19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભીતર એક નટનો જન્મ...

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : જયશંકર ભુદરદાસ ભોજક ‘સુંદરી’

સ્થળ : વિસનગર

સમય : ૨૦૧૮

ઉંમર : ૧૨૯ વર્ષ

(ગયા અંકથી ચાલુ)

આપણે બધા જન્મ સમયે બાળકના ભવિષ્ય માટે કુંડળી કઢાવીએ ને બ્રાહ્મણને કહીએ કે એનું ભવિષ્ય ભાખે... નવાઈની વાત એ છે કે ભાખેલા ભવિષ્યો અને તમામ કુંડળીઓએ એવું ક્યારેય કહ્યું નહોતું કે હું નટ બનીશ, અભિનય કરીશ. જોકે, મારા દાદા ખૂબ સારું ગાતા.

વિસનગરના ભોજકોમાં અમારું ઘર ત્રણ પેઢીથી સામાન્ય સુખી ગણાતું હતું. મારા દાદા ત્રિભુવનદાસે સંગીતની સાધના કરી કીર્તિ વધારી હતી. અમારી જ્ઞાતિમાં, રાજ્યમાં અને ખાસ કરીને જૈનોમાં તેઓ જાણીતા ગવૈયા હતા. બાળપણમાં જોધપુરમાં રહી, ખાંસાહેબ છોટા ફકરૂદ્દીનખાં પાસે રહી એમણે સંગીતની તાલીમ પ્રાપ્ત કરી હતી.

મારા જન્મ વખતે અમારા ઘરનાં આઠ માણસોમાં મારા દાદા ત્રિભુવનદાસ, દાદી પ્રાણીમા, મારાં માતા-પિતા, અમારા ભાણા છોટાલાલ, હું અને મારા મોટાભાઈ મોતીલાલ તેમજ મોટા બહેન મૂળીબહેન હતાં.

ઇ.સ. ૧૮૯૪-૯૫ પછીની શૈશવની ઘણી સવારો દાદાના સુમધુર સંગીતના આલાપ સાંભળવામાં પસાર થતી. દાદા જ્યારે આનંદધનજીનાં પદો ગાતા, ત્યારે ભક્તિના વાતાવરણથી ઘર ભરાઈ જતું. ગીતગોવિંદની અષ્ટપદીઓથી સમગ્ર વાતાવરણ પુલકિત અને પવિત્ર બની જતું. આ વખતે માતા-પિતા પણ કોઈક વાર તાનપુરાનો સાથ આપતા. આ વખતે અમારું ઘર જાણે સંગીતનો અખાડો બની જતું. રોજના આવા અભ્યાસને લઈને ઘરના નાના મોટા સૌના કાન સારા નરસા ગવાતા સંગીતને પારખતા થઈ ગયા હતા.

ઘરમાં સૌથી વધારે વહેમી મારાં મોટી બહેન મૂળીબહેન હતાં. ચકલે મૂકેલા ઉતારને ભૂલથી પણ તેઓ ઓળંગવા દેતાં ન હતાં. ચકલે ઊભા રહી ‘બહેન, ઘરે ચાલો’ આટલું પણ તેઓ બોલવા દેતાં નહીં. આમ સ્વભાવગત રીતે જ ચકલેથી કે સ્મશાન પાસેથી પસાર થતાં ‘ચાલો’ એટલા શબ્દો પણ શેં બોલાય ? એમને ભય હતો કે ચકલાનું ભૂત કે સ્મશાનમાં ભટક્તા મલીન અશરીરી આત્માઓ અમારી વાંસે થાય અને અમને પીડા કરે !

એવી જ રીતે તાવરિયા વખતે ઔષધ સાથે બાધા-આખડી પણ રાખતાં હતાં. બાધામાં નાળિયેર કે ઘીના દીવા કરતાં. આખડીમાં હાથ ઉપર પગની આંટી ભરાવી પાંચ કોળિયા અન્ન લેતાં અને શીતળા-ઓરી વખતે શીતળા માતાનો ચોક ઝારતાં, ચોકનો કચરો માથે ચઢાવતાં અને એની રજ અમારા માથે પણ ભભરાવતાં અને માનતાં કે હવે માતાજી સર્વ કુશળક્ષેમ કરશે.

