31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરાણે કરેલા લગ્નમાં બાળકને જન્મ આપવાનો અવસર ખરો?

કેતકી જાનીપરાણે કરેલા લગ્નમાં બાળકને જન્મ

આપવાનો અવસર ખરો?

સવાલ: હું ત્રીસ વર્ષની યુવતી છું. લગ્નને પાંચ વર્ષ થયા છે. મારો પ્રોબ્લેમ એ છે કે મારા પતિ મારી સાથે લગ્ન કરવા નહોતા માગતા પણ બે કુટુંબોના સંબંધ, તેમના મા-બાપની સમજાવટ વગેરેના દબાણમાં લગ્ન કર્યાં છે. જો કે આ વાત મેં લગ્ન બાદ જાણી છે અને જાણ્યા બાદ સતત લાગે છે કે તેમના વર્તનમાં મારા માટે ઉષ્મા નથી. નિભાવવા ખાતર સંબંધ નિભાવે છે કદાચ તે. આમ તો કંઈ દેખાતું દુ:ખ નથી એટલે હમણાં ઘરમાં, મારા પિયરમાં પણ બધા બાળક માટે પૃચ્છા કરે છે. પિયરમાં આડકતરી રીતે વાત કરી તો તેઓ પણ કહે છે કે બાળક થવા દે, બધું ઠીક થઈ જશે. ઘરના દબાણને લીધે પતિ પણ આજકાલ મારી વધુ સંભાળ રાખી સંતાન માટે ઈચ્છુક છે પણ હું માનસિક ઉલઝનમાં અટવાઈ છું. ખરેખર ઠીક થઈ જશે. બધું બાળક આવ્યા બાદ કે વધુ ઉલઝન પેદા થશે?

----------------------

જવાબ

ભારતીય સમાજમાં ઠેર ઠેર જોવા મળતી પરિસ્થિતિ હમણાં તમારી સામે છે, બહેન. ક્યારેક ઈજ્જત ખાતર, સંબંધ ખાતર, વટ ખાતર, કોઈને બતાવી દેવા ખાતર આજે પણ આપણે ત્યાં જબરદસ્તી મનમેળ વગરના લગ્નો થાય છે. જે કદાચ જ્યારથી લગ્નપ્રથા અસ્તિત્વમાં આવી તે જેટલી જૂની હકીકત છે. કાળાનુક્રમે આપણે સંબંધના ઉપયોગની કળામાં પ્રવીણ થઈ ગયા છીએ. નિર્જીવ વસ્તુઓનો મનફાવે તેમ ઉપયોગ કરતાં આપણે જીવંત સંબંધોનો મનફાવે તેમ ઉપયોગ કરતાં થઈ ગયા તેની સૂઝ હજી આપણા સમાજમાં નથી પ્રસરી. લોકોને બતાવી આપવાની લ્હાયમાં પુત્ર-પુત્રીઓને મનમેળ વગર જોડી દેતાં લાખો માતા-પિતાઓ ક્યારે સમજશે કે તેઓ ખોટાં છે. ખેર, આપણે તમારી વાત કરીએ. સૌપ્રથમ તમારે જે વિચાર કરવાનો છે, તે એ કે તમારે બાળક જોઈએ છે? તમારું મન શું કહે છે? જો તમારી પ્રબળ ઈચ્છા હોય તો પછી એ વિચારો કે તમે તમારા સંતાનનો ઉછેર તમારી આ માનસિક સ્થિતિમાં સારી રીતે કરી શકશો? બાળજન્મ બહુ મોટી જવાબદારી છે. માત્ર જન્મ આપવાથી વાત ખતમ નથી થતી. તેનું યોગ્ય પાલનપોષણ, તેની સુરક્ષા અને એક વ્યક્તિ તરીકે યોગ્ય ઉછેર બહુ મોટી વાત છે. પિયર - સાસરાના લોકો ભલે કહે કે, બાળક આવશે એટલે બધુ ઠીક થઈ જશે. આજેય બાળકનાં જન્મ સુધ્ધાં થયા વગર તેનો હથિયાર તરીકે ઉપયોગ નક્કી કરી લેવાતો હોય છે તેનું આ ઉદાહરણ છે. હું તો માનું છું કે સંતાન જન્મ થશે એટલે દંપતી વચ્ચે બધુ ઠીક થઈ જશે બોલી પુરુષને ખીલે બાંધવા માટે બાળજન્મ આપવા જેવું મહાન પાપ કોઈ નથી. તમે તમારી પરિસ્થિતિ મારા કરતાં સારી રીતે સમજો છો તેથી તમારું મંતવ્ય મારા કરતાં અલગ હોઈ શકે અને એક સ્ત્રી તરીકે હું તમારા કોઈ પણ નિર્ણયને તમારા માટે યોગ્ય ગણીશ. અંતે તો આ તમારી જિંદગી છે અને તેનો જંગ કેમ જીતવો? કયા હથિયારથી જીતવો તે તમારે જ નક્કી કરવાનું છે. એક વિચાર એ પણ કરજો કે ‘પછી બધું ઠીક થઈ જાય કે જશે’ આ ધારણા કદાચ ખોટી પડે તો? તો તમે તમારા બાળકને યોગ્ય વાતાવરણ/ ઉછેર કેવી રીતે આપશો? તે માટે તમારે પહેલાથી જ વિચાર કરી લેવાનો કે, હા હું મારા આવનારા બાળક માટે, તેને સારી વ્યક્તિ બનાવવા માટે જે તે કરીશ જેથી તેની ઉપર અન્યાયનો પડછાયો પણ ના પડે. તમારા માટે આ નિર્ણય લેવો કપરો જ છે, તે હું જાણું છું. છતાં તમે તમારા પતિ સાથે એકવાર ખુલ્લા મને વાત કરો તો? તેમને હજુ ખરેખર રસ છે તમારામાં કે પછી ઘરનાં દબાણવશ જ તેઓ જોડાયેલા છે? તેમના જવાબથી તમને ઘણી મદદ મળશે. યોગ્ય નિર્ણય લેવામાં તમારા પતિ જો તમારી સમક્ષ મનમોકળાશથી કહે કે, હવે આજીવન મારી મરજીથી આપણે એકમેકના રહીશું, તો તમારા માટે કોઈ જ ઉલઝન નથી ને? તમને સાનુકૂળ પરિસ્થિતિઓ મળે તેવી શુભેચ્છા.

