંગોત્સવનો એ ઉદ્દેશ જ ક્યારનોય સદીથી બદલાઈ ગયો છે.

ચીન ઉપરાંત પતંગ ઉડાવવાનો કૉન્સેપ્ટ પર્સિયાથી આવેલા મુસ્લિમ વેપારીઓએ શરૂ કર્યો હતો એવો આછો પાતળો ઉલ્લેખ પણ પતંગના ઈતિહાસ પર નજર કરતાં મળી રહ્યો છે અને એવું કહેવાય છે કે નવાબો અને રાજા-મહારાજાઓના સમયમાં પતંગ ચગાવવાની પ્રવૃત્તિને મનોરંજનના માધ્યમ તરીકે ગણવામાં આવતી.

ચીનથી શરૂ થયેલો આ સિલસિલો ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાવા લાગ્યો અને ભારત સહિત મલયેશિયા, અમેરિકા, જર્મની, થાઈલેન્ડ, બર્મા, કોરિયા, આરબના દેશો અને ઉત્તર આફ્રિકા સહિતના દેશોમાં પતંગ ચગાવવામાં આવે છે. જોકે બધા દેશોમાં પતંગ ચગાવવાના અલગ અલગ કારણો અને દિવસો છે. જેમ કે ચિલીમાં ત્યાંના રહેવાસીઓ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પતંગ ચગાવે છે.

૨૦૦૦ વર્ષથી વધુ જૂનો ઈતિહાસનો વૈભવ ધરાવતા પતંગ સાથે કેટલીક માન્યતાઓ, અંધવિશ્ર્વાસ અને તથ્યો પણ જોડાયેલા છે, જેમાંથી ચીનમાં માનવામાં આવતા એક તથ્ય અનુસાર ચીનમાં ઊડી રહેલી પતંગને એમ ને એમ છોડી દેવાનું અપશુકનિયાળ માનવામાં આવે છે. એટલું જ નહીં આને બીમારીને આમંત્રણ આપનારી ઘટના સાથે પણ સાંકળીને જોવામાં આવે છે. જ્યારે કોરિયામાં પતંગ પર બાળકનું નામ અને તેની જન્મ તારીખ લખીને પતંગ ઉડાવવામાં આવે છે, આ પાછળનું કારણ એવું માનવામાં આવે છે એ વર્ષ દરમિયાન બાળક પર આવનારી મુશ્કેલીઓ, પીડાઓ પતંગની સાથે દૂર જતી રહે. થાઈલેન્ડમાં લોકો સારો વરસાદ પડે એ માટે પ્રાર્થના કરવા માટે પતંગ ઉડાવે છે અને ત્યાં કપાયેલી પતંગ ઉઠાવવી એ અપશુકનિયાળ માનવામાં આવે છે. જો પ્રાચીન દંતકથાઓ પર વિશ્ર્વાસ કરીએ તો ચીન અને જાપાનમાં પતંગનો ઉપયોગ લશ્કરી કામકાજ માટે પણ કરવામાં આવતો હતો.

બૅક ટુ ગુજરાત વાત કરીએ તો શા માટે મકરસંક્રાંતિના દિવસે જ પતંગ ચગાવવામાં આવે છે એવો પ્રશ્ર્ન થાય એ સ્વાભાવિક છે તો એવું માનવામાં આવે છે આ સમયે સૂર્ય ઉત્તર દિશામાં ગતિ કરે છે અને એટલે જ આ તહેવારને ઉત્તરાયણના નામે પણ ઓળખવામાં આવે છે. વહેલી સવારે ધાબા પર કે ખુલ્લી જગ્યાએ જઈને પતંગ ચગાવવા પાછળનું કારણ એવું છે કે આ સમયગાળા દરમિયાન ધરતી પર આવનારા સૂર્યના કિરણો ખૂબ જ લાભદાયી અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સૂર્યના કિરણો વિટામિન ડીનું શ્રેષ્ઠ સ્રોત માનવામાં આવે છે અને આ વૈજ્ઞાનિક કારણસર જ મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવામાં આવે છે.

દર વર્ષે ગુજરાતમાં ઈન્ટરનેશન કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે પણ સૌથી પહેલાં કાઈટ ફેસ્ટિવલનું આયોજન આજથી ૨૯ વર્ષ પહેલાં એટલે કે ૧૯૮૯માં કરવામાં આવ્યું હતું અને ત્યારથી દર વર્ષે આ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અમદાવાદમાં છઠ્ઠી જાન્યુઆરીથી શરૂ થયેલાં અને ૧૪મી જાન્યુઆરી સુધી ચાલનારા આ કાઈટ ફેસ્ટિવલમાં અમેરિકા, કંબોડિયા, નેપાળ, બ્રિટન સહિતના ૪૫ દેશના ૧૫૦થી વધુ સ્પર્ધકોએ પોતાની હાજરી પુરાવી છે. આ ફેસ્ટિવલ દરમિયાન આકાશમાં વિશાળકાય પતંગિયાથી લઈને ડરામણા ડ્રેગન, ઘોડા, બલુન, ફ્રૂટ્સ સહિતના વિવિધ આકારના પતંગોથી આકાશ કલરફૂલ કૅનવાસ સમાન લાગી રહ્યું હતું. જોકે, આ એક સ્પર્ધા છે અને સ્પર્ધામાં હરીફો એકબીજાના પતંગની ડોર કાપતા ચોક્કસ જોવા મળી રહ્યા છે. પણ તેમ છતાં તેમના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ ઓટ જોવા નથી મળી રહી.

