25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પોલીસ કૉન્સ્ટેબલ પહેલાં એક માતા

પ્રાસંગિક-મૌસમી પટેલનવા વર્ષની શરૂઆતમાં જ હૈદરાબાદની એક મહિલા કૉન્સ્ટેબલ નામે પ્રિયંકા ન્યૂઝ ચેનલ્સ અને સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગઈ અને બને પણ કેમ નહીં? તેણે કામ જ એવું કર્યું હતું કે લોકોએ તેની નોંધ લેવી જ પડે અને નોંધ લેવી પડે એટલું જ નહીં, પણ તેણે કરેલાં કામને સૅલ્યુટ પણ કરવી પડે બૉસ!

ઘટના છે હૈદરાબાદના બેગમપેટ વિસ્તારમાં આવેલા અફઝલગંજ પોલીસ સ્ટેશનની. અહીં નજીકમાં આવેલી ઉસ્માનિયા હૉસ્પિટલની બહાર ઉભેલા ઈરફાન નામના એક પુરુષને એક મહિલાએ પોતાનું બે મહિનાનું નવજાત શિશુ એવું કહીને સોંપ્યું કે તે થોડાક સમયમાં આવીને બાળકને લઈ જશે, પણ ત્યાર બાદ એ મહિલા પાછી આવી જ નહીં. લાંબા સમય સુધી મહિલાની રાહ જોયા બાદ આખરે રડી રહેલાં બાળકને દૂધ પીવડાવાની કોશિશ કરી પણ તેમાં તેને સફળતા મળી નહીં. આખરે ઈરફાને પોતાના સગા-સંબંધીઓને ફોન કર્યા અને દરેક જણે તેને બાળકને પોલીસને સોંપી દેવાની સલાહ જ આપી અને એ અનુસાર ઈરફાન બાળકને લઈને અફઝલગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો. જ્યાં તેની મુલાકાત કૉન્સ્ટેબલ એમ. રવિન્દર સાથે થઈ. રવિન્દર પણ આખી ઘટના જાણીને અવઢવમાં પડી ગયા પણ આખરે તેમણે તેમની પત્ની પ્રિયંકા (અને હા આપણી સ્ટોરીનું સેન્ટર ઓફ અટ્રેક્શન) કે જે ખુદ એક પોલીસ કૉન્સ્ટેબલ છે અને હાલમાં મેટરનિટી લીવ પર છે તેને આખી વાત જણાવી.

પ્રિયંકા પણ છે તો એક મા જ ને એ પણ હાલમાં જ નવી નવી બનેલી માતા. એક નિર્દોષ બાળકનું રૂદન અને ભૂખ કઈ રીતે સહન કરી શકે, તેણે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવીને એ અજાણી મહિલાના બે મહિનાના બાળકને સ્તનપાન કરાવ્યું અને આશ્ર્ચર્ય વચ્ચે એ બાળક એકદમ ચૂપ થઈ ગયું. બધી સરકારી પ્રક્રિયા પૂરી કર્યા બાદ પ્રિયંકા અને રવિન્દરે એક સરકારી હૉસ્પિટલને બાળકને સોંપી દીધું. બીજી બાજુ પોલીસે પણ બાળકની માતાની શોધખોળ શરૂ કરી દીધી અને તેમાં તેમને સફળતા પણ મળી.

બાળકને ઈરફાન પાસે છોડી જનારી મહિલાનું નામ શબાના હતું અને તે કચરો વીણવાનું કામ કરે છે. નશામાં હોવાને કારણે તેણે આ રીતે બાળકને અજાણી વ્યક્તિ પાસે છોડી દીધું હતું પણ બાદમાં હોશમાં આવતા તેણે બાળકને શોધવાનું શરૂ કર્યું અને આખરે એક માતા અને વિખૂટા પડી ગયેલાં બાળકનુ મિલન થયું ખરું.

સોશિયલ મીડિયા પર પ્રિયંકાને તેણે દાખવેલી હિંમત બદલ બિરદાવવામાં આવી ત્યારે તેણે કહ્યું કે મેં કંઈ જ અલગ કે કોઈ મોટું કામ કર્યું નથી. એક માતા તરીકે હું કોઈ બીજી મહિલાના બાળકને ભૂખથી રડતું કઈ રીતે જોઈ શકું? બસ એવું જ વિચારીને મેં એ બે મહિનાના બાળકને ધવડાવવાનો નિર્ણય લીધો અને આ મેં કોઈ પણ પબ્લિસિટી કે પ્રશંસા માટે નહીં પણ એક માતા તરીકેની મારી ફરજ સમજીને કર્યું છે.