----------------------------

જીવનના ચક્રવ્યૂહને દરેક

નારીએ ભેદવું પડે છે

સવાલ: હું ૪૫ વર્ષની પરિણીત સ્ત્રી છું. આમ બધું સુખ છે, પણ મન ખોલી વાત કરી શકાય તેવું જાણે કોઈ નથી. આસપાસ પતિ પ્રેક્ટિકલ છે, માત્ર હું નહિ આખું કુટુંબ સમાન માને છે તેઓ. પિયરમાં માતા હવે વૃદ્ધ થયા છે, તેમને કંઈ વાત કરવા ટ્રાય કરું કે તરત કહે કે બધાના જીવનમાં ચાલ્યા કરે કંઈ ને કંઈ, મગજમાં ના લેવું બધું. બાળકો મને ના જ સમજી શકે સ્વાભાવિક છે. ભાભીના આવ્યા બાદ ભાઈ પણ અજાણતા જ દૂર થઈ ગયો, જેની મને કે તેને ખબર પણ ના પડી. ખાસ મિત્રો નથી જેની આગળ મનમોકળું થાય. ક્યારેક લાગે કે શું મતલબ આ જીવનનો? સાસુ-સસરા - જેઠ - જેઠાણી - દિયર - દેરાણી - નણંદ - નણદોઈથીભર્યા સરોવર સમ સાસરામાં હું એકલી અટૂલી છતાં બધાથી જોડાયેલી. જે છે તે બધા જ સાચા વ્યક્ત નથી થતાં હું પણ જાણે આવરણ ઓઢી જીવે રાખું છું, પણ અંદરથી જીરવાતું નથી આ બધું, શું કરું?

