14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હૈયાને દરબાર વાગે કોઈ સિતાર

હૈયાને દરબાર-નંદિની ત્રિવેદીનવા વર્ષની એક નવલી સવારે ઠંડી જાણે આકાશમાંથી સીધી ઊતરી આવીને ધ્રુજાવી રહી છે. વિદેશની ધરતી પર આપણી ભાષા, આપણી સંસ્કૃતિ અને આપણાં સ્વજનોનું સ્મરણ જ દેશ સાથે જોડાયેલા હોવાની લાગણી આપે છે. કડકડતી ઠંડી હૈયાની હૂંફને વૈભવથી ભરી દેતી હોય છે. ઊગતા સૂરજનાં કિરણો કરોડો કિલોમીટરની મજલ કાપીને ઈજિપ્તના કૈરો શહેરને અજવાળી રહ્યાં છે. વિશ્ર્વની અજાયબીઓમાંના ગિઝાના મહાન પિરામિડ જોયાં પછી પ્રલંબ નદી નાઇલને કિનારે ટહેલતાં સૂરજના હૂંફાળા તડકા સાથે હૈયાની હૂંફ આપતું એક સર્વાંગ સુંદર ગીત યાદ આવે છે, હૈયાને દરબાર વાગે વણથંભી કોઈ સિતાર...! પ્રિયજન પ્રત્યક્ષ હોય કે એનું સ્મરણ તરબતર કરતું હોય ત્યારે ભીતરનાં સ્પંદનો મનુષ્યમાત્રને ભીંજવી જાય છે. પ્રતીક્ષા એ આંખની તરસનું બીજું નામ છે. દેહ ઈજિપ્તમાં છે પણ દિલ સદૈવ હિન્દુસ્તાની. દિલમાં બજતી સિતારના સૂરોનો મધુર ગુંજારવ ગુંજી રહ્યો છે. એટલે જ ગુજરાતી ગીતો અને સાથે શાસ્ત્રીય સંગીતના કોઇ પણ ચાહકના હૈયાના દરબારમાં રાજ કરે એવું અદ્ભુત ગીત આજે તમને સંભળાવવું છે. ગીત હજુ વાંચવાનું શરૂ કરો ત્યાં તો પૂરું થઈ જાય એવું નાનકડું છે પણ સાંભળવાનું શરૂ કરો તો ફરી ફરી સાંભળવાની એક વણથંભી ઇચ્છા જરૂર જાગે એવું આ ગીત એટલે જાણીતા કવિ ભાસ્કર વોરાની અવિસ્મરણીય રચના હૈયાને દરબાર, વણથંભી વાગે કોઈ સિતાર...! શબ્દ અને સૂરની સાથે આ ગીતમાં જેમણે કંઠ આપ્યો છે, એ પણ બીજું કોઈ નહીં, સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર છે. લાજવાબ સ્વરાંકન પુરૂષોત્તમ ઉપાધ્યાયનું. આ કોલમ શરૂ કરી ત્યારે કોલમને નામ શું આપવું એ વિશે કોઈ જ દ્વિધા નહોતી. આપણી માતૃભાષાનાં ખૂબ સુંદર ગીતો જેમને હૈયે વસેલાં છે એ ગીતો વિશે વાત કરતી કોલમનું નામ ‘હૈયાને દરબાર’ જ હોય ને! દરબાર એ વૈભવનું પ્રતીક છે. સમૂહ, સામર્થ્ય અને સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આપણી ભાષાના ગૌરવ સમાન ઉત્તમ કવિઓ, અજોડ સ્વરકારો અને અપ્રતિમ ગુજરાતી કલાકારોએ ગાયેલાં સુમધુર ગીતો ’હૈયાને દરબાર’ અંતર્ગત પ્રસ્તુત કરવાનું નક્કી કર્યું. મુંબઈ સમાચારના તંત્રીનો સહકાર અને વાચકોની સરાહના અને ઉત્સુકતાને પરિણામે મારી સંશોધન પ્રવૃત્તિ પણ વિકસતી રહી અને એક એકથી ચડિયાતા ગીતોની કથા આકાર પામતી ગઈ. ચાળીસથી વધુ ગીતોની કથા બાદ નવા વર્ષે આ કોલમને જે