ઘરના પુરુષો આવી વાતોમાં માથું મારતા ન હતા. સૌને પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વર્તવા દેતા. જોકે માતાની આઠમનો ઉપવાસ અને એવા બીજા ધાર્મિક પ્રસંગોમાં પુરુષો પણ ભાગ લેતા, પણ ભૂતપ્રેતની વાત નીકળે તો એનો સખત વિરોધ કરતા. ભૂવા, ડાકલાં, ધૂણવાના ધતિંગને ધિક્કારતા હતા.

મારા પિતાને કર્મવાદનાં સિદ્ધાંતમાં વિશ્ર્વાસ હતો, આથી તેઓ આવી વહેમભરી વાતોનો હંમેશાં સામનો કરતા અને આસો વદ-૧૪ જેવી કહેવાતી ભૂત-પ્રેતની સાધનાની રાતે એકલા સ્મશાનમાં ઘૂમી આવતા. ત્યાં ઊભા રહી ભૂત-પ્રેતને પોતાના નામે પડકાર આપતા.

હું નાનપણમાં ખૂબ બીકણ હતો. મને કોણ જાણે કેમ, ભૂતપ્રેતનો ડર સવિશેષ લાગતો. મારા પિતા ઘણી વાર મારી પાસે બેસી મને હિંમત આપતા. ભૂત પ્રેત એ માનવમનની એક કલ્પના છે એમ સમજાવતા અને મને હિંમત આપવા પ્રયત્ન કરતા.

મારા મોટા ઘર સામેની ખડકીમાં અમારું નાનું ઘર હતું. તે વખતે શાકભાજી વેચવા માટે સાથે સૂંડલા મૂકી, હલકભર્યા અવાજે બોલતી શાકવાળીઓ પાસેથી જરૂરી શાકભાજી ખરીદતાં ત્યારે કોઈ ખાઉ ચીજ લેવડાવવાની મને ટેવ પડી હતી. દાણાંના બે કે ત્રણ ગણાં જામફળ, બોર, જાંબુ, શેરડી વગેરે બા કે મોટી બહેન પાસે લેવડાવતો. મોટી બહેન ભાગ પાડી અમને વહેંચી આપતાં હતાં, પણ આ વહેંચણીથી મને સંતોષ થતો ન હતો. આથી નાના મોટા કજિયા કરતો. અંતે મોટી બહેનના ભાગમાંથી કંઈક પડાવતો ત્યારે જ મારો કજિયો મટતો.

એક દિવસે પેટ ભરીને બોર ખાવા મોટી બહેનની પેટીમાંથી એક પૈસો ચોર્યો. બજારમાંથી બોર લીધાં અને ખાતાં ખાતાં ઘર સુધી આવતાં ખવાય તેટલા બોર ખાઈ લીધાં, ઘેર આવી મોટી બહેનને કહ્યું, ‘આ બોર મોટાભાઈ અને તમે વહેંચી લેજો.’ આમ બોલી મારાં બંને ખિસ્સાં અને ફાંટમાં હતાં એટલાં બોર બહેનના ખોળામાં ઠાલવ્યાં. એમણે આશ્ર્ચર્યથી પૂછ્યું, ‘આટલા બધાં બોર ક્યાંથી લાવ્યો?’

‘મને બોરવાળીએ આપ્યાં.’ મેં કહ્યું.

‘આટલાં બધાં બોર કોઈ મફતમાં આપે નહીં. સાચું બોલ.’ બહેને કહ્યું.

‘એક પૈસાનાં લીધાં છે.’ મેં કહ્યું.

‘પૈસો ક્યાંથી આવ્યો ?’ બહેને પૂછ્યું.

‘બજારમાંથી જડ્યો.’ મેં કહ્યું.

‘આટલા વહેલા બજારમાં કેમ જવું પડ્યું ? કદી મને તો પૈસો જડ્યો નથી, તને ક્યાંથી જડ્યો ?’ બહેને પૂછ્યું.