-------------------------

જવાબ

પ્રિય બહેન, આગળ એકાદ વાર મેં કહ્યું છે કે દરેકેદરેક જીવન એક યુદ્ધ છે. દરેક દિવસ ચક્રવ્યૂહ મંડાયેલું હોય છે બધા સામે. તેને કેમ ભેદવું? તે જે-તે જીવનારની આવડત, વ્યવહાર કુશળતા, સમજદારી ઉપર નિર્ભર છે. તમે હાલ જે અનુભવી રહ્યા છો, તે કદાચ ભારતની ઘણી બધી સ્ત્રીઓ જીવનના કોઈ તબક્કે તો અનુભવતી જ હશે તેવું મારું અનુમાન છે. પણ જો કે જે સંવેદનશીલ હોય તેવી વ્યક્તિ જ આવા વિચાર કરે છે. તમે ખૂબ સંવેદનશીલ છો, માટે તમારો આત્મા આવા વિચારો કરી જીવનની પરિપૂર્ણતા માટે, આંતર મનની વાતો ઉલેચવા કોઈ માધ્યમ શોધી રહ્યું છે. સૌથી પહેલા બધું જ ભૂલીને એક નોટ-પેન લઈ લો હાથમાં. રોજ દિવસમાં જ્યારે સમય મળે તમારા મનમાં ચાલતી દરેકેદરેક મથામણ ઉતારવા માંડો નોટમાં જે પણ આડાઅવળા વિચારો આવે તેને કંઈ જ આગળપાછળ વિચાર્યા (કે કેવું લાગશે કોઈ વાંચશે તો? આમ કરવાથી શું ફેર પડશે?) વિના શબ્દદેહ આપવા માંડો. સાચે જ તમને માનસિક રાહત મળશે તેની ખાતરી આપું છું તમને ભલે લાગે કે મિત્રો, પતિ, માતા, ભાઈ-બહેન, સંબંધીઓ કે સંતાનો આગળ જ તમે વ્યક્ત નથી થઈ શકતા તો લખીને બધું વ્યક્ત થવાથી શું વળવાનું છે? પણ તમે જેમજેમ મનની ગડમથલ લખતા જશો તેમ આંતરમનનું દ્વંદ્વ ક્રમશ: ઓછું થશે તે નિશ્ર્ચિત છે. તમે જો વિવિધ સોશિયલ સાઈટસમાં એક્ટિવ હોય તો ફેસબુક, ટ્વિટર, બ્લોગ વગેરે દ્વારા પણ વિચારો વ્યક્ત કરી શકો જો ઘણા લોકો સુધી પહોંચવા માગતા હોય તો. પણ આ માધ્યમોનાં જે ભયસ્થાનો છે તે ધ્યાનમાં રાખી સાવચેત રહી આગળ વધજો. નહીં તો બકરું કાઢતા ઊંટ પેસવા જેવો વેશ થશે. તમે માનસિક પરિતાપ ઓછો કરવા યોગ - પ્રાણાયામ, વિવિધ કસરતો, આહારવિહારની યોગ્ય પદ્ધતિનો પણ રોજિંદા જીવનમાં સમાવેશ કરો. પ્રાણીઓ ઉત્તમ સ્ટ્રેસ નિવારક મનાય છે. ઘરમાં પાળો, એ શક્ય ના હોય તો ઘરબહાર રહેતા પ્રાણીઓને મદદ કરો. તમે સામાજિક ઉત્થાન માટે કાર્યરત સંસ્થામાં પણ જોડાઈ શકો, જો સમય મળે તો. તમે વ્યસ્ત રહેશો તો તમને દુનિયામાં લોકો સામે કેટલી મુશ્કેલીઓ છે, તેનાથી વાકેફ થશો. તમારું દુ:ખ તમને ઓટોમેટિકલી ઓછું લાગવા માંડશે. તમને માનસિક સંતાપથી મુક્તિ મળે તે માટે ગીત - સંગીત - નૃત્ય - ચિત્ર જેવી કોઈ કળામાં રસ હોય તો તેનું શરણું પણ ચોક્કસ લેવાય. તમને મળતાં સમય અનુસાર તમારા માટે યોગ્ય હોય તે ઉપાય અજમાવી તમે તમારી માનસિકતાનું સંયોજન કરી ખુશ રહો, તેવી શુભેચ્છા.

-----------------

સવાલ આ ઈ-મેઇલ પર મોકલી આપો

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

q42348s
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com