ગીતની શીર્ષક પંક્તિનો લાભ મળ્યો છે એ કવિ ભાસ્કર વોરાની સુંદર રચના વિશે વાત કરીને નવા વર્ષનો પ્રારંભ કરવો છે. સૌથી વધુ ગમતાં દસ ગુજરાતી ગીતોની યાદીમાં હકપૂર્વક બેસી શકે એવું આ ગીત મને એટલા માટે પણ પ્રિય છે કે આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે અંગતપણે આ ગીત શીખવાનો મોકો મને મળ્યો હતો. ગીતની બારીકીઓ, મૂરકીઓ અને સ્વરના ઉતાર-ચડાવ સાથેનું આ ગીત શીખવા માટે થોડું અઘરું છે પરંતુ સાંભળવામાં અત્યંત કર્ણપ્રિય છે. પુરુષોત્તમભાઈ આ ગીતનાં સંદર્ભે કહે છે કે, "હ્યુજીસ રોડ પરના એક મકાનમાં અમેરિકામાં વસતું સંગીતપ્રેમી યુગલ મનુભાઈ રાવલ અને ચંદાબેન રાવલ આવતું ત્યારે ચંદાબહેન મારી પાસે સંગીત શીખવા આવતા હતા. એમના હાથમાં ભાસ્કર વોરાની આ રચના આવી હતી અને એમણે મને કહ્યું કે પુરુષોત્તમભાઈ, આ એક સુંદર કાવ્ય છે, તમે સ્વરબદ્ધ કરો. શબ્દો સરસ હતા એટલે એકાદ અઠવાડિયામાં મેં એને સ્વરબદ્ધ કરી સૌથી પહેલું ચંદાબહેનને સંભળાવ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયાં હતાં. એક વખત ઉસ્તાદ સલામતઅલી ખાન અને નજાકતઅલી ખાનસાહેબ કાર્યક્રમ માટે મુંબઈ આવ્યા હતા. પાકિસ્તાન પાછાં જતાં પહેલાં એમણે ખય્યામ સા’બ, એમનાં પત્ની જગજિત કૌર અને લતા દીદીને એમની સાથે જમવાનું નિમંત્રણ આપ્યું હતું. સલામતજી-નજાકતજીને હું ગુરુ માનું એટલે હું પણ ત્યાં હાજર. ડિનર પછી બધાએ નક્કી કર્યું કે દરેકે એક એક ગીત ગાવું. સલામતજીએ કહ્યું કે આ છોકરો સરસ ગાય છે. આ બધા મહારથીઓ સામે હું તો સાવ નાનો હતો છતાં મે તાજું કરેલું સ્વરાંકન હૈયાને દરબાર સંભળાવ્યું. સૌને ખૂબ પસંદ આવ્યું. પછી તો લતાદીદીએ ઉસ્તાદ સલામત અલી ખાન સાહેબ દ્વારા મને એમના ઘરે આવવા નિમંત્રણ આપ્યું અને કહ્યું કે તારા કમ્પોઝિશન મને સંભળાવ. ત્યારે ફરીથી મેં એમને હૈયાને દરબાર સંભળાવ્યું હતું અને તેમણે મને જે કહ્યું હું એ હું કદી ભૂલી ન શકું. લતાજીએ મને કહ્યું, "તુમ્હે માલૂમ હૈ કિ તુમ કિતના સુર મેં ગાતે હો? યે ગાના બહુત લાજવાબ હૈ. મારા માટે આનાથી વધારે મોટો સરપાવ બીજો શું હોઈ શકે? પછી તો આ ગીત મેં ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા અજિત મર્ચન્ટ, નિનુ મઝુમદારને સંભળાવ્યું. બન્નેની પ્રશંસા બાદ લતાજી મારાં ગીત ગાય એવી ઇચ્છા મેં એમની સમક્ષ પ્રદર્શિત કરી. ખૂબ અઘરું કામ હતું છતાં અજિતભાઈએ લતાદીદીને કોન્ટ્રેક્ટ લેટર મોકલ્યો અને રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી.

