15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બીજો ‘કૂલી નંબર વન’

ફોકસ-કાજલ રામપરિયા‘દુનિયા મેરા ઘર હૈ, બસ સ્ટેન્ડ મેરા અડ્ડા હૈ, જવ મન કરે આ જાના રાજુ મેરા નામ હૈ ઔર પ્યાર સે લોગ મુજે બુલાતે હૈ કુલી નંબર વન!’ ગોવિંદાનો આ ડાઇલોગ તો ૯૦ના દાયકાના મોટા ભાગના લોકોને યાદ હશે. ડેવિડ ધવનના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ અને ગોવિંદા જેવા ધરખમ કોમેડિયને આખા દેશના તમામ થિયેટરને ગજાવી નાખ્યાં હતાં.

ધીરે ધીરે ડેવિડ ધવન પોતાના બંને દીકરાઓની સહાયથી પોતાનું એક પ્રોડક્શન હાઉસ ખોલવા જઇ રહ્યા છે એ વાતની તો અત્યારે સૌને જાણ છે. તેઓ પોતાના બેનર હેઠળ પહેલી ફિલ્મ ‘કૂલી નંબર વન’ની રિમેક બનાવવા જઇ રહ્યા છે અને તેમાં વરુણને સાઇન કરે એવી ખબરોએ જોર પકડ્યું હતું. છેલ્લા ઘણા સમયથી બૉલીવૂડમાં ચર્ચા થઇ રહી હતી કે વરુણ ધવન તેના પિતા ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત અને ગોવિંદા તેમ જ કરિશ્મા કપૂર સ્ટારર ‘કૂલી નંબર વન’માં કામ કરવા જઇ રહ્યો છે. જોકે, આ વાત સાચી સાબિત થઇ છે તો સ્વાભાવિક છે કે વરુણ અને ગોવિંદાના કામની તુલના તો થશે જ!

ગોવિંદાની વાત કરીએ તો ડેવિડ ધવને નંબર વન સિરીઝમાં ગોવિંદાને કામ આપીને તેની કારકિર્દીની ગાડીને કિક મારી હતી. ગોવિંદામાં પ્રતિભાનો તો બિલકુલ અભાવ નથી. તે પોતાના ચહેરાના હાવભાવથી જ દર્શકોને લોટપોટ હસાવી શકવાની ક્ષમતા ધરાવે છે. દર્શકો તેને અને તેની કોમેડીને જોવા માટે સિનેમાઘરો સુધી જતાં હતાં, ફિલ્મની વાર્તા તો આપમેળે તેમને પસંદ આવી જતી હતી. ડેવિડ ધવને તો ગોવિંદાને હિંદી સિનેજગતમાં એક મુકામ સુધી લાવવા ઘણી મહેનત કરી હતી. જોકે, ડેવિડે તેના દીકરા વરુણની સફળતા બાદ તેની સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, એક પિતા-પુત્રના સંબંધો માટે ખૂબ જ સારો નિર્ણય છે. દીકરાને પગભર ઊભો જોઇને કયા પિતાને ગર્વ ન થતો હોય! ડેવિડ ધવનની ઇચ્છા હોત તો તેમણે પોતાની ફિલ્મોમાં જ વરુણને એક સ્થાન આપ્યું હોત, પણ તેને આપણે વરુણની સફળતા ન કહી શકત, પિતાએ દીકરા પર કરેલો અહેસાન કહેવાયો હોત.

હવે વાત કરીએ વરુણ ધવનની તો વર્ષ ૨૦૧૨માં કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી બૉલીવૂડમાં એન્ટ્રી મારી હતી. ત્યારબાદ તેણે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘બદરીનાથ કી દુલ્હનિયા’, ‘મૈ તેરા હીરો’ જેવી મનોરંજક ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉપરાંત તેણે ‘બદલાપુર’, ‘ઓક્ટોબર’ અને ‘સુઇ-ધાગા’ જેવી ફિલ્મોમાં પોતાના ગંભીર પાત્રોથી દર્શકોને ઇમોશ્નલ પણ કર્યા હતાં. વરુણ આમ તો ખૂબ જ સારો અભિનેતા છે, પણ ગોવિંદા સાથે તેની તુલના કરવી એ યોગ્ય નથી. ગોવિંદાને સ્ક્રીન પર જોતા જ દર્શકો પોતાના પેટ પકડીને હસવા લાગતાં હતાં, પણ વરુણ સિચુએશ્નલ કોમેડી કરી શકે છે એમ કહીએ તો કંઇ ખોટું નહીં. વરુણનો ચહેરો એકદમ સ્થિર છે. તે એક્શન ડ્રામા પણ કરી શકે છે અને ઇમોશ્નલ ડ્રામા પણ કરી શકે છે, પણ જ્યારે વાત કોમેડીની આવે છે તો તેને એક સિચુએશન એટલે કે પરિસ્થિતિ ઊભી કરવી પડે છે ત્યારે દર્શકોને તે હસાવી છે. જોકે, ગોવિંદામાં આવા લક્ષણો બિલકુલ નથી.

વરુણે સલમાન ખાનની સુપરહિટ કોમેડી ફિલ્મની રિમેક ‘જુડવા’માં પણ પોતાના અભિનયનો જાદુ વિખેર્યો હતો. જૅક્વેલિન અને તાપસી પન્નુ સાથે રોમાન્સ કર્યો હતો. જોકે, આ ફિલ્મનું દિગ્દર્શન ડેવિડ ધવને કર્યું હતું. લાગે છે કે હાલમાં ડેવિડ ધવન પાસે સારી સ્ક્રીપ્ટના ધાંધિયા છે તેથી તેઓ હવે પોતાની નંબર વન સિરીઝની રિમેક બનાવવા જઇ રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે વરુણ ધવન તેનો નંબર વન હીરો સાબિત થઇ શકે છે કે નહીં. જોકે, ફિલ્મની હીરોઇન કોણ હશે એ અંગે તો કોઇ વાતની જાણ થઇ નથી. હાલમાં તો વરુણ કરણ જોહરની ખર્ચાળ ફિલ્મોમાંની એક ‘કલંક’ના શૂટિંગમાં વ્યસ્ત છે, તેમાં આલિયા ભટ્ટ, માધુરી દિક્ષિત, સોનાક્ષી સિંહા, આદિત્ય રૉય કપૂર અને સંજય દત્ત જેવા કલાકારોનો સમાવેશ થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

010185R
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com