આનો જવાબ હું આપી શક્યો નહીં. આથી હું નાસી જાઉં નહિ એટલા માટે મારો હાથ પકડી પેટી પાસે તાણી ગયાં અને પૈસા ગણી જોયાં. એક પૈસો ઓછો જોઈ બોલ્યાં, ‘અરરર ! આવો તું જૂઠા બોલો અને ચોર ! જા, ઘરમાંથી જા. મારે તારું કામ નથી. આવો જૂઠાબોલો છોકરો આ ઘરમાં ન જોઈએ. આને કોઈ બોલાવશો નહીં, એમ બધાને કહી દઉં છું.’ આટલું બોલી મને ખેંચીને ઓટલાની ધાર ઉપર નેવા નીચે બેસાડી આવ્યાં અને ઘરકામમાં વળ્યાં. ધીમે ધીમે મને પશ્ર્ચાત્તાપ થવા લાગ્યો, ચોર-ગુનેગારની પેઠે બહાર બેસી રહેતાં શરમ આવવા લાગી. જો એક વખત પણ બહેન બોલાવે તો આવું ભવિષ્યમાં કદાપિ નહિ કરું એવી કબૂલાત આપવાનો મનોમન નિશ્ર્ચય કર્યો, પણ બોલાવનારનાં પગલાં સંભળાયાં ન હતાં. આથી મારું હૃદય ભરાઈ આવ્યું. હું બહાર બેઠો બેઠો જોઈ શક્યો હતો કે મારાં બાએ હજુ સુધી ખાધું ન હતું. આથી મારાં આંસુ પાંપણો સુધી આવીને અટક્યાં હતાં. એટલામાં વરસાદનું ઝાપટું આવ્યું. નેવાનાં પાણીથી શરીર પલળી ગયું. સૂસવાટાભેર વાતા પવનથી ભીંજાયેલું શરીર ધ્રુજવા લાગ્યું. ત્યારે ફરી પાછું મનમાં થયું કે હવે તો બહેન કે બા આવી ઘરમાં લઈ જશે, પરંતુ હજુ પણ તેઓ મારી સામે જોતાં ન હતાં. આથી મને બહુ ઓછું આવ્યું. બોલ્યા વિના ઘરમાં જવા પગ ઊપડતો ન હતો. આથી પાંપણો સુધી આવેલાં આંસુ ટપકી પડ્યાં અને મેં જોરથી રોવું શરૂ કર્યું. ત્યાં તો મોટી બહેન બહાર દોડી આવ્યાં અને મારા હાથ ઝાલી ઘરમાં આવવા જણાવ્યું. એટલામાં તો દાદા પણ આવી પહોંચ્યા અને મોટી બહેને બધી વાત દાદા સમક્ષ દોહરાવી. દાદાએ ઠપકા ભર્યા અવાજે શાંતિથી સમજાવતાં કહ્યું, ‘તારે જે જોઈએ તે મારી પાસે માગજે, પણ આવું ન થાય, બેટી જાંબુ !’ આમ કહી મને મોટે ઘેર તેડી ગયા. કપડાં બદલાવ્યાં. ખોળામાં બેસાડી સગડીના તાપે તપાડ્યો અને મારા ગાલ ઉપર વહાલથી એમની દાઢી ઘસતા ઘસતા વાર્તા સંભળાવી.

અમારા ઘરમાં કોઈ અંગ્રેજી ભણ્યું ન હતું. વિસનગર મહાલમાં અંગ્રેજી શિક્ષણ ઈ.સ. ૧૮૭૫માં સર સયાજીરાવ ત્રીજા વડોદરા રાજ્યની ગાદીએ આવ્યા ત્યાર પછી દાખલ થયું. તે પહેલાં ગામઠી શાળાઓ હતી. મારા વખતમાં સ્ટેશન પાસે એક અંગ્રેજી શાળા શરૂ થઈ હતી. તેમજ ગુજરાતી ક્ધયા શાળા પણ સ્થપાઈ હતી. આ વખતે મારા એક પિત્રાઈ કાકા તુલસીદાસ અંગ્રેજી ભણતા હતા. વિસનગરમાં રહેતા અમારા પિત્રાઈઓમાં એ જ મેટ્રિક હતા.