ચાલો પતંગ વિશેની આટ આટલી વાતો જાણી લીધા બાદ હવે વાત તમારા બૉનસની-

-----------------------------

કેવો હતો પહેલો પતંગ?

અત્યારે બજારમાં રંગબેરંગી અને વિવિધ આકાર, પ્રકારના પતંગ મળી આવે છે, પણ આપણામાંથી કેટલા લોકો જાણે છે કે પહેલો પતંગ કેવો હતો? પતંગ સાથે સંકળાયેલી સેંકડો માન્યતામાંથી એક માન્યતા એવી છે કે પહેલો પતંગ એ કાગળ કે કપડાંમાંથી નહીં પણ પાંદડામાંથી તૈયાર કરવામાં આવ્યો હતો. થયું ને આશ્ર્ચર્ય કે આખરે પાંદડામાંથી તૈયાર કરવામાં આવેલો એ પતંગ હશે કેવો?

---------------------------

ટૉપ ટેન ઈન્ટરેસ્ટિંગ ફૅક્ટ્સ

ૄ યુઆનની એક વ્યક્તિ આરકાઈટ્સ દ્વારા દુનિયાના પહેલા પતંગનું સર્જન કરવામાં આવ્યું હતું અને આ જ કારણસર અંગ્રેજીમાં પતંગને કાઈટ કહેવામાં આવે છે.

ૄ ૩૦૦૦ વર્ષ પહેલાં પહેલો પતંગ બનાવવામાં આવ્યો હતો અને આ પતંગ પાંદડાનો હતો. ઈન્ડોનેશિયામાં આજની તારીખમાં પણ પાંદડામાંથી બનાવવામાં આવેલા પતંગનો ઉપયોગ માછલી પકડવા માટે કરવામાં આવે છે.

ૄ દર વીકઍન્ડમાં દુનિયાના કોઈકને કોઈક ખૂણે કાઈટ ફેસ્ટિવલની ઉજવણી થાય છે.

ૄ જાપાનના પતંગબાજોએ એક જ લાઈનમાં ૧૧,૨૮૪ પતંગ બનાવવાનો રૅકોર્ડ બનાવ્યો છે.

ૄ સૌથી લાંબા સમય સુધી પતંગ ઉડાવવાનો વર્લ્ડ રૅકોર્ડ છે ૧૮૦ કલાકનો.

ૄ થાઈલેન્ડમાં પતંગ ઉડાવતી વખતે ૭૮ પ્રકારના અલગ અલગ નિયમોનું પાલન કરવામાં આવે છે.

ૄ ૧૭૬૦માં જાપાનમાં પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, કારણ કે લોકો કામ કરવા કરતાં પતંગ ઉડાવવાનું વધુ પસંદ કરતાં હતાં.

ૄ દર વર્ષે ઑક્ટોબરના બીજા રવિવારે પતંગબાજીના શોખીનો ભેગા મળીને ‘વન સ્કાય, વન વર્લ્ડ’નો સંદેશ આપતા પતંગ ચગાવે છે.

ૄ ભારતમાં પતંગનો પગપેસારો ચીની યાત્રી ફાહ્યાન અને વ્હેનસાંગને કારણે થયો હતો.

ૄ બર્લિનની દીવાલ દૂર કરતાં પહેલાં પૂર્વ જર્મનીમાં મોટા પતંગ ચગાવવા પર પ્રતિબંધ હતો, કારણ કે તેમને ભય હતો કે કોઈ આ પતંગની મદદથી બર્લિનની દીવાલ પર ચઢી જશે!

-----------------------------

એક કહાની ઐસી ભી!

ઈતિહાસકારો પતંગના જન્મસ્થાન તરીકેનો શ્રેય ચીનને આપે છે, પણ એમની સ્ટોરી કંઈક અલગ અને ઈન્ટરેસ્ટિંગ છે. આ સ્ટોરી મુજબ એક ચીની ખેડૂતેે જોરદાર પવન વચ્ચે તેની માથા પરની હૅટ (ટોપી) ના ઊડી જાય એટલે તેને દોરાથી બાંધી રાખી હતી, પણ આખરે એક દિવસે જોરદાર ફૂંકાઈ રહેલાં પવનમાં ખેડૂતની ટોપી હવામાં ઊડવા લાગી અને બસ આ રીતે જન્મ થયો આપણા પતંગનો.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3jc8F5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com