કેટલી સીધી અને સ્પષ્ટ રીતે સચોટ વાત કરી પ્રિયંકાએ. એક મહિલા પહેલાં એક માતા હોય છે પછી બીજું બધું. આખી ઘટનામાં મહિલાનાં જ બે એકદમ અલગ અલગ રૂપ નજરે પડે છે, પણ દુનિયાની દરેક માતાનું હૃદય તો એક જેવું જ હોય છે એવું આ ઘટનાને જોઈને લાગે છે. નશાની હાલતમાં એક મહિલાએ બાળકને તરછોડી દીધું પણ હોશ આવતા એક માતા એ પોતાના બાળકને શોધવા માટે હાંફળીફાંફળી થઈ ગઈ, પણ જ્યારે કોઈ અજાણી મહિલાના બાળકને છાતીએ વળગાડીને ધવડાવવાની હિંમત તો એક માતા જ કરી શકે. ખૅર પ્રિયંકા અને તેના પતિ એમ. રવિન્દરે દાખવેલી માનવતા અને નિષ્ઠા બદલ પુરસ્કાર આપવામાં આવ્યો. હાલમાં જ થોડાક સમય પહેલાં ઝાંસીની એક મહિલા પોલીસ કૉન્સ્ટેબલ અર્ચના જયંત તેની છ મહિનાની દીકરીને લઈને ફરજ બજાવી રહી હતી, એવો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો અને તેની નોંધ લઈને યુપી પોલીસના ડીજીપીએ ખુદ અર્ચનાની પોસ્ટિંગ તેના પિયરના શહેર નજીક કરાવી દીધી હતી, જેથી અર્ચના પહેલાં એક માતા તરીકેની ફરજ અને ત્યારબાદ એક પોલીસ તરીકેની એમ બંને ફરજને પૂરી નિષ્ઠા સાથે નિભાવી શકે.

એક મહિલા તેના આખા જીવન દરમિયાન કંઈ કેટલાય પાત્રો, સંબંધો નિભાવતી હોય છે. સૌથી પહેલાં એક દીકરી, પછી એક બહેન, એક સારી પત્ની અને ત્યાર બાદ એક સારી માતા અને આખરે એક સારી દાદી અને એ દરેક સંબંધને નિભાવવા માટે તે દિલોજાનથી મહેનત કરે છે, બીજા શબ્દોમાં કહીએ તો તે તેની સાથે જોડાયેલા દરેક સંબંધોને લોહીથી સીંચે છે અને તેમાં પણ વાત જ્યારે માતા તરીકેના સંબંધોની હોય ત્યારે તો મહિલાને માતૃત્વની લાગણી સિવાય બીજું કશું જ દેખાતું નથી.

એક માતાના હૃદયની વાત એક માતા જ સારી રીતે સમજી શકે છે અને એટલે જ ઘણી વખત જ્યારે દીકરી કંઈક ખોટું કે અયોગ્ય વર્તન કરી બેસે એટલે તેની માતા તેને એક જ વાક્ય કહેશે કે ‘જ્યારે તું માતા બનીશને ત્યારે તને સમજાશે’ અને થાય છે પણ એવું જ હં. જ્યારે આપણા સંતાનો આપણી વાત ના માને ત્યારે માતાએ કહેલું એ વાક્ય દરેક પુત્રીના મનમાં વીજળીની જેમ ફ્લેશ થઈ જાય છે. એક સ્ત્રી એ પહેલાં એક માતા હોય છે અને પછી તે એક પોલીસ ઓફિસર, એન્જિનિયર, ડૉક્ટર કે બિઝનેસવુમેન હોય છે.

આવી જ એક ઘટના બેંગ્લોરમાં છઠ્ઠી જૂન, ૨૦૧૮ના જોવા મળી હતી, જ્યાં માતા-પિતાએ તાજા જ જન્મેલા નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં નાખીને કચરાપેટીમાં ફેંકી દીધું હતું. સદ્ભાગ્યે આખી ઘટના બેંગ્લોર પોલીસના ધ્યાનમાં આવતા તેઓ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા અને કર્ણાટકના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીના નામ પરથી બાળકનું નામ પણ કુમારસ્વામી રાખવામાં આવ્યું અને એ વખતે પણ એક મહિલા કૉન્સ્ટેબલ અર્ચના કે જે પહેલાં એક માતા હતી તેણે નવજાત શિશુને સ્તનપાન કરાવ્યું હતું એ વખતે પણ અર્ચનાના આ પગલાની લોકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

એક માતા ક્યારેય કોઈ બાળને રડતું કે મુશ્કેલીમાં મુકાયેલું જોઈ જ ના શકે. ઘણા બાળકો જો એક સાથે ગાર્ડનમાં રમતાં હશે અને કોઈ બાળકને જો જરા સરખી ઠોકર પણ વાગેને એટલે સ્ત્રીની અંદર રહેલું માતાનું હૃદય તેને ઝીલી લેવા માટે દોટ મૂકશે જ, પછી ભલેને એ કોઈ બીજાનું બાળક હોય! માતાનું હૃદય અને મન એટલા નમ્ર, કોમળ અને પ્રેમાળ હોય છે કે ‘મા તે મા બીજા બધા વગડાના વા’ એ કહેવત અનુસાર બાળક તેનું થાય કે ના થાય તે તેને હંમેશા આંખનો તારો ગણે છે અને એટલા લાડ લડાવે છે કે બાળકો તેના માથે ચડી તો પણ તેને તો તેમાં પ્રેમ જ દેખાય છે. માતા માટે આખી દુનિયા એક બાજું એ પોતાના બાળકો એક બાજું એવું હોય છે. પુત્ર કપુત્ર થાય પણ માવતર ક્યારેય કમાવતર ના થાય એ અનુસાર માતા અને બાળક વચ્ચે ભગવાન અને ભક્ત જેવો સંબંધ હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1E8r46
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com