એમને જોઈ મારા પિતા પણ અમને ભણાવવા ઈચ્છતા હતા અને યોગ્ય ઉંમરે કાળજીથી નિશાળે મૂક્તા હતા. અમે ત્રણ ભાઈ-બહેનમાં સૌથી મોટાં મૂળી બહેનને ઈ.સ. ૧૮૯૧માં સાતમે વર્ષે સરકારી ક્ધયાશાળામાં મૂક્યાં હતાં. અમારી જ્ઞાતિમાં છોકરીને ભણાવવાની પહેલ મારા પિતાજીએ કરી હતી. મારી બહેન ભણવામાં તેજસ્વી હતાં. દર વર્ષે તેઓ સારા ગુણ પ્રાપ્ત કરી પાસ થતાં અને ઈનામમાં પુસ્તકો, રેશમી કપડું વગેરે મેળવતાં. ગુજરાતી સાતમું ધોરણ પાસ થયા પછી સામાજિક કારણથી એમને ઊઠાડી લીધાં હતાં.

અમારી શાળા ગોવિંદ ચકલાના ચોરા સામે લાંબા પહોળા ડેલામાં બેસતી હતી. ડેલાના મોટા દરવાજાના એક બારણા પાસે મહેતાજી ભણાવવાનાં આયુધો લઈને બેસતા હતા અને બીજા બારણા પાસે થઈને અવર જવરનો માર્ગ હતો. જનાર-આવનાર ઉપર મહેતાજીની પાકી દેખરેખ હતી. ડેલામાં ત્રણ-ચાર હારમાં બેઠેલા પોણોસોથી સો જેટલા વિદ્યાર્થીઓ ઉપર મહેતાજીની ચકોર દૃષ્ટિ ફરી વળતી હતી. આળસુ કે અભ્યાસ સમયે વાતો કરનાર વિદ્યાર્થી ઉપર એક દડી ફેંકવામાં આવતી. આ દડી એ આવાહન પત્ર મનાતો. દડી લઈ વિદ્યાર્થી મહેતાજી પાસે હાજર થતો ત્યારે સોટી, આંકણી કે સાટકા જેવાં આયુધોમાંથી એક લઈ ગુનાના પ્રમાણમાં શિક્ષા થતી. શિક્ષાના પ્રકારો આવા હતા. અંગૂઠા પકડાવી પીઠ ઉપર આંકણી મૂકવી, ઊઠ-બેસ કરાવવી, બે હાથ બાંધી ગળાની પાછળ લઈ જઈ વચ્ચે પાટી ભરાવવી... વગેરે. શિક્ષાના આવા પ્રકારો જોઈ હું હેબતાઈ ગયો હતો. મહેતાજી શિસ્તના આગ્રહી અને કડક હોવા છતાં વિદ્યાર્થીના શુભેચ્છક હતા. એમનો વિદ્યાર્થી વિદ્યાપાર્જનમાં આગળ વધતો ત્યારે હર્ષ પામતા. કોઈ પદવી મેળવે ત્યારે ગૌરવ લેતા હતા. મોટા થયા પછી મને આ બધું સમજાયું હતું, પરંતુ તે વખતે મારનો પ્રયોગ મારા પૂરતો નિષ્ફળ ગયો હતો એમ એ વખતે અને આજે પણ લાગે છે.

નિશાળ મને કેદખાના જેવી લાગતી હતી. ઘેરથી નિશાળે જવાનું કહીને હું તળાવને કિનારે મંદિર પાસે બેસી રહેતો. ક્યારેક બાવા થઈ જવાનો વિચાર આવતો તો ક્યારેક પનિહારીઓને જોઈને એમની જેમ ચાલવાનો પ્રયત્ન કરતો. રાત્રે નાટક ભજવવા માટે જાહેરાત કરવા વિદૂષક ગામમાં ફરતો હોય ત્યારે એની પાછળ રખડતો. રામલીલાના માંડવામાં ઘૂસીને એમની તૈયારી જોતો. ત્યારે જાણતો નહોતો કે આ બધું મારી ભીતર ઉછરી રહેલા એક નટની તાલીમ છે.

અત્યારે યાદ કરું છું ત્યારે લાગે છે કે મારી નવ વર્ષની ઉંમર સુધીમાં મારી ભીતર એક નટ તૈયાર થવા લાગ્યો હતો. બીજી ચોપડીનો અભ્યાસ પૂરો થાય તે પહેલાં તો શાળામાંથી મારો રસ તદ્દન ઊડી ગયો હતો. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

47731n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com