ગુજરાતી ભાષાનું સૌપ્રથમ ગીત લતાજીએ મારા સ્વરાંકનમાં ગાયું એ મારા માટે જેવી તેવી સિદ્ધિ ન હતી. અલબત્ત, મારૂં સૌથી પહેલું ગીત એમણે હવે સખી નહિ બોલું અને માઝમ રાતે નીતરતી નભની ચાદની રેકોર્ડ કર્યું હતું. એ પછી હૈયાને દરબાર ગીત આકાશવાણી પર રેકોર્ડ થયું. આજ દિન સુધી આ ગીત ખૂબ લોકપ્રિય થયું છે અને એ પછી તો બીજા ઘણા કલાકારોએ ખૂબ સરસ રીતે ગાયું છે.

આ ગીતની અરેન્જમેન્ટ પણ વિશિષ્ટ છે. યુવા કલાકાર ઐશ્ર્વર્યા મજમુદારે તો વિશેષ બહેલાવીને રાગદારી સાથે આ ગીત પ્રસ્તુત કર્યું છે. રાગ માલગૂંજી પર આધારિત આ ગીતમાં પ્રેમની પરાકાષ્ઠા છે. રાગ માલગૂંજી એ રાગ બાગેશ્રી અને રાગ રાગેશ્રીનું સંયોજન ગણાય છે. બાગેશ્રી વિરહનો રાગ જ્યારે રાગેશ્રી મિલનની ભાવના પ્રગટ કરે છે. માલગૂંજીમાં અહીં પ્રણયની વાત ઉજાગર થઈ છે. પ્રિયતમનું મિલન હૈયાના દરબારમાં રંગત જમાવી રહ્યું છે એ વાત શબ્દ અને સૂર દ્વારા સુંદર રીતે પ્રગટી છે. આ ગીત, ગીત કવિ અને એ સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો હજુ બાકી છે. આવતા ગુરુવાર સુધી રાહ જોવી પડશે. ત્યાં સુધીમાં અમે ઈજિપ્તથી ઈન્ડિયા આવીને ગીતની વધુ ઈન્ટરેસ્ટિંગ વાતો જણાવીશું. સૌનૈ નવા વર્ષની સંગીતમય શુભકામનાઓ.

------------------------હૈયાને દરબાર

વણથંભી વાગે કોઇ સિતારકોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?

કોના પહેરી ઝાંઝર કોના હૈયાં આજ ડોલાવે?

અકળિત આશાને પગથાર

વણથંભી વાગે કોઇ સિતાર...કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?

કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?

પળ પળ પ્રીતિના પલકાર

વણથંભી વાગે કોઇ સિતાર

કવિ : ભાસ્કર વોરા

સંગીતકાર : પુરૂષોત્તમ ઉપાધ્યાય

ગાયિકા : લતા મંગેશકર

----------------------

ક્વિઝ ટાઈમ

ક્રિકેટમાં બેસ્ટ બેટ્સમેનનો ખિતાબ મેળવી ચુકેલા કરાચી સામે મેચ રમી વાઈસરૉય નોર્થ કોર્ટ શિલ્ડ જીતી લાવનાર રાજકોટના જાણીતા કવિનું નામ કહો, જેમનું ગીત લતાજીએ ગાયું છે?

-----------------

ગયા વખતની ક્વિઝનો જવાબ

લોકપ્રિય ગીત ‘પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો’ ગીત ગાનાર અને સ્વરબદ્ધ કરનાર પારસી કલાકાર છે સોલી કાપડિયા.

ક્વિઝમાં ‘મુંબઇ સમાચાર’ના ઘણાં વાચકો ઉત્સાહ અને ઉમળકા સાથે સામેલ થયા હતા. પણ ‘મુંબઇ સમાચાર’એ સંપૂર્ણ સાચો જવાબ આપનારી વ્યક્તિનાં નામ જ પ્રસિદ્ધ કરવાનું નક્કી કર્યું હોવાથી શનિવાર સાંજ સુધી સંપૂર્ણ સાચો જવાબ આપનારા વાચકોનાં નામ આ પ્રમાણે છે. સર્વેને અભિનંદન.

ૄચન્દ્રવદન જે. શેઠ ૄમયંક ત્રિવેદી ૄક્ષમા મહેતા ૄપરેન શેઠ ૄનેહા યાજ્ઞિક ૄમાના વ્યાસ ૄઅરુણકુમાર કાંતિલાલ પરીખ ૄપ્રીતિ શાહ ૄઆરતી શાહ ૄહંસાબેન ઘનશ્યામ ભરૂચા ૄકુણાલ ઘનશ્યામ ભરૂચા ૄકુંતેશ ઘનશ્યામ ભરૂચા ૄજિજ્ઞેશ ઘનશ્યામ ભરૂચા ૄદિલીપ પરીખ ૄદિલીપ રાવલ ૄનુતન વિપીન ૄરુક્ષ્મણી શાહ ૄસોનલ ઠાકર ૄરસિક જુઠાણી - (કેનેડા) ૄરેણુકા ખંડેરીયા ૄઅલ્પા આર. મહેતા

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4h2H3k
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com